08 February, 2023 04:00 PM IST | Mumbai | Rachana Joshi
નિશા કિડેચા નાયક શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ડાન્સિંગ ક્વિનના નામે જાણીતા કોરિયોગ્રાફર નિશા કિડેચા નાયક (Nisha Kidecha Naik) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું સ્લાઇડિંગ ડૉરવાળા વૉર્ડરૉબ વાપરું છું. મને સ્લાઇડિંગવાળા વૉર્ડરૉબ એટલે બહુ ગમે કારણકે સ્લાઇડની પાછળ તમારા વૉર્ડરૉબના શું હાલ છે એ છુપાઈ જાય.
આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : ક્વિકરી પ્રિન્ટ અને કલરફુલ કપડાંથી જે ભરપુર હોય એ વૉર્ડરૉબ મારું.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : આમ તો લગભગ મહિનામાં બેથી ત્રણ વાર ઑર્ગેનાઇઝ કરતી હોવ છું.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : જ્યારે મને એવી ફિલિંગ આવેને કે, હવે બધુ મેસી લાગે છે. આમ જોઈએ એવી મજા નથી આવતી. બસ એવી ફિલિંગ આવેને કે, અવ્યવસ્થિત અને અસ્તવ્યસ્ત લાગે છે બધું એટલે તરત જ વૉર્ડરૉબ ઑર્ગેનાઇઝ કરી દઉં.
આ પણ વાંચો – વૉર્ડરૉબ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિ ઇમોશનલી કેટલી સ્ટ્રૉન્ગ છે : વિરાફ પટેલ
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : હું કેઝ્યુલ, સેમી કેઝ્યુલ, ફોર્મલ્સ, સેમી ફોર્મલ્સ એમ ભાગ પાડીને કપડાં ગોઠવું. તે સિવાય જે કપડાં ઘણા સમયથી પહેર્યા ન હોય તે કપડાં ઉપરની તરફ રાખું એટલે પહેરવાનું નક્કી કરતી વખતે એ પહેલા નજર સામે દેખાય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : તમે જ્યારે પણ વૉર્ડરૉબ ગોઠવવા બેસોને ત્યારે જે કપડાં ઘણા સમયથી ન પહેર્યા હોય તેને હાથમાં લો અને જાતને પુછો કે શું હું હવે આ કપડું પહેરીશ? તમારા મનમાં પહેલો જે જવાબ આવે તે પ્રમાણે કરવું. જો જવાબ હા આવે તો તેને ફરી વૉર્ડરૉબમાં ગોઠવી દેવું અને જો જવાબ ના આવે તો તેને સાઈડ પર મુકી દેવું. આ રીતે તમારા વૉર્ડરૉબમાં જગ્યા પણ થશે અને તમે જે કપડાં નથી વાપરતા તે બીજાના કામમાં પણ આવશે.
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના જરાય નહીં.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : ના ક્યારેય નહીં. કારણકે જો તમે ગણોને તમને એમ થાય કે ઓહોહોહો કેટલાં કપડાં છે મારી પાસે અને પછી તમે શોપિંગ ન કરી શકો. એટલે બેસ્ટ કે ગણતરી કરવાની જ નહીં.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : તમને ક્યારેય એવું થયું છે કે એક ચોક્કસ બ્રાન્ડનું ઓબ્સેશન થઈ જાય અને તેની વસ્તુ તમને જોઈએ જ! મને એક સમયે એવું થયું હતું કે આ ચોક્કસ બ્રાન્ડની વસ્તુ જોઈએ છે. એટલે એરપોર્ટ પરથી મેં એ બ્રાન્ડની વસ્તુ ખરીદી હતી, જે મારી સૌથી મોંધી ખરીદી છે. અને સસ્તી વસ્તુની વાત કરું તો મેં મુંબઈમાં સ્ટ્રીટ પરથી ૭૦ રુપિયાનું ટી-શર્ટ ખરીદ્યું હતું. જે બહુ જ સરસ નીકળ્યું અને આજે પણ એ મારી પાસે છે.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : વૉર્ડરૉબમાં કપડાં હેન્ગરમાં નાખીને લટકાવી શકાય એવી ખુલ્લી જગ્યા હોયને તે મને બહુ ગમે. કારણકે ત્યાં કપડાં તમે બહુ સરળતાથી મુકી શકો અને લઈ શકો. કપડાંની ઇસ્ત્રી ખરાબ થવાનું પણ ટેન્શન નહીં.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : ઑવરસાઇઝ્ડ ટીશર્ટ, હાઇ નૅકલાઇન બ્લાઉઝ, બ્લેઝર, હાઇ વેસ્ટ બ્લેક ટ્રાઉઝર અને ઘૂંટણથી નીચે સુધીની લંબાઈનો ડ્રેસ/વન પીસ.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટ પહેલી પસંદ. પરંતુ કમ્ફર્ટની સાથે સ્ટાઇલનું પણ ધ્યાન રાખી શકાય તો સારું. કમ્ફર્ટની સાથે સ્ટાઇલ એ સૌથી ઉત્તમ હોય જ છે.
આ પણ વાંચો – હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ જે મારી સ્ટાઇલ સાથે જતાં હોય તે ફૉલૉ કરવાનું મને ચોક્કસ ગમે. બાકી ટ્રેન્ડ જે ચાલતો હોય તેને તમે તમારી સ્ટાઇલ સાથે મેચ કરીને પણ ચોક્કસ પહેરી જ શકો છો. ટ્રેન્ડથી તમે ઇન્સપિરેશન લઈને પોતાની સ્ટાઇલ ક્રિએટ કરી શકો છો.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : Wardrobe Malfunctions તો નહીં. પણ તાજેતરની જ વાત કરું તો, એન્યુલ ડેમાં મારી ઇચ્છા જોગર્સની સાથે ક્રોપ ટૉપ પહેરવાની હતી. ક્રોપ ટૉપ પહેરી તો લીધું પણ પછી મને ડાન્સ કરતા કમ્ફર્ટ નહીં રહે તેવો અહેસાસ થયો એટલે મેં પછી શર્ટ લઈને તેને કમરની આસપાસ બાંધીને એ સમય સાચવી લીધો હતો.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : ફેશન એટલે તમે પોતાની જાતને કઈ રીતે જુઓ છો, તમે પોતાને જ કઈ રીતે સ્ટાઇલ કરો છો. ફેશનને કારણે લોકો તમને જજ પણ કરે છે પણ એ બાબત કઈ ધ્યાનમાં લેવા જેવી નથી. તમારી સ્ટાઇલ અને તમે કરેલી ફેશન ગુડ વાઇબ્સ આપે એટલે બસ. ડૉન્ટ ડ્રેસ ટુ ઇમ્પ્રેસ બસ ડ્રેસ ટુ એક્સપ્રેસ.