23 January, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તમે જોયું હશે કે ઘણી વાર આઇબ્રોનો ચોક્કસ શેપ ન આવે તો જાણે તમારો આખો લુક જ બદલાઈ જાય છે. શેપ સૂટ થાય તો ચહેરો ખીલી ઊઠે અને જો થોડીક પણ ગરબડ થાય તો એની માઠી અસર દેખાવ પર તો ઠીક, આત્મવિશ્વાસ પર પણ પડે.
આઇબ્રો કરાવ્યાના થોડા દિવસ પછી બે-ચાર નાના વાળ ઊગી નીકળ્યા હોય અને એને પ્લકર, એપિલેટર કે ફેસ રેઝરથી કાઢી નાખો તો ચાલે, પણ આ પ્રૅક્ટિસ રોજ કરવામાં આવે તો એનાથી લાંબા ગાળે નુકસાન થઈ શકે છે.
એપિલેટર એમાં સૌથી વધુ વપરાતું સાધન છે. દેખાવમાં પેન જેવી આ સિમ્પલ પ્રોડક્ટ આઇબ્રોને સરસ શેપ આપતી હોવાનો દાવો થાય છે. ઇન્ટરનેટ પર વિડિયો જોઈને અને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર એ ઈઝીલી અવેલેબલ હોવાથી એનો વપરાશ વધ્યો ભલે હોય, પણ એને કાયમી આદત ન બનાવી દેવો જોઈએ. ફેસ રેઝર કે એપિલેટર ઇમર્જન્સીનું સાધન હોવું જોઈએ, ડેઇલી વપરાશનું નહીં. આવું કેમ એનાં કારણો સમજીએ.
૧. આઇબ્રો એપિલેટર એક પ્રકારનું ટ્રિમર મશીન છે જે બૅટરીથી ઑપરેટ થાય છે. જો એ વાપરતી વખતે સહેજ પણ હાથ હલી ગયો તો ચહેરો બગડી શકે છે. એનાથી ક્યારેક જે વાળ નથી કાઢવાના એ પણ નીકળી જશે તો ટેમ્પરરી લુક સુધારવા જતાં મુશ્કેલીમાં મુકાઈ જવાશે.
૨. એપિલેટર હોય કે રેઝર, એની બ્લેડ કડક હોય છે. એનાથી દૂર કરવામાં આવેલા વાળ બહુ ઝડપથી પાછા ઊગી જશે. થ્રેડિંગ કરવાથી વાળ મૂળમાંથી ખેંચાય છે એટલે એને ફરીથી ઊગતાં પણ વાર લાગે છે. જ્યારે જાડી બ્લેડ વાપરવાથી વાળ જે ઊગશે એ પણ કડક હોવાની સંભાવના વધુ છે.
૩. પ્લકરથી ક્યારેક વાળ કાઢવામાં આવે તો એનાથી ત્વચા ખેંચાય છે. વાળ ખેંચતી વખતે જો તંગ પકડી રાખવામાં ન આવે તો વાળના મૂળમાં ઇરિટેશન થઈ શકે છે. પ્લકર વાપરવાનો ફાયદો એ છે કે એનાથી તમે વન બાય વન વાળ ખેંચીને કાઢી શકો છો, પણ જો એ પછી પ્લકર અને ત્વચાને બરાબર સાફ ન કરો તો વાળના મૂળમાં ફોડલી થવાની શક્યતાઓ રહે છે.