આ વર્ષે કયો કલર ફૅશન-માર્કેટનો રાજા છે એ જાણો છો?

01 May, 2024 09:19 AM IST  |  Mumbai | Laxmi Vanita

૨૦૨૪ના વર્ષમાં પીચ ફઝ કલરનો ટ્રેન્ડ રહેશે એવું જાહેર થયું છે ત્યારે જાણીએ આ રંગને તમારા વૉર્ડરોબમાં કઈ રીતે સ્થાન આપી શકાશે

બોલલીવૂડની અભિનેત્રીઓની તસવીર

ફૅશનની વાત હોય કે ગ્રાફિક-ડિઝાઇનિંગની, રંગોની દુનિયામાં દર વર્ષે કોઈ ચોક્કસ રંગનું આધિપત્ય રહેતું આવ્યું છે. ગાર્મેન્ટ્સ, ઍક્સેસરીઝ અને સ્ટાઇલિંગમાં દર વર્ષે વિશ્વભરમાં કયા રંગનો દબદબો રહેશે એની આગાહી અમેરિકાની પૅન્ટોન મૅચમેકિંગ સિસ્ટમ દ્વારા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં પીચ ફઝ કલરનો ટ્રેન્ડ રહેશે એવું જાહેર થયું છે ત્યારે જાણીએ આ રંગને તમારા વૉર્ડરોબમાં કઈ રીતે સ્થાન આપી શકાશે

આંતરરાષ્ટ્રીય ફૅશન-શોમાં જ્યારે કોઈ કલર્સ રજૂ થતા હોય છે ત્યારે તેઓ તરત જ અન્ય દેશોની ફૅશન-માર્કેટમાં દેખાવા લાગે છે. ફૅશન-ફૉરકાસ્ટ પ્રમાણે આ વર્ષનો કલર પીચ ફઝ છે એટલે તમને બધી જ જગ્યાએ આ કલરની પ્રોડક્ટ્સ દેખાશે. ભારતના અને વિદેશોના ફૅશન-શોમાં આ કલરનું વર્ચસ રહ્યું હતું તો આ કલર પૅલેટ કેવી રીતે કામ કરે છે અને આપણે કેવી રીતે એ કલર ખરીદવા માટે ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ એ જાણવા જેવું છે. તમારા વૉર્ડરોબમાં શું હોવું અનિવાર્ય છે એ તમે જ નક્કી કરો છો કે પછી  ફૅશન-કંપની અને ફૅશન-ફૉરકાસ્ટર (ફૅશનની આગાહી કરનારા) નક્કી કરે છે?

આવતા વર્ષનો પૅન્ટોન કલર ફ્યુચર ડસ્ક
સલમાન ખાનની ફિલ્મોમાં અસિસ્ટન્ટ ફૅશન-ડિઝાઇનર તરીકે કામ કરી ચૂકેલી ડિઝાઇનર ચાંદની ગુરનાની કહે છે, ‘પહેલાં એવું હતું કે ફૉરેનનો ફૅશન-ટ્રેન્ડ અન્ય દેશોમાં પહોંચતાં વર્ષો લાગતાં હતાં. હવે ફાસ્ટ ફૅશનને કારણે આખો સીન બદલાઈ ગયો છે. ફાસ્ટ ફૅશન એટલે કે એક મહિનામાં બદલાતી ફૅશનને કારણે કંપનીઓ ટૂંક સમયમાં ટ્રેન્ડિંગ વસ્તુઓનું મૅન્યુફૅક્ચરિંગ કરીને કસ્ટમર માટે ઉપલબ્ધ કરી દે છે. ઝારા, H&M, મૅન્ગો એવી બ્રૅન્ડ્સ છે જ્યાં તમને ફૅશન બહુ ઝડપથી બદલાતી દેખાશે. એ વાત જાણવી જરૂરી છે કે ઇન્ટરનૅશનલ રનવે (રૅમ્પ)ના કલર પણ નક્કી થતા હોય છે. ફૅશન-ફૉરકાસ્ટર વિશ્વભરની ફૅશનનું વિશ્લેષણ કરીને આગાહી કરતા હોય છે. તેમના માટે સોશ્યલ મીડિયા, ઇન્ફલુએન્સર ફૅશન-ટ્રેન્ડની માહિતી પૂરી પાડે છે. આજે તમે મૉલમાં કે શૉપિંગ માટે જશો તો પીચ ફઝ જે આ વર્ષનો પૅન્ટોન કલર છે એની જ પ્રોડક્ટ્સ દેખાશે. આવતા વર્ષનો એટલે કે ૨૦૨૫નો પૅન્ટોન કલર પણ અત્યારથી નક્કી થઈ ચૂક્યો છે જે ફ્યુચર ડસ્ક (જાબુંડિયો-ભૂરો રંગ) હોવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ૨૦૨૫ શરૂ થશે એ પહેલાં આ કલરનું માર્કેટમાં ધીરે-ધીરે ટ્રાન્ઝિશન થતું જોઈ શકશો.’ 

