એક ઝટકે મેં ખતમ

23 May, 2024 07:22 AM IST  |  Mumbai | Heena Patel

ઝટપટ ખીલ દૂર કરવા આ શૉક આપતી સ્મૉલ ડિવાઇસની હાઇપ સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે ત્યારે સાંભળવામાં ઇન્ટરેસ્ટિંગ લાગતી આ નવી ટેકનિક ખરેખર કેટલી અસરકારક છે એ જાણવું જરૂરી

પ્રતીકાત્મક તસવીર

ખીલથી હવે બહુ વધારે પરેશાન નથી થવા જેવું. રાતોરાત નીકળી આવેલા ખીલને રાતોરાત મટાડવાનો દાવો કરતી ઇલેક્ટ્રિક શૉક આપવાની પદ્ધતિ હવે આવી ગઈ છે. ઝટપટ ખીલ દૂર કરવા આ શૉક આપતી સ્મૉલ ડિવાઇસની હાઇપ સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે ત્યારે સાંભળવામાં ઇન્ટરેસ્ટિંગ લાગતી આ નવી ટેકનિક ખરેખર કેટલી અસરકારક છે એ જાણવું જરૂરી બની જાય છે

સ્કિન કૅર માટેની આટલી બધી પ્રોડક્ટ્સ અને ડિવાઇસ માર્કેટમાં અવેલેબલ છે કે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ કે આમાંથી આપણા માટે કયાં કામનાં અને કયાં નકામાં છે. એમાં પણ સોશ્યલ મીડિયા પર કોઈ બ્યુટી-હૅક વાઇરલ થઈ જાય એટલે બધા હાથ ધોઈને એની પાછળ પડી જાય. આજકાલ હાઈ ફ્રીક્વન્સી વૉન્ડનો યુઝ ચર્ચાનો વિષય બન્યો છે, જેનો ઉપયોગ લોકો ચહેરા પરના ખીલને ઝડપથી દૂર કરવા માટે કરી રહ્યા છે. જનરલી ચહેરા પરના ઍક્ને દૂર કરવા માટે સમય લાગે છે અને એ પછી પણ એના સ્કાર રહી રહી જાય છે. હાઈ ફ્રીકવન્સી વૉન્ડ ટેક્નિકનો યુઝ કરીને લોકો ચહેરાની સ્કિનને હળવો ઇલેક્ટ્રિક કરન્ટ આપીને ખીલ મટાડી રહ્યા છે. તેમનો દાવો છે કે આ ડિવાઇસથી તેમના ઍક્ને ઝડપથી રિમૂવ થઈ રહ્યા છે અને ઇન્ફ્લેમેશન, રેડનેસ પણ જઈ રહી છે. એમાં જે કરન્ટ છે એ પણ કોઈ હળવેકથી ચીંટિયો ભરે એટલો જ ફીલ થાય છે. આ પ્રોડક્ટને લઈને સોશ્યલ મીડિયા પર જેટલી હાઇપ ઊભી કરવામાં આવી છે એટલી ખરેખર એ અસરકારક છે કે નહીં એ એક્સપર્ટ પાસેથી જાણીએ.

શું છે હાઈ ફ્રીક્વન્સી વૉન્ડ?

સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે લોકો જે હાઈ ફ્રીક્વન્સી વૉન્ડનો યુઝ કરી રહ્યા છે એ ડિવાઇસ શું છે અને એ કઈ રીતે કામ કરે છે. એનો જવાબ આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. ભરત ચાવડા કહે છે, ‘હાઈ ફ્રીક્વન્સી એક એવી ટેક્નિક છે જે ટાર્ગેટેડ થર્મલ એનર્જીનો ઉપયોગ કરીને ઍક્ને, એન્લાર્જ પોર્સ, ફાઇનલાઇન્સ અને રિન્કલ્સની ટ્રીટમેન્ટ માટે ઘણા લોકો યુઝ કરે છે. આ એક ઍડ્વાન્સ ફેશ્યલ ટેક્નિક છે જે લો લેવલ ઇલેક્ટ્રિકલ કરન્ટનો યુઝ કરીને ઍક્ને માટે કારણભૂત બૅક્ટેરિયા હોય એને મારવાનું કામ કરે છે અને જે ઇન્ફ્લેમેશન કે રેડનેસ હોય એને ઓછું કરે છે અને બ્લડ-સર્ક્યુલેશન સુધારે છે. હાઈ ફ્રીકવન્સી કરન્ટ કોલાજન પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરે છે, પરિણામે સ્કિનની ફર્મનેસ વધે છે અને રિન્કલ્સ તેમ જ ફાઇનલાઇન્સ ઓછી થાય છે.’

