07 October, 2024 04:31 PM IST | India | Heena Patel
પહેલાં અને હમણાંનું કેડિયું
નવરાત્રિમાં જેમ સ્ત્રીઓને ચણિયા-ચોળી પહેરવાનો ક્રેઝ હોય એવી જ રીતે પુરુષોને કેડિયું પહેરવાનો શોખ હોય છે. કેડિયું આપણા ગુજરાતી પહેરવેશનો મહત્ત્વનો ભાગ છે, પણ શું તમને ખબર છે આ કેડિયું પહેરવાની શરૂઆત કઈ રીતે થઈ? તમને જાણીને નવાઈ લાગશે કે કેડિયાના તાર છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. તો ચાલો નોરતાના સ્ટેટમેન્ટ સિમ્બૉલ ગણાતા કેડિયાના રસપ્રદ ઇતિહાસ વિશે જાણીએ
કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાજપૂત, આહિર, રબારી, ભરવાડ વગેરે જ્ઞાતિના પુરુષો આજે પણ તેમના રોજિંદા જીવનમાં કેડિયું પહેરે છે. જોકે એ વાતથી પણ ઇનકાર ન થઈ શકે કે બદલાતા સમય સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ યુવાપેઢી આધુનિક પહેરવેશ તરફ વળી છે. એ વાસ્તવિકતાને પણ આપણે ન અવગણી શકીએ કે આખું વર્ષ જીન્સ-શર્ટમાં ફરતા શહેરી યુવકોમાં નવરાત્રિમાં કેડિયું પહેરવાનો ક્રેઝ જોવા મળે છે. પારંપરિક ગુજરાતી પહેરવેશનો મહત્ત્વનો ભાગ એવા કેડિયામાં સમય સાથે અનેક બદલાવ આવ્યા છે પણ એનું અસ્તિત્વ હજી ટકેલું છે, જે ગર્વની વાત છે. જોકે તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આ કેડિયું પહેરવાની શરૂઆત કઈ રીતે થઈ? કેડિયાં ઉપરથી ફિટ અને નીચેથી ખૂલતાં કેમ હોય છે? આજે એક્સપર્ટ પાસેથી વાત કરીને આ તમામ સવાલોના જવાબ મેળવીએ.
સિંધુ સંસ્કૃતિનો સમય
કેડિયાનો ઉદ્ભવ કઈ રીતે થયો એ વિશે જાણતાં પહેલાં હાથ-સીવણકામની શરૂઆત વિશે જાણવું જરૂરી છે. આ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર મનીષ પટેલ કહે છે, ‘કેડિયાને જાણવા માટે આપણે ઇન્ડસ વૅલી સિવિલાઇઝેશન (સિંધુ સંસ્કૃતિ)ના કાળમાં પહોંચવું પડશે. હિમાલયમાંથી ઉદ્ભવતી સિંધુ નદી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતમાંથી વહીને અંતે અરબી સમુદ્રમાં ભળે છે. સિંધુ નદીની આસપાસની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી એટલે ધીમે-ધીમે ત્યાં લોકોનો વસવાટ શરૂ થયો, ગામ બન્યાં, ખેતી અને વેપાર શરૂ થયાં. એ સમયે બાર્ટર સિસ્ટમ ચાલતી, જેમાં એક વસ્તુના બદલામાં સામે બીજી વસ્તુ આપવાની હોય. એ વખતે ત્યાં વેપાર થતો. દૂર-દૂરથી લોકો માટીનાં વાસણો, મસાલા, કાપડ, ડાઇ જેવી વસ્તુઓ ખરીદવા માટે આવતા. ભારતમાં જ કૉટન ફૅબ્રિકનું ઇન્વેન્શન થયેલું. કૉટનના કાપડને લેવા માટે પર્શિયા, ઇરાક, ચીનથી લોકો આવતા. એ સમયમાં કાપડને શરીર પર વીંટીને પહેરવામાં આવતું. પર્શિયાથી આવતા લોકો અહીંથી કાપડ ખરીદીને અથવા તો લૂંટફાટ કરીને લઈ જતા. પર્શિયામાં જ સોયની શોધ થઈ હતી. એટલે એ લોકો કાપડના બે છેડાને હાથેથી સીવીને પછી કપડાં પહેરતા. એટલે હાથ-સીવણકામની જે પરંપરા હતી એ પર્શિયન લોકોએ જ વિકસિત કરી હતી. એમ્બ્રૉઇડરી પણ તેમણે જ વિકસિત કરી હતી.’
