ફૅશનમાં પણ છવાઈ છે પિછવાઈ

16 May, 2024 07:57 AM IST  |  Mumbai | Heta Bhushan

પિછવાઈ આર્ટ સ્ત્રી-પુરુષો અને બાળકોનાં કપડાંમાં પણ વપરાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

પિછવાઈ આર્ટ હવે માત્ર વૉલ આર્ટ જ નથી પણ ડ્રેસ, સાડી, બ્લાઉઝ, કુરતી, દુપટ્ટામાં પણ  ટ્રેડિશનલ પિછવાઈ પેઇન્ટિંગ છવાયેલું છે. આ ફૅશન ટ્રેન્ડ જૂની અને ભુલાઈ રહેલી આર્ટને રિવાઇવ કરવાનો હેતુ પણ સર કરે છે. રાજસ્થાનની આ કલાને ફૅશન વર્લ્ડમાં નવો આયામ અપાઈ રહ્યો છે ત્યારે પિછવાઈ આર્ટ સ્ત્રી-પુરુષો અને બાળકોનાં કપડાંમાં પણ વપરાઈ રહી છે

પિછવાઈ પેઇન્ટિંગ એ મૂળે ૧૭મી સદીની રાજસ્થાનની પરંપરાગત લોકકલા છે. ભગવાન શ્રીનાથજીનાં મંદિરોની દીવાલને શણગારવા એની ઉપર સુંદર ચિત્રકામ થતું.   લગભગ ૪૦૦થી વધુ વર્ષ પહેલાં આ કલાની શરૂઆત થઈ હતી. રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીના મંદિરની દીવાલ પર અને કપડા પર સુંદર પેઇન્ટિંગ કરવામાં આવતું. મોટા ભાગે ભગવાનની શ્રીનાથજીની મૂર્તિની પાછળ આ પેઇન્ટિંગ કરેલું કપડું લટકાવવામાં આવતું અને એટલે જ આ ચિત્રકલા ‘પિછ’ એટલે પાછળ અને ‘વાઈ’ એટલે લટકાવવું એમ ‘પિછવાઈ ચિત્રકળા’ નામ મેળવી જાણીતી બની. પિછવાઈ પેઇન્ટિંગમાં કલાકારો દ્વારા મુખ્યત્વે ગાય, કમળ, કમળની કળીઓ, કમળનાં પાન, મોર, ઝાડ, ગોપીઓ, ભગવાન કૃષ્ણના જીવન પ્રસંગો, ભગવાન શ્રીનાથજીની ઝાંખીઓ દર્શાવવામાં આવે છે. કુદરતી ખનીજો અને ફૂલ-પાન-છોડમાંથી બનાવેલા પ્રાકૃતિક રંગોથી આ પેઇન્ટિંગ કરવામાં આવે છે. એમાં રિયલ ગોલ્ડ અને સિલ્વરનો પણ ઉપયોગ થાય છે. આ કળામાં યલો, પિન્ક, રેડ, ગ્રીન, ઑરેન્જ જેવા વાઇબ્રન્ટ રંગો માટે પ્રખ્યાત છે. હવે આ કળા એટલી લોકપ્રિય બની છે કે એના સુંદર વૉલપીસ બને છે. કાગળ, કૅન્વસ, રેશમ વગેરે પર પિછવાઈ પેઇન્ટિંગ કરવામાં આવે છે. 

આ સુંદર અને નાજુક ચિત્રકલા હવે વિવિધ ગાર્મેન્ટ્સ પર પણ આવી ગઈ છે અને કલાપ્રેમીઓ માટે એ ટ્રેડિશનલ આર્ટ અને મૉડર્ન ફૅશનનું સુંદર કૉમ્બિનેશન બની ગઈ છે. તમે જો એકદમ હટકે, આર્ટિસ્ટિક અને છતાં કન્ટેમ્પરરી લુક મેળવવા ઇચ્છતા હો તો આ ટ્રેન્ડ ફૉલો કરવા જેવો છે.

