23 December, 2024 05:25 PM IST | Mumbai | Rajul Bhanushali
હેરસ્ટાઇલમાં ફ્રેશ ફ્લાવર્સને બદલે હવે ખાસ જ્વેલરીની સજાવટ ખૂબ જોરમાં છે.
લગ્નપ્રસંગોમાં દુલ્હનની હેરસ્ટાઇલમાં ફ્રેશ ફ્લાવર્સને બદલે હવે ખાસ જ્વેલરીની સજાવટ ખૂબ જોરમાં છે. ફૂલોથી ચૂંદડી કે ઓઢણી પર ડાઘા પડી જાય છે, પણ નેક પીસ કે હેવી બુટ્ટીના ડેકોરેશનથી પારદર્શક ઓઢણીમાંથી હેરસ્ટાઇલ ઑર નીખરી ઊઠે એ માટે શું થઈ શકે એ જાણીએ બ્રાઇડલ-આર્ટિસ્ટ પાસેથી
કેશસજ્જા તો સ્વર્ગની અપ્સરાઓને પણ ગમે છે અને એ માટે ફ્રેશ ફ્લાવર્સ બેસ્ટ ઑપ્શન છે. માથામાં મોગરાનો ગજરો નાખવો કે પછી ગુલાબનાં ફૂલ નાખવાં એ ભારતીય સ્ત્રીની ઓળખ છે. થોડાં વર્ષોથી લગ્નસરા જેવા પ્રસંગોએ અંબોડો વાળીને એમાં ફ્રેશ ફ્લાવર્સનું ડેકોરેશન કરવાનું ખૂબ ચલણમાં હતું, પણ એની થોડી મર્યાદાઓ હતી. ખૂબ ગરમીના દિવસોમાં ફૂલ સાંજ સુધી કરમાઈ જતાં. દુલ્હન હેરસ્ટાઇલમાં ફ્રેશ ફ્લાવરનું ડેકોરેશન કરે અને એના પર ચૂંદડી ઓઢે. ક્યારેક ચૂંદડી પર ફૂલોને કારણે ડાઘ પડી જવાના કિસ્સા પણ બન્યા છે, પરંતુ દરેક ટ્રેન્ડ સમયાંતરે બદલાતો રહે છે એમ આ ટ્રેન્ડ પણ હવે બદલાયો છે. હમણાં અંબોડાને જ્વેલરીથી સજાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે કે નેક પીસ કે ઇઅર-રિંગ્સ વડે અંબોડો સજાવવાનું અત્યારે જોરમાં છે, પરંતુ કયા પ્રકારના ડ્રેસ સાથે કયા પ્રકારની જ્વેલરી વાપરવી કે પછી એને સજાવવાની પ્રૉપર રીત શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. અમે એક્સપર્ટ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે કયા પ્રકારની જ્વેલરી આ રીતે યુઝ કરી શકાય.
જડાઉ જ્વેલરી સરસ લાગે
અંબોડાવાળો બ્રાઇડલ લુક આપવાનો હોય ત્યારે મોટા ભાગે જડાઉ જ્વેલરી વાપરવામાં આવે છે. દર વર્ષે હજારો ક્લાયન્ટ સાથે ઘાટકોપરનાં બ્રાઇડલ મેકઅપ-આર્ટિસ્ટ સીમા ભાનુશાલી કહે છે, ‘હું મેકઅપ-આર્ટિસ્ટ તરીકે દર વર્ષે હજારો ક્લાયન્ટ સાથે કામ કરું છું. મુંબઈ હોય કે ડેસ્ટિનેશન વેડિંગ મને વરરાજા અને દુલ્હનના સપનાને હકીકતમાં બદલવાનો મોકો મળે છે. હમણાં-હમણાં જ્વેલરી વાપરીને બન ડેકોરેટ કરવાનું જે ચલણ છે એ ઘણી બધી રીતે ઉપકારક છે. એની તૈયારી આપણે પહેલેથી કરી શકીએ અને એ લાંબા સમય સુધી ટકે છે. ફ્લાવર્સ જલદી કરમાઈ જવાનો ભય રહેતો. નેક પીસ, ઇઅર-રિંગ્સ અથવા મોટા માંગ-ટીકા સાથે આકર્ષક રીતે બનને ડેકોરેટ કરી શકાય છે. આ માટે મોટા ભાગે જડાઉ જ્વેલરી વાપરવામાં આવે છે. એવી જ્વેલરી જેમાં મોતી કે કુંદન જડેલાં હોય, ચેઇનમાં બે-ત્રણ લેયર હોય અને મોટું પેન્ડન્ટ હોય. બનની વચ્ચોવચ મોટું પેન્ડન્ટ ટક કરી શકાય અને ફરતે ચેઇનને વ્યવસ્થિત ગોઠવીને ફિક્સ કરી દેવાની. એનાં ઇઅર-રિંગ્સ તમે પેન્ડન્ટની આજુબાજુ ફિક્સ કરીને સરસ લુક ક્રીએટ કરી શકો. કુંદન અને મોતી વાપરવાનું કારણ એ કે આ બન્ને વસ્તુ એવી છે જે દરેકેદરેક પ્રકારના અને રંગના અટાયર સાથે મૅચ થઈ જાય છે. એવી જ રીતે સરસ નાનકડું પેન્ડન્ટ હોય એવા નેક પીસને માંગ-ટીકા તરીકે કે પછી માથાપટ્ટી તરીકે પણ યુઝ કરી શકાય છે.’
મૉડર્ન લુકમાં પણ આ સ્ટાઇલ કરાય
આ સ્ટાઇલ મેટ ગાલા ઇવેન્ટ વખતે આલિયા ભટ્ટે કરેલી. મેસી બન સાથે વચ્ચે એકાદ કાનની કુંદન કે પર્લની બુટ્ટી લગાવવાથી મૉડર્ન લુક પણ મળી શકે છે. માત્ર પ્રસંગોપાત્ત હેવી લુક માટે જ નહીં, પરંતુ પાર્ટીમાં પણ આજકાલ મેસી બન બનાવવાનું ખૂબ પૉપ્યુલર થઈ પડ્યું છે.
સાડી સાથે મેસી બન એટલે કે રફલી ગાંઠ વાળીને અંબોડો લીધો હોય અને એમાં વચ્ચે ગોળ શેપની કાનની બુટ્ટી અથવા નાનાં મોતીની કે ગોલ્ડન ચેઇન લગાવી દીધી હોય તો ગ્લૅમરસ લુક ક્રીએટ થઈ શકે છે. આ બધાં એલિમેન્ટ્સ એલિગન્ટ ઍડ કરે છે. આવી ક્રીએટિવ સ્ટાઇલને કારણે એક ફ્રેશ ચીલો પાડી શકાય છે.