દિવાળીમાં ઘરને નવો લુક આપવા કયો રંગ કરાવવો?

15 October, 2024 02:41 PM IST  |  Mumbai | Kajal Rampariya

નવા વર્ષની તૈયારીઓમાં સૌથી પહેલી ઘરની શિકલ ચેન્જ કરવાનો વિચાર હોય એવાં ઘરોમાં નવરાત્રિ બાદ રંગરોગાનનું કામ પુરજોશમાં શરૂ થશે. ચેન્જ માટે શું નવું કરવું, કયો રંગ ટ્રેન્ડમાં છે એની મૂંઝવણ હોય તો ઇન્ટીરિયર ડિઝાઇનર પાસેથી જાણી લઈએ

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષની તૈયારીઓમાં સૌથી પહેલી ઘરની શિકલ ચેન્જ કરવાનો વિચાર હોય એવાં ઘરોમાં નવરાત્રિ બાદ રંગરોગાનનું કામ પુરજોશમાં શરૂ થશે. ચેન્જ માટે શું નવું કરવું, કયો રંગ ટ્રેન્ડમાં છે એની મૂંઝવણ હોય તો ઇન્ટીરિયર ડિઝાઇનર પાસેથી જાણી લઈએ. અને હા, કલર-થેરપિસ્ટ પાસેથી પણ જાણી લઈએ કે ઘરની દીવાલોનો રંગ માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો પર કેવી અસર કરે છે

ઑફવાઇટ અને બેજ કલર્સ મનને શાંતિ અને કમ્ફર્ટની સાથે ઍસ્થેટિક વાઇબ પણ આપે છે. આજના ટ્રેન્ડના હિસાબે લાઇટ શેડ્સમાં આ કલર્સને આઇડિયલ માનવામાં આવે છે.

દિવાળી અને નૂતન વર્ષને ગણ્યાગાંઠયા દિવસો રહ્યા છે ત્યારે ઘરને ન્યુ લુક આપવાનું કામ શરૂ થશે. રંગરોગાન એમાં સૌથી બેસિક અને સૌથી પહેલું આવે. જો તમે પણ રંગરોગાનનું કામ ઉખેળવાના હો અને નવા હોમ ડેકોરનું પ્લાનિંગ કરતા હો તો કેવા રંગો ટ્રેન્ડમાં છે અને આ રંગોની પાછળનું મનોવિજ્ઞાન શું છે એ વિશે જાણી લેજો. દરેક કલર વ્યક્તિના મગજ અને મૂડને પ્રભાવિત કરે છે. તેથી હોમ ઇન્ટીરિયરની દૃષ્ટિએ કયો કલર મૂડને સારો રાખી શકે અને ઘરને પણ ઍસ્થેટિક વાઇબ આપી શકે એ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ.

બેજ અને પેસ્ટલ કલર્સ

ઇન્ટીરિયર ડિઝાઇનર મિતુલ ચોટલિયા

અત્યારે લોકોને ઍસ્થેટિક વાઇબ આપતાં ઘર જોઈએ છે એમ જણાવતાં ભાઈંદરમાં રહેતા ઇન્ટીરિયર ડિઝાઇનર મિતુલ ચોટલિયા કહે છે, ‘આમ તો લોકો પોતાની પસંદગી મુજબ મનગમતા કલર્સ પ્રમાણે જ ઘરનું ઇન્ટીરિયર ડિઝાઇન થાય છે પણ અમે લાઇટ કલર્સ યુઝ કરવાની ભલામણ કરીએ છીએ. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઘરને બ્રાઇટ લુક આપે છે. આખો દિવસ નોકરી કરીને વ્યક્તિ રાતે જ્યારે ઘરે આવે તો માઇન્ડ રિલૅક્સ થાય એ જરૂરી છે. બેજ, આઇવરી, ક્રીમ જેવા લાઇટ શેડના કલર્સ ટ્રેન્ડમાં છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી પેસ્ટલ કલર્સનો પણ દબદબો રહ્યો છે. લાઇટ શેડ્સના કલર આંખોને જોવા ગમે છે અને ઘરમાં બ્રાઇટનેસ જળવાઈ રહે છે તેથી મગજ પર પણ કોઈ નકારાત્મક અસર થતી નથી. આનો અર્થ એ નથી કે ડાર્ક કલર્સ સારા નથી. મરૂન, મોરપીંછ, ચૉકલેટી, પર્પલ કલર્સ પણ સારા જ છે; પણ એને ઘરમાં પેઇન્ટ કરવામાં આવે તો ઘર ડલ લાગે છે અને સારું લાઇટિંગ ઇન્સ્ટૉલ કર્યા બાદ પણ જોઈએ એવી ઇફેક્ટ દેખાતી નથી એટલે કે થોડી ડિમ લાગે છે, જેને લીધે ઘરનો લુક સારો આવતો નથી. લુક સારો ન આવે તો વાઇબ સારાં ન આવે અને ઇરિટેશન થયા કરે. એટલે જ ઘરની દીવાલો માટે લાઇટ શેડ્સના જ કલર વાપરવા. જો ડાર્ક કલર્સ ગમતા હોય તો સોફા અને ફર્નિચરની સાથે કિચનના કૅબિનેટ્સમાં યુઝ કરી શકાય. લાઇટ અને ડાર્ક કલરનું કૉમ્બિનેશન ઘરના લુકને વધુ સારો બનાવશે. પહેલાં તો ટ્રેન્ડ શું એ લોકોને ખબર જ નહોતી તેથી મનગમતા કલર્સથી ઘરનાં પેઇન્ટિંગ અને ડેકોર થતાં હતાં, પણ હવે લોકો દરેક કલરના મહત્ત્વને સમજી રહ્યા છે અને ટ્રેન્ડને અનુસરી રહ્યા છે.

