02 January, 2025 09:09 AM IST | Mumbai | Rajul Bhanushali
રિદ્ધિમા કપૂરે પહેરેલું ચોકર
ચોકર નેકલેસનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ગ્રીસ અને રોમ જેવી અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં ચોકરના ઉલ્લેખો મળી આવે છે. જૂના વખતમાં પુરુષો અને સ્ત્રીઓ બન્ને ગળામાં પહેરવાનો આ દાગીનો પહેરતા. વિક્ટોરિયન એરામાં તો ચોકર્સ વેલ્થ અને સ્ટેટસનાં પ્રતીક ગણાતાં. આપણા ભારતમાં પણ આ ઘરેણું સદીઓથી પહેરાતું આવ્યું છે. આ ચોકર ફરીથી ચર્ચામાં આવ્યાં છે. થોડા વખત પહેલાં વડા પ્રધાન સાથેની મુલાકાત વખતે રિદ્ધિમા કપૂરે એક ખૂબ જ સુંદર ચોકર પહેરેલું જે અત્યારે ટૉક ઑફ ધ ટાઉન બની ગયું છે.
મૉનોક્રોમ સાડી સાથે રિદ્ધિમાએ પહેરેલું ગ્રીન એમરલ્ડવાળું ચોકર ક્લાસિક લુક ક્રીએટ કરે છે. જ્વેલરી-ડિઝાઇનર પૂર્વી ઝવેરી ચોકર વિશે કહે છે, ‘ચોકર એટલે ગળા પર ચપોચપ પહેરાતો નેકપીસ. આ પ્રકારના નેકપીસ એલિગન્ટ લુક આપે છે. ખાસ કરીને જ્યારે એ સાડી સાથે પહેરવામાં આવ્યો હોય ત્યારે. ધ્યાન એટલું રાખવાનું કે બ્લાઉઝની નેકલાઇન થોડીક ડીપ હોય. એટલે કે ચોકર અને બ્લાઉઝની વચ્ચે લગભગ બેથી ત્રણ આંગળ જેટલી જગ્યા બચવી જોઈએ. રિદ્ધિમાએ પહેરેલા ચોકરની વાત કરીએ તો એ એક જડાઉ ચોકર છે. એમાં એમરલ્ડ, પોલકી ડાયમન્ડ અને મોતી યુઝ કરેલાં છે. નીતા અંબાણીએ દીકરા અનંતનાં લગ્નમાં એમરલ્ડ પહેરેલા ત્યાર બાદથી આ લીલાં રત્નોએ લોકોને ઘેલું લગાડ્યું છે અને અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે. રિદ્ધિમાએ પહેરેલી બેજ કલરની ગોલ્ડન બૉર્ડર લગાવેલી મૉનોક્રોમ સાડી સાથે આ ગ્રીન એમરલ્ડવાળું ચોકર કલાસિક લુક ક્રીએટ કરે છે. બ્લાઉઝનું ગળું ગોળ અને થોડુંક ડીપ છે. ચોકર પહેરવું હોય તો ગોળ ગળાનું
બ્લાઉઝ બેસ્ટ ઓપ્શન છે. કાનમાં પહેરેલાં ટૉપ્સ કે હાથમાં પહેરેલી બૅન્ગલ્સમાં પણ કોઈ કલર નથી અને એટલે જ બધું જ ધ્યાન ચોકર પર કેન્દ્રિત થાય છે અને એ વધુ જાજરમાન લાગે છે. જરાક પણ કોઈ એક્સ્ટ્રા એલિમેન્ટ નાખ્યું નથી એ આ લુકનો પ્લસ પૉઇન્ટ છે. રિદ્ધિમાએ પોતાની આ ઘરેણાની અદ્ભુત પસંદગી દ્વારા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, એણે પ્રસંગને અનુરૂપ સૉફિસ્ટિકેટેડ અને ગ્રેસફુલ લુક ક્રીએટ કર્યો હતો જે એક ફૅશન સ્ટેટમેન્ટ બની ગયું છે. ચોકરના ચારેક મુખ્ય પ્રકાર છે. હાંસડી, તલી, પૂતલી અને તનમનિયું. રાજસ્થાની અને ઉત્તર પ્રદેશની સ્ત્રીઓ લગ્નમાં ખાસ પ્રકારનું ચોકર પહેરે છે. ચોકર્સ જુદી-જુદી મેટલમાંથી પણ બને છે. સોનું, ચાંદી, બ્રાસ વગેરે. અગાઉ તો એ ચામડાના પટ્ટામાંથી કે શણમાંથી પણ બનતાં. હવે આર્ટિફિશ્યલ જ્વેલરીમાં પણ સરસ મજાનાં ચોકર મળતાં થઈ ગયાં છે.’ એ નોંધનીય છે કે રિદ્ધિમા કપૂર પોતે એક જ્વેલરી-ડિઝાઇનર છે. ૨૦૧૬થી રિદ્ધિમાએ પોતાની જ્વેલરી જાતે ડિઝાઇન કરવા માંડી હતી અને પછીથી તેમણે પોતાની ‘આર. જ્વેલરી’ નામની બ્રૅન્ડ પણ લૉન્ચ કરી છે.