આવતી એક પણ નવરાત્રિમાં આવાં દૃશ્યો જોવા ન મળે એવી માતાજીને પ્રાર્થના કરીએ

21 October, 2024 04:26 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

આવતી નવરાત્રિમાં શું જોવા ન મળે એવી અપેક્ષા સાથે ગયા સોમવારે લખાયેલી કૉલમ વાંચીને તેમને નવાઈ લાગી કે આ જે પ્રકારના કૉસ્ચ્યુમ પહેરાયા છે એના વિશે કેમ અમે કશું લખ્યું નહીં.

મુંબઈની નવરાત્રિમાં પણ અમે બીભત્સ કહેવાય એ પ્રકારના કૉસ્ચ્યુમ સાથે એકાદ-બે ખેલૈયાઓને જોયા હતા

અહીં જે ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સ અમને કેટલાક અમારા કોરિયોગ્રાફર ફ્રેન્ડ્સે ફૉર્વર્ડ કર્યા છે. બન્યું એવું કે આવતી નવરાત્રિમાં શું જોવા ન મળે એવી અપેક્ષા સાથે ગયા સોમવારે લખાયેલી કૉલમ વાંચીને તેમને નવાઈ લાગી કે આ જે પ્રકારના કૉસ્ચ્યુમ પહેરાયા છે એના વિશે કેમ અમે કશું લખ્યું નહીં. ખરું કહીએ તો અમને એમ હતું કે આવું એકાદ જગ્યાએ બન્યું હશે. મુંબઈની નવરાત્રિમાં પણ અમે બીભત્સ કહેવાય એ પ્રકારના કૉસ્ચ્યુમ સાથે એકાદ-બે ખેલૈયાઓને જોયા હતા અને અમે એ વાતને નજરઅંદાજ કરી, પણ ગયા વીકના બીજા જે ફોટોગ્રાફ્સ આવ્યા એ જોઈને અમને થયું કે આના વિશે તો વાત થવી જ જોઈએ અને કહેવું જ જોઈએ કે આવું દૃશ્ય તો એક પણ નવરાત્રિમાં અમે જોવા નથી માગતાં અને અમે જ નહીં, કોઈ પણ કોરિયોગ્રાફર કે જજ આવું દૃશ્ય જોવાની ઇચ્છા નથી રાખતા અને આ અલાઉડ જ નથી.

મુંબઈ ઉપરાંત સુરત અને અમદાવાદમાં પણ વલ્ગર કે વિયર્ડ કહેવાય એ પ્રકારના નવરાત્રિના કૉસ્ચ્યુમમાં છોકરીઓ જોવા મળી તો અમારા જ એક કોરિયોગ્રાફર ફ્રેન્ડે કહ્યું કે દિલ્હીમાં તો છોકરાઓ ઑલમોસ્ટ પોતાનું અપર બૉડી ખુલ્લું દેખાતું હોય એવા કૉસ્ચ્યુમ પહેરીને દાંડિયા રમવા આવતા હતા. કોઈ હિસાબે નહીં. આ ચલાવી જ ન લેવાય અને આ જવાબદારી ઑર્ગેનાઇઝરની છે. તેમણે આ પ્રકારના કૉસ્ચ્યુમ સાથે ગ્રાઉન્ડ પર કોઈને અલાઉડ જ ન કરવા જોઈએ.

નવરાત્રિ તમે મજા સાથે રમો છો એ સાચું, પણ કોઈ એ કેવી રીતે ભૂલી શકે કે આ માતાજીની આરાધનાનો તહેવાર છે. માતાજીનું માન-સન્માન જળવાવું જ જોઈએ, તો સાથોસાથ આપણા પરંપરાગત પોશાક એવાં ચણિયા-ચોળી અને કેડિયાં-ચોરણીનું પણ માન જળવાવું જોઈએ. ચણિયા-ચોળી અને કેડિયું-ચોરણી આ પ્રકારના પ્રદર્શન માટે ક્યારેય પહેરાયાં જ નથી. જો કોઈ એવી દલીલ કરે કે ચોળી તો બૅકલેસ જ હોય છે તો તેમને કહેવાનું કે એવું ક્યાંય લખેલું નથી કે ચોળી બૅકલેસ જ હોય. હા, કાઠિયાવાડમાં બૅકલેસ ચોળી હતી, કારણ કે ગુજરાતમાં આસો મહિના દરમ્યાન અતિશય બફારો રહેતો. દિવસ દરમ્યાન ગરમી વચ્ચે કામ કરવાનું અને પછી રાતે નવરાત્રિના ગરબા કરવાના. સ્વાભાવિક રીતે એ લોકોનાં વસ્ત્રો એ સમયની જરૂરિયાત મુજબ તૈયાર થતાં. બીજી વાત, એવું નહોતું કે બૅકલેસ માત્ર ચણિયાચોળી જ રહેતાં. એ સમયની મહિલાઓ જે કપડાં પહેરતી એ પણ બૅકલેસ જ રહેતું, જેને કબજો કહેવામાં આવે છે. મીન્સ કે એ લોકોનાં વસ્ત્રોની પૅટર્ન જ એવી હતી, એમાં ક્યાંય ફૅશનની વાત નહીં, પણ જરૂરિયાત મહત્ત્વની હતી.

