17 December, 2024 04:02 PM IST | Mumbai | Rajul Bhanushali
સાડી સાથે બ્લેઝર પહેરવાનો ટ્રેન્ડ
સાડી સાથે બ્લેઝર પહેરવાનો ટ્રેન્ડ હમણાંથી ચાલુ થયો છે. આ લુક એકદમ અફલાતૂન લાગે છે. સેલિબ્રિટીઝ સિવાય નૉર્મલ પબ્લિકમાં પણ ખૂબ ઝડપથી અપનાવાઈ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ શિલ્પા શેટ્ટીએ પૉપ્યુલર કર્યો છે. તેણે બ્લેઝર પ્લાઝો, ધોતી, લેહંગા અને સાડી એમ બધા જ આઉટફિટ સાથે પહેર્યું છે. તાજેતરમાં સંસદના એક સત્રમાં પ્રિયંકા વાડ્રાએ પણ સાડી સાથે બ્લૅક બ્લેઝર પહેર્યું હતું. હમણાં લગનસરાનાં ઘણાં મુરત નીકળે છે અને ઠંડી પણ ખૂબ છે અને જ્યાં ઠંડી પડે છે ત્યાં આ સ્ટાઇલ ખૂબ ચાલી નીકળી છે. એ સિવાય કૅઝ્યુઅલ વેઅરમાં પણ આ સ્ટાઇલ પૉપ્યુલર થઈ રહી છે. પરંતુ આ સ્ટાઇલ કરવી હોય તો શું-શું બાબતો ધ્યાનમાં રાખવાની, આની સાથે કઈ રીતે ઍક્સેસરીઝ પેર કરવાની, કલર-કૉમ્બિનેશન શું હોવું જોઈએ વગેરે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઠંડીની ફૅશન
ઠંડીની સીઝનમાં લગ્નપ્રસંગોમાં આ સ્ટાઇલ સરસ કૅરી કરી શકાય એમ છે એ વિશે ઘાટકોપરનાં ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ સંઘરાજકા કહે છે, ‘હમણાં ઘણી ઠંડી છે. ઓપન ગ્રાઉન્ડમાં કોઈ પ્રસંગ થતો હોય ત્યારે હેવી સાડી પહેરી હોય તો પણ ઠંડી લાગતી હોય છે. બ્લેઝરનું સ્ટાઇલિંગ એવે વખતે ઘણી સરસ રીતે કૅરી કરી શકાય છે. એના કારણે ઠંડી પણ નથી લાગતી અને લુક પણ હટકે મળે છે. હેવી સાડી સાથે મોસ્ટ્લી બ્રૉકેડનું બ્લેઝર બનાવવામાં આવે છે. એમાં અંદર લાઇનિંગના વૉર્મ લેયર્સ નાખવામાં આવે છે. આ રીતે ઠંડી પણ ન લાગે અને સ્માર્ટ વેઅર પણ થાય. જે લોકોને સાડી જેવો ટ્રેડિશનલ આઉટફિટ પહેરવો હોય પણ એમાંય ડિફરન્ટ લુક જોઈતો હોય એ લોકો માટે આ બેસ્ટ ઑપ્શન છે. ઘણી વાર એવું થાય છે કે લગ્ન પછી તરત જ રિસેપ્શન હોય ત્યારે વધુ સમય ન બગડે એ માટે અમે ઘાઘરા-ચોલી-દુપટ્ટા સાથે પણ બ્લેઝર પેર કરી આપીએ. સવારના ઘાઘરા-ચોલી-દુપટ્ટા પહેર્યાં હોય અને પછી રિસેપ્શનમાં ઉપર બ્લેઝર લઈ લેવાનું. બનારસી લેહંગા હોય તો એની સાથે વેલ્વેટનું બ્લેઝર ખૂબ સરસ રીતે પેર કરી શકાય છે અને વેલ્વેટ આમ ગરમ કાપડ પણ છે. ડેસ્ટિનેશન વેડિંગ હોય ત્યારે પણ આ સ્ટાઇલ કામ લાગે છે. એના કારણે ઓછા આઉટફિટ કૅરી કરવા પડે છે. મોસ્ટ્લી બ્લેઝરની સ્લીવ્સ લાંબી હોય છે એટલે એવા લુક વખતે હાથમાં પણ અલગથી ઍક્સેસરીઝ નથી પહેરવી પડતી. આપણી મમ્મીઓના કબાટમાં કાંજીવરમ જેવી ઓલ્ડ અને પ્યૉર સાડીઓ પડી હોય છે જેની હાલમાં કિંમત ખૂબ વધુ છે. એ સાડીઓ સાથે બ્લેઝર, જૅકેટ કે વેસ્ટ કોટ બનાવીને નવો લુક આપી શકાય. આ રીતે સાડીઓને ડ્રેપ કરવાની પણ ઘણીબધી સ્ટાઇલ નીકળી છે. થોડોક સ્ટાઇલિસ્ટ ડ્રેપ લઈને એમાં એક બે એલિમેન્ટ ઍડ ઑન કરવાથી લુક એન્હૅન્સ થઈ જશે. ક્યારેક સાડી સિમ્પલ હોય અને હેવી લુક લેવો હોય ત્યારે પણ બ્લેઝરનો ઑપ્શન કામ આવી જાય છે.’
