12 December, 2024 02:36 PM IST | Mumbai | Kajal Rampariya
કલીરા
બૉલીવુડ અભિનેત્રી કિઆરા અડવાણી, કૅટરિના કૈફ, અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી અને આલિયા ભટ્ટનાં લગ્નમાં સૌથી કૉમન ચીજ હતી કલીરા. બધી અભિનેત્રીઓએ પોતપોતાની રીતે કસ્ટમાઇઝ કલીરા પહેરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. પંજાબી દુલ્હનોમાં ચુડા સાથે લટકણ ધરાવતી બંગડી એટલે કે કલીરા પહેરવાનું આગવું મહત્ત્વ છે ત્યારે હવે ગુજરાતી દુલ્હનો પણ કલીરાની પ્રથાને અપનાવીને નવો ચીલો ચાતરી રહી છે. અત્યારે ગુજરાતી બ્રાઇડ્સ પણ નૉર્મલ કલીરા નહીં પણ કસ્ટમાઇઝ કલીરા અપનાવી રહી છે. તાજેતરમાં ગુજરાતી અભિનેત્રી પૂજા જોશી અને મલ્હાર ઠાકરનાં લગ્ન ચર્ચામાં હતાં ત્યારે પૂજાએ પહેરેલા કલીરા સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મલ્હારના નામની કલીરાની ડિઝાઇન લોકોને ગમી રહી હતી. મેંદીની જેમ કલીરાનો ઉપયોગ પણ તેઓ પોતાની લવસ્ટોરીની યુનિક જર્નીને દેખાડવા કરી રહી છે. કલીરામાં પણ કસ્ટમાઇઝેશન કરાવીને સ્ટોરી ટેલિંગનો કન્સેપ્ટ ગુજરાતી દુલ્હનોનો હૉટ ફેવરિટ બની રહ્યો છે એવું કહેવું ખોટું નથી.
કિંમત શું?
રેડીમેડ કલીરા આમ તો ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીમાં મળી જાય છે, પણ કસ્ટમાઇઝ કરાવવા જશો તો તે બ્રાઇડની ડિમાન્ડ પ્રમાણે ત્રણથી આઠ હજાર સુધીમાં બને છે.
કેવા કલીરા ટ્રેન્ડમાં?
મુલુંડમાં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરી રહેલા જ્વેલરી-ડિઝાઇનર મહેશ જાયસવાલ કલીરાના ટ્રેન્ડ વિશે જણાવે છે, ‘કલીરાનું ફંક્શન જ એટલું ઍટ્રૅક્ટિવ છે કે હવે ગુજરાતી અને મારવાડી બ્રાઇડ્સમાં પણ એનું ચલણ વધ્યું છે જેને લીધે હવે માર્કેટમાં કલીરાની ડિમાન્ડ પણ વધી છે. ટ્રેડિશનલી પંજાબી બ્રાઇડ્સ ઘઉંના દાણા, શંખ-છીપલાંને ભેગાં કરીને નાળિયેરની વાટકીમાં દોરા વડે પરોવીને કલીરા પહેરે એવો રિવાજ હતો, પણ ધીરે-ધીરે એની લોકપ્રિયતા વધી હોવાથી હવે એ બ્રાસ, કૉપર અને પ્લાસ્ટિકમાં પણ બનવા લાગ્યા છે. જોઈએ એ હિસાબે એમ્બ્રૉઇડરી વર્ક, કુંદન વર્ક, મોતી ને પર્લ વર્કવાળા કલીરા માર્કેટમાં ઉપલબ્ધ છે. ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ લુક માટે ઝૂમર ડિઝાઇનના કલીરાને દુલ્હનો વધુ પસંદ કરી રહી છે. એ ઉપરાંત હલ્દી અને મેંદી ફંક્શનમાં પણ તાજાં ફૂલોમાંથી બનાવેલા કલીરા પણ ખૂબ ચાલી રહ્યા છે. પરંપરાગત ડિઝાઇન પસંદ કરતી નવવધૂઓ હજી પણ પાંદડાની ડિઝાઇનવાળા કલીરા પહેરે છે.’
કેવું-કેવું કસ્ટમાઇઝેશન થાય છે?
માર્કેટમાં કલીરાની ડિમાન્ડ વધતાં એમાં નવી-નવી ડિઝાઇન પણ વધી ગઈ છે. કેવી ડિઝાઇન્સ ડિમાન્ડમાં છે એ વિશે મહેશ જાયસવાલ કહે છે, ‘ફ્લોરલ કલીરાની સાથે કોડી, પર્લ અને મીનાકારીવાળા કલીરાના ઑપ્શન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો દુલ્હને પેસ્ટલ કલરનો લેહંગો પહેર્યો હોય તો મીનાકારી વર્કવાળા કલીરા ક્લાસિક લુક આપશે. કલીરામાં ડોલીની ડિઝાઇન પણ હોય છે એ મૉડર્નની સાથે યુનિક લુક આપે છે. આજકાલ બ્રાઇડ્સ પોતાના કસ્ટમાઇઝ્ડ કલીરામાં તેનો અને તેના પતિનો ફોટો પણ લગાડવાની ડિમાન્ડ કરે છે તો કોઈ દુલ્હનને પોતાના કલીરામાં તેના પરિવારના સભ્યોનાં નામ જોઈતાં હોય છે. પહેલી વાર જ્યાં મળ્યાં હોય એ જગ્યાનો લોગો, પ્રપોઝ કર્યું હોય એ મોમેન્ટ, લગ્નની તારીખ, તેમના રિલેશનને લગતી કોઈ સ્પેશ્યલ ચીજોને ઍડ કરાવે છે. આ ઉપરાંત કોઈ બ્રાઇડને કંઈ નવું ટ્રાય કરવાનું મન થાય તો કોડીવાળા કલીરા પણ માર્કેટમાં મળે છે. આઉટફિટમાં કૉન્ટ્રાસ્ટ અથવા જ્વેલરી સાથે મૅચિંગ કલીરા પહેરવા હોય તો ટેસલવાળા કલીરા સારા લાગશે. એ ઉપરાંત પર્લ, સિલ્વર અને સ્ટોનવાળા કલીરાને પણ તમારા આઉટફિટ સાથે સ્ટાઇલ કરી શકો છો. કલીરા ઓછામાં ઓછા ૬ ઇંચ અને વધુમાં વધુ ૧૨ ઇંચ લાંબા હોય છે.’
કલીરાની પ્રથા વિશે
પંજાબી લોકોમાં દુલ્હનને લગ્ન પહેલાં કલીરા એટલે કે લાંબાં લટકણ ધરાવતી બંગડી પહેરાવવાની પ્રથા હોય છે. નવોઢાના સંબંધીઓ અને મિત્રો તેને આશીર્વાદ તરીકે કલીરા લઈ આપે છે. એ ફક્ત કન્યા અને સ્ત્રીઓની હાજરીમાં જ દુલ્હનને પહેરાવાય છે. એનો નાળિયેર જેવો આકાર હોય છે. એને પહેરાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેના સાસરે સમૃદ્ધિ જળવાઈ રહે. લગ્નમાં દુલ્હન કલીરા તેની કુંવારી બહેનો અને મિત્રો પર હાથ અથડાવે છે અને એવું માનવામાં આવે છે કે જેના પર કલીરાના ટુકડા પડે તેનાં લગ્ન જલ્દી થાય છે. આ રસમ લગ્નનો માહોલ હળવો કરે છે.