વૉક-ઇન વૉર્ડરૉબ મારી વિશલિસ્ટમાં છે : અંજલી બારોટ

26 October, 2022 01:00 PM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેત્રીને તેનું વૉર્ડરૉબ એકદમ વ્યવસ્થિત ગોઠવેલું અને ચોખ્ખું રાખવાની આદત છે

અંજલી બારોટ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

‘સ્કૅમ ૧૯૯૨ : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ ફૅમ અભિનેત્રી અંજલી બારોટ (Anjali Barot) જે ઢોલિવૂડમાં ફિલ્મ ‘ચબૂતરો’ દ્વારા ડેબ્યૂ કરી છે તે આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મારા મોર્ડન સ્ટાઇલ વૉર્ડરૉબમાં જેટલા પણ શૅલ્ફ છે એટલા ઓછા જ પડે છે (ખડખડાટ હસે છે). એટલે મારે હવે વૉક-ઇન વૉર્ડરૉબ કરાવવું છે.

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : બધા જ કપડાં ઇસ્ત્રી ટાઇટ ગડીની જેમ અને એ પણ પાછા સેકશન મુજબ (એટલે કે જીન્સ બધા એકસાથે, ટી-શર્ટ એકસાથે વગેરે) ગોઠવેલા હોય એ જ મારો યુએસપી.

 

આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ :  મારી આદત એવી છે ને કે હું કપડાં જે થપ્પીમાંથી લઉંને એ થપ્પીમાં પાછા મુકી દઉં. એટલે વૉર્ડરૉબમાં કપડાં વેર-વિખેર ન થઈ જાય. દરરોજ લેતા-મુકતા કપડાં વ્યવસ્થિત મુકું એટલે સાફ કે ઑર્ગેનાઇઝ કરવા માટે સ્પેશ્યલ કે વધુ સમય ન કાઢવો પડે.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : મને મારું વૉર્ડરૉબ એકદમ વ્યવસ્થિત ગોઠવેલું અને ચોખ્ખું જોઈએ. એકપણ કપડું જરાક આગળ-પાછળ થાય તો મને જરાય ન ગમે. જ્યાંથી જેમ કપડાં લીધા હોય એ જ રીતે ગોઠવું અને સમય ન હોય તો કપડાંની થપ્પી બેડ પર મુકી રાખું પણ કબાટની અંદર જેમ-તેમ તો ન જ મુકું. સામાન્ય રીતે, હું રોજેરોજ કપડાં ગોઠવતી હોઉં છું એટલે મારે વૉર્ડરૉબ ગોઠવવા માટે ચોક્કસ સમય નથી ફાળવવો પડતો.

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : મારી મમ્મીએ મને કપડાં સુકવવાની એક બહુ જ સારી ટ્રિક શિખવી છે. જેને લીધે કપડાંની ગડી કરવાનું અને ગોઠવવાનું સહેલું પડે. કપડાં સુકવતા સમયે એકદમ ઝાટકીને સુકવી દઈએ તો બધી ક્રિઝ ભાંગી જાય. કોઈકવાર ઇસ્ત્રી કર્યા વગર પણ આ કપડાં પહેરી શકાય અથવા તો વ્યવસ્થિત ગડી કરીને કબાટમાં મુકી દેવાય. આમ સુકવેલા કપડાં વૉર્ડરૉબમાં ગોઠવતા સમયે ગડી કરવામાં પણ સારું પડે છે. ઇસ્ત્રીની ગડીની જેમ કપડાં ગોઠવીએ એટલે લેવા-મુકવામાં પણ સારું પડે. હું મારી મમ્મીએ શીખવાડેલી ટ્રિક મુજબ કપડાની ગોઠવણી કરું એ મારા વૉર્ડરૉબનો યુએસપી છે.

