હવે મમ્મી કે દાદી-નાનીની સાડીઓ ફૅશન-વર્લ્ડમાં હિટ થઈ રહી છે

09 July, 2024 01:55 PM IST  |  Mumbai | Rajul Bhanushali

સોનાક્ષી સિંહાએ પોતાનાં લગ્નમાં મમ્મી પૂનમની સાડી અને જ્વેલરી પહેર્યાં હતાં, સોનમ કપૂરે પણ થોડા દિવસ પહેલાં એમ જ મમ્મીનું ૩૫ વર્ષ જૂનું ઘરચોળું પહેરીને સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કર્યા હતા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મમ્મીઓની કે મમ્મીઓના જમાનામાં પહેરાતી હતી એવી સાડી વિથ સેમ કલર બ્લાઉઝ પહેરવાનું આજકાલ ખૂબ ટ્રેન્ડમાં આવી ગયું છે. ૨૦૨૪માં નવા પાંગરેલા આ ટ્રેન્ડ વિશે થોડુંક જાણીએ...

હમણાં જે છોકરીઓની ઉંમર ૩૦ વર્ષની આજુબાજુ છે તે પોતાની મમ્મીના ફુલ સ્લીવના બ્લાઉઝ સાથે પ્લેન સાડી પહેરતી થઈ ગઈ છે. એનું કારણ એ છે કે આજકાલ પ્લેન સાડીની  ફૅશન ફરીથી આવી છે. પ્લેન સાડી વિથ સેમ કલરના કે પછી કૉન્ટ્રાસ્ટ કલરના બ્લાઉઝ સાથે પહેરવાનો જબરદસ્ત ટ્રેન્ડ છે. એમાંય સોનમ કપૂર અને સોનાક્ષી સિંહા જેવી અભિનેત્રીઓએ મમ્મીની સાડીઓને બહુ જ ગ્રેસફુલી કૅરી કરીને આ ટ્રેન્ડને ખાસ બનાવી દીધો છે.

હમણાં એક ઇવેન્ટમાં જસપ્રીત બુમરાહની વાઇફ સંજનાએ પીળી પ્લેન સાડી અને એની સાથે એ જ કલરનું લૉન્ગ સ્લીવ્ઝનું બ્લાઉઝ પહેરેલું એ ફોટો પણ વાઇરલ થયા છે. આ નવા ટ્રેન્ડમાં બીજું પણ શું નવું વેરિએશન એલિગન્ટ લાગે છે એ વિશે મુલુંડની ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ ભાનુશાલી કહે છે, ‘બે દાયકા પહેલાં સીક્વન્સની જબરદસ્ત ફૅશન હતી. પછી સીક્વન્સની સાડીઓ આઉટડેટેડ ગણાવા લાગી અને એકદમ ગાયબ થઈ ગઈ. હવે ફરી ટ્રેન્ડમાં છે અને જૂની સાડીઓ વિન્ટેજમાં ગણાય છે. છોકરીઓમાં સાડી પહેરવાનું ચલણ વધ્યું છે એટલે મમ્મીઓના, દાદીઓના અને નાનીઓના કબાટમાંથી એવી સાડીઓ બહાર આવી ગઈ છે. મજાની વાત એ છે કે આ બધા ટ્રેન્ડ હવે મૉડર્ન ટચ સાથે જોવા મળે છે.

વિન્ટેજ સાડીમાં મૉડર્ન લેસ લગાવવાની અને ટ્રેન્ડી કે ફૅન્સી બ્લાઉઝ સાથે પહેરવાની. અરે, સાડી ડ્રેપિંગમાં પણ ક્રાન્તિ આવી છે. ગુજરાતી કે બેન્ગૉલી પલ્લુ સિવાય પણ સાડી ડ્રેપિંગની અનેક સ્ટાઇલ આવી ગઈ છે. તમે જૂની ફિલ્મોમાં જોયું હશે કે હિરોઇનો સાડી પહેરે તો બાજુના શૉલ્ડર પર શૉલ લેતી. ‘કભી ખુશી કભી ગમ’નો જયાનો લુક યાદ છે? લગનસરામાં લાડીની મમ્મીઓ આવી રીતે શૉલ્ડર પર શૉલ રાખીને સ્ટાઇલિંગ કરતી જોવા મળે છે. આજકાલ એ ફૅશન પણ ફરીથી આવી છે. સાડીનો પલ્લુ બીજા શૉલ્ડર પરથી ફરાવીને પાછો લાવવાનું પણ ઘણીબધી જગ્યાએ જોવામાં આવે છે. ફ્લોરલ પ્રિન્ટની સાથે આડી-ઊભી સ્ટ્રાઇપવાળા ડ્રેસિસ પણ આજકાલ ઇનથિંગ છે. પોલકા ડૉટ્સ અથવા બૉબી પ્રિન્ટ્સ ફરી પાછી ફૅશનમાં છે.’

