આ વીંટીનો વટ તો જુઓ

16 January, 2025 05:07 PM IST  |  Mumbai | Heta Bhushan

આજકાલ સ્ટેટમેન્ટ જ્વેલરી એટલે કે ઓવરસાઇઝ્ડ આંખે ઊડીને વળગે એવી જ્વેલરીનો જમાનો છે. લાર્જ ઇઅરરિંગ્સનો ટ્રેન્ડ તો છેલ્લા ઘણા સમયથી છે, પણ ઍક્સેસરીઝની દુનિયામાં નવું પગરણ કર્યું છે લાર્જસાઇઝ રિંગ્સે

મૉડર્ન ડિઝાઇનની વીંટી

આંગળીમાં વીંટી પહેરી હોય તો એ માત્ર તમારા હાથની જ સુંદરતા નહીં પણ તમારા વ્યક્તિત્વની સુંદરતા નિખારે છે. ક્યાંય પણ તમે જાઓ ત્યારે લોકોને ગ્રીટ કરવા માટે નમસ્કાર કરો અથવા તો હાથ મિલાવો ત્યારે તમે હાથમાં શું પહેર્યું છે એ ચોક્કસ નજરે ચડે છે. આજકાલ મૉડર્ન લુકમાં ગોલ્ડ, સિલ્વર, ઑક્સિડાઇઝ્ડ, રોઝ ગોલ્ડ ફિનિશની એકદમ અતરંગી ડિઝાઇન ધરાવતી જાયન્ટ કહી શકાય એવી રિંગ્સ ફૅશનમાં છે. આ રિંગ પહેરો પછી તમારે હાથમાં બીજું કશું જ પહેરવાની જરૂર ન રહે એટલી ઊડીને આંખે વળગે એવી હોય છે.

હાથની આંગળીઓમાં પહેરાતી મૉડર્ન ડિઝાઇનની વીંટી પહેરશો તો અલ્ટ્રા-મૉડર્ન ફીલ આવશે. આ મૉડર્ન ડિઝાઇનની વીંટીઓ પાર્ટીમાં એકદમ હટકે લુક આપે છે અને યંગ ગર્લ્સમાં તો બહુ જ હિટ  છે. સાઇઝમાં મોટી વીંટીઓ માત્ર એક ઍક્સેસરી નથી, એ એક એકદમ બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. સ્માર્ટ સ્ટાઇલ સાથે પહેરવામાં આવે તો હાથની આંગળીમાં પહેરેલી એક કે બે મોટી વીંટી એક આઉટફિટને ટ્રાન્સફૉર્મ કરીને ટોટલ આઉટલુક બદલી નાખે છે. સ્ટેટમેન્ટ રિંગ પ્રેશિયસ મેટલ ગોલ્ડ, સિલ્વરમાંથી અને સેમી પ્રેશિયસ મેટલમાંથી બનાવવામાં આવે છે અને ફૅશન આર્ટિફિશ્યલ જ્વેલરી તરીકે પણ ઉપલબ્ધ છે.

ડિઝાઇન્સ તો પારાવાર

એક જુઓ અને બીજી ભૂલો એવી અતરંગી અને આકર્ષક ડિઝાઇન્સ એમાં ઉપલબ્ધ છે. સ્ટેટમેન્ટ રિંગમાં મૉડર્ન ફૅન્સી ડિઝાઇન્સ બને છે એમાં ગોળ, ચોરસ, ત્રિકોણ જેવા જ્યોમેટ્રિક શેપ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. સાઇઝ મોટી હોવાથી ડિઝાઇનિંગનો સ્કોપ પણ બહુ સારો હોય છે.

પાતળી મેટલ લાઇન્સ, નાના મેટલ ક્યુબ્સ, નાના-નાના ગોળ મેટલ પીસ જોડીને યુનિક ડિઝાઇન બનાવવામાં આવે છે. ગોળ રિંગ, સ્પ્રિંગ, ગોળ ડિસ્ક, હાર્ટ, મ્યુઝિકલ નોટ સાઇન, અનઈવન શેપ, ફેસમાસ્ક જેવી ડિઝાઇન એકદમ હટકે લાગે છે.

