15 January, 2025 04:53 PM IST | Mumbai | Heta Bhushan
ટર્કીઝ ક્રૉકરી
ટર્કી ક્રૉકરીની એક-એક વસ્તુમાં કળાકારીગીરી અને ઝીણી સુંદર ડિઝાઇન્સ આંખે ઊડીને વળગે છે. આ ટર્કી સિરૅમિક ક્રૉકરી પોતાના બ્યુટિફુલ હૅન્ડમેડ ફ્લોરલ ડિઝાઇન અને સુંદર રંગો માટે પ્રખ્યાત છે. એના પર જ્યોમેટ્રિક આકારમાં અને પ્રકૃતિ પરથી પ્રેરણા લઈને દોરેલાં ફૂલ, પાન, ટ્યુલિપ ફ્લાવર, ઑલિવ ટ્રી અને પંખીઓ જેવી ડિઝાઇન્સ હોય છે. પ્લેટ્સ અને બાઉલ પર સિલ્વર કે કૉપર મેટલ બૉર્ડર ડિઝાઇન પણ હોય છે.
ટર્કીઝ ક્રૉકરીમાં એટલી સારી ગુણવત્તાના સ્પેશ્યલ રંગ વાપરવામાં આવે છે જે વર્ષો સુધી અકબંધ રહે છે અને ડિશવૉશર તથા માઇક્રોવેવમાં ઉપયોગ કર્યા બાદ પણ રંગ ખરાબ થતો નથી, પણ ટર્કીઝ ક્રૉકરીની કારીગીરી અને ડિઝાઇનને સાચવવા માટે એને હાથ વડે ધોવાની સલાહ આપવામાં આવે છે.
અનેક વરાઇટી અને ઉપયોગ
આ ક્રૉકરી ઑફિસ, હોટેલ, કિચન, ડાઇનિંગ એરિયામાં ડેકોરેટિવ પીસ તરીકે અને ડાઇનિંગ ક્રૉકરી તરીકે બન્ને રીતે વાપરવામાં આવે છે. રોજબરોજનાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે તથા સ્પેશ્યલ ઓકેઝન માટે ક્રૉકરીશોખીનો આ ક્રૉકરી વેર પર પસંદગી ઉતારે છે. ફૉર્મલ ડિનર અને પાર્ટીમાં પણ આ ક્રૉકરી વાપરવામાં આવે છે. કળા, કલ્ચર અને ક્રૉકરીના શોખીનોને ગિફ્ટ આપવા માટે આ એક સરસ ઑપ્શન પણ છે. ટર્કીની મુલાકાત લેનાર પોતાના સ્વજનોને ભેટ આપવા અચૂક આ ક્રૉકરી આઇટમ્સની ખરીદી કરે છે. કબાટમાં ગોઠવેલી આ રંગબેરંગી ક્રૉકરી આકર્ષક લાગે છે.
વરાઇટી સેટ
ટર્કીઝ ટી સેટમાં નાના ટ્યુલિપ શેપના ગ્લાસ અને રંગીન નાની ડિઝાઇન રકાબી હોય છે. ટર્કીઝ કૉફી સેટમાં ગરમ કૉફી માટે એક કીટલી જેવો પૉટ અને હૅન્ડલવાળા નાના કપ હોય છે. એના પર સરસ નાજુક ડિઝાઇન અને ઑર્નામેન્ટલ વર્ક હોય છે. ટર્કીઝ સિરૅમિક્સમાં રંગીન જુદી-જુદી ડિઝાઇન અને સાઇઝમાં મગ, બાઉલ, પ્લટ્સ, ફ્લાવરવાઝ, જગ, ગ્લાસ, કપ વગેરે બને છે. એકસરખી ડિઝાઇનના ટેબલ વેર તરીકે ઉપયોગી બ્રેકફાસ્ટ સેટ, લંચ અને ડિનર સેટ, સર્વિંગ બાઉલ, ટ્રે વગેરે મળે છે. ક્રૉકરી ઉપરાંત સિરૅમિક્સનાં જાર, પૉટ, નાની બૉટલ્સ, સૉલ્ટપેપર બૉટલ્સ, શોપીસ વગેરે બહુ સુંદર લાગે છે.
હજારો વર્ષ જૂનો ઇતિહાસ
૧૦,૦૦૦ વર્ષોથી જૂનો ઇતિહાસ ધરાવતી હૅન્ડમેડ સિરૅમિક ક્રૉકરીનું ટર્કીના ઇતિહાસ અને સંસ્કૃતિમાં આગવું સ્થાન છે. હૅન્ડમેડ ક્રૉકરી બનવાની કલાની શરૂઆત અન્તાલ્યામાં થઈ હતી. આ રંગીન સિરૅમિક કળા ટર્કીની ઓળખાણ બની ગઈ.
આ ક્રૉકરી જલદી તૂટતી નથી અને એનો આકાર અને રંગ સદીઓ સુધી એવો ને એવો જ રહે છે. એને કોઈ નુકસાન થતું નથી. ૧૨મી સદીમાં આ સિરૅમિક ક્રૉકરીમાં જ્યોમેટ્રિક આકાર અને પૅટર્ન મોટા ભાગે બ્લુ રંગના શેડ્સમાં બનાવવામાં આવતી હતી. ૧૫મી અને ૧૬મી સદીમાં સંસ્કૃતિમાં ઘણા બદલાવ આવ્યા. ઓટોમૅન એમ્પાયરના સમયમાં ટર્કી સિરૅમિક્સમાં વધુ વાઇબ્રન્ટ રંગો વપરાવા લાગ્યા. ૧૬મી સદીમાં ઓટોમૅન સુલતાનના ઇસ્તંબુલ દરબાર માટે ખાસ ઇઝનિક વેર ક્રૉકરી બનાવવામાં આવી અને એ ‘ઇમ્પીરિયલ વેર’ તરીકે ઓળખાય છે.