જૂની -તૂટેલી જ્વેલરીમાં ક્રીએટિવિટી ઉમેરીને મેળવો ટ્રેન્ડિંગ લુક

04 October, 2024 07:08 PM IST  |  Mumbai | Heta Bhushan

દર વખતે નવાં કપડાં અને નવી ઍક્સેસરીઝ વસાવવાનું પરવડે એવું પણ નથી હોતું અને ધારો કે પરવડે એવું હોય તોય પર્યાવરણ માટે એ ઠીક પણ નથી.

ફૅબ્રિક બીડ્સ, કોડીની માળા (ડાબે) , જે કંઈ મળે એ બધું નાનુંમોટું મનગમતું એક માળામાં અટૅચ કરી બનાવો સ્ટેટમેન્ટ પીસ ( વચ્ચે), સીંદરી, કોડી, ઑક્સિડાઇઝ્ડ, ઊનની લેસનો સુંદર નેકપીસ (જમણે)

દર વખતે નવાં કપડાં અને નવી ઍક્સેસરીઝ વસાવવાનું પરવડે એવું પણ નથી હોતું અને ધારો કે પરવડે એવું હોય તોય પર્યાવરણ માટે એ ઠીક પણ નથી. એવામાં જો તમે સસ્ટેનેબલ લિવિંગમાં માનતા હો તો જૂની, તૂટેલી, અડધી ખોવાઈ ગયેલી જ્વેલરીના પીસમાં ઊન, જૂટ, બીડ્સ, ફૅબ્રિક, મોતી, કોડી, શંખ અને છીપલાં ઉમેરીને કંઈક એવું બનાવી લો કે ખરેખર તમારા લુકમાં છાકો પડી જશે

નવરાત્રિ એટલે રંગોને અને પરંપરાને ઊજવતો તહેવાર છે એટલે રંગીન ઊનના દોરામાંથી બધા રંગોના દોરા કે તમારા આઉટફિટના મૅચિંગ ઊનના દોરા લઈ તમારી પસંદની સાઇઝ નક્કી કરી જાડી અને કે પાતળી ચોટલી વાળી બેઝ તૈયાર કરો આ બેઝને જૂની તૂટી ગયેલી જ્વેલરીને કોડી, છીપલાં, બીડ્સથી શણગારી નવો જ લુક આપો.

જૂની ઑક્સિડાઇઝડ કે સિલ્વર કે અન્ય કોઈ પણ તૂટેલી માળાનું પેન્ડન્ટ કે અન્ય પીસ કે તૂટેલી બુટ્ટીના પીસ પણ ઊનના બેઝ અટૅચ કરી સરસ ફૅન્સી ચોકર બનાવી શકાય છે. જુદા-જુદા રંગોના માળાના મોટા બીડ્સ અને કોડી એક પછી એક પરોવીને એકદમ યુનિક અને સિમ્પલ નેકપીસ બનવી દો.

ઊન અને મોતીની વાઇબ્રન્ટ રિંગ.

જૂટ પીસ અને જૂટ દોરીનો ઉપયોગ પણ નવી જ્વેલરી બનાવવા કરી શકાય છે. ઑક્સિડાઇઝ્ડ અને જૂટનું મૅચિંગ સરસ દેખાવ આપે છે. MDF મનગમતા આકારમાં કાપી જૂટનો નાનો પીસ લઈને એના પર લગાવી દો અને ઉપર તમારી જૂની જ્વેલરીમાંથી કોઈ પણ પીસ પસંદ કરી ઍડ કરો. આ પીસને સુંદર માળામાં કે દોરામાં પરોવી લો. એક સરસ પેન્ડન્ટ પીસ રેડી થઈ જશે.

જૂટની દોરીઓને ભેગી કરી એની ચોટલી વાળી બેઝ તૈયાર કરી એના પર જૂની જ્વેલરીના પીસ અટૅચ કરો. અત્યારે ઑક્સિડાઇઝ સાથે, કુંદન, સિલ્વર, ગોલ્ડન, મિરર, મીનાકારી વગેરે જુદા-જુદા પીસને ગોઠવીને યુનિક નેકપીસ ઇન ટ્રેન્ડ છે, જે તમારા જૂના ખજાનામાંથી જુદા- જુદા પીસ શોધી ઘરે જ તૈયાર કરી શકશો. એમાં જૂનાં પેન્ડન્ટ, હવે પહેરતાં ન હો એવી બુટ્ટીઓ વગેરે યુઝ કરી શકાય છે.