સ્લીવ્ઝમાં પણ રેટ્રો સ્ટાઇલ

જૂની સાડીની જેમ જૂની સ્લીવ્ઝની પૅટર્ન પણ ફરીથી દેખાવા લાગી છે એમ જણાવતાં રિદ્ધિ ભાનુશાલી કહે છે, ‘લૉન્ગ સ્લીવની સાથે રફલ સ્લીવ્ઝ, બેલ સ્લીવ્ઝ, બલૂન સ્લીવ્ઝ પણ દેખાવા લાગી છે. ગર્લ્સ તો ઠીક, આજકાલ પ્રિન્ટની ફૅશન બૉય્સમાં પણ ખૂબ દેખાય છે. ફ્લોરલ પ્રિન્ટવાળાં શર્ટ ઘણા બધા હીરો અને સામાન્ય જનતા પણ પહેરવા લાગ્યાં છે. એ જ રીતે બૉલીવુડના ફેમસ હીરો રાજકુમાર પહેરતા એવાં સસ્પેન્ડર્સ પણ દેખાવા લાગ્યાં છે. રફલ સ્લીવ્ઝ, બેલ સ્લીવ્ઝ, બલૂન સ્લીવ્ઝ પણ ચાલી નીકળી છે. ટૂંકમાં બેચાર દાયકે ફરી-ફરીને એ જ ટ્રેન્ડ અને ફૅશન આવતાં રહે છે. રેટ્રોની વાત કરી રહ્યા છીએ તો તમને યાદ અપાવું કે અનારકલી સ્ટાઇલના ડ્રેસ પણ જૂની સ્ટાઇલ છે. આ પ્રકારના ડ્રેસ તમે રેખા અને મધુબાલાએ પહેરેલા જોયા છે.’

બીજું પણ શું જૂનું પાછું આવ્યું છે?

વખતોવખત જૂના ટ્રેન્ડ્સ રિપીટ થતા રહે છે. કલર્સની વાત કરીએ તો અર્ધી બ્રાઉન્સ અને ઑરેન્જ, બ્રાઇટ પિન્ક ઍન્ડ ગ્રીન, બોલ્ડ બ્લુઝ ઍન્ડ યલો જેવા કલર્સ ઇન છે. એવું જ લૂઝ પૅન્ટ્સ અને પલાઝોનું છે. સ્કિનને ચોંટી જતાં પૅન્ટ્સ અને લેગિંગ્સ આઉટડેટેડ થઈ ગયાં છે. કેટલાક દસક પહેલાં પોલ્કા ડૉટ્સ, પૂડલ સ્કર્ટ અને હાઈ-વેસ્ટ પૅન્ટ્સની પણ જબરી ફૅશન હતી. આજની લો-વેસ્ટ જીન્સ પહેરતી પેઢીએ આ બધી સ્ટાઇલ જૂની ફિલ્મોમાં જોઈ હશે. આ વિન્ટેજ ફૅશનનું પુનરાગમન થયું છે પણ એક અત્યાધુનિક ટ્વિસ્ટ સાથે. પૂડલ સ્કર્ટ અને હાઈ-વેસ્ટ બૉટમ્સને આજકાલ કમ્ફર્ટ સાથે જોડવામાં આવે છે. રીલ્સમાં અનેક સેલિબ્રિટીઝને ટ્રાવેલિંગ દરમિયાન આપણે ઍરપોર્ટ પર આ લુક સાથે જોઈ ચૂક્યા છીએ.

આજકાલ કૉર્ડ સેટ બહુ જ ચાલી રહ્યા છે. એ શું છે? પહેલાં જ્યારે તાકામાંથી કાપડ ફડાવીને પંજાબી સૂટ બનતા એનું જ થોડુંક મૉડર્ન કે મૉડિફાઇડ વર્ઝન છે એમ કહી શકાય. તાકામાંથી બનતા પંજાબી સૂટમાં કુરતો અને સલવાર બન્ને એક જ પ્રિન્ટ કે ડિઝાઇનનાં રહેતાં.

વેલ્વેટની વાત કરીએ તો દીપિકાએ હમણાં જ ગ્રીન કલરનો ફ્લોરલ પ્રિન્ટવાળો કૉર્ડ સેટ પહેરેલો એ ફોટો ફૅશન જગતમાં વાઇરલ થયેલો. આમાં ત્રણ રેટ્રો ટ્રેન્ડ આવી ગયા. વેલ્વેટ ક્લોથ, ફ્લોરલ પ્રિન્ટ અને પંજાબી સૂટ જેવા કૉર્ડ સેટ.

ડિમ્પલ કાપડિયાએ ‘બૉબી’માં બેલબૉટમ પૅન્ટ સાથે જે નૉટવાળું ટૉપ પહેરેલું એવું ટૉપ હમણાં-હમણાં છોકરીઓ સાડી પણ સાથે પહેરતી થઈ છે.

હમણાં બેન્ગૉલી ડ્રેપમાં લૂઝ સ્ટાઇલથી અને લેઝી સ્ટાઇલથી પલ્લુ રાખવાનું ઘેલું લાગ્યું છે એ ક્યાંથી આવ્યું? એ રેખાની સ્ટાઇલ છે. Gen-Zના દાયકાઓ જૂની ફૅશન માટેના ઑબ્સેશનને કારણે આ બધા ટ્રેન્ડ્સ ફરી ચાલી પડ્યા છે.

fashion fashion news life and style columnists