મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી

12 April, 2023 05:31 PM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેતાના વૉક-ઇન વૉર્ડરૉબમાં છે બ્રાઇટ અને વ્હાઇટ રંગના કપડાંનો ઢગલો

હાર્દિક સાંગાણી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

ઇક્લેયર્સની જાહેરાત દ્વારા ઘરઘરમાં જાણીતા બનેલા અભિનેતા હાર્દિક સાંગાણી (Hardik Sangani)એ હિન્દી અને ગુજરાતી સિરિયલ તેમજ ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં આગવી ઓળખ બનાવી છે. હાર્દિક સાંગાણી આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મારી બહેન ઇન્ટીરિયર ડિઝાઇનર છે. જેનો મને બહુ મોટો ફાયદો થયો છે. ઘરમાં થોડીક ઓછી જગ્યામાં પણ એણે મારી માટે બહુ જ સુંદર વૉક-ઇન વૉર્ડરૉબ ડિઝાઇન કર્યું છે.

 

હાર્દિક સાંગાણીનું વૉક-ઇન વૉર્ડરૉબ

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ :મારા વૉર્ડરૉબમાં તમને બ્રાઇટ અને વ્હાઇટ રંગના કપડાં સૌથી વધુ જોવા મળશે.

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : સાચું કહું તો મને વૉર્ડરૉબ સાફ કરવાનો બહુ જ કંટાળો આવે. મને કપડાં ગડી કરવા નથી ગમતા અને આવડતું પણ નથી. મારે ક્યાંય પણ જવાનું હોય મોટેભાગે ટાઈમની કટોકટી જ હોય, એટલે છેલ્લી ઘડીએ આમ ત્રણ-ચાર શર્ટ વૉર્ડરૉબમાંથી કાઢીને ટ્રાયલ કરું અને પછી એમ જ મુકી દઉં. એટલે મારી મમ્મી અને બહેન બન્ને હંમેશા ગુસ્સો જ કરે. આમ તો આ જ કારણસર મારી બહેને મારા માટે વૉક-ઇન વૉર્ડરૉબ ડિઝાઇન કર્યું છે, કે હું કપડાંની ગડી ઓછી બગાડું અને પાછા તાત્કાલિથી જ્યાંથી લીધા હોય ત્યાં જ મુકી દઉં. જોકે, હજી પણ એવું ધણીવાર બનતું નથી.

આ સિવાય પણ મારું બીજું વૉર્ડરૉબ છે અને તે છે મારી કાર (ખડખડાટ હસે છે). હું અડધા કરતા વધુ કપડાં કારમાં પણ રાખું છું, કારણકે ખબર નહીં ક્યારે ક્યા કપડાંની જરુર પડી જાય. આમેય મને કપડાંની ઇસ્ત્રી ખરાબ થાય એ જરાય ન ગમે, એટલે આખો દિવસ બહાર હોઉં ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો હું ગાડીમાં મુકેલા કપડાંમાંથી જ ચેન્જ કરી લઉં.

 

 

આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : તમને યાદ હોય તો પહેલાં એવું હતું કે તમે જુના કપડાં આપો અને કિચન માટે વાસણ લો. તો તમે માનશો નહીં, મારા વૉર્ડરૉબ સિવાય પણ મારી પાસે એટલાં કપડાં છે ને કે આખા કિચનમાં જોઈએ તેટલા વાસણ આવી જાય. તો પણ મને મારા કપડાં કાઢી નાખવા ગમતા નથી. નાછુટકે ઘરમાંથી બુમો પાડે એટલે સાફ-સફાઈ કરતાં થોડાક કપડાં કાઢવા પડે ત્યારે કમને કાઢું. બાકી મારી બહેનની મદદ વગર વૉર્ડરૉબની ગોઠવણી મારા માટે શક્ય જ નથી.

 

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ :  હું સેક્શન મુજબ અને પ્રસંગ પ્રમાણે કપડાંની ગોઠવણી કરું છે. ટી-શર્ટ જુદા, કોટનનાં શર્ટ જુદા મુકવાના, ગોવાની ટ્રિપ પર પહેરી શકાય તેવા ફ્લોરલ શર્ટ જુદા મુકવાના, કુર્તા જુદા મુકું વગેરે વગેરે. 

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : હવે માર્કેટમાં વૉર્ડરૉબ ઓર્ગેનાઇર્ઝ્સ મળે છે, જેનાથી વૉર્ડરૉબ ગોઠવવામાં બહુ સરળતા પડે છે. આ ઓર્ગેનાઇર્ઝ્સ બહુ સરળતાથી ઓનલાઈન પણ મળી જાય છે. ઓર્ગેનાઇર્ઝ્સની મદદથી વૉર્ડરૉબની ગોઠવણી કરો તો ગડી વાળવાની વધારે ઝંઝંટ નથી રહેતી.