જોકે આ સ્ટાઇલ દરેકેદરેક વખતે ન કરી શકાય. એ માટે સ્થળ કયું છે એ પણ જોવું પડે છે. એ વિશે રિદ્ધિ આગળ કહે છે, ‘બૅન્ક્વેટ હૉલ હોય તો આ ન ચાલે. હૉલમાં ભલે AC હોય પરંતુ માણસોની ગરમી લાગે અને એ સમયે જો આવાં બનારસી બ્રૉકેડ ટાઇપનાં બ્લેઝર પહેરીએ તો ગરમીથી હેરાન થઈ જવાય. એ વખતે બ્લેઝર થોડું પાતળા કાપડનું હોવું જોઈએ. જેમ કે કોઈ ટ્રાન્સપરન્ટ કાપડ હોય તો ચાલે. એનાથી આ સ્ટાઇલિંગ પણ કરી શકાશે અને એક એલિગન્ટ લુક મળશે સાથે ગરમી પણ નહીં લાગે.’
કડક ફૉર્મલ લુકમાં પણ ચાલે
આ સાડી પ્લસ બ્લેઝરની સ્ટાઇલ ફૉર્મલ ડિનર પાર્ટી કે ઑફિસની મીટિંગ હોય ત્યારે પણ કરી શકાય છે એ વિશે રિદ્ધિ કહે છે, ‘ઇન્ડિયન અટાયરની સાથે બ્લેઝર ઍડ ઑન કરવાથી કડક ફૉર્મલ લુક મળે છે. આવે વખતે ક્રેપ, સિલ્ક અથવા કૉટનની સાડી પહેરવી. બ્લેઝર પણ લિનન કે પ્લેન સિલ્કનું હોવું જોઈએ. એવા સમયે બહુ તામજામ ન કરવી, કારણ કે બ્લેઝર ઇટસેલ્ફ ઇઝ તામજામ. પ્રિન્ટેડ સાડી હોય તો બ્લેઝર પ્લેન હોવું જોઈએ. એની સાથે તમે પ્રિન્ટેડ બેલ્ટ પહેરી શકો. બ્લેઝર થોડું લૂઝ હોય તો એનાં બટન ખુલ્લાં રાખીને પણ પહેરવું. બ્લેઝરથી બૅક અને ફ્રન્ટ બન્ને સરસ રીતે ઢંકાઈ જાય છે એટલે પણ ઘણા લોકો ફૉર્મલ મીટિંગ્સ કે ઑફિસમાં આ લુક અપનાવવા લાગ્યા છે.’
સ્ટાઇલિંગ ટિપ્સ
સરસ ફિગર ધરાવતી સ્લિમ ટ્રિમ સ્ત્રીઓને તો આ સ્ટાઇલ શોભે જ છે પરંતુ જો થોડીક હેવી બૉડી હોય તો પણ આ સ્ટાઇલ કરી શકાય છે, પણ એ વખતે જાડાં બ્લેઝર કામ નહીં આવે. પાતળા કપડાનાં બ્લેઝર પહેરવાં અને એનું કપડું પણ ફ્લોઇ હોવું જોઈએ અને લેન્ગ્થ લાંબી હોવી જોઈએ. આવી રીતે સ્ટાઇલિશ લુક તો આવશે જ સાથે શરીરના વળાંકો પણ કવર થઈ જશે.