 

આ પણ વાંચો - હું વૉર્ડરૉબ ગોઠવવાનો કૉન્ટ્રેક્ટ લઇ શકું છું : ઈશા કંસારા

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : મારી મમ્મીએ મને જે શીખવ્યું છે એ જ ટિપ્સ હું આપીશ. કપડાં સુકવો ત્યારથી જ થોડી ચીવટ રાખો તો પછીથી ગોઠવવામાં પણ સરળતા પડે.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : ના મને નથી ગમતું. ઇનફૅક્ટ મારા હસબન્ડના કબાટમાં પણ મેં જ અડધી જગ્યા રોકી લીધી છે. લગ્ન પહેલાં હું અને મારી બહેન કપડાં સાથે જ રાખતા. તો હવે મારી બહેન કહે છે કે, અંજલી તું ગઈ છે ત્યારથી કબાટ ખાલી-ખાલી થઈ ગયું છે. એટલે, બધાના વૉર્ડરૉબ પર હું કબજો કરી લઉં છું પણ મને વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે એ ગમતું નથી.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : મેં ક્યારેય કપડાંની ગણતરી કરી જ નથી. પણ એટલો ખ્યાલ છે કે, ભલે આખું કબાટ ભરેલું હોય તો પણ પહેરવા માટે કપડાં હંમેશા ઓછા જ પડે છે. આ કપડાં મુકવા માટે જગ્યા પણ ઓછી પડે. એટલે તમે સમજી શકો કે કેટલા જોડી કપડાં હશે. મને વૉક-ઇન વૉર્ડરૉબની બહુ જ ઇચ્છા છે.

બાકી શૂઝ/ચપ્પલનો મને બહુ શોખ નથી. મિનિમલ જ રાખું છું.

 

આ પણ વાંચો - મારા વૉર્ડરૉબ સિક્રેટ્સને સિક્રેટ જ રહેવા દો તો સારું : યશ સોની

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : સાચું કહું તો મને શોપિંગ કરવાનું બહુ જ ગમે છે અને કપડાં રિપિટ કરવા નથી ગમતા. એટલે હું બહુ મોંધી વસ્તુ ખરીદતી જ નથી. અંદાજે ચારથી પાંચ હજારની કુર્તિ એ મારા વૉર્ડરૉબમાં સૌથી મોંધુ આઉટફિટ હશે. બાકી સસ્તી શોપિંગમાં તો સ્ટ્રીટ શોપિંગની અનેક વસ્તુઓ છે.

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : ઇન્ડિયન આઉટફિટનું સેક્શન મારું મનગમતું સેક્શન છે. ઇન્ડિયન આઉટફિટ મારા મનપસંદ અને ગો ટુ વેર છે.

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : પિન્ક કુર્તિ, બ્લેક લેગિન્સ, બ્લૂ ડેનિમ, વાઇટ ટી-શર્ટ અને સ્કાર્ફ.

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : હું એવી સ્ટાઇલને મહત્વ આપું જે કમ્ફર્ટેબલ પણ હોય. હું હંમેશા મારી સ્ટાઇલિશને કહું કે કમ્ફર્ટ હશે તો વધારે મજા આવશે. એક અભિનેત્રી તરીકે ઘણીવાર એવુ બનતું હોય છે કે, ચોક્કસ સ્ટાઇલમાં તમે કમ્ફર્ટેબલ ન હોવ તો પણ તૈયાર થવું પડતું હોય છે.

 

આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ :  મને એક્સપ્રિમેન્ટ કરવાનું ગમે છે. જો એક્સપ્રિમેન્ટ મારા પર સૂટ થાય તો હું ચોક્કસ એ ટ્રેન્ડ ફૉલૉ કરું. હા, પણ ગાડેરિયા પ્રવાહની જેમ ફૉલૉ કરું જ એવું નથી.

મારી સ્ટાઇલની વાત કરું તો તે ઑવર ધ ટૉપ ક્લાસિક અને સટલ છે.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : ના એવું કંઈ ખાસ નથી બન્યું. કોઈપણ ફંક્શનમાં કે ઇવેન્ટમાં જતા પહેલા હું થોડીક વધુ તકેદારી રાખું છું. જેમ કે આઉટફિટનું ફિટિંગ પ્રોપર ચૅક કરી લઉં. સાથે પર્સમાં સેફ્ટિપિન હંમેશા રાખું કે ક્યારેક કંઈક અજુગતું બને તો પરિસ્થિતિને તાત્કાલિક સંભાળી શકાય.

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન એટલે જેમા તમે કમ્ફર્ટેબલ પણ હોવ અને સાથે જ તે સુંદર પણ લાગે. દરેક વ્યક્તિની ફેશન સેન્સ અને ચોઇસ અલગ હોય છે. જે પહેરીને તમે અરીસામાં જુઓ અને તમારા મોઢા પર સરસ સ્મિત આવે એ તમારી માટે પર્ફેક્ટ ફેશન.

life and style fashion fashion news dhollywood news wednesday wardrobe rachana joshi