મોહે રંગ દો લાલ

11 December, 2024 04:45 PM IST  |  Mumbai | Kajal Rampariya

હિન્દુ સંસ્કૃતિના સોળ શણગારમાં સમાવિષ્ટ થતા પારંપરિક અળતાની ગ્લૅમરસ વાપસી થઈ છે એમ કહીએ તો ખોટું નથી. લગ્નની સીઝનમાં મિનિમલ લુક અપનાવતી બ્રાઇડ્સ હવે મેંદીને બદલે સિમ્પલ અને છતાં એલિગન્ટ બ્રાઇડલ લુક આપતા અળતાનો ઑપ્શન પસંદ કરી રહી છે

અળતાને સંસ્કૃતમાં લક્ષ્ય રસ કહેવાય છે

હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીઓના ૧૬ શણગારમાં સમાવેશ થતા અળતાના મહત્ત્વ વિશે બહુ ઓછા લોકોને ખબર હશે ત્યારે છાશવારે અવારનવાર બૉલીવુડ ફિલ્મોમાં એને હાઇલાઇટ કરવામાં આવે છે. આ સાથે પારંપરિક ભારતીય નૃત્ય કથકલી અને ભરતનાટ્યમમાં સ્ત્રી અને પુરુષોના શણગારમાં અળતાને સ્થાન અપાયું છે. તેમ છતાં મેંદીના ક્રેઝની પાછળ પારંપરિક શણગાર ગણાતા અળતાની સંસ્કૃતિનો બૉલીવુડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સોનાક્ષી સિંહાએ પોતાના બ્રાઇડલ લુકમાં સમાવેશ કરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ ઉપરાંત અંબાણી પરિવારના એક ફંક્શનમાં સોનમ કપૂરે પણ તેના હાથમાં અળતો લગાવીને ચર્ચાનું કારણ બની હતી. બૉલીવુડ અભિનેત્રીઓના આ મિનિમલિઝમના ટ્રેન્ડને જોઈને આજની બ્રાઇડ્સ પણ એનું અનુસરણ કરી રહી છે ત્યારે અળતાના ઇતિહાસ અને એના મહત્ત્વ વિશે થોડું જાણીએ.

અળતાનો ઇતિહાસ
અળતાને સંસ્કૃતમાં લક્ષ્ય રસ કહેવાય છે. એટલે કે લાખ, ગુલાબનાં પાંદડાંમાંથી બનાવવામાં આવેલો રસ. પહેલાંના સમયમાં કાચી લાખને પીસીને એમાં પાણી નાખીને પકાવીને અળતો તૈયાર થતો હતો. ઉપનિષદો અને કાલિદાસની રચના શાકુંતલમમાં અળતાનો ઉલ્લેખ થયો છે. કથા અનુસાર લાખના આ રસને હાથ અને પગ પર લગાવવાની શરૂઆત ઋષિ વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુંતલાએ કરી હતી. પૂજા કે લગ્ન જેવા શુભ પ્રસંગો દરમિયાન સ્ત્રીઓમાં અળતો લગાવવાનું ચલણ વધ્યું હતું. અળતાની વધુ એક મહત્ત્વની વાત એ પણ છે કે એ પર્યાવરણપૂરક છે. વેદોમાં પણ અળતાને દુર્ગા અને લક્ષ્મી માતા સાથે જોડવામાં આવ્યો છે. એ પવિત્રતાની સાથે સમૃદ્ધિનું પણ પ્રતીક હોવાથી દુલ્હને સોળ શણગારમાં લાલ રંગના અળતાને હાથ અને પગમાં લગાવવો જરૂરી માનવામાં આવતું હતું. તેને વિવાહિત જીવનની સફળતાનો સંકેત પણ માનવામાં આવે છે. અળતો લગાવવાથી સ્ત્રીઓના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી જાય છે.