કેટલા કામના છે આ ડિવાઇસ?

સોશ્યલ મીડિયા પર આને લઈને જે હાઇપ ઊભી કરવામાં આવી છે એને ધ્યાનમાં લેતાં આ ડિવાઇસ કેટલી અસરકારક છે એ વિશે ડૉ. ભરત ચાવડા કહે છે કે ‘એક ડર્મેટોલૉજિસ્ટ તરીકે અમે પેશન્ટને ઍક્ને માટે જે મેઇન ટ્રીટમેન્ટ આપીએ છીએ એની ઍડિશનલ ટ્રીટમેન્ટ તમે આને ગણી શકો. ઍક્નેની સમસ્યા માટે ડર્મેટોલૉજિસ્ટ પાસે ઘણી સારી અને સ્ટ્રૉન્ગ ટ્રીટમેન્ટના ઑપ્શન્સ અવેલેબલ છે એની સરખામણીમાં હાઈ ફ્રીક્વન્સી વૉન્ડ ડિવાઇસની ઍક્ને પર એવી કોઈ ખાસ અસર થતી નથી. તમે એને મલ્ટિપલ ટાઇમ યુઝ કરો ત્યારે જઈને ખૂબ જ માઇલ્ડ કહેવાય એવો ફરક પડે છે. એટલે ફક્ત હાઈ ફ્રીક્વન્સી વૉન્ડનો યુઝ કરીને ઍક્ને ટ્રીટ થઈ જશે એવું નથી. તમને તમારા ડર્મેટોલૉજિસ્ટે જે મેડિસિન કે ક્રીમ આપી હોય એ અપ્લાય કરવાનું તો ચાલુ જ રાખવું પડે.’

વાપરવા કે નહીં?

હાઈ ફ્રીક્વન્સી વૉન્ડ વાપરવા જોઈએ કે નહીં અને એની કોઈ સાઇડ-ઇફેક્ટ છે કે નહીં એ વિશે ડૉ. ભરત ચાવડા કહે છે, ‘આ ડિવાઇસની કોઈ એવી મેજર સાઇડ ઇફેક્ટ નથી. તમે અઠવાડિયામાં એક-બે વાર ૫-૧૦ મિનિટ માટે એનો યુઝ કરી શકો. ઘરે યુઝ કરવા માટે જે હાઈ ફ્રીક્વન્સી વૉન્ડ આવે છે એમાં કૉમ્બ, સ્પૂન, મશરૂમ અને પૉઇન્ટ એમ ચાર અલગ પ્રકારની વૉન્ડ  ડિવાઇસ આવે છે. પૉઇન્ટ અને સ્પૂન વૉન્ડમાં વાયલેટ ગૅસ હોય છે જે ઍક્ને, રેડનેસ, ઇન્ફ્લેમેશન માટે હોય છે; જ્યારે મશરૂમ અને કૉમ્બ વૉન્ડમાં નિયોન (ઑરેન્જ) ગૅસ હોય છે જે હેર-ગ્રોથ, બ્લડ-સર્ક્યુલેશન અને સ્કિન રિજુવિનેશન માટે હોય છે. સ્પૂન અને મશરૂમને તમે ગાલ, કપાળ પર યુઝ કરી શકો; પૉઇન્ટ વૉન્ડ ઍક્ને, પિંપલ્સને સ્પૉટ કરવા માટે હોય છે જ્યારે કૉમ્બ વૉન્ડને તમારે સ્કૅલ્પ પર યુઝ કરવાનો હોય છે. આને તમે ઇચ્છો તો તમારા સ્કિન કૅર રૂટીનમાં યુઝ કરી શકો છો, પણ મારા મતે આ એક ઍક્ચ્યુઅલ ટ્રીટમેન્ટને બદલે બ્યુટી-મેકૅનિઝમ છે. એટલે સ્કિન કૅર રૂટીનના ભાગરૂપે તમારે આનો ઉપયોગ કરવો હોય તો કરી શકો.’

skin care fashion fashion news life and style columnists