મૂડ સારો નથી? તો સ્કિન-કૅર કરો મસ્ત ફીલગુડ થશે

20 September, 2024 11:13 AM IST  |  Mumbai | Darshini Vashi

ત્વચા એ માનવશરીરનું સૌથી મોટું અંગ છે અને એટલે જ માનસિક તાણની અસર ત્વચા પર પણ થાય છે. સ્કિન-કૅર કરવાથી ત્વચામાં ચમક તો આવશે, પણ સાથોસાથ એનાથી મૂડ પૉઝિટિવ થશે. આ વાતની પુષ્ટિ સાઇકોલૉજિસ્ટ અને ડર્મેટોલૉજિસ્ટ કરી રહ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

મગજ એ માનવીના શરીરનું સૌથી મોટું જટિલ અંગ છે. શરીરનાં તમામ કાર્યોને એ નિયંત્રિત કરે છે. જો મગજ આખા શરીરને કન્ટ્રોલમાં રાખી શકે તો પછી સ્ક‌િન પર પણ એની અસર તો હોવાની જ. એટલે જ મેન્ટલ હેલ્થ સાથે સ્ક‌િનનો સીધો સંબંધ હોવાનું કહેવાય છે. જ્યારે મન તાણમાં હોય ત્યારે સ્કિન એની ચાડી ખાતું હોય છે, પરંતુ જેમ મૂડ ખરાબ હોય ત્યારે વાઇબ્રન્ટ કપડાં પહેરીને નીકળીએ તો સારું લાગે છે એમ સ્કિન-કૅર કરવાથી ત્વચા સ્વચ્છ અને તેજસ્વી બને છે જેની મગજ પર સાઇકોલૉજિકલ અસર થાય છે. એટલે થોડો સમય પોતાને માટે કાઢીને ત્વચાની સંભાળ રાખવામાં આવે તો મગજને પૉઝિટિવ મેસેજ મળી શકે છે તેમ જ કૉન્ફિડન્સ-લેવલમાં પણ વધારો થાય છે.

હ્યુમન સાઇકોલૉજી

શરીરમાં કંઈ પણ સમસ્યા હોય કે એ સારું હોય, એનું રિફ્લેક્શન ત્વચા પર દેખાતું જ હોય છે. જ્યારે મન તાણમાં હોય ત્યારે એની સીધી અસર ત્વચા પર દેખાવા માંડે છે. એને ‘સ્કિન સ્ટ્રેસ’ કહેવામાં આવે છે. માનવશરીરમાં આ તણાવ પિમ્પલ્સ, ખરજવું, સૉરાયસિસ અને વહેલી કરચલીઓ જેવા અનેક રોગના સ્વરૂપમાં જોવા મળે છે. જે વ્યક્તિ વધુપડતું ટેન્શન લે છે તેના માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે અને તેના શરીરમાં જેકંઈ ઊણપ હોય છે તણાવ એને પ્રોત્સાહન આપે છે અને રોગનું કારણ બને છે. પરંતુ જો સ્કિનની યોગ્ય દરકાર કરવામાં આવે અને એના પર ધ્યાન આપવામાં આવે તો એ મૂડ-બૂસ્ટરનું પણ કામ કરી શકે છે. સાઇકોલૉજિસ્ટ હેતલ સોલંકી કહે છે, ‘સારાં કપડાં પહેરીને ઑફિસમાં આવીએ અને બે જણનાં સારાં કૉમ્પ્લીમેન્ટ મળી જાય એટલે ફીલગુડ થાય છે અને એવું સ્કિનનું પણ છે. સ્વસ્થ, સુંદર અને તેજસ્વી સ્કિન સેલ્ફ-કૉન્ફિડન્સ વધારે છે અને મગજને એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે. આજે દેખાદેખીનો સમય છે. હ્યુમન સાઇકોલૉજી બદલાઈ છે, ‘ઇસકી સ્કિન મેરી સ્કિન સે ઝ્‍યાદા બ્રાઇટ ક્યોં?’ એવી લોકોની માનસિકતા થઈ ગઈ છે એટલે સુંદર સ્કિનને લઈને સ્વાભાવિક રીતે કૉન્ફિડન્સ આવી જ જાય છે. એમાં સ્કિન એ શરીરનો સૌથી પહેલાં નજરે પડતો ભાગ છે એટલે એની કૅર કરવી જરૂરી છે. ટૂંકમાં, તમારી સ્કિન ગ્લો કરશે ત્યારે તમે કૉન્ફિડન્ટ ફીલ કરો છો અને આપમેળે મૂડ સુધરે જ છે, પણ હા, આ બધા ચક્કરમાં ક્યાંક સ્ટ્રેસમાં ન આવી જવાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. દેખાદેખીમાં કે પછી સ્પર્ધામાં ઊતરવાને બદલે આપણે બેસ્ટ છીએ અને સુંદર છીએ એવો અભિગમ રાખીને આગળ વધવાથી માનસિક તણાવમાં આવશો નહીં.

