રાખડીઓમાં શું છે નવું?

08 August, 2024 09:45 AM IST  |  Mumbai | Heta Bhushan

ચાલો આ વર્ષે કંઈક નવી ક્રીએટિવ સ્ટાઇલની રાખડી જોઈતી હોય તો જોઈ લો, આ રહ્યા ઑપ્શન્સ

(ઉપર ડાબેથી) ઑર્ગેનિક સીડ રાખી, ચક્રના રંગોની રાખી, મૅચબૉક્સ રાખી; (નીચે ડાબેથી) ફની રાખડી, ક્રૉશે રાખી, રાઇસ રાખી

આમ તો સાદો રેશમનો દોરો પણ બાંધી દો તોય એ રક્ષા અને પ્રેમનું પ્રતીક જ કહેવાય, પણ રક્ષાબંધનમાં દર વર્ષે ભાઈ માટે કંઈક નવી, હટકે રાખડી લેવાની તાલાવેલી સૌને રહે છે. એક જોતાં બીજી ભૂલો એવી-એવી વરાઇટીની ડિઝાઇન્સથી ઑનલાઇન માર્કેટથી લઈને ઑફલાઇન બજારો અને હોમ-એક્ઝિબિશન્સ છલકાઈ રહ્યાં છે. તો ચાલો આ વર્ષે કંઈક નવી ક્રીએટિવ સ્ટાઇલની રાખડી જોઈતી હોય તો જોઈ લો, આ રહ્યા ઑપ્શન્સ...

ઇમિટેશન જ્વેલરીના રૉ-મટીરિયલનો જૉઇન્ટ બિઝનેસ કરતા ગોહિલ પરિવારનો દરેક સભ્ય રક્ષાબંધનની સીઝનમાં પોતાના કામની સાથે ૨૦૧૮થી રાખડીઓ પણ બનાવે છે. દેરાણી-જેઠાણી પ્રીતિ ગોહિલ, કાજલ ગોહિલ અને હેતલ ગોહિલ દર વર્ષે ૧૫૦ જેટલી નવી ડિઝાઇન બનાવે છે. પ્રીતિ ગોહિલ કહે છે, ‘અમારી ઘણી ડિઝાઇન ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થાય છે. જ્વેલરી રાખીમાં ડિઝાઇન અને ક્વૉલિટીમાં માસ્ટરી ધરાવતાં પ્રીતિ જણાવે છે કે અત્યારે શેડેડ કમળનું મોટિફ અને કુંદનનું કૉ​મ્બિનેશન એકદમ હિટ છે. અમે લોટસ રેન્જમાં ૧૦થી ૧૫ ડિઝાઇન બનાવી છે. ત્રિકોણ મીનાકારી પીસની રાખડી પણ બધાને બહુ ગમી રહી છે. બ્રેસલેટ રાખી, કુંદન, મીનાકારી પીસ, રુદ્રાક્ષ, મોતી, જપાન પર્લ, ગ્લાસ બીડ્સની રાખડીઓ હંમેશાં વેચાય છે.’  

નાનપણથી જ્વેલરી બનાવવાનો શોખ ધરાવતાં ડિઝાઇનર યામિની જોશી છેલ્લાં દસ વર્ષથી રાખડીનો બિઝનેસ કરે છે. ઘરમાં ઇનહાઉસ એક્ઝિબિશન કરતાં યામિની કહે છે, ‘સુખડનાં બીડ્સ, તુલસી પારા, ગોમતી ચક્રની રાખડી, નૅચરલ પર્લ, મધર પર્લ, રાઇસ પર્લ, અનકટ પર્લ આ વખતે એકદમ હિટ છે. કિડ્સ રાખડીમાં કાર્ટૂન રાખડીની સાથે ગેમ્સ, તેમના નામ લખેલી રાખડી કે ચૉકલેટ-રાખડી બધાને ગમી રહી છે. ભાઈ-ભાભી માટેની મૅચિંગ-કૉમ્બો રાખડીની ડિમાન્ડ વધારે છે. ભાભીને હાથની બંગડીમાં બાંધવામાં આવતી લુંબા રાખડી પરથી પ્રેરણા લઈને મેં આઠ વર્ષ પહેલાં જ ભાભી માટે બ્રેસલેટ, લટકતું ચાર્મ-બ્રેસલેટ, હાથપાન કે બૅન્ગલ જેવી રાખડીઓ બનાવવાની શરૂઆત કરી હતી જે બધાને બહુ ગમી હતી અને એક વાર નહીં જ્યારે પહેરવું હોય ત્યારે પહેરી શકાય એવી આ ડિઝાઇનર-જ્વેલરી રાખી અત્યારે પણ બધાની ફર્સ્ટ ચૉઇસ છે.’

