23 October, 2024 08:41 AM IST | Mumbai | Heta Bhushan
બંગડીના સ્ટૅન્ડ પર મટકીમાં દીવડો.
કબાટ સાફ કરતી વખતે જૂની પૂર્વજોની યાદ અપાતી ઍન્ટિક ચીજો, દાદા-દાદીએ આપેલી ભેટ કે જેને ફેંકવાનો કદી જીવ ચાલતો નથી એનું શું કરવાનું? બંગડીઓ, કવર્સ, ચૂંદડીઓ, તૂટી-ફૂટી ગયેલા આર્ટિફૅક્ટ્સનાં ફ્લાવર્સ, વાયર્સ, રોપ્સ, જૂના દીવડા, કુલ્લડ, કાચની બરણી કે શીશીઓ ને એવુંબધું ભલે પહેલી નજરે નકામાં લાગે; પણ જો દિલમાં ક્રીએટિવિટીનો દીવડો જલતો હોય તો એમાંથી દીપાવલીના દીવડાનું મજાનું ડેકોરેશન તૈયાર થઈ શકે છે.
જૂનાં કોડિયાંને નવા રંગોથી શેડિંગ કરો.
જૂનું એટલું સોનું
જૂની ઍન્ટિક ફીલ આપતી વસ્તુઓ ટ્રેડિશનલ ડેકોરેશનમાં બહુ સરસ લાગે છે એટલે જો કોઈ જૂની ઍન્ટિક બરણી, ડબ્બો, પટારો, ઘડો, ટી-પૉટ કે કંઈ પણ ઍન્ટિક મળે એને સાફ કરી ચમકાવી કે રંગ કરીને ઉપયોગમાં લઈ શકાય. જૂની બરણીને રંગી ડિઝાઇન કરી એમાં ફૂલો, મોરનાં પીંછાં, ડ્રાય ફ્લાવર્સ કે ખોટાં ફૂલો ગોઠવી શકાય. જૂના કોતરણીવાળા ડબ્બાની અંદર દીવા ગોઠવી શકાય, કોઈ જૂનો પટારો, થાળી કે બાઉલ હોય એને ટેબલ ટૉપ કે સેન્ટર પીસ તરીકે ફૂલોની સાથે ગોઠવી શકાય. જૂના જમાનાના ઘડાને પ્લાન્ટર બનાવી શકાય અને જૂનાં ઘડા, બરણી વગેરે યુનિક ઍન્ટિક વાઇબ્સ ક્રીએટ કરે છે.
ઘડા અને ટી-પૉટમાં ડ્રાય ફ્લાવર્સ.
મીઠાઈની કે કુલ્ફીની નાની મટકીઓ હોય કે ચાનાં કુલ્લડ, એને ધોઈને રંગીને એને રંગોળીમાં ગોઠવીને, નાના પ્લાન્ટ્સ વાવીને ટેબલ ટૉપ તરીકે ઉપયોગ કરી શકાય. એ બહુ સરસ દેખાય છે. જૂની બંગડી પર તૂઈ બાંધી વચ્ચે નાની-નાની રંગીન મટકીઓ ગોઠવી એમાં મીણ ભરીને દીવા કરો.
જૂનાં કોડિયાંને નવા રંગોથી રંગી નાખો અને ગોલ્ડન અને સિલ્વર શેડિંગ કરો. સ્ટોન અને આભલાં ચિપકાવી ટ્રેન્ડિંગ ન્યુ લુક આપી દો અને આ કોડિયાંમાં દીવા કરી ઘર અને આંગણાની રંગોળી સજાવો.
કોતરણીવાળી ઍન્ટિક ચીજમાં દીવો.
જૂની બંગડીઓમાંથી દીવા અને લટકણ બનાવો. જુદા-જુદા રંગની કાચની બંગડીઓને એકસાથે ચિપકાવી કલરફુલ સ્ટૅન્ડ બનાવી એમાં દીવા મૂકવાથી બહુ સરસ રિફ્લેક્શન ક્રીએટ થાય છે જે બહુ સુંદર લાગે છે.