આંતરિક બૉડીનું રિફ્લેક્શન એટલે સ્કિન

આપણી સ્કિન આપણા શરીરના અંદરના સ્વાસ્થ્યનું રિફ્લેક્શન છે એ વાતને સારી રીતે સમજાવતાં હોમિયોપથિક ડર્મેટોલૉજિસ્ટ ડૉ. ફોરમ મહેતા કહે છે, ‘આપણા ઇન્ટર્નલ વર્લ્ડને બહાર બતાવવાનું માધ્યમ સ્કિન છે. જેમ કે કોઈના હૉર્મોન્સમાં ફેરફાર થવાને લીધે શરીર પર મોટા-મોટા વાળ ઊગવા માંડે છે તો કોઈને ડાઘ-ધબ્બા તો કોઈને પિગમન્ટેશન આવે છે. એમાં પણ જો એને માનસિક તાણનો સાથ મળી જાય તો સ્થિતિ વધુ કથળી જાય છે, પણ એને બદલે એનો ઉપાય કરી સ્કિનની સંભાળ લેવામાં આવે તો સ્કિન તો સુધરશે અને સાથે કૉન્ફિડન્સ પણ વધશે. આજે બૉલીવુડ અને ટીવીની સેલિબ્રિટીઝ જેવી સ્કિન કરવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે, જાતજાતની ટ્રીટમેન્ટ કરાવે છે અને વિચારતા પણ નથી કે એ તેમના પર કેટલું કામ કરશે.’

સ્કિન હેલ્ધી ક્યારે રહે એ સમજાવતાં ડૉ. ફોરમ કહે છે, ‘જ્યારે હેલ્ધી ડાયટ, સ્ટ્રેસ-ફ્રી લાઇફ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે જ સ્કિન હેલ્ધી રહે. જો સ્કિન સારી રહેશે તો કૉન્ફિડન્સ પણ વધશે. માત્ર કૉન્ફિડન્સ જ નહીં, પરંતુ ઘણી વખત ઍટ્રૅક્ટિવ સ્કિન અને પર્સનાલિટી ધરાવતા લોકો સામેવાળી વ્યક્તિ પાસેથી સરળતાથી કામ કઢાવી શકે છે. તો સામે એવી વ્યક્તિ જેના ચહેરા પર ડાઘ-ધબ્બા હોય, માથે વાળ પાતળા હોય અથવા તો સ્કિન નિસ્તેજ હોય એવા લોકો જાહેરમાં પોતાના વિચાર મૂકતાં અચકાય છે અને તેનું કૉન્ફિડન્સ-લેવલ પણ ઘટી જાય છે અને એને લીધે તાણમાં આવી જાય છે. જોકે આ બધાની પાછળ સોશ્યલ મીડિયાનો જ સૌથી મોટો હાથ છે. કહેવાનો અર્થ એટલો જ કે જો તમારી સ્કિન સ્વચ્છ અને સુંદર રાખશો તો તમારી મેન્ટલ હેલ્થ પણ મજબૂત બનશે.’