આજે જે પહેરે છે એમાં જરૂરિયાત નહીં, ફૅશન છે અને આવી ફૅશન કોઈ હિસાબે નવરાત્રિમાં ચલાવી ન લેવાય. અરે, તમે ફોટોગ્રાફ્સ તો જુઓ. જોઈને જ એવું થાય કે આ પ્રકારના કૉસ્ચ્યુમ ચલાવી જ ન લેવાય. આ ચણિયાચોળી છે જ નહીં, પ્યૉરલી એ અન્ડરગાર્મેન્ટ્સ ટાઇપનાં કપડાં છે. આવા કૉસ્ચ્યુમ પહેરીને કેવી રીતે કોઈ માતાજીની સામે ગરબા રમી શકે. અર્વાચીન દાંડિયામાં પણ તમે જોયું હશે કે માતાજીનું મંદિર બનાવવામાં આવે છે. દાંડિયા શરૂ થાય એ પહેલાં એ મંદિરમાં પૂરા ભાવથી માતાજીની આરતી થાય અને પછી જ દાંડિયા રમવાનું શરૂ થાય.

ગયા સોમવારે કહ્યું હતું કે અમે નથી ઇચ્છતાં કે નવરાત્રિને લગતી અમુક વાતો આવતા વર્ષે જોવા મળે, પણ આ ફોટો સાથે અમારે કહેવાનું કે આવું તો કોઈ હિસાબે અમે એક પણ નવરાત્રિમાં જોવા નથી માગતાં. અમે તો ફૉરેનની નવરાત્રિઓ પણ જોઈ છે એટલે દાવા સાથે કહી શકીએ કે આવા કૉસ્ચ્યુમ તો ત્યાં પણ અમને ક્યારેય જોવા નથી મળ્યા. હા, એ પણ સાચું કે આપણે ત્યાં ધીમે-ધીમે હવે ટ્રેડિશનલ કૉસ્ચ્યુમનું ચલણ વધ્યું છે પણ એની વચ્ચે આવા કૉસ્ચ્યુમ આવી જાય તો ભારોભાર અફસોસ થાય. અમારી સાથે જ બનેલી એક ઘટના તમને કહીએ.

એક ફિલ્મમાં ગરબો હતો, જેની કોરિયોગ્રાફી અમારે કરવાની હતી. રિહર્સલ્સ થઈ ગયાં અને શૂટિંગનો દિવસ આવ્યો. અમે સેટ પર હતાં અને હિરોઇન કૉસ્ચ્યુમ પહેરીને ફ્લોર પર આવી અને અમે શૉક્ડ રહી ગયાં. અમે ના પાડી દીધી કે આ પ્રકારના વેસ્ટર્ન કૉસ્ચ્યુમમાં અમે તેની પાસે ગરબા નહીં કરાવીએ. અમારો વિરોધ એ કૉસ્ચ્યુમ સામે હતો એનાથી પણ વધારે વિરોધ પરંપરા સાથે હતો. તમે ગમે એટલા મૉડર્ન બનો પણ એનો અર્થ એવો નથી થતો કે તમે તમારી પરંપરાને ભૂલીને આગળ વધો.

અમે એ સૉન્ગની કોરિયોગ્રાફી કરવાની ના પાડી દીધી અને ડિરેક્ટર-પ્રોડ્યુસર બધાને સમજાવ્યા. એ લોકો પણ ઍગ્રી થયા અને એ પછી નવા કૉસ્ચ્યુમ તૈયાર થયા, જેને લીધે પ્રોડ્યુસરને ફાઇનૅન્શિયલ નુકસાન થયું, પણ એ નૉન-ગુજરાતી પ્રોડ્યુસરે આપણી પરંપરાને માન આપ્યું એ સૌથી મહત્ત્વનું હતું.

navratri festivals Garba mumbai columnists fashion news fashion life and style