વન વૉલ-ડિઝાઇનિંગ

ખાસ કરીને લિવિંગ રૂમમાં એક વૉલ પર ડિઝાઇનિંગ કરાવતા હોય છે જેને લીધે આખા ઘરનો લુક ચેન્જ થઈ જાય છે. એ વિશે મિતુલ ચોટલિયા કહે છે, ‘એ માટે ઘણા ઑપ્શન્સ છે. જેમ કે લિવિંગ રૂમની એક દીવાલ પર ઈંટના પાતળા લેયરવાળું મટીરિયલ મળે છે એને દીવાલ પર લગાવવાથી એવી ફીલિંગ આવશે જાણે રૉ બ્રિક્સનું જ વર્ક કરેલું છે અને એ ઍસ્થેટિક વાઇબ આપે છે. ઘણા લોકો એક દીવાલ પર પૅનલિંગ કરાવે અથવા ટેક્સચર્ડ વૉલ કરાવે. આ ડિઝાઇનિંગ અને ડેકોર થીમ પર આધાર રાખે છે. આમ તો ટ્રેન્ડમાં લાઇટ ગ્રે કલર પણ છે, પણ હકીકતમાં એ ઘરમાં લગાવી શકાય નહીં. જો કંઈ જ ન કરવું હોય તો એક દીવાલમાં ફોટો ફ્રેમ્સથી ડેકોરેશન કરવામાં આવે તો પણ ઍસ્થેટિક લાગે છે.’

દીવાલ અને ફર્નિચરના રંગોનું કૉમ્બિનેશન

બેજ કલરની વધતી પૉપ્યુલારિટી વિશે વાત કરતાં ઇન્ટીરિયર ઇન્ડસ્ટ્રીમાં ૧૫ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા મિતુલભાઈ જણાવે છે, ‘બેજ કલર કમ્ફર્ટ આપે છે. એ એટલો ફ્લેક્સિબલ કલર છે કે જો તમે આખા ઘરને બેજ કલરથી પેઇન્ટ કરો તો એમાં કોઈ પણ કલરનું ફર્નિચર સૂટ થઈ જાય છે. જો દીવાલમાં બેજ કલર લગાવ્યો હોય તો ફર્નિચર બ્રાઉન, ગ્રે, વાઇટ અને પિન્ક અને ચૉકલેટી જેવા શેડ્સનું રાખી શકાય; પણ બેજ કલર સાથે વુડન ફિનિશનું ફર્નિચર ક્લાસિક અને ટાઇમલેસ કૉમ્બિનેશન કહેવાય. આ ઉપરાંત એમાં કોઈ પણ કલર સૂટ થઈ જશે. તેથી આંખોની સાથે મનને ઠંડક આપે એવા કૂલ કલર્સનું ડેકોરેશન પણ કરી શકાય. જો વૉલ પિન્ક કલરની કરો છો તો ફર્નિચરને બેજ કલરનું રાખવું. એનાથી ઘરનો લુક એકદમ આકર્ષક લાગશે.’

