સિર્ફ ઇઅરરિંગ્સ હી કાફી હૈ

29 November, 2024 10:27 AM IST  |  Mumbai | Heta Bhushan

કાનમાં શોભતાં મોટાં અને યુનિક ડિઝાઇનનાં લટકણ હોય કે મોટાં સ્ટડ્સ, તમારા લુકમાં આંખે ઊડીને વળગે એવાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ પહેરશો તો બીજા કોઈ આભૂષણની જરૂર નથી. કોઈ પણ લુકમાં એ વર્સેટાઇલ સ્ટાઇલ છે

મલ્ટિપલ ઝુમ્મર વિથ ચેઇન સ્ટાઇલ, ફૅન્સી સ્ટડ્સ

સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ એટલે બધાનું ધ્યાન ખેંચતી કાનમાં પહેરાતી સુંદર બુટ્ટીઓ. આ એવી બુટ્ટીઓ હોય છે જે સામાન્ય કદ કરતાં મોટી અને યુનિક ડિઝાઇનની હોય છે. તમારા ઓવરઑલ લુકમાં એ જ આંખે ઉડીને વળગે.  સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ એક એવું આભૂષણ છે જે પહેર્યા બાદ બીજું કોઈ ઘરેણું પહેરવાની જરૂર જ ન રહે. લાંબાં ડૅન્ગલર્સ, મોટા ગોળ કે ચોરસ સ્ટડ્સ, આકર્ષક ઝુમ્મર, પૂરા કાનને આવરી લેતા કાન, ડબલ ઝુમ્મર જેવી બુટ્ટીઓ એટલી સુંદર અને સરસ લાગે છે કે પછી જોડે બીજી કોઈ હેવી જ્વેલરી પહેર્યા વિના જ હેવી લુક કમ્પ્લીટ લાગે છે. સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ લુક હમણાં બધાની પહેલી પસંદ બની રહ્યો છે. યંગ ગર્લ્સ તો હવે પ્રસંગમાં ફુલ સેટના સ્થાને સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ લુક જ પસંદ કરે છે. લગ્નપ્રસંગ, પૂજા, સંગીત, ગેટ-ટુગેધર, ઈવનિંગ પાર્ટી, ઑફિસ પાર્ટી, ડિનર ડેટ, ગર્લ્સ ગેધરિંગ, કિટી પાર્ટી દરેક પ્રસંગે શોભે છે. જસ્ટ યુનિક ડિઝાઇનની બુટ્ટીઓ પહેરી કે તમે કોઈ પણ પ્રસંગ માટે રેડી થઈ જાઓ.

ગોલ્ડ ડિઝાઇનર સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ

સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ : એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ

કોઈ પણ આઉટફિટની સાથે મેળ ખાતી મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ કે એકદમ હટકે ઇઅરરિંગ્સ પહેરવાથી એલિગન્સ, સ્ટાઇલ અને પર્સનાલિટી દીપી ઊઠે છે. એનાથી ઇન્સ્ટન્ટ સ્ટાઇલ બૂસ્ટ થાય છે. કૅઝ્યુઅલ ડ્રેસથી લઈને લેહંગા-ચોલી સુધી દરેક સાથે એ સૂટ થાય.

ફૅન્સી ફ્લાવર ઇઅરરિંગ્સ

સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ સાથે ઑલ ન્યુટ્રલ લુક વધુ ઉઠાવ આપે છે. જેમ કે ન્યુડ મેકઅપ અને સિમ્પલ કલરના કૉસ્ચ્યુમ્સ. સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ સાથે નાજુક બ્રેસલેટ કે વીંટી પહેરી શકાય છે જે બૅલૅન્સ્ડ લુક આપે છે.

શૉલ્ડર ટચિંગ ફૅન્સી ઇઅરરિંગ્સ

ડ્રેસના રંગ, લુક અને જરીકામ બધાને ધ્યાનમાં રાખીને મૅચિંગ અથવા કૉન્ટ્રાસ્ટ કલર મૅચિંગમાં ઇઅરરિંગ્સ પસંદ કરવાં જોઈએ. વેસ્ટર્ન અને ટ્રેડિશનલ કે ફ્યુઝન આઉટફિટ સ્ટાઇલ પ્રમાણે ઇઅરરિંગ્સ પસંદ કરવાં. બ્રાઇટ કલરના આઉટફિટ સાથે અન્ય બ્રાઇટ કલરનાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ ઇન્ટરેસ્ટિંગ કલર બ્લૉક લુક આપે છે.

સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ સાથે મોટા ભાગે નેકલેસ પહેરવામાં આવતો નથી. ન્યુલી મૅરિડ યુવતીઓ નાનું પાતળું મંગળસૂત્ર પહેરે છે, બાકી મોટા ભાગે ગળામાં કશું જ પહેરવું નહીં.

સેલિબ્રિટી સ્ટાઇલ ઇઅરરિંગ્સ.

કેવી રીતે શોધવું પર્ફેક્ટ મૅચ?

સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ તમારા ચહેરાને ઉઠાવ આપે છે એટલે ચહેરાના આકારને ધ્યાનમાં રાખીને યોગ્ય ઇઅરરિંગ્સ પસંદ કરવાથી ઓવરઑલ લુકમાં ચાર ચાંદ લાગી જાય છે. ગોળ ચહેરો હોય તો લાંબાં લટકતાં ઇઅરરિંગ્સ પસંદ કરવા ચહેરાને લાંબો દેખાડે છે અને ગોળ સ્ટડ્સ કે ગોળ ડિઝાઇનવાળાં ઇઅરરિંગ્સ ન પહેરવાં.

ઓવલ ફેસ પર બધી જ સ્ટાઇલનાં ઇઅરરિંગ્સ શોભે છે.