જૂના બૉક્સમાંથી ઝરુખા જેવો આકાર કાપી એને
જુદા-જુદા રંગોથી રંગીને, આભલાં અને સ્ટોનથી સજાવી કે પેઇન્ટિંગ કરીને એમાં દીવા મૂકી એક દીવાલ પર થોડા-થોડા અંતરે લગાડવાથી રૂમમાં સુંદર મહેલ જેવી આભા સર્જાય છે.
મેટલના જૂના ડબ્બાને ગોલ્ડન રંગીને દોરી કે સિંદરી કે સૅટિન રિબન સાથે હૅન્ગરમાં બાંધી એમાં ઇલેક્ટ્રિક દીવા મૂકીને વૉલ પર લગાડવાથી સુંદર ઉઠાવ આવે છે. ષષ્ટકોણ આકારના બૉક્સને રંગીને સૅટિન રિબન સાથે જોડીને એમાં દીવા મૂકી એન્ટ્રન્સ કે પૅસેજની વૉલને સુંદર સજાવી શકાય છે.
જૂનાં વાસણોમાં પ્લાન્ટેશન.
કાચના જૂના ગ્લાસને નીચેથી અડધા રંગીને અથવા એના પર જરી લગાવી અંદર મીણ ભરી દીવા બનાવો.
જૂના હૅન્ગરમાં દોરીથી નકામા બલ્બ લટકાવી એ બલ્બમાં ફૂલો ગોઠવી બારીમાં કે એન્ટ્રન્સ પાસે લટકણ તરીકે લગાવો.
કુકરની રિંગ, બૉક્સ, પ્લાસ્ટિક પાઇપ, કાગળના ગ્લાસ, પ્લાસ્ટિકની ચમચીઓ, CD વગેરે ઘણી વસ્તુઓથી લટકણ કે દિયા હોલ્ડર કે હૅન્ગિંગ લૅમ્પ બનાવવાના ઘણા આઇડિયાઝથી ઇન્ટરનેટ છલકાય છે.
મેટલના ગોળ ડબ્બામાં દીવા લટકાવો.
જૂની ડેકોરેશન આઇટમને નવો લુક
બધાના ઘરમાં જૂનાં તોરણ, ખોટાં ફૂલો, ગલગોટાનાં લટકણ, મોતીનાં લટકણ, રંગોળીઓ વગેરે હોય જ છે; પણ જૂનું વાપરવું નથી કે એકનું એક લાગે છે તો એને થોડો નવો લુક આપી દો. ગલગોટાનાં લટકણ તોરણની જેમ ન લગાવતાં એક-એક લડી નીચે કંકોતરીના ફૅન્સી પેપરના ચોરસ પીસ પતંગ આકારમાં જૉઇન કરો અને એના પર પેઇન્ટિંગ, સ્ટોન વર્ક કે કોઈ પૅચ લગાવો. આવી જ રીતે ફૂલનાં લટકણ કે મોતીનાં લટકણ સાથે જૂની રંગોળીના પીસ ઍડ કરી સરસ નવાં જ લટકણ બની જશે. જૂનાં મોતીનાં કે ક્રિસ્ટલનાં કે ફૂલનાં લટકણને એક ફૅન્સી રિંગ વચ્ચે રાખી બે બાજુથી જોડો અને તોરણ તરીકે ઉપયોગમાં લો. વચ્ચે રિંગ પાસે જૂનાં ફૂલો કે રંગોળીનો પીસ જૉઇન કરી શકો છો.
મીઠાઈનાં ખોખાંમાંથી વૉલ ડેકોર.
મોટાં ખોટાં જૂનાં ફૂલના હાર કે સૅટિન રિબનના બે હાર જૉઇન કરીને એમાં ફૅરીલાઇટ ઍડ કરી તોરણ બનાવી દો. આર્ટિફિશ્યલ રંગોળીના પીસમાંથી કંકોતરીના પીસને ગોળ અને ચોરસ કાપી આભલાંથી સજાવી ટી-લાઇટ હોલ્ડર બનાવી દો.