 

આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : ના જરાય નહીં. ને થેન્ક્સ ટુ ગોડ એમણે મારું સ્ટ્રક્ચર જ એવું બનાવ્યું છે કે, મારા કપડાં જલ્દી કોઈને ફીટ જ ન થાય એટલે લોકો માંગતા જ વિચાર કરે (હસે છે). આમેય મારા કપડાં કોઈ પહેરે તે મને ન ગમે. મારું તો હુડી (જેકેટ્સ)માં પણ એવું જ છે, હું બહુ પઝેસિવ છું. બધા કહે કે, હુડીમાં શું હવે! હુડી તો એકબીજાના પહેરી જ શકાય ને એમાં ક્યાં સાઇઝનું એટલું જોવાનું હોય. પણ હુડી શૅર કરવું તો મને સહેજ પણ ન ગમે. હું ટ્રાવેલ કરતો હોઉં ત્યારે હુડી અચુક લઉં જ.

 

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના ક્યારેય નહીં. પણ હા, મને ટોપીનો બહુ જ શોખ છે અને મારી પાસે લગભઘ ૩૦-૩૨ ટોપી છે. ટોપી ગમવાનું કારણ એ જ છે કે, એમાં તમારે હૅરસ્ટાઇલની વધારે ચિંતા ન કરવી પડે. વાળ ગમે તેવા હોય ઉપર ટોપી પહેરી લો એટલે બધુ સારું જ લાગે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : હું લંડન ગયો હતો ત્યારે મેં ટેલર મૅડ ટક્સિડો લીધો હતો, જે સૌથી મોંઘો છે. બાકી સસ્તામાં તો કૉલાબા કૉઝવે પરથી કરેલા સસ્તી શોપિંગનું લિસ્ટ લાંબું છે.

 

આ પણ વાંચો – વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : મારી ટોપીઓનું કલેક્શન મારું સૌથી મનપસંદ કોર્નર છે.

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : વ્હાઇટ લિનન શર્ટ, બ્લેક શર્ટ, પ્રિન્ટેડ લિનન શર્ટ, કમ્ફર્ટ શોર્ટ્સ, મલ્ટી કલર ટી-શર્ટ.

 

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : કમ્ફર્ટને જ. મારું માનવું છે કે, જો તમે પહેરલાં કપડાંમાં કમ્ફર્ટેબલ ન હોવ તો એ તમારા મુડ પર અસર કરે છે. એટલે તમે કોઈપણ સ્ટાઇલ કરી હોય તેનું આઉટપુટ આવતું જ નથી.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : મને તો અમુક ટાઇમે ટ્રેન્ડ્સ બહુ વિચિત્ર લાગે. બાકી મારી સ્ટાઇલ તો કેઝ્યુલ છે.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : એક કિસ્સો તમારી સાથે ખરેખર શૅર કરવા જેવો છે, મારી ફિલ્મ લવની લવ સ્ટોરીનું અમદાવાદ પ્રિમિયર હતું. ત્યારે મેં મારી એક ડિઝાઇનર મિત્રએ ડિઝાઇન કરેલો સૂટ પહેરેલો. એમાં થયું એવું કે, એનું પેન્ટ બહુ જ ટાઇટ હતું. હું જેવો ગાડીમાંથી ઉતર્યો કે, પેન્ટ ફાટ્યું. પણ પ્રિમિયર શરુ થવાનો સમય થઈ ગયેલો એટલે કપડાં બદલવા જવાય તેટલો સમય નહોતો. ને ઓછામાં પુરું તે જ દિવસે ગાડી સાફ કરેલી એટલે ગાડીમાં બીજા કપડાં પણ નહોતા. પછી તો આખા પ્રિમિયરમાં હું ધીમે-ધીમે અને એટલું સંભાળીને ચાલતો હતો.

 

 

આ પણ વાંચો – રામ મોરીનું વૉડરૉબ હોય કે સ્ટાઇલ દરેકમાં જોવા મળશે સંસ્કૃતિની છાંટ

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : ફેશન એટલે કમ્ફર્ટ. તમારી ફેશન તમને ડિફાઈન કરે છે. ફેશન એ વ્યક્તિની પર્સનાલિટીનું રિફ્લેક્શન છે.

life and style fashion fashion news dhollywood news wednesday wardrobe rachana joshi