ઓવરડોઝ પણ નકામો

સાઇકોલૉજિસ્ટ હેતલ સોલંકીએ વધુમાં કહે છે, ‘સ્કિન-કૅર કરવાની દોડમાં ઘણા લોકો જાતજાતની સર્જરી અને ટ્રીટમેન્ટ કરાવવા દોડી જાય છે, પણ એ ખોટું છે. ઘણી વખત આવી વસ્તુ સ્કિનને ડૅમેજ કરે છે એટલું જ નહીં, લાખો રૂપિયા ચૂકવીને પણ રિઝલ્ટ સારું મળતું નથી. મારી પાસે એવા એક-બે કેસ છે

જેમાં એક તો સિનિયર સિટિઝન જ છે. આ લેડી ૬૦+ વર્ષનાં છે. ઉંમરના હિસાબે હૉર્મોન ચેન્જ થવાને લીધે તેમના ગાલ પર નાનાં-નાનાં પિગમન્ટેશન આવી ગયાં છે જેને લીધે તેઓ ઘણાં ડિપ્રેસ થઈ ગયાં છે. તેમણે મને કહ્યું કે મેં બહુ કોશિશ કરી, પણ આ પિગમન્ટેશન ચહેરા પરથી જતું નથી એને લીધે મને બહુ ખરાબ ફીલ થઈ રહ્યું છે અને એટલે મેં ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે. મારા ફ્રેન્ડ-સર્કલમાં બધાની સ્કિન ખૂબ સરસ છે. હું તેમની સાથે બેસું ત્યારે મને એવું લાગે છે કે મારામાં કંઈક કમી છે, હું ડાઉન ફીલ કરું છું. મેં તેમને સમજાવ્યાં. ઘણાં સેશન લીધાં ત્યારે જઈને હવે તેઓ પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર થયાં છે.’

આવો વધુ એક દાખલો આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. ફોરમ મહેતા કહે છે, ‘સુંદરતા માટે સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ ઘણા અલર્ટ બન્યા છે. મારી પાસે એક કપલ આવે છે જેઓ ૪૫+ છે. હસબન્ડ કહે છે કે મારી વાઇફને ફેસ પર નાના-નાના દાણા આવવાનું શરૂ થઈ ગયું છે જે મને નથી પસંદ. તમે કોઈ ઇલાજ સૂચવો. મેં તેમને સમજાવ્યા કે અમુક એજ પછી સ્કિનમાં ફેરફાર આવે છે. થોડું પૅશન રાખવું જોઈએ. તો પણ તેઓ વાઇફની સ્કિનને લઈને ખૂબ પઝેસિવ છે. તેમને એવું થઈ રહ્યું છે કે તેમની વાઇફ બદસૂરત બની રહી છે. આ બધાને લીધે તેમની વાઇફ પણ દુખી થઈ રહી છે.’

સ્કિન-સ્ટ્રેસને કેવી રીતે દૂર રાખી શકાય?

 ઓવર-એક્સફોલિએટિંગ અથવા હાર્ડ ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.

 કોઈ પણ નવી પ્રોડક્ટ વાપરતાં પહેલાં હંમેશાં પૅચ-ટેસ્ટ કરો, જેથી એ બળતરા અથવા સ્કિન ઍલર્જીનું કારણ ન બને.

 યાદ રાખો કે સ્કિન-કૅર દરેક પર સમાન પરિણામ આપતું નથી. જો એક વ્યક્તિ પર કામ કરે તો એ કદાચ બીજી વ્યક્તિ માટે કામ ન પણ કરે.

 સકારાત્મક વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરો, ખરાબ વિચારોને દૂર કરો.

 દરરોજ ૩૦ મિનિટની કસરત કરો, પછી ભલેને માત્ર ચાલવાનું હોય, મેડિટેશન કરો.

 સ્વસ્થ, નિયમિત ભોજન લો અને સારી રીતે હાઇડ્રેટેડ રહો.

 મનગમતી પ્રવૃત્તિ કરો. ફૅમિલી અથવા મિત્રો સાથે બહાર જાઓ.

 આઠ કલાકની પૂરતી સાઉન્ડ સ્લીપ લો.

skin care fashion fashion news life and style columnists