કેડિયું એ અંગરખાનું શૉર્ટ વર્ઝન છે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજીના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સક્રિય મનીષ પટેલ કહે છે, ‘પર્શિયનો આપણે ત્યાંથી કાપડ લઈ જતા અને એને સીવીને ફરી પાછા અહીં મોંઘા ભાવે વેચવા માટે આવતા. તમે જોશો તો ઇન્ડસ વૅલી એટલે કે કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાતને બાદ કરતાં બાકીના રીજનમાં હજી ટ્રેડિશનલી ડ્રેપવાળાં એટલે કે જેમાં કપડું વીંટાળેલું હોય એવાં જ કપડાં ટ્રેડિશનલી પહેરવામાં આવે છે, જ્યારે આ ચાર રાજ્યોમાં ટ્રેડિશનલી સીવેલાં કપડાં પહેરવામાં આવે છે. અહીંના લોકોને પણ એ સીવેલાં કપડાં પસંદ આવવા લાગ્યાં, કારણ કે એમાં રોજ-રોજ કપડું વીંટાળીને પહેરવાની માથાકૂટ નહોતી. એ લોકો સીવેલાં કપડાં પર વિવિધ પ્રકારની કલરફુલ એમ્બ્રૉઇડરી પણ કરતા જે લોકોને ખૂબ આકર્ષતી હતી. આ પ્રકારનાં કપડાં ઓરિજિનલી અંગરખાં કહેવાતાં જેની લંબાઈ પગનાં ઍન્કલ લેન્ગ્થ સુધી હતી, જે લિટરલી ફ્લોરને ટચ થઈ જાય એટલી હોય. આ પ્રકારનાં કપડાં પહેરવાની શરૂઆત પહેલાં રાજા-મહારાજાઓએ કરી, એ પછી વેપારીઓ એ પહેરવા લાગ્યા.’
કેડ સુધી પહેરાય એટલે
સમય સાથે અંગરખાં કઈ રીતે કેડિયું બની ગયાં એ વિશે વાત કરતાં મનીષ પટેલ કહે છે, ‘અંગરખામાં સાડાછથી સાત મીટર ફૅબ્રિક વપરાઈ જતું હતું એટલે એની કિંમત પણ વધી જાય. ખેડૂત કે ગોવાળ હોય તેમને આ અંગરખાં પહેરવાનું પોસાય એમ નહોતું. એટલે સમય જતાં અંગરખાંની લંબાઈ ટૂંકી થઈને કેડ સુધી આવી ગઈ. કેડિયાનો અર્થ જ એવો થાય છે કે કેડ સુધી પહેરવાનું વસ્ત્ર. એ સમયે કેડિયાંઓ સફેદ કપડામાંથી બનાવવામાં આવતાં જેથી તડકો ઓછો લાગે. બીજું, નીચેથી કેડિયાં ખૂલતાં હોય તો હવાની અવરજવર પણ સારી રહે. કેડિયું જે છે એ કૉટનના ફૅબ્રિકથી જ બનતું હતું. એને વધુ આકર્ષિત બનાવવા માટે એના પર એમ્બ્રૉઇડરી વર્ક કરવામાં આવતું. કેડિયું ગરમી અને ઠંડી બન્ને માટે અનુકૂળ રહેતું. કૉટનનું કપડું હોય એટલે ગરમી ન થાય. બીજું એ કે કેડિયાના ઉપરના ભાગમાં બે કે ત્રણ લેયર્સ હોય છે. ઉપરથી એના પર એમ્બ્રૉઇડરીનું એક લેયર ઍડ થાય તો ઠંડીમાં પણ એ આરામથી પહેરી શકાય. કેડિયું જ નહીં, નીચે પહેરવાનો ચોયણો પણ ઉપરથી ખૂલતો અને નીચેથી ફિટ હોય છે. આનું કારણ એ છે કે ઊંટ પર ચડવાનું હોય ત્યારે એ લોકો આરામથી ચડી શકે. એ સિવાય ખેતીકામ કરતી વખતે નીચેથી ચોયણો પગમાં ન ફસાય એટલે એને ફિટ રાખવામાં આવતો.’