વાઇટ સાથે મલ્ટિકલર બેસ્ટ

ઑફવાઇટ કલર ઘરને પૉઝિટિવ એનર્જી ફીલ કરાવે છે એવું માનનારા મિતુલભાઈ કહે છે, ‘સફેદ કલરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ કલર બ્રાઇટ ફીલિંગ તો આપે જ છે પણ લાઇટિંગ ઇફેક્ટ્સ એને વધુ બ્રાઇટ બનાવે છે જે આપણા માઇન્ડ પર સકારાત્મક અસર કરે છે. સફેદ કલર સાથે કોઈ પણ કલર સારો લાગે છે તો તમારા મનગમતા કલર સાથે એને ડબલ ટોનમાં ડેકોરેટ કરવામાં આવે તો એનો ઉઠાવ અલગ જ આવશે. ધારો કે તમને કલરફુલ ઇન્ટીરિયર ગમે છે તો બેડરૂમમાં અલગ કલર, કિચનમાં અલગ કલર અને હૉલમાં અલગ કલર સારો નહીં લાગે પણ જો વાઇટ કલર સાથે મલ્ટિપલ કલર્સ લઈને ડિઝાઇન કરવામાં આવે તો બહુ મસ્ત લુક આપશે. વાઇટ કલર સાથે સોફાના કુશનને કલરફુલ રાખો અથવા વૉલ હૅન્ગિંગ કે મોઝેક આર્ટને દીવાલ પર શણગારી શકો છો. આ ઉપરાંત કિચનમાં ભલે વાઇટ કલર હોય પણ કૅબિનેટ્સ કલરફુલ બનાવવામાં આવે તો એનો લુક એકદમ ચેન્જ થઈ જશે. કલરફુલ લુક ગમતો હોય તો વાઇટ સાથે તમારા કોઈ મનગમતા કલરના કોઈ પણ શેડને લઈને ડિઝાઇન કરી શકો છો. બ્લૅક કે ગ્રે જેવા કલર્સને અવૉઇડ કરો. કિચનમાં કલર કરતાં ટાઇલ્સનું મહત્ત્વ હોય છે. તેથી કલરફુલ અથવા થ્રી-ડી ઇફેક્ટ્સની ટાઇલ્સ લગાવવી શ્રેષ્ઠ વિકલ્પ છે.’

કલરનો સાઇકોલૉજિકલ પ્રભાવ

દરેક રંગ પાછળની સાઇકોલૉજી હોય છે જે તન અને મનને પ્રભાવિત કરે છે. જેમ સફેદ કલર મનને શાંતિ આપનારો છે એમ લાલ કલરને પ્રેમ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હોમ ડેકોરના ટ્રેન્ડની સાથે વ્યક્તિના માઇન્ડ માટે કયો કલર યોગ્ય છે એ પણ વિચારવું જરૂરી છે એની વાત કરતાં ઘાટકોપરનાં કલર-થેરપિસ્ટ અને સાઇકોલૉજિસ્ટ ઝીલ જોબનપુત્રા કહે  છે, ‘રંગો વ્યક્તિની લાગણીઓ સાથે સંકળાયેલા હોય છે, જે તેની માનસિક અને શારીરિક સ્થિતિને પ્રભાવિત કરે છે. એક જ રંગના વિવિધ શેડ્સ અલગ-અલગ ફીલિંગ આપે છે. જેમ કે સ્કાય બ્લુ કલર ગ્રોથનું પ્રતીક છે ત્યારે એ જ કલરનો ડાર્ક શેડ એટલે કે નેવી બ્લુ રૉયલ વાઇબ આપે છે. લાલ, પીળો અને નારંગી કલર્સનો સમાવેશ વૉર્મ કલરમાં અને જાંબલી, ગુલાબી અને બ્લુનો કૂલ કલર્સમાં થાય છે. લાલ કલર પ્રેમનું પ્રતીક છે એવી જ રીતે એને દુશ્મનાવટનું પણ પ્રતીક માનવામાં આવે છે. તેથી તમે જે ઘરમાં રહો છે એનું વાતાવરણ શાંત અને રિલૅક્સિંગ હોય એ બહુ જ જરૂરી છે. કલર ઘરની એનર્જીને જાળવી રાખવામાં મદદ કરે છે.’

ઘરના કયા એરિયામાં કેવો રંગ બેસ્ટ ગણાય?

