સાડી ગાઉન, ગાઉન સાડી

15 July, 2024 12:52 PM IST  |  Mumbai | Heta Bhushan

ટ્રેડિશનલ અને મૉડર્ન ડ્રેસિંગનું ગજબનાક ફ્યુઝન આજકાલ ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં ​હિટ થઈ રહ્યું છે. ઘરે રહેલી સાડીને ગાઉન લુક કેવી રીતે આપી શકાય અથવા સ્ટાઇલિશ ગાઉનને સાડી સાથે કેવી રીતે મર્જ કરી શકાય એની ઇન્ટરેસ્ટિંગ ટિપ્સ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

જો તમારી પાસે બહુબધી સાડીઓ છે, પણ ફૅન્સી ગાઉન પહેરવું છે અને એ પણ કોઈ ખર્ચ વિના કે દરજી પાસે ગયા વિના તો એ હવે સંભવ છે. ઘરની સાડીમાં જ તમે ફૅન્સી ગાઉન લુક મેળવી શકો છો. એવી રીતે જો તમે મૉડર્ન કપડાં પહેરો છો અને સાડી પહેરતાં આવડતું નથી તો ચિંતા ન કરો. ટ્રે​ડિશનલ ફંક્શનમાં પહેરવા રેડીમેડ ​​સ્ટિચ્ડ સાડી અને એમાં પણ સ્ટિચ્ડ ગાઉન સાડી મળે છે.

ફૅશનવર્લ્ડમાં અનેરી ઊથલપાથલ અને અદલાબદલી થતી રહે છે અત્યારે એક નહીં અનેક ઇન્સ્ટાગ્રામ વાઇરલ પોસ્ટ છે જેમાં પાંચ ફુટ લાંબી સાડી હવે સ્ટિચ્ડ સાડી અને એથી આગળ ગાઉન સાડીમાં ફેરવાઈ ગઈ છે. એક કે બે દુપટ્ટા અને સાડીને સ્ટિચ કર્યા વિના જ ફૅન્સી ગાઉનની રીતે પહેરવામાં આવે છે. અનસ્ટિચ્ડ ગાઉન અને સ્ટિચ્ડ સાડી બન્ને આજકાલની મૉડર્ન યુવતીઓની સ્ટાઇ​લિશ અને ઈઝી ટુ હૅન્ડલ ફૅશનની ઇચ્છા પૂરી કરે છે. આજકાલ પર્સનલાઇઝ્ડ અને ઈઝી ટુ વેર પણ સ્ટાઇલ સાથે પહેરતાં રેડીમેડ કપડાંનો ટ્રેન્ડ વધતો જાય છે. ચાલો જાણીએ આ અનોખી પૅટર્ન વિશે.

કમ્ફર્ટ સાથેનું સ્ટાઇલિંગ

અનસ્ટિચ્ડ ગાઉન અને સ્ટિચ્ડ સાડી આજકાલની ફૅશન-ડિમાન્ડની ઊપજ છે, ટ્રે​ડિશનલ અને મૉડર્ન ડ્રેસિંગ આઇડિયાનું કૉ​મ્બિનેશન છે. થાણે-વેસ્ટના સે​લિ​બ્રિટી સ્ટાઇ​લિસ્ટ અને ફૅશન-ડિઝાઇનર હેતલ શાહ કહે છે, ‘અનસ્ટિચ્ડ ગાઉનની વાત કરીએ તો એમાં લિમિટલેસ ફૅશન ક્રીએ​ટિ​વિટી છે. દરેક જણ પોતાની પસંદની સાડી કે દુપટ્ટાને પ્રસંગ અનુસાર, પોતાના ફિગર અનુસાર, સ્ટાઇલિસ્ટ કે ફૅશન-ડિઝાઇનરની મદદથી કે સોશ્યલ મીડિયા પર જોઈને પોતાના સ્ટાઇલ-પ્રેફરન્સ પ્રમાણે ગાઉનની જેમ પહેરી શકે છે. સાડી બૅકલેસ, ઑફ શોલ્ડર, વન શોલ્ડર, સ્લીવલેસ કે ટ્રાન્સપરન્ટ સ્લીવ સાથે, સાઇડ કે ફ્રન્ટ સ્લિટ લુકવાળા મૉડર્ન ગાઉન ફૉર્મમાં પહેરવામાં આવે છે. આજકાલ આ ટ્રેન્ડ એકદમ પૉપ્યુલર છે એનાં ઘણાં કારણો છે. તમે પ્રસંગ અનુસાર નવી ફૅશન પ્રમાણે નવો આઉટફિટ ઘરે જ કોઈ ટેલર કે ડિઝાઇનર પાસે ગયા વિના તૈયાર કરી શકો છો, દરેક પ્રસંગમાં નવું જ ગાઉન પહેરી શકો છો.’