ફૅશનમાં પ્રયોગ 
ઘણાબધા ફૅશન-ડિઝાઇનર દ્વારા આ પિછવાઈ પેઇન્ટિંગને જુદી-જુદી રીતે ફૅશન સાથે ભેળવી વિવિધ પ્રયોગો કરાયા છે. પિછવાઈ મોટિફ્સની સાડીઓ ખૂબ જ લોકપ્રિય સ્ટાઇલ-સ્ટેટમેન્ટ સાબિત થાય છે. સિલ્ક પર હૅન્ડપેઇન્ટેડ સુંદર સાડીઓમાં ક્રીમ, પિન્ક, લાઇટ ગ્રીન, લાઇટ યલો જેવા રંગ પર બ્રાઇટ પેઇન્ટિંગ બૉર્ડર અને પાલવમાં કરવામાં આવે છે અથવા આખી સાડીમાં પેઇન્ટિંગ કરવામાં આવે છે. વિવિધ સાડીઓ વાઇબ્રન્ટ કલર્સ અને ડિઝાઇનમાં હૅન્ડ-પેઇન્ટેડ મળે છે અને સાથે-સાથે હવે ડિજિટલ પ્રિન્ટિંગમાં પિછવાઈ પ્રિન્ટની સાડીઓ પણ ઓછી કૉસ્ટમાં ઉપલબ્ધ છે. સાડી સાથે સાડી બ્લાઉઝમાં સ્લીવ્સ અને બૅકમાં પિછવાઈ પેઇન્ટિંગ કરવામાં આવે છે જે પ્લેન સાડી અને પિછવાઈ પેઇન્ટિંગ કરેલી સાડી સાથે કૉન્ટ્રાસ્ટ મૅચિંગમાં બહુ સુંદર લાગે છે. બાંધણી કે બનારસી સાડી સાથે પિછવાઈ પેઇન્ટિંગનું સાડી બ્લાઉઝ એથ્નિક ફૅશનમાં ઇન થિંગ છે.

લેહંગા-ચોલીમાં તો એ સુપર્બ લાગે જ છે પણ મૉડર્ન ફૅશનેબલ ડિઝાઇનના ફ્યુઝન આઉટફિટમાં પણ જો પ્લેન મટીરિયલ પર મૉડર્ન કટ સાથે આ કળા કરી હોય તો ખૂબ ખીલી ઊઠે છે.
પિછવાઈ પેઇન્ટિંગ કરેલા સુંદર ડ્રેસ-મટીરિયલ પણ મળે છે. એમાં નેકલાઇનમાં પેઇન્ટિંગ કે પછી ફ્રન્ટમાં, પૅનલમાં કે બૉર્ડરમાં પેઇન્ટિંગ હોય છે. ડિફરન્ટ લુક માટે ફ્રન્ટમાં નાનકડી બુટ્ટીઓ અને બૅકમાં ફુલ પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે. પ્લેન ડ્રેસ સાથે સુંદર રાધાકૃષ્ણ કે શ્રીનાથજી ભગવાન કે ગાય અને કમળના પેઇન્ટિંગવાળો દુપટ્ટો પણ એથ્નિક લુક આપે છે. 
ઘણા ફૅશન-ડિઝાઇનર પોતાની ડિઝાઇનમાં પિછવાઈ પેઇન્ટિંગ નહીં પણ એ પેઇન્ટિંગ જેવી ડિઝાઇન પર સુંદર એમ્બ્રૉઇડરી, જરી કે મોતીકામ કરી સુંદર સ્ટેટમેન્ટ પીસ બનાવે છે. 

મોટિફ્સની વિશેષતા 
મનીષ મલ્હોત્રા સાથે પાંચ વર્ષ કામ કરનાર ફૅશન-ડિઝાઇનર અને ફૅશન-સ્ટાઇલિસ્ટ વિદુષી સરાફ કહે છે, ‘હાલમાં ફૅશનમાં કંઈક નવું કરવા થનગનતા ડિઝાઇનરો દ્વારા પારંપરિક પિછવાઈ આર્ટની ટાઇમલેસ, ક્યારેય ઓછી ન થનાર બ્યુટીને બ્યુટિફુલ આર્ટિસ્ટિલી ડિઝાઇન્ડ ફૅશન ગાર્મેન્ટનું સ્વરૂપ અપાયું છે. એમાં સાડી સૌથી મોખરે છે, કારણ કે સાડી એક એથ્નિક પરિધાન છે અને જાણે૦ સાડાપાંચ ફીટના મોટા કૅન્વસ પર આ પિછવાઈ પેઇન્ટિંગની સુંદરતા નિખરી ઊઠે છે. બૉર્ડરમાં મોર, ગાય કે કમળ જાળ અને બુટ્ટીઓ અથવા પાલવમાં રાધાકૃષ્ણ, શ્રીનાથજી, મોર કે ગાય જેવા મોટિફ અથવા આખી સદીમાં સુંદર પેઇન્ટિંગ કરવામાં આવે છે. સાથે-સાથે આ સાડી સાથે પહેરાતા બ્લાઉઝની બૅકમાં હૅન્ડ-પેઇન્ટિંગ કે સુંદર પિછવાઈ મોટિફની એમ્બ્રૉઇડરી કરવામાં આવે છે. આ બ્લાઉઝ પ્લેન સાડી સાથે કે કૉન્ટ્રાસ્ટ લેહંગા સાથે પહેરવામાં આવે છે અને એક સુંદર વેઅરેબલ હૅન્ડ આર્ટ પીસ ડિફરન્ટ લુક આપે છે. દુપટ્ટા અને કુરતા ડ્રેસમાં પણ આ આર્ટ ઇન થિંગ છે અને સ્પેશ્યલ પિછવાઈ ફૅબ્રિકમાંથી સુંદર ડ્રેસ બનાવવામાં આવે છે.’

