02 December, 2024 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર આજકાલ એક બ્યુટી-ટ્રેન્ડ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એમાં મસ્કરાને બાજુમાં મૂકીને આંખની પાંપણને કર્લી કરવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોને એ ખૂબ પસંદ પડી રહ્યો છે. શિયાળામાં આપણે ફાટેલા હોઠ, પગની ફાટેલી એડી કે હાથની ડ્રાય સ્કિનને મૉઇશ્ચરાઇઝ રાખવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોકે હવે આ પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ આંખની પાંપણો માટે પણ છૂટથી થઈ રહ્યો છે.
જનરલી આંખની પાંપણોને કર્લી તેમ જ ભરાવદાર બનાવવા માટે સ્ત્રીઓ મસ્કરાનો ઉપયોગ કરતી હોય છે. જોકે આ નવા ટ્રેન્ડ અનુસાર મસ્કરાની જગ્યાએ પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને મહિલાઓ પસંદ પણ કરી રહી છે. આનું કારણ એ છે કે એક તો મસ્કરા મોંઘો આવે છે અને બીજું, એને પાંપણો પર લગાડતી વખતે ખૂબ ચીવટ રાખવી પડે છે. એની જગ્યાએ પેટ્રોલિયમ જેલી યુઝ કરો તો એ પ્રમાણમાં સસ્તી પડે છે. ઉપરથી એને પાંપણો પર અપ્લાય કરવાનું પણ સરળ છે. એ તમારી પાંપણોને કર્લી શેપ તો આપશે જ, સાથે-સાથે પાંપણના વાળને મૉઇશ્ચરાઇઝ્ડ રાખે છે.
જોકે આંખોની પાંપણો પર પેટ્રોલિયમ જેલી લગાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પેટ્રોલિયમ જેલીને ખૂબ થોડા પ્રમાણમાં પાંપણો પર લગાવો. વધારે પડતી પેટ્રોલિયમ જેલી આંખની આસપાસનાં છિદ્રોને બંધ કરી શકે છે. એને પરિણામે ઇરિટેશન કે ઍક્ને થઈ શકે છે. એને લગાવતી વખતે એ આંખોની અંદર ન જાય એનું ધ્યાન રાખો. જેમને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી ઍલર્જી હોય તેમણે આ અખતરાથી દૂર રહેવું. હાથની આંગળીઓથી પાંપણો પર પેટ્રોલિયમ જેલી અપ્લાય કરતાં પહેલાં હાથને સરખી રીતે પાણીથી ધોઈને સાફ કરવા જોઈએ, નહીંતર ઇન્ફેક્શનનું જોખમ રહે છે. એ સિવાય માઇલ્ડ બેબી શૅમ્પૂનો ઉપયોગ કરીને પેટ્રોલિયમ જેલીને સરખી રીતે રિમૂવ કરવી જોઈએ.