દરેક વખતે નવો લુક

વેડિંગથી લઈને સોશ્યલ ગૅધ​રિંગ કે બર્થ-ડે પાર્ટી સુધી અનસ્ટિચ્ડ સાડી ગાઉન અત્યારે ઇનથિંગ છે. ​ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ મોટા ભાગે સિલ્ક, શિફોન, વેલ્વેટ, સૅ​ટિન જેવું ફૅબ્રિક કે સાડી પસંદ કરે છે. પ્લેન સાડી કે એમ્બ્રૉઇડરીવાળી સાડીને પણ સરસ ગાઉન લુક આપી શકાય છે. એમાં ફૅન્સી બ્રોચ, બેલ્ટ યુઝ કરી અન​સ્ટિચ્ડ સાડી ગાઉનને ફિટિંગ આપવામાં આવે છે અને સાથે-સાથે એક સ્ટેટમેન્ટ લુક પણ મળે છે. બીજી ખૂબી એ છે કે દરેક વખતે તમે જુદી-જુદી રીતે ડ્રેપ કરી, જુદા ઍડ-ઑન બ્રોચ કે બેલ્ટ કે બીજા પૅચ યુઝ કરીને કે બીજી સાડી જોડે કૉ​મ્બિનેશન કરીને સાવ જુદો જ લુક ક્રીએટ કરી શકો છો. સાથે-સાથે પહેરનારને જે રીતે શોભે એ રીતે સાડી ગાઉન સ્ટાઇલમાં ડ્રેપ કરવામાં આવે છે એટલે એ અટ્રૅક્ટિવ લાગે છે. સાથે લૉન્ગ ઇઅર-​રિંગ્સ કે સ્ટેટમેન્ટ નેકલેસ કે બ્યુ​ટિફુલ આર્મલેટ આ ગાઉન લુકને વધુ સુંદર બનાવે છે.

સ્ટિચ્ડ સાડીમાં અત્યારનો નવો ટ‍્વિસ્ટ

ટ્રેડિશનલ સાડીને મૉડર્ન લુક અને આજકાલની સાડી ન સંભાળી શકતી મૉડર્ન યુવતીઓ માટે કમ્ફર્ટ આપતું પર્ફેક્ટ ફૅશન ગાર્મેન્ટ છે સ્ટિચ્ડ સાડી. એમાં પહેલેથી જ સાડી અને એની પાટલી ​સ્ટિચ કરેલી હોય છે અને એ સ્કર્ટની જેમ પહેરી સાથે સ્ટિચ્ડ બાકીનો છૂટો ભાગ મૅચિંગ બ્લાઉઝ સાથે મનગમતી સાડીની રીતે પહેરી શકાય છે એ તો હવે કૉમન છે. એમાં રફલ સાડી ખૂબ જ ​હિટ છે. અત્યારનો નવો ટ્​વિસ્ટ ગાઉન સાડી સોશ્યલ મીડિયા પર હમણાં ખૂબ જ વાઇરલ છે. સ્લીવલેસ કે સ્લીવવાળું ફુલ લેન્થ ગાઉન અને સાથે કમર પાસેથી ​સ્ટિચ્ડ પલ્લુ જે સાડીની જેમ પહેરી શકાય. મજાની વાત છે ન મૅચિંગ બ્લાઉઝ કે ચણિયાની જરૂર અને પર્ફેક્ટ સાડી લુક બે મિનિટમાં રેડી... જ્યૉર્જેટ, સિલ્ક, ક્રેપ મટી​રિયલમાં ડિઝાઇનર સ્ટિચ્ડ સાડી એમ્બ્રૉઇડરી, લેસ, સીક્વન્સ સાથે બહુ સુંદર લુક આપે છે. ગાઉન સાડીમાં ફૅન્સી ફ્લાવર પ્રિન્ટ કે મૉડર્ન ​ડિ​જિટલ પ્રિન્ટ ઇનથિંગ છે.

ડિઝાઇનર ​ટિપ્સ

fashion fashion news life and style columnists