વિન્ટેજ લુકવાળું મૉડર્ન ઘર છે ટ્રેન્ડમાં

25 September, 2024 01:03 PM IST  |  Mumbai | Kajal Rampariya

જેમ ફૅશનમાં જૂની સ્ટાઇલ છાશવારે ફરી પાછી ફૉર્મમાં આવે છે એવું જ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં પણ છે. ઘરની સજાવટમાં મૉડર્ન ટચવાળી વિન્ટેજ થીમની બોલબાલા હંમેશાં રહી છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ જૂની હોમ ડેકોર સ્ટાઇલને નવા ફૉર્મમાં ઘરમાં અપનાવવી હોય તો શું ક

પ્લાસ્ટર ઑફ પૅરિસની મોલ્ડિંગ પટ્ટીથી વિન્ટેજ લુક. ડ્રૉઇંગ રૂમમાં ઝુમ્મરની સજાવટ અને વૉલપેપરથી વિન્ટેજ લુક.

જેમ ફૅશનમાં જૂની સ્ટાઇલ છાશવારે ફરી પાછી ફૉર્મમાં આવે છે એવું જ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં પણ છે. ઘરની સજાવટમાં મૉડર્ન ટચવાળી વિન્ટેજ થીમની બોલબાલા હંમેશાં રહી છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ જૂની હોમ ડેકોર સ્ટાઇલને નવા ફૉર્મમાં ઘરમાં અપનાવવી હોય તો શું કરી શકાય એ

ઇન્ટીરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં વર્ષો પહેલાં આઉટ ઑફ ટ્રેન્ડ થયેલા ડેકોર આઇડિયા ફરી એક વાર ટ્રેન્ડમાં આવ્યા છે એમાં વિન્ટેજ થીમના હોમ ડેકોરનું ચલણ વધી રહ્યું છે. ઓવરઑલ ઘરના લુકને વિન્ટેજ ફીલ આપવાની સાથે એ મૉડર્ન પણ લાગે એવું ફ્યુઝન હવે ઇનથિંગ છે. કેટલીક નાની-નાની બાબતો છે જેના સમાવેશથી ઘરને વિન્ટેજ અને જાજરમાન લુક આપી શકાય છે. ચાલો જાણીએ મૉડર્ન-વિન્ટેજના ફ્યુઝન માટે ઇન્ટીરિયર ડિઝાઇનમાં કઈ નાની-નાની ચીજો કરી શકાય. 

હિમાંશી ગોહિલ ઇન્ટીરિયર ડિઝાઇનર

મોલ્ડિંગ પટ્ટીનું મહત્ત્વ વધ્યું

છેલ્લા કેટલાક સમયથી મૉડર્ન ઇન્ટીન્ટિરિયર તો ટ્રેન્ડમાં છે જ પણ એમાં એવરગ્રીન વિન્ટેજનો ટચ એલિગન્ટ લુક આપે છે એમ જણાવતાં મુલુંડમાં રહેતી ઇન્ટીરિયર ડિઝાઇનર હિમાંશી ગોહિલ કહે છે, ‘અગાઉ ઇન્ટીરિયરમાં લાકડાનું બહુ મહત્ત્વ હતું. આજે પણ છે પરંતુ પહેલાંની સરખામણીમાં ઓછું થઈ ગયું છે, પણ અસ્તિત્વ હજી પણ છે. ઘર વિન્ટેજની સાથે લક્ઝુરિયસ અને રાજામહારાજાઓના સમયનું દેખાય એ માટે લાકડામાં કાર્વિંગ કરીને સીલિંગ, બારી અને દરવાજા પર મોલ્ડિંગ પટ્ટી ઇન્સ્ટૉલ કરે છે, પણ એમાં હવે માર્કેટમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. લાકડામાં કાર્વિંગ કરેલી મોલ્ડિંગ પટ્ટીનું મેઇન્ટેનન્સ બહુ અઘરું હોય છે અને બીજી મહત્ત્વની વાત એ છે કે એને બનાવવામાં ટાઇમ લાગે છે અને કૉસ્ટ્લી પણ હોય છે. જો તમારી પાસે સારું બજેટ હોય અને લક્ઝુરિયસ ઘર બનાવતા હો તો મોલ્ડિંગ પટ્ટીમાં પૉલિયુરેથિન (PU) પેઇન્ટ લગાવી શકાય જે ટ્રાન્સપરન્ટ ગ્લાસ જેવું ફિનિશિંગ આપે છે. વુડની મોલ્ડિંગ પટ્ટી પર આ પેઇન્ટ લગાવવામાં આવે તો એની લાઇફ વધી જાય છે. લાંબા ગાળા સુધી એને મેઇન્ટેનન્સની જરૂર પડતી નથી. મિડલ ક્લાસ ફૅમિલીને જો વિન્ટેજ થીમનું ઇન્ટીરિયર જોઈતું હોય તો તેમને વુડની મોલ્ડિંગ પટ્ટી પરવડી શકે એમ નથી. એને બદલે PVC કે  પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)માં ડિઝાઇન કરેલી મોલ્ડિંગ પટ્ટી બેસાડીને વિન્ટેજ લુક આપી શકાય છે. આ ઑપ્શન એવરગ્રીનની સાથે-સાથે બજેટ-ફ્રેન્ડ્લી અને ટકાઉ પણ છે. હાલમાં સિમ્પલ પટ્ટી ટ્રેન્ડમાં છે. એને વૉલ, સીલિંગ પર અને બારી દરવાજા પર યુઝ કરીને ડેકોર કરી શકાય છે. સિમ્પલ અને એલિગન્ટ ડેકોર ઘરને ક્લાસિક અને ટાઇમલેસ લુક આપે છે.’

