સંભાળીને નહીં કરો તો ત્વચાને ડલ કરી દેશે ડ્રાય-બ્રશિંગ

18 July, 2024 11:30 AM IST  |  Mumbai | Laxmi Vanita

શું છે આ ડ્રાય-બ્રશિંગ? બ્યુટીમાં એના ફાયદા-નુકસાન શું છે?

પ્રતીકાત્મક તસવીર

હૉલીવુડની જાણીતી સેલિબ્રિટીઝ ડ્રાય-બ્રશિંગ મસાજને તેમના માટે ફાયદેમંદ ગણાવે છે. એને કારણે ડ્રાય- બ્રશિંગનો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શું છે આ ડ્રાય-બ્રશિંગ? બ્યુટીમાં એના ફાયદા-નુકસાન શું છે? બધા જ લોકો આ ટ્રેન્ડ ફૉલો કરી શકે કે કેમ એ જાણીએ.

સોશ્યલ મીડિયા પર કોઈ સેલિબ્રિટી જ્યારે પોતાની બ્યુટી રેજીમ કે ટિપ્સ પોસ્ટ કરે તો કાં તો લોકો તેમનાં વખાણ કરે કાં તો તેમની ખોટી જાણકારી બદલ તેમને ટ્રોલ કરે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આયર્ન મૅન ફિલ્મની હિરોઇન ગ્વિનથ પાલ્ટ્રો અને ઑસ્ટ્રેલિયન મૉડલ મિરાન્ડા કરના વિડિયોમાં તેઓ ડ્રાય-બ્રશિંગ મસાજના ફાયદાઓ અને કેવી રીતે એ હીલિંગ ટેક્નિક તરીકે કામ કરે છે અને સુંદરતામાં વધારો કરે છે એની વાત કરી રહી છે. અમુક લોકોને આ બ્યુટી ટિપ બિનહાનિકારક લાગી અને તેઓ એ મસાજ પોતાના પર કરવા પણ લાગ્યા, પરંતુ કેટલાક લોકોએ ડ્રાય-બ્રશિંગના ઘણાબધા ગેરફાયદાઓનું વિસ્તારમાં વર્ણન કરતા વિડિયો પણ પોસ્ટ કર્યા છે.

જે ટ્રેન્ડ અમેરિકામાં ચાલી રહ્યો છે એ ભારતમાં આવશે જ અને આવી ગયો છે. અમુક લોકો આ ટ્રેન્ડ ફૉલો પણ કરવા લાગ્યા છે. આ ટ્રેન્ડ લોકોને ફાયદો કરે તો વાંધો નહીં, પરંતુ નુકસાન ન કરવો જોઈએ. એટલે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ ડ્રાય-બ્રશિંગ છે શું? કોણ કરી શકે અને કોણ ન કરી શકે? હેલ્થ માટે કેટલું ફાયદાકારક છે અને નુકસાનકારક છે? આ બધા સવાલોના જવાબ જાણીએ એક્સપર્ટ પાસેથી.

શું છે આ ડ્રાય-બ્રશિંગ?

બોરીવલી અને ગોરેગામના BAE સ્કિન ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કૃપા અજમેરા મોદી જણાવે છે, ‘સૌથી પહેલાં તો વ્યાખ્યાને સમજીએ. નામ પ્રમાણે એમાં એક બ્રશ છે અને બીજા કોઈ જ પદાર્થનો ઉપયોગ નથી. એટલે ડ્રાય બ્રશ પર કોઈ પણ પ્રકારનું તેલ, લિક્વિડ કે મોઇશ્ચરાઇઝર વગર શરીર પર સર્ક્યુલર મોશનમાં જે મસાજ કરવામાં આવે એને ડ્રાય-બ્રશિંગ કહેવાય છે. આ પ્રકારનો મસાજ કરવા માટે એમાં વાપરવામાં આવતા બ્રશમાં કૃત્રિમ બ્રિસલ (બ્રશના વાળ) ન હોવા જોઈએ. નૅચરલ બ્રિસલવાળું બ્રશ જ તમારે પસંદ કરવું પડે. આ મસાજ કરવાની એક રીત અને સમય છે જેમ કે સવારમાં નહાતાં પહેલાં આખા શરીરમાં હળવા હાથે દસ મિનિટ આ બ્રશ ફેરવવાનું હોય છે જેના કારણે શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન વધે એટલે કે બ્લડને આખા શરીરમાં પ્રૉપર્લી ફ્લો કરવા માટે જવાબદાર લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ ઍક્ટિવેટ થાય. શરીર પર જ્યારે બ્રશ ઘસાય છે એટલે ઘર્ષણની સાથે ઊર્જા ઉત્પન્ન થાય છે. એના કારણે તમારામાં પણ એનર્જી આવે છે. આ મસાજ અઠવાડિયામાં એક જ વખત કરી શકાય. ધ્યાનમાં રાખવા જેવી વાત એ કે ચહેરા પર ડ્રાય બ્રશ ન ફેરવવું, કારણ કે ચહેરાની ત્વચા સંવેદનશીલ હોય છે એટલે બ્રશના સ્ટ્રોક પણ ચહેરાની ત્વચા માટે અસહ્ય છે.’

