રિનોવેશન વખતે ઘરમાં વધી પડેલી વસ્તુનું શું કરો છો?

22 July, 2024 01:25 PM IST  |  Mumbai | Heta Bhushan

મોટા ભાગનો સામાન જો ભંગારમાં જતો હોય તો એવા વેડફાટમાંથી તમે બચી શકો છો. ઘરમાં રિનોવેશન વખતે વધેલાં લાકડાં, ટાઇલ્સ, માર્બલ વગેરેમાંથી પણ ઘરને સુંદર બનાવતી બીજી કઈ વસ્તુઓ બનાવી શકાય એ વિશે આજે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

ઘરના રિનોવેશન પછી બચેલી વસ્તુઓના ઢગલાનું શું કરવું? ભંગારમાં ફેંકવી કે આગળ કામ લાગશે એમ વિચારી માળિયામાં સાચવી રાખવી કે એમાંથી ફૅન્સી હોમ ડેકોર વસ્તુઓ બનાવવી? આ પ્રશ્ન બધાને સતાવે છે અને સૌથી સારો ઉપાય છે જે વસ્તુઓ વધી છે એનો સ્માર્ટ્લી, ક્રીએટિવ યુઝ કરી લેવો. મોટા ભાગના લોકો ઘરમાં રિનોવેશન કરાવે ત્યારે જૂની વસ્તુઓ કાં તો કાઢી નાખે અથવા તો એનો જેમનો તેમ જ કોઈ લાંબો બદલાવ કર્યા વિના ઉપયોગ કર્યા કરે. જોકે અત્યારે આપણે સ્માર્ટ હોમ અને મિનિમલિઝમના જમાનામાં જીવીએ છીએ ત્યારે શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારી પાસે જે પણ વસ્તુઓ વધેલી છે એનો ક્રીએટિવ ઉપયોગ કરવો. એ તમારા ઘરના સૌંદર્યને ચાર ચાંદ લગાવી શકે છે. આજે કેટલાક એવા જ ઇફેક્ટિવ રસ્તાઓ વિશે વાત કરીએ. 

સો ટકા કરી શકાય

મને પર્સનલી કોઈ પણ વસ્તુનો વેડફાટ પસંદ નથી એવી સ્પષ્ટતા સાથે વિલે પાર્લેનાં ઇન્ટીરિયર ડિઝાઇનર હેમાલી જરીવાલા કહે છે, ‘જૂના ફર્નિચરને નવો લુક આપવાનું કામ અમે ડિઝાઇનર કરીએ જ છીએ અને હોમ ઇન્ટીરિયર પૂરું થયા બાદ જે વસ્તુઓ વધી હોય એમાંથી ક્લાયન્ટની પસંદ પ્રમાણે જે બનાવવું હોય એ બનાવી આપીએ છીએ. વધેલી વસ્તુઓમાં મોટા ભાગે ટાઇલ્સ, લાકડાંના જુદા-જુદા શેપના નાના-મોટા ટુકડાઓ, માર્બલ કે ગ્રેનાઇટના પીસ હોય છે. આ બધી વસ્તુઓ નકામી ન જાય અને સંઘરીને રાખવી પણ ન પડે એ માટે એને થોડું ઇમૅજિનેશન વાપરી અને જરૂર પ્રમાણે અલગ રંગરૂપ આપી કોઈ પણ વસ્તુ બનાવી શકાય છે.’

યુનિક પણ લાગશે

વાયલેટ વાઇબનાં ઇન્ટીરિયર ડિઝાઇનર નિરાલી શાહ માને છે કે આ દુનિયામાં એકેય વસ્તુ વેસ્ટ ગણીને ફેંકવા જેવી હોતી નથી. તે આગળ કહે છે, ‘કોઈ પણ વસ્તુ પાછળ ક્લાયન્ટે વાપરેલા પૈસાની પૂરેપૂરી વૅલ્યુ મળવી જ જોઈએ. કોઈ પણ મટીરિયલ થોડી વિચારશક્તિ અને કલ્પના પ્રમાણે યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે એ તમારા ઘરના ઇન્ટીરિયર ડેકોરને ઉઠાવ આપે જ છે. જેમ કે અમે એક ડિઝાઇનર કોતરણીવાળા પિલરને વચ્ચેથી ઊભો કાપીને અડધો ભાગ ટેબલનો પાયો બનાવ્યો અને બાકીના અડધા ભાગને વૉલપીસ પર મૅચિંગ ઍસ્થેટિક વૉલ ડેકોર તરીકે યુઝ કર્યો હતો. આ આઇડિયા બધાને ગમ્યો હતો. આવી રીતે તમે તમારી પાસે શું છે અને તમારા ઘરમાં કઈ વસ્તુ કામ લાગશે કે હોમ ડેકોર સાથે શું મૅચ થશે એ પ્રમાણે ઘણી વસ્તુઓ બનાવી શકો છો. જૂના ફર્નિચરને નવો રંગ કે પૉલિશ કરી નવો લુક આપી શકાય છે.’