ઝીલ જોબનપુત્રા, કલર-થેરપિસ્ટ અને સાઇકોલૉજિસ્ટ

બેડરૂમમાં લૅવન્ડર અથવા પિન્ક કલર આઇડિયલ માનવામાં આવે છે. લૅવેન્ડર કલર માઇન્ડને શાંત કરવાનું કામ કરે છે. પર્પલ શેડનો કલર બેડરૂમમાં હોવાથી પતિ-પત્ની વચ્ચે વધુ મતભેદ થતા નથી. લૅવન્ડર ઉપરાંત પેસ્ટલ પિન્ક પણ બેડરૂમમાં ગુડ વાઇબ્સ આપશે. કલર સાઇકોલૉજીમાં પેસ્ટલ પિન્કને નવા પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જેમનાં નવાં લગ્ન થયાં હોય તેમણે પોતાના બેડરૂમને પેસ્ટલ પિન્ક કલરથી ડેકોરેટ કરવો જોઈએ. એ સંબંધોમાં પ્રેમ વધારવાનું કામ કરે છે. બેડરૂમમાં મિરર વધુ લગાડવાથી ઝઘડા પણ ઓછા થાય છે. બન્ને વચ્ચે બોલાચાલી થાય અને અચાનક ધ્યાન અરીસામાં જાય તો મગજ તરત જ કૉન્શિયસ થઈ જાય છે. આ એક પ્રકારની સાઇકોલૉજી છે જે નકારાત્મક વિચારો અને એનર્જીને દૂર કરે છે.

ડ્રેસિંગ રૂમનો ક્વીન પિન્ક હોવો જોઈએ, કારણ કે એ કૉન્ફિડન્સ બૂસ્ટ કરે છે.

ગ્રીન કલરમાં હીલિંગ પ્રૉપર્ટીઝ હોવાથી બાથરૂમમાં ડાર્ક ગ્રીન ટાઇલ્સ અથવા કલર લગાવવાં જોઈએ. નવા દિવસની શરૂઆત ફ્રેશ માઇન્ડથી કરવા માટે તથા નકારાત્મક એનર્જીને દૂર કરવા માટે ગ્રીન કલરને આઇડિયલ માનવામાં આવે છે. સામાન્યપણે મોટા ભાગના વિચારો અને ક્રીએટિવ આઇડિયા બાથરૂમમાં જ આવતા હોય છે. એની પાછળનું કારણ છે ડાર્કનેસ. ડાર્કનેસ બ્રિંગ્સ કમ્ફર્ટ ઍન્ડ રિલૅક્સેશન. વ્યક્તિ એવું વિચારે છે કે અંધારામાં મને કોઈ જોતું નથી તેથી તે વધુ મુક્તપણે વિચારે છે. ગ્રીન કલર ન ગમે તો ઑરેન્જ કલર લગાવી શકાય.

લિવિંગ રૂમ માટે આઇવરી, વાઇટ અને બેજ કૂલ વાઇબ આપે છે. આ ઉપરાંત પીળો કલર ગમતો હોય તો તો એમાં બોલ્ડ યલો અને રાઇઝિંગ સન યલો લગાવી શકાય. એ એકતા જાળવી રાખવાનું કામ કરે છે. બ્રાઉન ઍન્ડ બેજ કલરમાં ફર્નિચરના ઘણા ઑપ્શન મળી જાય.

બેડરૂમમાં લૅવન્ડર અથવા પિન્ક કલર આઇડિયલ માનવામાં આવે છે. બાળકોના બેડરૂમમાં સ્કાય બ્લુ કલર આઇડિયલ મનાય છે, કારણ કે લાઇટ બ્લુ ગ્રોથનો રંગ કહેવાય છે. બાળકોના રૂમમાં બાળ ગણેશ, બાળ હનુમાન કે બાળ કૃષ્ણનો ફોટો લગાવવો જોઈએ જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસની સાથે સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ થાય છે.

કિચનમાં પ્રાથમિકતા સારા મૂડમાં બનાવેલી રસોઈ હોય છે તેથી જેણે બનાવવાની હોય તેમને ગમતા રંગોથી કિચન ડિઝાઇન અને ડેકોર કરવામાં આવે તો વધુ સારું એવું મારું માનવું છે.

- ઝીલ જોબનપુત્રા, કલર-થેરપિસ્ટ અને સાઇકોલૉજિસ્ટ

 

diwali festivals new year mental health health tips columnists life and style fashion fashion news