કોણે કરવું અને કોણે નહીં?

સોશ્યલ મીડિયા પર એવા ઘણા ટ્રેન્ડ વાઇરલ થતા હોય છે જે જોવામાં બહુ સામાન્ય લાગે અને લોકો ફૉલો કરવા માંડે. લોકો એમ પણ વિચારે કે ડ્રાય બ્રશ શરીર પર ફેરવવામાં એવું તો શું નુકસાન થઈ જવાનું? તો એ ગેરમાન્યતા દૂર કરવા કોના માટે આ મસાજ કામ કરે અને કોણે સાવચેતી રાખવી એ જણાવતાં ડૉ. કૃપા કહે છે, ‘જેમની સ્કિન બહુ જ હેલ્ધી છે, શુષ્કતા નથી, કોઈ કટ કે ઇન્ફેક્શન નથી, ત્વચાને લગતા કે અન્ય કોઈ રોગ નથી એ લોકો અઠવાડિયામાં એક વખત આ મસાજ કરી શકે. આ મસાજથી આખા શરીરની મૃત ત્વચા દૂર થાય છે તેમ જ લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ સક્રિય થતાં શરીરમાં જે ટૉક્સિન ભેગાં થયાં હોય એ દૂર થાય છે. જો આની આડઅસરની વાત કરું તો એક ડર્મેટોલૉજિસ્ટ તરીકે હું કોઈને પણ ડ્રાય-બ્રશિંગની સલાહ ન આપું. એવું કહેવું અયોગ્ય છે કે યુવાનોની ત્વચા કે તેમનું શરીર હેલ્ધી જ હોય, કારણ કે આજે બાળકોને અને ૩૦ વર્ષના યુવાનોને પણ ડાયાબિટીઝ હોઈ શકે છે. એ સિવાય ત્વચાના રોગો જેવા કે એક્ઝિમા, સ્પાયરોસિસ કે પછી ત્વચા શુષ્ક હોય તેમણે આ મસાજ ન કરવો જોઈએ. એનું કારણ એ છે કે તમે ગમેએટલાં નરમ કે સૉફ્ટ બ્રિસલવાળું બ્રશ પસંદ કરો, પરંતુ એ ત્વચા પર ઘસવાથી ફ્રિક્શન તો ઊભું થશે જ. ફ્રિક્શન થાય એટલે ત્વચા ઇરિટેટ થાય. એટલે મૅક્યુલર એમલોયડોસિસ જેવી ત્વચાની પરિસ્થિતિ ઊભી થાય. આ એવી કન્ડિશન છે જે ત્વચા પર વધુપડતા ઘર્ષણને કારણે થાય છે અને પિગમન્ટેશનનું કારણ બને છે.  આ પરિસ્થિતિમાં હાથ, પગ કે ગળાથી કમર સુધીના ભાગમાં માઇલ્ડથી ગંભીર પિગમન્ટેશન થાય છે. એટલે કે ત્વચા પર બ્રાઉન કે કાળા રંગના સ્પૉટ કે પૅચિસ થવા લાગે છે. ડ્રાય-બ્રશિંગ તો હમણાં આવ્યું, આપણી જૂની પેઢીના લોકો સ્ટોન કે કાથી કે કાથા (જેનાં પગલુછણિયાં પણ બનાવવામાં આવે છે એ મટીરિયલ) શરીર પર ઘસતા હતા, જે એક પ્રકારે ડ્રાય-બ્રશિંગ જ કહેવાય. એ પેઢી જાણકારી વગર જ આ પદ્ધતિનો ઉપયોગ કરતી હતી અને તમે તમારી આસપાસના લોકોમાંથી કોઈકના હાથ કે પગ પર આવું પિગમન્ટેશન જોયું હશે. જાણકારી કે ત્વચા-નિષ્ણાતની સલાહ વગર આવા અખતરાઓ ટાળવા જોઈએ.’

skin care fashion fashion news life and style columnists