દસ વર્ષથી વધુનો અનુભવ ધરાવનાર ગોરેગામની ફૅશન-સ્ટાઇલિસ્ટ વિદુષી સરાફ આ સ્ટાઇલ માટે અમુક મહત્ત્વની ટિપ્સ આપતાં કહે છે, ‘આ લુક ટ્રેન્ડમાં છે અને જો અમુક ફૅશન ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે તો દરેક એજ-ગ્રુપ પર દરેક પ્રસંગે શોભે છે. પ્લેન ડ્રેસ પર પિછવાઈ દુપટ્ટા ડેઇલી વેઅરમાં, ગેટ-ટુગેધર પાર્ટીમાં, પૂજામાં કોઈ પણ એજની ફીમેલને સરસ લાગે છે. યંગ ગર્લ્સ પિછવાઈ કુરતા કે બ્લાઉઝને મૉડર્ન બૉટમ જેવા કે ધોતી સલવાર કે ફ્લેર્ડ પૅન્ટ કે લૉન્ગ સ્કર્ટ સાથે પેર કરીને પહેરી ઇન્ડો-ફ્યુઝન લુક મેળવી શકે છે.’

સ્પેશ્યલ પિછવાઈ ફૅબ્રિક 
હવે પિછવાઈ આર્ટ પ્રિન્ટ કરીને સ્પેશ્યલ પિછવાઈ ફૅબ્રિક મળે છે જે પારંપરિક ઉપરાંત મૉડર્ન ડિઝાઇનમાં પણ મળે છે. આ પિછવાઈ ફૅબ્રિકમાંથી લૉન્ગ કફતાન, એસિમેટ્રિકલ હેમલાઇન ધરાવતા કુરતા, મૉડર્ન કટ ધરાવતા ડ્રેસ બનાવી પિછવાઈ આર્ટ ઇન્સ્પાયર્ડ એથ્નિક અને મૉડર્ન ફ્યુઝન કલેક્શન ડિઝાઇનર રજૂ કરી રહ્યા છે. થોડું ટ્રેડિશનલ, થોડું આર્ટ અને થોડું મૉડર્ન જેવા કંઈક એકદમ ડિફરન્ટ એક્સપરિમેન્ટ કરવા માટે અત્યારે પહેલી પસંદગી છે.

પુરુષોની ફૅશનમાં પણ...
આ પિછવાઈ પેઇન્ટિંગનો દબદબો માત્ર ફીમેલ ફૅશન આઉટફિટ્સમાં જ છે એવું નથી, મેન્સ શૉર્ટ કુરતા અને લૉન્ગ કુરતામાં પિછવાઈ પેઇન્ટિંગ કરવામાં આવે છે. શેરવાની પર અથવા પ્લેન શેરવાની સાથે હેવી દુપટ્ટામાં અથવા કુરતા પરના જૅકેટમાં પણ સુંદર પિછવાઈ આર્ટ રજૂ કરવામાં આવે છે. બ્રાઇડ અને ગ્રૂમ પણ સંગીત, મેંદી કે હલ્દી સેરેમનીમાં મૅચિંગ પિછવાઈ આર્ટ પેઇન્ટિંગવાળા આઉટફિટ ખાસ ડિઝાઇન કરાવે છે. 

fashion news life and style columnists