લિક્વિડ નેઇલ પૉલિશ, જેલ નેઇલ પૉલિશ બાદ હવે આવી ગઈ છે ડીપ પાઉડર નેઇલ પૉલિશ

12 December, 2024 02:40 PM IST  |  Mumbai | Heta Bhushan

પહેલી વાર ડીપ પાઉડર નેઇલ્સ કરાવો ત્યારે પહેલાં એક નખમાં કરાવવું અને ૨૪ કલાક સુધી કોઈ ઍલર્જિક રીઍક્શન નથી થતું એ ચેક કરી લેવું

નેઇલ પૉલિશ

હાથને પર્ફેક્ટ કલરફુલ અને સ્ટાઇલિશ મૅનિક્યૉર આપવાનો ટ્રેન્ડ તો ઇન છે જ. પોતાના લુકને અપટુડેટ રાખવા આજની ફૅશનેબલ યુવતીઓ માત્ર નેઇલ-પૉલિશ નહીં પણ જેલ નેઇલ્સ, ફેક નેઇલ્સ, નેઇલ આર્ટ, જ્વેલ નેઇલ્સ વગેરે કરાવવાનું પસંદ કરે છે.

હાથની આંગળીઓના નખને શણગારવા માટે હવે લૉન્ગ લાસ્ટિંગ મૅનિક્યૉર રૂપે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ન્યુ ટ્રેન્ડિંગ સ્ટાઇલ અને ટેક્નિક છે ડીપ પાઉડર નેઇલ્સ, જે હવે પૉપ્યુલર થઈ રહ્યું છે. આ નખ શણગારવાની નવી ટેક્નિકમાં નખ પર લગાવવામાં આવતું રંગીન પૉલિશ લિક્વિડ ફૉર્મમાં આવતું નથી, પણ પિગમેન્ટેડ ડસ્ટ એટલે કે પાઉડર ફૉર્મમાં આવે છે. આ ટેક્નિક થોડી વધુ એક્પેન્સિવ છે, પણ એકદમ જેન્ટલ છે અને નખની હેલ્થને નુકસાન કરતી નથી અને વધુ લાંબો સમય ટકે છે. ડીપ પાઉડર નેઇલ્સ યુવી લાઇટના વપરાશ વિના જલદીથી સુકાઈ જાય છે જેથી અલ્ટ્રા વાયલેટ લાઇટથી હાથ-પગની ચામડી ટૅન થવાનો ડર રહેતો નથી. ડીપ પાઉડર નેઇલ્સ કરાવ્યા બાદ નખ પર બહુ વધારે સ્ટિફ કોટિંગ થતું નથી અને એ જલદી તૂટતા નથી અને પૉલિશ જલદી ઊખડતું પણ નથી. ડીપ પાઉડર નેઇલ્સવાળું મૅનિક્યૉર અને પેડીક્યૉર લગભગ ચાર અઠવાડિયાં સુધી ખરાબ થતું નથી એટલે એને એક્સ્ટ્રા ડ્યુરેબલ મૅનિક્યૉર પણ કહેવાય છે.

ડીપ પાઉડર નેઇલ્સ ટેક્નિકમાં બેઝ કોટ, કલર કોટ અને ટૉપ કોટ બધું જ પંદર ફૉર્મમાં આવે છે અને નામ દર્શાવે એ મુજબ એમાં એક-એક નખ પર ગ્લુ લગાવી કલર પિગમેન્ટ પાઉડરમાં ડીપ કરી પૉલિશ લગાડવામાં આવે છે. નેલ ટેક્નિશ્યન ક્યારેક નખ પર ગ્લુ લગાવી પછી પાઉડર છાંટીને પણ પૉલિશ કરે છે. નખ પર પાઉડર છાંટ્યા બાદ અથવા કલર પાઉડરમાં નખ ડીપ કર્યા બાદ એના પર જોઈતો શેડ આવી જાય પછી અને વધારાનો પાઉડર ક્લીન કર્યા બાદ એના પર લિક્વિડ સિલન્ટ સ્પેશ્યલ ઍડહેસિવ (પાઉડર ચીટકાવવા માટેનો ગમ) લગાવવામાં આવે છે. પાઉડર હાર્ડ થઈને ચીટકી જાય એ પછી ચમક માટે ટૉપ કોટ લગાવવામાં આવે છે અને સુંદર ત્રણથી ચાર અઠવાડિયાં સુધી ખરાબ ન થતું મૅનિક્યૉર થઈ જાય છે.

ડીપ પાઉડર નેઇલ્સ માટે પ્રૉપર કિટ જેમાં જુદા-જુદા રંગના પાઉડર, ટૉપ કોટ, બેઝ કોટ, ગ્લુ, સિલન્ટ ઍડ્હેસિવ, બ્રશ વગેરે હોય છે જે પાંચથી સાત હજારમાં ઑનલાઇન ઉપલબ્ધ છે જેને તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો, પણ જાણકાર નેઇલ ટેક્નિશ્યન પાસે કરાવવું વધુ સારું છે.

ડીપ પાઉડર નેઇલ્સ કરાવતાં પહેલાં આટલું જાણી લો

પહેલી વાર ડીપ પાઉડર નેઇલ્સ કરાવો ત્યારે પહેલાં એક નખમાં કરાવવું અને ૨૪ કલાક સુધી કોઈ ઍલર્જિક રીઍક્શન નથી થતું એ ચેક કરી લેવું. ખાસ ધ્યાન રાખવું કે અન્ય કોઈએ વાપરેલા પાઉડર-બૉક્સમાં ડીપ કરવું નહીં, એમાંથી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. ડીપ પાઉડર નેઇલ પૉલિશ પ્રોફેશનલની મદદથી જ રિમૂવ કરવા, કેમ કે બીજી નેઇલ પૉલિશ કરતાં પાઉડર પૉલિશ કાઢવું અઘરું છે અને જરૂરી બધાં સાધનો સલૂનમાં હોય છે એથી ત્યાં જઈને જ કઢાવવા હિતાવહ છે.

fashion fashion news life and style columnists