વૉલપેપર પણ આપશે રૉયલ લુક

લોકોને વિન્ટેજ વાઇબ તો જોઈએ છે પણ મૉડર્ન થીમને પણ છોડવી નથી. તેથી તેઓ વિન્ટેજ અને મૉડર્નનું ફ્યુઝન કરીને ઇન્ટીરિયર કરાવે છે જેથી એકદમ જૂના જમાનાનું ઘર પણ ન લાગે અને વધુપડતું મૉડર્ન પણ નહીં. એમાં ઘરની દીવાલોનો કલર અને ત્યાં લગાવાતા વૉલપેપર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વિશે IKB ડિઝાઇન સ્ટુડિયોમાં ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે કાર્યરત હિમાંશી જણાવે છે, ‘પહેલાં હાથેથી કાર્વિંગ કરીને અથવા ચિત્રકામ કરીને દીવાલોને રૉયલ લુક આપવામાં આવતો હતો, પણ હવે માર્કેટમાં વધી રહેલા કસ્ટમાઇઝેશન અને ટેક્નૉલૉજીને લીધે કામ વધુ ઝડપી અને સરળ બન્યું હોવાથી વૉલપેપરે એને રિપ્લેસ કર્યું છે. વિન્ટેજ થીમના ઘરની વાત થાય છે તો પહેલાં રાજામહારાજાના સમયમાં મહેલ જેવાં દેખાતાં ભીંતચિત્રો જેવાં વૉલપેપર કસ્ટમાઇઝ થઈ શકે છે. આ ઉપરાંત કૂલ વાઇબ જોઈતી હોય તો બેડરૂમમાં પેસ્ટલ કલરના બૅકગ્રાઉન્ડમાં ફ્લોરલ પ્રિન્ટનાં વૉલપેપર લગાવશો તો બેસ્ટ રહેશે. આપણી પસંદને અનુરૂપ થીમ પ્રમાણે ડિઝાઇનને કસ્ટમાઇઝ કરાવીને આપણે સારી ક્વૉલિટીના મટીરિયલ પર પ્રિન્ટ કરાવીને એને દીવાલ પર લગાવીએ તો એ લાંબા ગાળા સુધી રહે છે. આ ઉપરાંત જો એ ખરાબ થાય તો આપણે પૅચ પ્રમાણે ચેન્જ પણ કરી શકાય. જો તમને એક જ વૉલપેપરથી બોરિંગ ફીલ થાય તો દર ત્રણ કે પાંચ વર્ષે એને સરળતાથી બદલાવી શકો છો.’

વિન્ટેજ બેડરૂમ - કોઝી ફીલિંગ

બેડરૂમના ઇન્ટીરિયર વિશે હિમાંશી જણાવે છે, ‘બેડરૂમ પર્સનલ સ્પેસ કહેવાય અને તેથી એના ઇન્ટીરિયરમાં એ ધ્યાન રાખવું પડે કે આખો દિવસ કામ કરીને થાકેલી વ્યક્તિને બેડરૂમમાં પ્રવેશતાંની સાથે જ શાંતિનો અનુભવ થાય. તેથી આ રૂમને વ્યક્તિની અંગત પસંદના હિસાબે જ ડેકોરેટ કરવો જોઈએ. સટલ ટોન્સ એટલે કે એકદમ હળવા રંગોના શેડ સાથે પેસ્ટલ ફૅબ્રિકનું કૉમ્બિનેશન બહુ જ મસ્ત લાગશે. બેડના હેડબોર્ડમાં જે ફૅબ્રિક યુઝ કરો છો એની પાછળની દીવાલમાં બંધબેસતું મિનિમલિસ્ટ વૉલપેપર લગાવી શકો છો. સાઇડમાં જો મિરર હોય તો એને ડ્રેસર તરીકે યુઝ કરી શકાય. રૂમમાં તમારા હિસાબે મૂડ લાઇટ્સ પણ રાખી શકાય. અત્યારે હેડબોર્ડ અને બેડરૂમ માટે વૉર્મ, લાઇટ અને વાઇટ કલર બહુ ચાલે છે. આ ઉપરાંત માર્કેટમાં અત્યારે મૉર્નિંગ ગ્લોરી અને સ્પ્રિંગ સ્મોક જેવા કલર્સ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. જો વિન્ટેજ થીમમાં તમે આ કલર બેડરૂમમાં લગાવો તો ચાલે. એ કોઝી ફીલ આપે છે.’