અળતાની આજ
અળતાની જગ્યા હવે મેંદીએ લઈ લીધી હોવાથી અળતાનું અસ્તિત્વ અલોપ થઈ રહ્યું હતું. જોકે આજની તારીખમાં પણ ઉત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મહિલાઓ તેમનાં લગ્નમાં અથવા કોઈ શુભ પ્રસંગે હાથ અને પગમાં અળતાની ડિઝાઇન કરે છે. બૉલીવુડ ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં હિરોઇનોના હાથમાં અળતાની ડિઝાઇન નજરે ચડશે. ખાસ કરીને ‘દેવદાસ’ ફિલ્મમાં માધુરી દી​​ક્ષિત અને ઐશ્વર્યા રાયના લુકને એન્હૅન્સ કરવા માટે મેંદીને બદલે અળતાને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. ૧૮ વર્ષથી વધુનો અનુભવ ધરાવતી મુલુંડની મેંદી આર્ટિસ્ટ પૂર્વી ગડા કહે છે, ‘આજકાલની દુલ્હનોમાં મિનિમલિઝમનો ટ્રેન્ડ વધી રહ્યો હોવાથી તે મેંદીને બદલે અળતો લગાવવાનું પસંદ કરી રહી છે. બૉલીવુડ અભિનેત્રીઓ ટ્રેન્ડ બનાવે એટલે યુવતીઓ એને ફૉલો કરે, પણ અત્યાર સુધી ગુજરાતી બ્રાઇડે અળતો લગાવવાની ડિમાન્ડ કરી હોય એવું મારી સાથે બન્યું નથી. પણ હા, ગૃહપ્રવેશ દરમિયાન કંકુ પગલાં માટે તૈયાર કરવામાં આવતી થાળીમાં કંકુની સાથે અળતો પણ મિક્સ કરવામાં આવે છે. આપણા ગુજરાતીઓમાં અળતાને આ રીતે સ્થાન આપવામાં આવે છે, પણ આ રીત ગણ્યાગાંઠ્યા લોકોને જ ખબર છે. આ ઉપરાંત  બીજાં રાજ્યોની દુલ્હનોને મિનિમલ લુક જોઈતો હોય છે અને અળતાને પવિત્ર માનવામાં આવતો હોવાથી એ પોતાના હાથમાં મુકાવે છે. પશ્ચિમ બંગાળની મહિલાઓમાં અળતાનું આગવું મહત્ત્વ છે. હાથની સાથે પગની કિનારીઓમાં અળતો મુકાવે છે. એવું પણ કહેવાય છે કે અળતો અપ્લાય કરવાથી એ નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે.

અળતા વિશે જાણવા જેવું

અળતાનો રંગ પણ મેંદીના રંગની જેમ પાકો હોવાથી એ એક અઠવાડિયા સુધી રહે છે.

અળતાને અપ્લાય કરવામાં મેંદીની જેમ વધુ સમય નથી લાગતો. ૧૦ મિનિટમાં અપ્લાય કર્યા બાદ પાંચ મિનિટ એને સુકાવા દેવું.

અળતાને તાત્કાલિક રિમૂવ કરવો હોય તો નવશેકા પાણીમાં કપડું બોળીને હાથમાં ઘસવું. અથવા બેકિંગ સોડાથી પણ તાત્કાલિક અળતો જતો રહેશે.

ઠંડીના સમયમાં અળતો લગાવવાથી એ સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. પહેલાંના સમયમાં ખેતી કરતી સ્ત્રીઓ પાસે પહેરવા માટે ચંપલ ન હોવાથી છાશવારે અળતો લગાવતી હતી જેથી તેમના પગને થોડું રક્ષણ મળે.

અળતાને પહેલાં તો હાથેથી જ લગાવવામાં આવતો હતો પણ હવે પીંછી વડે હાથ અને પગમાં અરેબિક અને ઇન્ડિયન ડિઝાઇનની મેંદીની જેમ મૂકવામાં આવે છે.

fashion news fashion life and style sonam kapoor aditi rao hydari sonakshi sinha culture news uttar pradesh odisha west bengal beauty tips national news news columnists bollywood bollywood news