થોડાંક ઉદાહરણો જુઓ

લાકડાના વધેલા ટુકડાનો ઉપયોગ ટ્રે અથવા કોસ્ટર્સ બનાવી શકાય.

 વુડન પીસમાંથી સીડ હૅન્ડલ લગાડીને ટ્રે, વુડન પ્લાયના પીસમાંથી ફૅન્સી બૉક્સ, નાના ચોરસ ટુકડા કાપી એની ઉપર પેઇન્ટિંગ કરી કોસ્ટર્સ કે નેમ પ્લેટ બનાવી શકાય છે.

 વુડન પીસ પર પેઇન્ટિંગ કે અન્ય કોઈ ડેકોરેટિવ કોતરણીવાળો પીસ, ટ્રેડિશનલ પેઇન્ટિંગ, હેવી વર્કવાળું ફૅબ્રિક ફિક્સ કરી કે પ્લાન્ટર ફિક્સ કરી વૉલ ડેકોર પીસ બનાવી ઘરની કોઈ પણ દીવાલ પર શોપીસ તરીકે લગાવી શકાય છે. 

 જુદા-જુદા લાકડાના નાના-મોટા ટુકડા જૉઇન કરી વૉલ-શેલ્ફ બનવી શકાય છે. પ્લસની નિશાનીમાં કે બે ત્રણ સ્ક્વેર શેપ ઇન્ટરકનેક્ટ કરી, આડા અને ઊભા કૉમ્બિનેશનમાં જુદી-જુદી રીતે વૉલ-શેલ્ફ બનાવી

શકાય છે જેની ઉપર બુક્સ કે ડેકોરેટિવ પીસ કે પ્લાન્ટ્સ રાખી હોમ ડેકોરને ઉઠાવ આપી શકાય છે.

 લાકડાના ટુકડાના ત્રણ કે ચાર પીસ જૉઇન કરી નાનું ફૅન્સી સાઇડ ટેબલ કે એક મોટા ટુકડા નીચે પાયા લગાડી સ્ટૂલ કે પૂજા માટે બાજોઠ કે પાટલો બનાવી શકાય છે.

એક્સ્ટ્રા ટાઇલ્સ, ગ્રેનાઇટ કે માર્બલ પીસ

 માર્બલ કે ગ્રેનાઇટના પીસને કોઈ પણ સૂટેબલ પૉસિબલ શેપમાં કટ કરી ટેબલ ટૉપ બનાવી નીચે વધેલા લાકડામાંથી કે બીજી કોઈ રીતે સ્ટૅન્ડ સપોર્ટ આપી કૉફી ટેબલ કે સાઇડ ટેબલ બનાવી શકાય છે.

 મોટી ટાઇલ્સને જૉઇન કરી મોટું હેવી પ્લાન્ટર બનાવી ગાર્ડનમાં કે પોર્ચમાં કે મોટા હૉલના એન્ટ્રન્સ પાસે રાખી શકાય છે. બગીચામાં પગથિયાં કે ગૅલરીમાં વૉલ-શેલ્ફ બનાવવામાં પણ માર્બલ કે ગ્રેનાઇટના નાના પીસ વાપરી શકો છો.

 વૉલ ટાઇલ્સ કે ફ્લોર ટાઇલ્સના વધેલા ટુકડાઓમાંથી પણ ડિઝાઇનર ટેબલ ટૉપ કે ફૅન્સી ટ્રે અને કોસ્ટર્સ બને છે. ડિઝાઇનર વૉલપીસ પણ બનાવવામાં આવે છે.

fashion news life and style columnists