આખું હૉલીવુડ અને બૉલીવુડ છે પીચ ફઝ
ફિલ્મ અને સિરીઝમાં જાણીતા કલાકારો સાથે છેલ્લાં પાંચ વર્ષથી કામ કરતી ચાંદની કહે છે, ‘દરેક ફૅશન-શોનું કલર પૅલેટ કે ડિઝાઇન ભારતમાં રજૂ નથી કરવામાં આવતી. દરેક કંપની જ્યૉગ્રાફી પ્રમાણે ડિઝાઇન કરતી હોય છે. જેમ કે ૨૦૨૪માં એક્સ્ટ્રીમલી શૉર્ટ-શૉર્ટ એટલે કે અત્યંત ટૂંકા શૉર્ટની ફૅશન છે, પણ ભારતમાં એ ફૅશન નહીં જ ચાલે. તેથી મોટા ડિઝાઇનર-લેબલ પણ એક કે બે પ્રોડક્ટ રજૂ કરે, એનાથી વધારે નહીં. આ વર્ષે બધી જ ફૅશનમાં પીચ અને વાઇટનું પ્રભુત્વ છે. ઇન્ફ્લુએન્સર, ફૅશન-બ્રૅન્ડ્સ, ડિઝાઇનર બધા આ જ કલરની વાત કરશે અને આ જ કલર પહેરશે એટલે તમને એ કલર ગમવા લાગશે. આ વર્ષે હૉલીવુડ કે બૉલીવુડની દરેક સેલિબ્રિટી તમને પાર્ટીમાં, ફૅશન-શોમાં અને ફિલ્મોમાં પણ આ જ રંગનાં આઉટફિટ્સમાં દેખાશે. જે-તે વર્ષની ફિલ્મોનું કૉસ્ચ્યુમ-ડિઝાઇનિંગ પણ પૅન્ટોન રંગ પરથી જ નક્કી કરવામાં આવતું હોય છે. ફૅશનની દુનિયામાં આ રંગનો દરેક માધ્યમથી પ્રચાર કરવામાં આવે છે કે એવું બને જ નહીં કે તમે એ રંગ પસંદ ન કરો. આપમેળે જ તમારા વૉર્ડરોબમાં એ કલરનાં આઉટફિટ્સ આવી જ જાય. આ વર્ષે પીચ ફઝ અને આવતા વર્ષે ફ્યુચર ડસ્ક.’

પૅન્ટોન કલર શું છે?
પૅન્ટોન અમેરિકન કંપની છે જે પૅન્ટોન મૅચિંગ સિસ્ટમ માટે જાણીતી છે. સાદી ભાષામાં આ કંપની દર વર્ષે ગ્રાફિક-ડિઝાઇન, ફૅશન-ડિઝાઇન, પ્રોડક્ટ-ડિઝાઇન અને પ્રિન્ટિંગ-ડિઝાઇન મૅન્યુફૅક્ચરિંગમાં કલરની આગાહી કરે છે અને એ વર્ષે વિશ્વભરમાં આ ક્ષેત્રોમાં એ જ કલરની બધી પ્રોડક્ટ્સ જોવા મળે છે. ફૅશનની દુનિયામાં આ વર્ષનો પૅન્ટોન કલર પીચ ફઝ છે.

ઇન્ડિયન ફૅશનમાં તો આ કલર ક્યારનો આવી ગયો છે
પીચ ફઝને પૅન્ટોન કલર ઑફ ધ ૨૦૨૪ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો એ પહેલાં જ ભારતીય ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં એનો રંગ ચડવા લાગ્યો હતો એમ જણાવતાં હીના ડિઝાઇનર સ્ટુડિયોના ફૅશન-ડિઝાઇનર પીયૂષ શાહ કહે છે, ‘તમે જોયું હોય તો છેલ્લાં દોઢ-બે વર્ષથી આપણે ત્યાં પેસ્ટલ અને પીચ રંગનો ઉપયોગ વધ્યો છે. પીચ બ્રાઇટ, ખુશનુમા ફીલ આપનારો રંગ છે. બીજો કોઈ રંગ હોય તો એની સાથે કલર કૉમ્બિનેશન મસ્ટ છે, જ્યારે પીચ પોતાનામાં જ કન્ટેન્ટ કલર કહેવાય છે. પાર્ટી અને વેડિંગ્સમાં તો પીચ એલિગન્સનો પર્યાય બની ગયો છે. પહેલાં એવું મનાતું કે મૉર્નિંગ ફંક્શનમાં જ લાઇટ કલર્સ સારા લાગે, પણ પીચ મૉર્નિંગ અને ઈવનિંગ બન્ને ફંક્શન્સમાં ઉઠાવ આપે છે. એની સાથે થોડુંક ગ્લિટરી વર્ક, સેલ્ફ-સીક્વન્સિંગ, સેલ્ફ એમ્બ્રૉઇડરી કે પર્લ વર્ક કરેલું હોય તો એ જાજરમાન લુક આપે છે.’ આ રંગ સાથે ઇન્ડો-વેસ્ટર્ન બન્ને અટાયર બહુ સરસ લાગે છે એમ જણાવતાં પીયૂષભાઈ ઉમેરે છે, ‘હાફ સારીઝમાં પીચ બહુ જ સરસ દેખાય છે. ધોતી સારીઝમાં પણ સરસ લાગે. પ્લેન બૉટમની ઉપર હૅન્ડ-એમ્બ્રૉઇડરી કરેલું બ્લાઉઝ કે શ્રગ પણ ચાલે અને સાડી બ્લેઝર પણ પીચમાં ખૂબ જ એલિગન્ટ લાગે છે. જો કોઈકને એમાં કૉમ્બિનેશન કરવું જ હોય તો પીચની સાથે વાઇન કે વેલ્વેટ વાઇન કલર સરસ ઉઠાવ આપે છે. હેવી લુક માટે લાઇટ પીચ કલરના કોઈ પણ ઇન્ડો-વેસ્ટર્ન અટાયરમાં ઑફ-વાઇટ પર્લનું કૉમ્બિનેશન કરો તો એ કદી ફેલ જાય જ નહીં.’

fashion news fashion columnists life and style