ડાયમન્ડ ઇઅર કફ સ્ટાઇલ

ચોરસ શેપના ચહેરા પર ગોળ હૂપ ઇઅરરિંગ્સ અને લટકતાં લાંબા શૅન્ડેલિયર ઇઅરરિંગ્સ ચહેરાને એક લંબાઈ આપે છે અને સરસ લાગે છે.

હાર્ટ શેપ ફેસ પર બહુ લાંબાં અને સ્લિક ડિઝાઇન નહીં પણ જૉ લાઇન સુધી લટકતાં બ્રૉડ ડિઝાઇનનાં ઇઅરરિંગ્સ શોભે છે. 

વિવિધ સ્ટાઇલનાં ઇઅરરિંગ્સ

ક્રિસ્ટલ, બીડ્સ, સ્ટોન, બ્રાસ, ઑક્સિડાઇઝ્ડ, ફૅબ્રિક, વુડ, શેલ્સ વગેરેમાંથી ફૅશન સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ બનાવવામાં આવે છે. પ્રેશિયસ અને સેમી-પ્રેશિયસ સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ ગોલ્ડ, સિલ્વર, રોઝ ગોલ્ડ જેવી મેટલ અને કુંદન, મોતી, ડાયમન્ડ વગેરેમાંથી બનવવામાં આવે છે.

હૂપ ઇઅરરિંગ્સ : આ ક્લાસિક ઇઅરરિંગ્સ છે જેને નાનીમોટી રિંગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જાડી કે પાતળી રિંગ્સ એકદમ સિમ્પલ અથવા મોતી, ચાર્મ્સ ઍડ કરી ટ્વિસ્ટ સાથે પહેરવામાં આવે છે. એ ચહેરાને ફ્રેમ અને સ્લિમ લુક આપે છે. વેસ્ટર્ન આઉટફિટ સાથે આ ફર્સ્ટ ચૉઇસ ઑપ્શન છે. વધારે સ્ટાઇલ ઍડ કરવા ઓવરસાઇઝ્ડ હૂપ ઇઅરરિંગ્સ પસંદ કરવામાં આવે છે.

ઇઅર કફ

ડ્રૉપ ઇઅરરિંગ્સ : કાનની બૂટથી થોડા નીચે લટકતાં ઇઅરરિંગ્સમાં મોતી કે પ્રેશિયસ સ્ટોન કે બીડ્સ એક સરસ ગ્રેસ અને મૂવમેન્ટ આપે છે. એકસાથે ઘણાંબધાં લટકતાં ડ્રૉપ્સ સ્ટાઇલ ક્રીએટ કરે છે.

શૅન્ડેલિયર ઇઅરરિંગ્સ : ક્રિસ્ટલ, સ્વરૉવ્સ્કી, સ્ટોન, ડાયમન્ડ, મોતી અને બીડ્સમાંથી બનતાં આ લાંબાં ઇઅરરિંગ્સમાં મલ્ટિપલ ડિઝાઇન અને લેયર્સ હોય છે. એ લટકતાં શૅન્ડેલિયર જેવાં જાજરમાન લાગે છે.

ટૅસલ્સ ઇઅરરિંગ્સ : લટકતાં રંગબેરંગી રેશમ, મોતી કે ક્રિસ્ટલનાં ટૅસલ્સ કૅઝ્યુઅલ અને સેમી-કૅઝ્યુઅલ આઉટફિટ સાથે સરસ લાગે છે. પ્લેફુલ લુક આપે છે.

શૉલ્ડર ગ્રેઝિંગ ઇઅરરિંગ્સ : ઈવનિંગ પાર્ટીમાં ખભા સુધી લટકતાં એકદમ લાંબાં ઇઅરરિંગ્સ.

ટ્રેડિશનલ ઝુમ્મર : ઍથ્નિક સ્ટાઇલમાં દરેક આઉટફિટ સાથે ઝુમ્મર ઇઅરરિંગ્સ ઑલ ટાઇમ હિટ ફૅશન છે. તે ચૂડીદાર, અનારકલી, લેહંગા-ચોલી, શરારા વગેરે બધા સાથે શોભે છે. સિંગલ, ડબલ, ટ્રિપલ લેયર ઝુમ્મર, મોટી સાઇઝનાં ઝુમ્મર, ઝુમ્મર વિથ ચેઇન જેવી જુદી-જુદી સ્ટાઇલમાં મળે છે.

ચાંદ બાલી સ્ટાઇલ : લાંબી લટકતી ચાંદ બાલી ડિઝાઇન હંમેશાં ઇન ફૅશન છે અને કુંદન ચાંદ બાલી ડિઝાઇન દરેક આઉટફિટ જોડે મૅચ થઈ જાય છે.

સ્ટડ્સ : આ ડિઝાઇન કાનની બૂટ પર જ રહે છે. નીચે તરફ લટકતી નથી. ગોળ, ચોરસ, અન્ય ફૅન્સી ડિઝાઇનના મોટા ઓવરસાઇઝ સ્ટડ આઇ કૅચિંગ લુક ક્રીએટ કરવામાં હંમેશાં સફળ રહે છે.

ફુલ ઇઅર કફ : આખા કાનને આવરી લેતી ડિઝાઇનવાળા વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બન્ને સ્ટાઇલના ઇઅર કફ હેવી સ્ટેટમેન્ટ લુક આપે છે. મોરની ડિઝાઇનનાં ઇઅર કફ બહુ જ સુંદર લાગે છે. કાનની પાછળથી પહેરી લટકતાં લટકણવાળાં ઇઅર કફ સુંદર પાર્ટી લુક આપે છે. 

fashion news fashion life and style