ગરબા રમતાં પહેલાં અને પછી સ્કિન અને હેરની આ રીતે રાખવી સંભાળ

24 September, 2025 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાઉન્ડમાં ગરબાના તાલે તાનમાં નાચતા ખેલૈયાઓ ત્વચા અને વાળની સંભાળ રાખવામાં પાછા પડે છે, પરિણામે નોરતાં બાદ તેમને અનેક સમસ્યાઓ થાય છે

સ્કિનકૅર અને હેરકૅર રૂટીનને ફૉલો કરવામાં કંટાળો ન કરતા

નવરા​ત્રિ દરમિયાન ગરબા રમવાના જોશમાં ખેલૈયા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છોડી દેતા હોય છે. ખાસ કરીને સ્કિનકૅર અને હેરકૅર રૂટીનને ફૉલો કરવામાં કંટાળો કરતા હોય છે. પહેલાં ગ્રાઉન્ડ પર રમવા જવાનો ઉત્સાહ અને રમીને આવ્યા બાદ થાક આ બન્ને કારણે સ્કિન અને હેર-હેલ્થને મેઇન્ટેન કરવાનું અવગણતા હોય છે; પરિણામે નજીકના ભવિષ્યમાં ત્વચા પર ફોલ્લીઓ, રૅશિસ અને ડ્રાયનેસ આવે છે અને વાળમાં પણ ડૅન્ડ્રફ, હેરફૉલ અને ચીકાશ વધવાની સમસ્યા થાય છે અને એ વકરીને મોટો પ્રૉબ્લેમ બને છે. આવું ન થાય એ માટે શરૂઆતમાં નાની અને સરળ ટિપ્સને તમારા રૂટીનમાં ઉમેરશો તો ફાયદામાં રહેશો.

બિફોર અને આફ્ટર સ્કિનકૅર

ગરબા રમવા માટે તૈયાર થતી વખતે મૉઇશ્ચરાઇઝર અથવા હાઇડ્રેટિંગ ક્રીમ લગાવી લેવી જેથી ત્વચા હાઇડ્રેટેડ રહે અને પરસેવાથી પણ બચી શકાય. મેકઅપ પણ એકદમ લાઇટ અને મિનિમલ જ રાખવો. હેવી મેકઅપ કરશો તો એ સ્કિનમાં મિક્સ થઈને ઍલર્જીનું કારણ બની શકે છે. લાઇટ મેકઅપ માટે BB (બ્લેમિશ બામ) ક્રીમ, સેટિંગ પાઉડર, ન્યુડ આઇશૅડો અને મૅટ લિપ્સ્ટિક લગાવવાં સારાં રહેશે.

ગરબા રમી આવ્યા બાદ સૌથી પહેલાં સ્નાન કરી લેવું અને ચહેરાને ક્લીન કરવા માટે માઇલ્ડ ક્લેન્ઝરનો ઉપયોગ કરવો. પછી હાઇડ્રેટિંગ જેલ લગાવો જેથી સ્કિન રિલૅક્સ થશે. પછી અલોવેરા કે અવાકાડો ફેસમાસ્ક લગાવો જેથી સ્કિનને આરામની સાથે પોષણ મળશે અને ફ્રેશ ફીલ થશે.

વાળનું પણ ખાસ ધ્યાન રાખો

ગરબા રમવા જતી વખતે સ્કિનની સાથે વાળનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. વાળને છૂટા રાખવા કરતાં લો સ્લિક પોની અથવા હાઈ પોનીટેલ વાળો. એનાથી વાળ ઓછા ડૅમેજ થશે અને રમતી વખતે વારંવાર આડા આવશે નહીં. જો તમારા વાળ સૂકા અને ફ્રિઝી થાય તો ઍન્ટિ-ફ્રિઝ હેરસ્પ્રેનો ઉપયોગ કરવો. ગરબા રમી આવ્યા પછી તમારે વાળને મૉઇશ્ચરાઇઝ કરવા. આ માટે કન્ડિશનરનો ઉપયોગ કરવો. વાળને ધોઈને સૂકવવા અને પછી સિરમ લગાવવું જેથી એ વાળને પોષણ આપશે અને રફ હેરને સ્મૂધ બનાવશે.

navratri Garba skin care fashion fashion news lifestyle news life and style columnists