06 December, 2024 12:34 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
ચહેરાને ક્લીન કરવા અને ગ્લો વધારવા તથા જાળવી રાખવા માટે સ્કિનકૅર રૂટીનમાં રોઝ વૉટર મસ્ટ હૅવ થિંગ હોય છે. લોકો એનો ઉપયોગ અલગ-અલગ પ્રકારે કરે છે. કેટલાક લોકો એને મેકઅપ રિમૂવર અને ટોનર તરીકે વાપરે, પણ શું તમે જાણો છો કે ગુલાબજળ કરતાં ગુલાબનાં પાંદડાંમાંથી બનતી જેલ વધુ ફાયદાકારક છે? જી હા, અહીં ગુલાબજળ નહીં પણ એમાંથી બનતી જેલની વાત થઈ રહી છે. ગુલાબમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, ઍન્ટિઇન્ફ્લમૅટરી અને ઍન્ટિ-એજિંગ ગુણ હોય છે જે શરીરને ફ્રેશ રાખવામાં તથા સ્કિનના ગ્લોને વધારવા તથા જાળવી રાખવામાં મદદરૂપ બને છે. આ સાથે એમાં નૅચરલ શુગર અને ઑઇલ હોય છે જે સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવામાં અને સૉફ્ટ રાખવામાં મદદ કરે છે.
રોઝ જેલના ફાયદા
ગુલાબમાંથી બનતા જેલને ચહેરા પર લગાવવાથી ત્વચાની અંદર જઈને ડીપ ક્લીન કરે છે, જેથી એમાં રહેલા ધૂળ અને પ્રદૂષણના કણો દૂર થાય છે અને ખીલની સમસ્યા થતી નથી. આ ઉપરાંત ડાર્ક સ્પૉટ્સ અને પિગમન્ટેશનથી પણ છુટકારો અપાવે છે. રોઝ જેલને સ્કિન વાઇટનિંગ માટે પણ પર્ફેક્ટ સોલ્યુશન માનવામાં આવે છે. શિયાળામાં ડ્રાય સ્કિનની સમસ્યા પણ વધુ રહેતી હોય છે ત્યારે રોઝ જેલ લગાવવાથી સ્કિન હાઇડ્રેટેડ રહે છે. ડ્રાય સ્કિન અને સંવેદનશીલ ત્વચા હોય તેવા લોકો માટે રોઝ જેલ કામની ચીજ છે ત્યારે ઑઇલી સ્કિન ધરાવતા લોકએ આ જેલથી અંતર જાળવી રાખવું જોઈએ. જો આવું ન થાય તો સ્કિન વધુ ઑઇલી થઈ જશે અને સ્કિન ઇરિટેશન અને ઍલર્જી થવાની શક્યતા વધી જશે.
મલ્ટિપર્પઝ જેલ
રોઝ વૉટરની જેમ રોઝ જેલનો ઉપયોગ પણ અલગ-અલગ પ્રકારે કરી શકાય છે. જો આ જેલનો ઉપયોગ મૉઇશ્ચરાઇઝર તરીકે કરી શકાય. આ માટે સૌથી પહેલાં ફેસ ક્લીન કરો. ફેસ વૉશ કરશો તો ચાલશે અને વેટ વાઇપ્સથી લૂછી લેશો તો પણ બેસ્ટ રહેશે. ત્યાર બાદ વટાણાના દાણા જેટલી જેલ હાથ પર લઈને ચહેરા પર સ્પ્રેડ કરવી અને તે ત્વચાની અંદર પેનિટ્રેટ ન થાય ત્યાં સુધી મસાજ કરવો. સવારે ફ્રેશ થયા બાદ અને રાત્રે સૂતા પહેલાં આ જેલ અપ્લાય કરી શકાય. ચહેરાની સાથે હાથ અને પગને પણ હાઇડ્રેટેડ રાખવા આ જેલ લગાવી શકાય. આ ઉપરાંત મેકઅપ કરતાં પહેલાં પ્રોડક્ટ્સ સ્કિનને નુકસાન ન પહોંચાડે એ માટે આ જેલનો ઉપયોગ પ્રાઇમર તરીકે પણ કરી શકાય. સંવેદનશીલ ત્વચા ધરાવતી યુવતીઓ મેકઅપ પહેલાં આ જેલ લગાવે તો તેમની સ્કિનને પ્રોટેક્શન મળશે અને મેકઅપ પણ લાંબો સમય સુધી ચહેરા પર ટકશે.
ઘરે બનાવો રોઝ જેલ
આમ તો ઈ-કૉમર્સ વેબસાઇટ પર રોઝ જેલ મળી રહેશે, પણ આ જેલને ઘરે પણ બનાવી શકાય.
આ માટે ત્રણ ચમચી અલોવેરા જેલ, અડધી ચમચી ગ્લિસરિન, ત્રણથી ચાર ટીપાં બદામનું તેલ, બે ગુલાબની પાંદડી અને એક ગ્લાસ પાણીની જરૂર પડશે.
રોઝ જેલને બનાવવા માટે સૌથી પહેલાં નૅચરલ રોઝ વૉટર બનાવવું પડશે. આ માટે એક તપેલીમાં એક ગ્લાસ પાણી અને ગુલાબની પાંદડી નાખો. જ્યાં સુધી પાણીની કન્સિસ્ટન્સી થોડી ઘટ્ટ ન થાય ત્યાં સુધી એને ઉકાળો.
ત્યાર બાદ એક નાના વાટકામાં અલોવેરા જેલ, ગ્લિસરિન અને બદામનું તેલ નાખીને સરખી રીતે મિક્સ કરવું. ત્વચાને વધુ પોષણ મળે એ માટે આમાં વિટામિન Eની કૅપ્સૂલ પણ નાખી શકાય.
પ્રૉપર મિક્સ થયા બાદ એમાં ત્રણથી ચાર ચમચી રોઝ વૉટર નાખીને સરખું મિક્સ કરવું.
થોડા સમય માટે એને સેટ થવા રાખવું. ત્યાર બાદ એને ઉપયોગમાં લઈ શકાશે.
આખા ચહેરા પર અપ્લાય કરતાં પહેલાં એક વાર પૅચ ટેસ્ટ કરી લેવી. જો જેલ લગાવવાથી બળતરા કે ખંજવાળ આવે તો એ લગાવવી ન જોઈએ.
આ જેલની શેલ્ફ લાઇફ વધુમાં વધુ ત્રણ મહિના સુધીની હોય છે, તેથી શક્ય હોય તો થોડી ક્વૉન્ટિટીમાં બનાવવી અને સમયસર એનો ઉપયોગ કરી લેવો.