તમે થોડાં વર્ષો પહેલાં લીધેલાં ઑક્સિડાઇઝ્ડ નેકલેસ કે ચોકર પર ડિઝાઇન પ્રમાણે નાનાં આભલાં ચિપકાવી દો. જૂના નેકલેસને નવો લુક તરત મળી જશે. અહીં તમે મિરર સાથે કલર સ્ટોન પણ ઍડ કરી શકો છો અને જો કોઈ જૂની કુંદન જ્વેલરીના પીસ હોય તો કુંદન પણ ઍડ ઑન કરી એલિગન્ટ પીસ ઘરે જ તૈયાર કરી શકાય છે.

કોઈ એક બુટ્ટી ખોવાઈ ગઈ હોય તો બીજી બુટ્ટી નકામી નથી. બીજી બુટ્ટીમાં કાળો દોરો બાંધી માંગટીકા તરીકે પહેરો. મોટી બુટ્ટી હોય તો એને માળાનું પેન્ડન્ટ બનાવી દો.તમારી ફૅબ્રિક જ્વેલરી પર પણ ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીના પીસને ઍડ ઑન કરો. ફૅબ્રિક જ્વેલરીને બોલ્ડ લુક આપવા એના પેન્ડન્ટની આસપાસ અથવા નીચે બૅન્ગલ ઍડ કરો. ફૅબ્રિક જ્વેલરીમાં મોતી ઍડ કરો. મૉડર્ન બોહો યુનિક લુક માટે જુદી-જુદી ચેઇનમાં જે પણ જૂનાં અનયુઝ્ડ પેન્ડન્ટ, નાની બુટ્ટીઓ, રિંગ, કોઈ પણ પીસ મળે એને એકસાથે ઍડ ઑન અને જૉઇન્ટ કરી બધા સાથે પહેરી શકાય એવો એક યુનિક મોટો નેકપીસ બનાવી દો.

સીંદરી અને કોડીના કૉમ્બિનેશનનું પેન્ડન્ટ

જૂના મોટા ચોકરના મોટા પેન્ડન્ટને અલગ કરી માળા સાથે પહેરો. બેથી ત્રણ નાની પાતળી માળાઓ અને ચોકર અને પેન્ડન્ટ એકસાથે જૉઇન્ટ કરી યુનિક નેકપીસ બનાવો. જૂના ચણિયાચોળીના વર્કવાળા ફૅબ્રિકને યુઝ કરીને સ્ટેટમેન્ટ નેકલેસ કે હૅન્ડ કફ બનાવી શકાય છે. વર્કવાળા ફૅબ્રિકને હાંસડી કે ચોકર શેપમાં કાપી એમાં કોડી અને કૉટન કે રેશમનાં ટૅસલ્સ નીચે લટકાવી સરસ પીસ તૈયાર થાય છે. આ જ રીતે વર્કવાળો કમરપટો પણ બની શકે છે.

જૂની તૂટેલી માળામાં ઊનના નાના ગોટા ઍડ કરી પગનું ઍન્કલેટ કે હાથપાન બનાવી શકાય છે. જૂની, સ્ટોન કે નંગ નીકળી ગયો હોય એવી વીંટીને ઊનના ગોટા અને મોતી ઍડ ઑન કરી નવી જ રિંગ બનાવી શકાય છે.

દાદી–નાનીના જૂના ઍન્ટિક ડિઝાઇન પેન્ડન્ટની પોતાની જ વૅલ્યુ અને આગવી સુંદરતા હોય છે. એને માત્ર એક વાયરમાં પરોવી કે અલગ જ શેપના કલરફુલ સ્ટોનની માળામાં પરોવી પહેરવાથી સ્ટાઇલિશ પ્લસ ઍન્ટિક લુક મળે છે.

જૂની માળાના મોટા પીસ છે, ઘણાબધા બીડ્સ છે, જૂની બુટ્ટીઓ અને ઝુમ્મર છે તો એ બધાંને યુનિક રીતે એકસાથે જોડી દઈ એન્ડમાં બે બાજુ લટકણ તરીકે ઝુમ્મર લગાવી એક સરસ યુનિક જ્વેલરી સ્કાર્ફ રેડી કરી શકાય છે. 

fashion fashion news life and style navratri festivals mumbai news