25 September, 2025 12:31 PM IST | Mumbai | Kajal Rampariya
જોઈ લો સ્ટાઇલ
નવરાત્રિના ગ્રાઉન્ડમાં દરરોજ યુવતીઓનું ગ્લૅમર જોવા મળવાનું છે. ટ્રેડિશનલ હોય કે ફ્યુઝન સ્ટાઇલ હોય, ગરબા રમવા જતી યુવતીના લુકને દુપટ્ટો કમ્પ્લીટ લુક આપે છે. યોગ્ય રીતે ડ્રેપ કરેલો દુપટ્ટો રમવામાં કમ્ફર્ટ આપવાની સાથે
સ્ટાઇલ-સ્ટેટમેન્ટની સાથે લુકમાં ગ્રેસ અને ગ્લૅમરમાં પણ વધારો કરે છે. આ વખતે આ વર્ષે કેવી ડ્રેપિંગ સ્ટાઇલ ટ્રેન્ડમાં છે એ વિશે સાડી-ડ્રેપિંગ ક્ષેત્રે ૧૫ વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતાં સાડી-ડ્રેપિંગ એક્સપર્ટ મયૂરી બિયાણી પાસેથી જાણીએ.
ક્લાસિક ગુજરાતી પ્લીટ્સ સ્ટાઇલ
ચણિયાચોળી પહેરો તો સૌથી કૉમન છે ગુજરાતી સ્ટાઇલ દુપટ્ટા ડ્રેપિંગ. આ ક્લાસિક સ્ટાઇલ ગરબા રમતી વખતે કમ્ફર્ટ આપવાની સાથે લુકને ગ્રેસફુલ બનાવે છે પણ એમાં વેરિએશન કે કંઈક નવું કરવું હોય તો ઝિગઝૅગ પલ્લુ કરી શકાય. ડ્રેપિંગ સ્ટાઇલ તો ગુજરાતી જ રહેવાની, પણ આગળથી પલ્લુ વૉટરફૉલ કે ઝિગઝૅગ સ્ટાઇલમાં રાખીને કમર પર બેલ્ટ લગાવવો. આ તમારી સ્ટાઇલને યુનિક બનાવશે.
તમે આ સ્ટાઇલને અલગ-અલગ રીતે ડ્રેપ કરીને યુનિક બનાવી શકો. જો તમારું બ્લાઉઝ એકદમ સિમ્પલ હોય તો ઓઢણી થોડી હેવી પહેરવાનું પસંદ કરવું. બાંધણી કે કચ્છી ભરતકામવાળી ઓઢણી ટ્રેડિશનલ ટચ આપશે. યુનિક રીતે સ્ટાઇલ કરવા માટે પાટલી વાળીને તમારે ઘાઘરાની અંદર ટક-ઇન કરવી અને કમરપટ્ટો પહેરી લેવો. આનાથી ચણિયાચોળી હાઇલાઇટ થશે અને દુપટ્ટાને હાઇલાઇટ કરવો હોય તો એ જ પ્લીટ્સને બ્લાઉઝની અંદર ટક કરીને એને આગળથી આખા બ્લાઉઝમાં ફેલાવી દેવી. એટલે એવું લાગશે કે બ્લાઉઝમાં પ્લીટ્સ છે. સ્ટાઇલ એક જ છે, પણ એક નાના ચેન્જને લીધે લુકમાં મોટો ડિફરન્સ આવશે.
ક્રૉસઓવર ડ્રેપ
દુપટ્ટાને બેન્ગૉલી સ્ટાઇલથી ઓપન પલ્લુ રાખવો અને આગળથી જે છેડો બચે એને પાછળ સાઇડ લઈ જઈને ઘાઘરામાં ટક કરવો. આ ડ્રેપ સ્ટાઇલ લુકને સ્લિમ દેખાડશે. દુપટ્ટો ડ્રેપ કરતી વખતે તમે ઍક્સેસરીઝ યુઝ કરશો તો એ તમારા નવરાત્રિના લુકને એન્હૅન્સ કરશે. બાકી તમે પેટલ ડ્રેપ પણ કરી શકો એટલે દુપટ્ટાના બન્ને કૉર્નર્સને જૉઇન્ટ કરીને એને પહેરી શકાય એ રીતે સ્ટાઇલ કરવું.
બેલ્ટેડ દુપટ્ટા
ટ્રેન્ડને ફૉલો કરતી યુવતી માટે બેલ્ટ સાથેના દુપટ્ટા ડ્રેપ મૉડર્ન ચૉઇસ છે. દુપટ્ટાના બન્ને કૉર્નર્સને જોડીને હારની જેમ પાછળથી પહેરવો અને બેલ્ટથી સ્ટાઇલ કરવો. આ રીતે સ્ટાઇલ કરવાથી રમતી વખતે દુપટ્ટો સરકતો નથી અને તમને ફૅશનિસ્ટાવાળી ફીલિંગ આપશે. આ પ્રકારનું ડ્રેપિંગ જીન્સ અને ક્રૉપ ટૉપ પર યુનિક લાગશે અને ફ્યુઝન ટચ આપશે. ટ્રેડિશનલ સાથે વેસ્ટર્નનું ફ્યુઝન તમને સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બનાવી દેશે. જો આવું ગમતું હોય તો દુપટ્ટામાં ફેરી લાઇટ્સ લગાવી દેવી. રાતના સમયે એ ઝગમગી ઊઠશે અને સાથે તમને હટકે બનાવવાનું કામ પણ કરશે. ફ્યુઝન સ્ટાઇલમાં દુપટ્ટાથી એક ઑફ શોલ્ડરવાળી કુરતી પણ બનાવી શકાય. બ્લૅક ઇનર પર એક સાઇડથી બન્ને દુપટ્ટાના છેડાને ગાંઠ બાંધીને ખભામાં પહેરી લો અને બીજી સાઇડથી એને ફરતે વીંટીને સરખી રીતે પિન-અપ કરો અને પછી એમાં મિરર વર્ક કે સિલ્વર ઑક્સિડાઇઝ્ડ બેલ્ટ લગાવશો તો બહુ મસ્ત લુક આપશે. કોઈને ખબર જ નહીં પડે કે આ કુરતી દુપટ્ટામાંથી બનાવેલી છે.
ડબલ દુપટ્ટા ડ્રેપિંગ
ચણિયાચોળી એકદમ જ સિમ્પલ હોય તો બે દુપટ્ટા લઈને ડ્રેપિંગ કરી શકાય. એક દુપટ્ટો ઘાઘરાની એક બાજુ ટક કરીને બીજા દુપટ્ટાને ટ્રેડિશનલ સ્ટાઇલથી ડ્રેપ કરશો તો ઘાઘરો સિમ્પલને બદલે ડિઝાઇનર લાગશે. જો તમારું બ્લાઉઝ સ્લીવલેસ હોય તો બન્ને દુપટ્ટાને એક-એક ખભા પર રાખીને સ્ટાઇલ કરી શકાય. બે દુપટ્ટાની પસંદગી કરો ત્યારે જો એક દુપટ્ટામાં મિરર વર્ક કે બીજું વર્ક હોય તો બીજો દુપટ્ટો સાદો પસંદ કરવો. સાદા દુપટ્ટાને ખભા પર રાખવાથી લુકને પર્ફેક્ટ બનાવશે.