કોરિયન ગ્લાસ સ્કિન બઢતી ઉમ્ર માનો થમ સી જાએ

07 June, 2024 07:37 AM IST  |  Mumbai | Laxmi Vanita

૬૦ વર્ષની વય હોય તો પણ ત્વચા ૨૫ વર્ષના હો એવી યુવાન દેખાય એવી કોરિયન ગ્લાસ સ્કિનનો ટ્રેન્ડ આજકાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. દુનિયાભરની મહિલાઓ આજકાલ કાચ જેવી ચમકદાર સ્કિન મેળવવા મથી રહી છે અને માર્કેટમાં પણ કોરિયન જેવી સ્કિન આપવાનો દાવો કરતી

પ્રતીકાત્મક તસવીર

૬૦ વર્ષની વય હોય તો પણ ત્વચા ૨૫ વર્ષના હો એવી યુવાન દેખાય એવી કોરિયન ગ્લાસ સ્કિનનો ટ્રેન્ડ આજકાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. દુનિયાભરની મહિલાઓ આજકાલ કાચ જેવી ચમકદાર સ્કિન મેળવવા મથી રહી છે અને માર્કેટમાં પણ કોરિયન જેવી સ્કિન આપવાનો દાવો કરતી પ્રોડક્ટ્સની ભરમાર છે ત્યારે ઘેરબેઠાં કોરિયન જેવી ચમકીલી ત્વચા મેળવવાના સાત રસ્તા આ રહ્યા

કોરિયન પૉપ મ્યુઝિકના કારણે કોરિયાની દરેક વસ્તુ વિશ્વમાં પ્રખ્યાત બની છે પછી એ ફૅશન હોય, કોરિયન રામ્યાન નૂડલ્સ હોય કે પછી કોરિયન સ્કિન-કૅર. એવું નથી કે માત્ર ભારતીયો કોરિયન ફૅશન અને બ્યુટી કૅરનું અનુસરણ કરી રહ્યા છે. અત્યારે તો આખી દુનિયામાં કોરિયન ડ્રામા અને કોરિયન પૉપને કારણે કોરિયન સ્કિન-કૅર હાઇજીન જબરી પૉપ્યુલરિટી મેળવી રહ્યું છે. આમ જુઓ તો ભારતમાં કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સનું આગમન તો કોરિયન મ્યુઝિક પ્રખ્યાત થયું એ પહેલાં જ થઈ ગયું હતું, પરંતુ એની જાણ હવે થઈ છે. આજે આપણે ટિક-ટૉક કે ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ થયેલા ટ્રેન્ડ કોરિયન જેવી ગ્લાસ સ્કિન અને એની જાણવા જેવી વાતો પર સ્કિન-એક્સપર્ટ સાથે વાત કરીશું.

ગ્લાસ સ્કિન શું છે?

છેલ્લાં ૧૦ વર્ષથી કૉસ્મેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. મોના ત્રિવેદી  કહે છે, ‘પોરલેસ (ચહેરા પરનાં છિદ્ર હજી ખૂલ્યાં ન હોય કે મોટાં ન થયાં હોય), લ્યુમિનસ (તેજસ્વી), એકદમ બેદાગ અને ત્વચાના રંગનો એક જ ટોન હોય એવી હાઇડ્રેટિંગ અને મૉઇશ્ચરયુક્ત ત્વચામાં કાચ જેવી ચમક આવે છે, જેના કારણે એને ગ્લાસ સ્કિન કહેવાય. કુદરતી રીતે આપણે પણ કોરિયનની જેમ ચળકતી ત્વચા મેળવી જ શકીએ છીએ. ચળકતી ત્વચાને રંગ કરતાં એની સંભાળ સાથે વધારે લેવાદેવા છે. તમને હું ત્વચાની કાળજી લેવાનાં આ સાત સ્ટેપ કહું છું, જે હું પોતે પણ અનુસરું છું. મારી ત્વચા જોઈને તમે મારી ઉંમર નહીં કહી શકો. મારી સ્કિનમાં તમને ચમક સો ટકા દેખાશે.’ 

પહેલાં ત્રણ સ્ટેપ્સ

છેલ્લાં ૨૧ વર્ષથી મેડિકલ ક્ષેત્રે પ્રૅક્ટિસ કરતાં ડૉ. મોના ત્વચા માટે લોકોની બેદરકારી વિશે વાત કરતાં આગળ કહે છે, ‘દિવસભરના થાક પછી ચહેરાનો મેકઅપ ક્લેન્ઝર વડે નથી ઉતારતા એના કારણે ત્વચાને ઘણું સહન કરવું પડતું હોય છે. સાત સ્ટેપ્સમાંથી સૌથી પહેલું સ્ટેપ છે વૉટર બેઝ્‍ડ ક્લેન્ઝર. આપણી પાસે ક્લેન્ઝરની ભરમાર છે એટલે તમને યોગ્ય લાગે એ વાપરી શકો છો. રાત્રે સૂતાં પહેલાં ત્વચાને એકદમ ક્લિયર, સાફ કરીને જ સૂવું જોઈએ. આ સ્ટેપની બેદરકારીને કારણે ત્વચામાં ડલનેસ આવી જાય છે. ત્યાર બાદ એક્સફોલિએશન એટલે કે ચહેરા પરના જે મૃતકોષો છે એને દૂર કરવા સ્ક્રબ કરીએ છીએ. એમાં હું લોકોને ખાસ સલાહ આપું છું, અઠવાડિયામાં એક કે બે જ વખત કરીએ તો ઇચ્છનીય પરિણામ મળે. એવા ઘણા લોકો છે જેઓ લગભગ બે કરતાં વધારે વખત કરે અને તેમની ત્વચા એકદમ રફ થઈ જાય છે. પછી ત્વચાનો એક જ ટોન એટલે કે એક જેવું જ ટેક્સ્ચર અને રંગ મેળવવા ટોનરનો ઉપયોગ કરીએ. ટોનર ત્વચાને હાઇડ્રેટ કરે છે, જે કોરિયન સ્કિન-કૅરમાં બહુ જ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.’ 