જ્વેલરી મેકિંગ શીખીને ૨૦૧૯થી રાખડીઓ બનાવતાં કાંદિવલી-ઈસ્ટનાં હિરલ શાહ અત્યારે પોતાના હસબન્ડ તેજસ, મમ્મી અને એક હેલ્પરની મદદથી હોલસેલર અને હોમ એક્ઝિબિશન કરનારા લેડીઝ અને ઑનલાઇન ડિજિટલ માર્કેટિંગ કરતા બધાને રાખડી આપે છે. તેમની દસ વર્ષની દીકરી પણ રાખડી બનાવે છે એમ પ્રાઉડથી કહેતાં હિરલ જણાવે છે કે ‘રાખડીમાં નવું-નવું આવે છે, પણ ટ્રેડિશનલ કુંદન તો ઑલટાઇમ હિટ છે અને રહેશે. દરેક ઉંમરના ભાઈને બાંધી શકાય એવી કુંદન રાખડીઓ હું બનાવું છું. રાખડીની ડિઝાઇનમાં ઓમ બધી બહેનોની પહેલી પસંદ છે. આ વખતે ગોમતી ચક્ર સાથે ઓમનું કૉ​મ્બિનેશન બનાવતી રાખડી હૉટ-કેકની જેમ વેચાઈ રહી છે.’

માર્કેટમાં શું છે નવું?

ક્રોશે રાખડીઃ ન્યુ બૉર્ન બેબી-બૉયની ફર્સ્ટ રક્ષાબંધનને યાદગાર બનાવવા તેને વાગે નહીં એવી અને મોઢામાં નાખે તો કંઈ જ નુકસાન ન થાય કે ગળી ન જાય એવી રાખડીઓ ખાસ બનાવવામાં આવે છે. ‘માય ફર્સ્ટ રાખી’ એમ્બ્રૉઇડરી કરીને બનાવેલી રાખડી સુપરહિટ છે. બાળકો માટે સૉફ્ટ રેશમ કે ઊનમાંથી નાનકડી ક્રોશે રાખડી બહુ ક્યુટ લાગે છે.

પેટ ડૉગ અને કૅટ માટે રાખડીઃ  આજકાલ તો નવા જેન ઝી ટ્રેન્ડમાં યંગ ગર્લ્સ પોતાના લવિંગ પેટ ડૉગ કે કૅટને ‘માય પેટ’ લખેલી એમ્બ્રૉઇડરી કરેલી રાખડી પસંદ કરે છે. કૂતરાના પગની છાપની ડિઝાઇનવાળી રાખડી, ક્રોશે કે પ્લાસ્ટિક કે અન્ય મટીરિયલમાંથી બનાવેલી બોન શેપની રાખડી ખાસ પેટ ડૉગી માટે મળે છે.

હમસા હૅન્ડ ઍન્ડ ઇવિલ આઇ રાખીઃ આમ તો ઇવિલ આઇ ટ્રેન્ડ બેથી ત્રણ વર્ષથી હિટ છે. આ વર્ષે નવો ટ્રેન્ડ છે, હમસા હૅન્ડની વચ્ચે ઇવિલ આઇ રાખીની ડિઝાઇન પસંદ કરવામાં આવી રહી છે.

જ્વેલરી રાખીઃ પ્રેમને સ્નેહનો શણગાર ગણાતી રાખડીનો જ્વેલરી લુક એકદમ હિટ છે. વિવિધ મેટલ, ડાયમન્ડ, કુંદન, મીનાકારી, પાચીકામ, જડતર, મોતી, બીડ્સ વગેરેથી વિવિધ ડિઝાઇનમાં મળતી રાખડીઓ ઑલટાઇમ હિટ છે. એ તહેવાર બાદ પણ પહેરી શકાય છે એટલે બધાની પહેલી પસંદ બને છે. એમાં દર વર્ષે નવા મોટિફ, નવી ડિઝાઇન અને સ્ટાઇલ આવતી રહે છે. કમળ, હાથી, મોર, રાજારાણી કે રાધાકૃષ્ણ વગેરે ખાસ પસંદ કરવામાં આવે છે. બ્રેસલેટ, બૅન્ગલ, હાથપાન જેવી રાખડીઓ પણ જ્વેલરીપ્રેમી ભાભી માટે પસંદ કરવામાં આવે છે, જે પછી પણ પહેરી શકાય છે. 

હાઈએન્ડ રાખડીઃ રિયલ સિલ્વરની રાખડીઓમાં ફૂલ, ગણેશ, ઓમ, સાથિયો, બંસરી જેવી અનેક ડિઝાઇન મળે છે. રિયલ ગોલ્ડ, વાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડમાં ડાયમન્ડ કે પ્રેશિયસ સ્ટોન જડેલી રાખડીઓ પણ ભાઈ અને ભાભી માટે અનેક ડિઝાઇનમાં ઓછા વજનમાં પણ મળે છે.