સ્વરૂપ બદલાયું
કેડિયાના બદલાતા સ્વરૂપ અને કેડિયા પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી આપતાં મનીષ પટેલ કહે છે, ‘પુરુષો ઍબ્ડોમિનલ એરિયા પર ટાઇટ કપડું પહેરે તો તેમની ફર્ટિલિટી પર અસર પહોંચી શકે છે. એટલે કેડિયાને એ રીતે બનાવવામાં આવ્યું જેથી ઍબ્ડોમિનલ એરિયા પર ભીંસ ન આવે. સમય સાથે કેડિયું લોકોને અનુકૂળ આવતું ગયું અને એના શેપમાં બદલાવ આવતો ગયો. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં રોજિંદા જીવનમાં કેડિયું પહેરવાની પરંપરા જળવાયેલી છે. શહેરી વિસ્તારોમાં ભલે રોજિંદા જીવનમાં કેડિયું ન પહેરાતું હોય પણ નવરાત્રિ જેવા તહેવાર નિમિત્તે યુવાનો એ પહેરીને ગરબા રાસ લે છે એ પણ મોટી વાત છે. એમાં પણ રણવીર સિંહે જ્યારથી નીચે સ્કર્ટ પહેરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે એ પછીથી તો પુરુષો કેડિયા નીચે ઘેરવાળા ઘાઘરા પહેરતા પણ થયા છે. ઘેરવાળા ઘાઘરામાં ગોળ ફરીને જ્યારે ગરબા રમવાના હોય ત્યારે એ સારો લુક આપે છે.’
આજકાલ વાઇટ અને યલો કેડિયાં છે ટ્રેન્ડમાં
કેડિયું આમેય સફેદ રંગનું હોય એ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ સાચો પોશાક કહેવાય. આ વખતે નવરાત્રિમાં વાઇટ કલર ખૂબ ટ્રેન્ડમાં છે. બેઝ વાઇટ હોય અને ઉપર પછી વર્ક હોય એવાં કેડિયાં ગ્રાઉન્ડ પર વધુ જોવા મળે છે. રંગબેરંગી કેડિયામાં પણ યલો રંગ વધુ ચલણમાં છે.
નાના છોકરાઓ માટે કેડિયું અને મોટા લોકો માટે કુરતા જૅકેટ વધુ ચાલે છે. કલરફુલ કેડિયા પર હેવી કચ્છી અને મિરર-વર્ક વધુ ડિમાન્ડમાં છે. કેડિયું પહેરવાના શોખીનો વધુ ઘેરવાળા કેડિયાની ડિમાન્ડ કરી રહ્યા છે. એમાં પણ લોકોને ડબલ લેયર જોઈએ. નાના છોકરાઓમાં કેડિયાનો ક્રેઝ છે. કેડિયા પર મોટી-મોટી પાઘડીઓ લોકો પસંદ કરી રહ્યા છે. પહેલાં ફેંટો બાંધીને કામ ચલાવી લેતા હતા, પણ હવે તો તેમને પાઘડી પર પણ વર્ક જોઈએ છે. કેડિયાની નીચે ધોતી-પાયજામામાં પણ કળીઓ અને કચ્છી વર્ક ખૂબ ચાલે છે.