અને બાકીનાં ચાર સ્ટેપ્સ

૩૦ વર્ષની વય પછી ત્વચાની સંભાળ બહુ જરૂરી બનતી હોય છે. કોરિયન જેવી ત્વચાની સંભાળના અન્ય સ્ટેપ્સ જણાવતાં ડૉ. મોના કહે છે, ‘૩૦ વર્ષ પછી ચહેરા પર જે કરચલીઓ આવવાની શરૂ થાય છે એને સિરમથી મહદ અંશે રિવર્સ કરી શકાય છે. સિરમ પણ ત્વચાની સંભાળનું મહત્ત્વનું પગથિયું છે, કારણ કે એનાથી ત્વચાનું પિગમન્ટેશન ઓછું કરી શકાય છે. સિરમ લગાવ્યા બાદ ત્વચાને કવર કરવા કે શીલ્ડ કરવા માટે મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય સ્કિન-કૅરમાં જે એક વસ્તુની કમી છે અને કોરિયન સ્કિન-કૅરમાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એ છે ફેસ ઑઇલ. રોઝ હિપ ઑઇલ, જાસ્મિન ઑઇલ કે ત્વચાને અનુકૂળ ફેસ ઑઇલનાં બે કે ત્રણ ડ્રૉપ હાથમાં લઈને રાતે સૂતાં પહેલાં ચહેરા પર લગાવીને તમે સુઈ જાઓ. અમે જ્યારે કોઈને સ્કિન-કૅર માટે ઑઇલની સલાહ આપીએ ત્યારે ઊંચી ગુણવત્તાના ઑઇલની સલાહ આપીએ છીએ, જેની કિંમત લગભગ બે કે ત્રણ હજાર રૂપિયા સુધીની હોય છે. ટિક-ટૉકને કારણે કોરિયન ગ્લાસ સ્કિન માટેનો જે ક્રેઝ અત્યારે છે એ એટલા માટે છે કે કોરિયન મહિલાઓ ૫૦ કે ૬૦ વર્ષની હોય તો પણ તેમની ત્વચા ૨૦ કે ૨૫ વર્ષની યુવાન લાગે. એમની સ્કિન-કૅર એકદમ પદ્ધતિસર છે. ગ્લાસ સ્કિન મેળવવા માટેનું એક સૌથી મહત્ત્વનું અને છેલ્લું સ્ટેપ છે સનસ્ક્રીન, જે તમારી ત્વચાને દિવસ દરમ્યાન રક્ષાકવચ પૂરું પાડે.’

ગ્લાસ સ્કિન માટે શું ન કરવું?

આજની યુવતીઓને ખાસ ચેતવણી આપતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘ગ્લાસ સ્કિન કુદરતી રીતે મેળવવામાં તમારી ત્વચા પર પોર (છિદ્રો) ન હોય એનું ધ્યાન રાખવું. જો પોર્સ હોય તો ઑઇલ અને અન્ય કુદરતી સ્ટેપ્સની અસર જુદી થઈ શકે છે. પ્લસ સોશ્યલ મીડિયા પર જે બતાવવામાં આવે એ પ્રોડક્ટનો બે ક્ષણ માટે ઉપયોગ કરીને ગ્લાસ સ્કિન બતાવવામાં આવતી હોય છે. એમાં એ લોકો બે લેયર ફાઉન્ડેશન લગાવે છે અને એના પર ચળકતી પ્રોડક્ટ્સ લગાવે છે અને પછી કોરિયન ગ્લાસ સ્કિન હોવાનો દાવો કરે છે. એનાથી સ્કિનને નુકસાન જ થવાનું છે. તમને એ વાત પણ જણાવી દઉં કે આજે માર્કેટમાં ચળકતી એવી પ્રોડક્ટ્સ મળે છે જે તમે ગાલ, કપાળ અને નાક પર લગાવશો એટલે ચમક આપશે, પણ એ નુકસાનકારક છે. લોકો જ્યારે એ ટ્રેન્ડ જોઈને એવી પ્રોડક્ટ્સ દ્વારા ગ્લાસ સ્કિન ઇફેક્ટ ઊભી કરવાની કોશિશ કરે ત્યારે ત્વચાને નુકસાન થવાની સંભાવના વધારે રહે છે. કોરિયન ગ્લાસ સ્કિન મેળવવા માટે ઉપરનાં સાત સ્ટેપને અનુસરો અને પછી પરિણામ જુઓ. પછી એમાં આળસ ન ચાલે કે કોઈ પણ એક સ્ટેપ મિસ થાય તો એ પણ ન ચાલે.’

skin care beauty tips fashion fashion news life and style columnists