મૉડર્ન સ્ટેટમેન્ટ રિંગમાં ડિઝાઇનર્સ માણસ, પ્રકૃતિ, પશુ, પંખી વગેરેમાંથી પ્રેરણા લઈને હ્યુમન ફેસ, સૂર્ય, ચન્દ્ર, ઝાડ, પાન, ફૂલ, પતંગિયું, ડ્રૅગનફ્લાય, હાથી, બિલાડી, સિંહ કે વાઘ કે લેપર્ડનો ફેસ, બુલ ફેસ, સ્નેક, સ્ટારફિશ, સી હૉર્સ, કાચબો, ઘુવડ જેવી યુનિક ડિઝાઇન્સ ક્રીએટ કરે છે. એમ જ મોટા જુદા-જુદા આકારના અને રંગના સ્ટોનમાંથી પણ સુંદર સ્ટેટમેન્ટ રિંગ બનાવવામાં આવે છે.

હાથમાં જ્યારે બધાનું ધ્યાન ખેંચતું ઘરેણું પહેર્યું હોય ત્યારે હાથની મૂવમેન્ટ પર બધાનું ધ્યાન ખેંચાય એટલે વીંટી પહેરેલા હાથની મૂવમેન્ટ પર ધ્યાન આપવું અને સૉફ્ટ મૂવમેન્ટ રાખવી. 

કઈ આંગળીમાં પહેરવી?

મોટી વીંટીઓ પહેરતી વખતે એ કઈ આંગળી પર પહેરવામાં આવે છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

મોટી અને લાંબી ડિઝાઇન મિડલ ફિંગર પર વધુ સારી લાગે છે.

આડી મોટી ફેલાયેલી ડિઝાઇન ઇન્ડેક્સ ફિંગર અને રિંગ ફિંગર પર શોભે છે.

લાસ્ટ પિન્કી ફિંગર પર ગોળ કે કોઈ એકદમ હટકે ડિઝાઇન સારી લાગે છે.

અંગૂઠામાં કોઈ સ્ટોન કે પથ્થરવાળી યુનિક પૅટર્ન ઉઠાવ આપે છે.

સ્ટેટમેન્ટ રિંગ પહેરવી હોય તો ધ્યાન રાખજો

એની સાથેનો આઉટફિટ પણ પ્રૉપર સ્ટાઇલિશ પાર્ટીવેઅર જેવો હોય એ જરૂરી છે. 

તમારા હાથ એકદમ વેલ ગ્રૂમ્ડ હોવા જોઈએ. મતલબ કે કાંડું, આંગળીઓ પર ડેડ સ્કિન ન હોવી જોઈએ. હાથ પર સન ટૅનને કારણે ડાઘાડૂઘી હશે તો તમે ગમેએટલી આર્ટિસ્ટિક રિંગ પહેરી હશે, એ જોઈએ એટલી દીપશે નહીં.

નખ લાંબા હોય કે ટૂંકા, એ પ્રૉપર્લી ક્લીન નેઇલપૉલિશવાળા તો હોવા જ જોઈએ. સારી નેઇલ આર્ટ કરેલી હશે તો વધુ સારું લાગશે.

સ્ટેટમેન્ટ રિંગ સાથે બીજી જ્વેલરી પહેરવામાં ખાસ ધ્યાન રાખવું કે હાથમાં તો બીજી કોઈ ઍક્સેસરી પહેરવી નહીં અને કાનમાં ડેલિકેટ ઇઅરરિંગ્સ કે ગળામાં નાનો નેકલેસ કે પાતળી લૉન્ગ ચેઇન પહેરવી. 

જ્યારે પણ મોટી રિંગ પહેરો ત્યારે એને જ ‘સ્ટાર ઑફ લુક’ રાખો, સિમ્પલ પ્લેન સૉલિડ આઉટફિટ પહેરો. ઑલ બ્લૅક કે ઑલ વાઇટ કે ક્રીમ કે ઑલ પેસ્ટલ ટોન પહેરી મોનોક્રોમ સ્ટાઇલ ફૉલો કરો જેથી હાથમાં પહેરેલા સ્ટાર પીસ પર સૌથી વધારે ધ્યાન જાય.

fashion fashion news life and style columnists gujarati mid-day heta bhushan