ફિશ સ્પર્મ ફેશ્યલ

16 December, 2024 11:30 AM IST  |  Mumbai | Rajul Bhanushali

જપાન અને સાઉથ કોરિયામાં આજકાલ ઍન્ટિ-એજિંગ અને સ્કિન રિજુવનેટિંગ ટ્રીટમેન્ટ તરીકે ખાસ પ્રકારની માછલીના સ્પર્મથી ચહેરાનું ફેશ્યલ કરવાનું ટ્રેન્ડમાં છે. ખૂબ ઇફેક્ટિવ ગણાતી આ ટ્રીટમેન્ટ શું છે એ વિશે જાણીએ

ફેશ્યલ ટ્રીટમેન્ટ

માણસને સુંદર દેખાવાનું ગમતું હોય છે અને એ માટે તે નવી-નવી ટ્રીટમેન્ટ શોધતો હોય છે. સોશ્યલ મીડિયા પર આજકાલ સ્પર્મ ફેશ્યલ ટ્રીટમેન્ટ ખૂબ વાઇરલ થઈ રહી છે. આ ટ્રીટમેન્ટ ખાસ કરીને જપાન અને સાઉથ કોરિયા જેવા દેશોમાં લોકપ્રિય છે અને હવે આપણે ત્યાં પણ લોકપ્રિય થઈ રહી છે. એવું કહેવાય છે કે આ ટ્રીટમેન્ટ સ્કિન માટે ઘણીબધી રીતે ઇફેક્ટિવ છે.

આ ફેશ્યલ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સેજલ શાહ કહે છે, ‘આમાં સામન ફિશના સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પર્મ ફેશ્યલ એક ટાઇપની સ્કિન-ટ્રીટમેન્ટ છે જેમાં PDRN નામના મૉલેક્યુલનો ઉપયોગ થાય છે. PDRN એટલે પૉલિડીઑક્સિરિબોન્યુક્લિઓટાઇડ. સામન ફિશના સ્પર્મમાંથી DNAના પાર્ટિકલ્સ કાઢવામાં આવે છે. પછી એને પ્યુરિફાય કરીને ઇન્જેક્ટેબલ ફૉર્મમાં કે ક્રીમ ફૉર્મમાં સ્કિન-ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. અઢાર વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ  આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી શકે છે. આ ટ્રીટમેન્ટનો ઉપયોગ ઘણીબધી કૉસ્મેટિક કન્ડિશનમાં થઈ રહ્યો છે. ખાસ કરીને ઍન્ટિ-એજિંગ અને સ્કિન-રિજુવનેશનમાં આ ખૂબ ઇફેક્ટિવ સાબિત થઈ રહી છે. એ ઉપરાંત ફાઇન લાઇન્સ, રિંકલ્સ, અન્ડર આઇ લાઇન્સ, ડાર્ક સર્કલ્સ, ડલ સ્કિન, અનઈવન સ્કિન, એન્લાર્જ્ડ પોર્સ, પિમ્પલ્સના ડાઘ અને સ્ટ્રેચ્ડ માર્ક્સ જેવી સ્કિનની કન્ડિશનમાં સારું પરિણામ આપે છે. આ ટ્રીટમેન્ટથી સ્કિન રેડિઅન્ટ લાગે, ટેક્સ્ચર સ્મૂધ થાય, પિગમન્ટેશન ઓછું થાય અને સ્કિન થોડી ફર્મ પણ થવા માંડે.’

સામન સ્પર્મમાં ન્યુક્લિઇક ઍસિડની ઊંચી માત્રા હોય છે, જે સ્કિનના સેલ રિપેર અને રિન્યુઅલને પ્રોત્સાહન આપે છે. DNA એક્સ્ટ્રૅક્ટ્સ સ્કિન હાઇડ્રેશન અને ઇલૅસ્ટિસિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે. મૂળ તો સ્પર્મ ફેશ્યલને કારણે સ્કિનમાં કૉલેજનની માત્રા વધે છે અને એના  કારણે જ બધી રીતે અસરકારક સાબિત થાય છે. નિયમિત રૂપે સ્પર્મ ફેશ્યલ કરાવવાથી સ્કિનનો  ટોન અને ટેક્સ્ચર સુધરે છે, જેનાથી એ વધુ ચમકદાર બને છે.

કોણે સ્પર્મ ફેશ્યલ ટ્રાય ન કરવું?

જેમને ફિશ અથવા બીજા સીફૂડની ઍલર્જી હોય તેમણે આ ફેશ્યલ ન કરાવવું જોઈએ. એ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન અને બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી મમ્મીઓએ પણ ન કરાવવું. જો તમને બીજી કોઈ બીમારી હોય અને એની દવાઓ ચાલતી હોય તો ડર્મેટોલૉજિસ્ટનો ઓપિનિયન લીધા પછી જ આ ફેશ્યલ ટ્રાય કરવું. 

japan south korea beauty tips skin care life and style fashion news fashion columnists gujarati mid-day