રિલિજિયસ રાખીઃ રુદ્રાક્ષ સાથે બનેલી ત્રિશુલ ડમરુ ડિઝાઇન, નાડાછડીમાં કે લાલ, પીળા દોરામાં ગુંથેલો સાથિયો, ઓમ લખેલી, ફૅન્સી મૉડર્ન ગણેશ, કૃષ્ણ ભગવાન કે તેમની મોરલી અને મોરપીંછ, શ્રી જેવા અનેક રિલિજિયસ થીમની રાખડીઓ હંમેશાં ડિમાન્ડમાં રહે છે. લક્ષ્મીજીને પ્રિય એવા ગોમતી ચક્ર ગૂંથેલી રાખડી પણ શુભ ગણાય છે.

સાત ચક્રની રાખડીઃ શરીરમાં ઊર્જા વહન કરતાં મુખ્ય સાત ચક્ર છે અને દરેક ચક્રની સાથે જુદા-જુદા રંગ સંકળાયેલા છે. મૂલાધાર ચક્ર-લાલ રંગ, સ્વાધિસ્થાન ચક્ર-કેસરી રંગ, મણિપુર ચક્ર-પીળો રંગ, અનાહત ચક્ર-લીલો રંગ, વિશુદ્ધ ચક્ર-વાદળી રંગ, આજ્ઞા ચક્ર-ડાર્ક બ્લુ, સહસ્ત્રાર ચક્ર-જાંબલી રંગ. ઊર્જાના કેન્દ્ર ગણાતાં આ ચક્રો રંગોની ઊર્જાથી ઍ​ક્ટિવેટ રહે છે. શરીરના દરેક ચક્રના રંગો પ્રમાણેનાં બીડ્સથી બનેલી રાખડી ભાઈને હેલ્થ અને વેલ્થ બન્ને આપે છે એટલે એ એકદમ ડિમાન્ડમાં છે. ભાઈ અને ભાભી બન્ને માટે જુદી-જુદી ડિઝાઇનમાં ચક્ર-રાખડી મળે છે

ઇકો-ફ્રેન્ડ્લી રાખી : મિટ્ટી સે મિટ્ટી તક થીમ સાથે તુલસી, લીમડો, સૂરજમુખી કે બીજાં કોઈ પણ બીજ અને માટી મિક્સ કરી ‘સીડ રાખી’ બનાવવામાં આવે છે જે એકદમ ઇ​ન-થિંગ છે. રક્ષાબંધનની ઉજવણી બાદ એ રાખડીને જમીનમાં કે કૂંડામાં વાવવામાં આવે છે અને પ્રેમ સાથે પ્રકૃતિ પણ ખીલે છે. આ સાથે માટીમાંથી બનાવેલી રાખડી, ટેરાકોટા રાખડી, ઘઉં-ચોખા જેવાં અનાજ, જૂટ, પેપર, ક્રોશે, કૉટન ફેબ્રિક, ડ્રાઇફ્રૂટ રાખડીઓ પણ એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી છે અને લોકો એને પસંદ કરી રહ્યા છે.

હૅન્ડમેડ રાખી : ક્રીએટિવ સિસ્ટર પોતાના ભાઈને પોતાના હાથે બનાવેલી રાખડી બાંધવાનું પસંદ કરે છે. ક્રોશે ફેબ્રિક રાખી, પૉલિમર કલે, ગોટા પટ્ટી પેચ, શાઇનિંગ ફોમ પેપર, સિંદરી જૂટ, સાટીન રીબીન, ઇઅર-બડ, રેસીન, ઊન, પેપર ​ક્વિલિંગ, ફૅન્સી બટન, ઓરિગામી, કલે, વુડન બીડ્સ, ચંદન બીડ્સ, કોડી, છીપલાં વગેરેમાંથી જુદી-જુદી ડિઝાઇનની સુંદર રાખડીઓ બહેનો બનાવે છે. ખાસ હૅન્ડમેડ રાખડી કૉ​મ્પિટિશન પણ ઘણી સંસ્થા અને સોસાયટીઓમાં થાય છે.

બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ : પિસ્તાંના શેલ્સ, પમ્પકિનનાં બી, ઇટરબડ્સ, પેન્સિલનાં છોતરાં, સિંદરી, વપરાયેલાં શ્રેડેડ પેપર, સેફ્ટીપિન્સ, દીવાસળી જેવી વેસ્ટ આઇટમ્સમાંથી પણ સુંદર રાખડીઓ બને છે.

fashion news fashion life and style columnists raksha bandhan