ટાઇલ્સ કેવી હોવી જોઈએ?

ફ્લોરિંગ ટાઇલ્સની વાત કરું તો થીમ કોઈ પણ હોય, રોમાનિયન અને ઇટાલિયન માર્બલ એવરગ્રીન વિકલ્પ છે એમ જણાવતાં હિમાંશી વિન્ટેજ થીમના ઇન્ટીરિયરમાં ટાઇલ્સ વિશે કહે છે, ‘વુડન પ્રિન્ટની ટાઇલ્સ પણ લગાવી શકાય. પોરસ મટીરિયલ પણ હાલમાં બહુ જ પૉપ્યુલર થઈ રહ્યું છે. એનો ઉપયોગ કરીને કિચનનું પ્લૅટફૉર્મ અને ડાઇનિંગ ટેબલના ટૉપ્સ પર લગાવી શકાય. પોરસનું ફિનિશિંગ એ પ્રકારનું હોય છે કે એનો રફ યુઝ કરવામાં આવે તો પણ એ જલદી ખરાબ થતું નથી. મોટી-મોટી હોટેલ્સ અને ઘરોમાં આ પ્રકારના રફ ઍન્ડ ટફ મટીરિયલની ડિમાન્ડ વધી રહી છે. બાથરૂમમાં સૅટિન ફિનિશની ટાઇલ્સ લગાવી શકાય. આજકાલ લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં પાઉડર રૂમનો કન્સેપ્ટ બહુ ચાલી રહ્યો છે. એમાં બાથટબ કે બાથરૂમ ન હોય, ફક્ત વૉશ બેસિન અને ટૅઇલેટ જ હોય. એમાં પણ સૅટિન ફિનિશ અથવા મૅટ ફિનિશ ટાઇલ્સ લગાવી શકાય.’

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

વાતના દોરને આગળ વધારતાં હિમાંશી વધુમાં જણાવે છે, ‘ઘરના ઇન્ટીરિયરમાં મોટી બાબતોની સાથે નાનામાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. એમાં સેફ્ટી ડોર અને લાઇટિંગ પણ મહત્ત્વનાં છે. વિન્ટેજ થીમનું ઘર બનાવતી વખતે મેઇન ડોર સિમ્પલ જ રાખવો પણ સેફ્ટી ડોર ટફન ગ્લાસ થીમનો રાખવામાં આવે તો એ વિન્ટેજની સાથે મૉડર્ન લુક આપશે. જો ટિપિકલ વિન્ટેજ જ રાખવું હોય તો લાકડા અને ગ્રિલ્સવાળો સેફ્ટી ડોર થોડો મૉડર્ન લુક આપીને ડિઝાઇન કરી શકાય. આ ઉપરાંત લાઇટિંગની વાત કરીએ તો ટ્યુબલાઇટનો કન્સેપ્ટ હવે જૂનો થઈ ગયો છે. સીલિંગમાં સ્ટિફ લાઇટ અને LED લાઇટ ઇન્સ્ટૉલ કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત બેડરૂમમાં સ્લિક સ્ટુડિયો લાઇટ્સ લગાવી શકાય. જેટલું મિનિમલ રાખશો એટલું સારું દેખાશે. આ ઉપરાંત પહેલાંના જમાનામાં હૉલમાં મોટાં-મોટાં ઝુમ્મર લગાવતા હતા. આપણે પણ જો વિન્ટેજ થીમનું અનુસરણ કરીએ તો મોટાં ઝુમ્મરને બદલે માર્કેટમાં નાનાં અને ડેલિકેટ ઝુમ્મર મળે છે. એમાં લાઇટિંગ ઍડ્જસ્ટમેન્ટ પણ હોય છે, એને તમારા હિસાબે રાખી શકો છો.’

fashion fashion news life and style columnists