09 October, 2024 02:49 PM IST | Mumbai | Heta Bhushan
ઘૂઘરીવાળી બંગડીઓ, જૂટ અને ઘૂઘરી નેકલેસ, ફૅબ્રિક જ્વેલરી બુટ્ટીમાં ઘૂઘરીઓ, ઘૂઘરીવાળી સ્ટેટમેન્ટ વીંટી
હવે આ પાયલમાં રણકતી ઘૂઘરીઓ કે ક્લાસિકલ અને સેમી-ક્લાસિકલ ડાન્સમાં પગમાં રણકતાં બ્રાસનાં ઘૂંઘરૂ માત્ર પગનો શણગાર નથી રહ્યાં, આ ઘૂંઘરૂ નારીના સોળે શણગારમાં બધે જ પહોંચી ગયાં છે. આ નવરાત્રિમાં હટકે દેખાવા માટે ખાસ પહેરો ઘૂંઘરૂ જ્વેલરી. બ્રાસનાં ઘૂંઘરૂથી અને નાની-નાની સિલ્વર, ગોલ્ડન, ઑક્સિડાઇઝ્ડ ઘૂઘરીઓથી શોભતાં અને રણકતાં બાજુબંધ, બંગડીઓ, હાથપાન, માંગટીકા, બુટ્ટીઓ, માળા, પેન્ડન્ટ સેટ અને વીંટીઓ વગેરે બધું જ બહુ સુંદર અને અનોખું લાગે છે.
આકર્ષક નેકપીસ
બ્રાસનાં ઘૂંઘરૂઓને ઊન કે કૉટન દોરા સાથે સુંદર રીતે પરોવીને સુંદર નેકપીસ, એકસાથે ઘણાંબધાં ઘૂંઘરૂઓને પરોવીને બનાવેલો નેકલેસ, જૂટની દોરી સીંદરીમાંથી જુદા-જુદા આકારના બેઝ બનાવી એના પર ઘૂઘરીઓ ટાંકી બનાવેલા હૅન્ડમેડ પેન્ડન્ટ-બુટ્ટી સેટ, કૉટન બીડ્સ કે વુડન બીડ્સ કે મોટાં મોતી અને વચ્ચે એક-એક ઘૂંઘરૂ પરોવેલી માળા બહુ સરસ રણકતો દેખાવ આપે છે. ફૅન્સી ફૅબ્રિક જ્વેલરી સાથે પણ લટકણ તરીકે ઍડ ઑનમાં ઘૂંઘરૂનો ઉપયોગ હટકે અને હિટ લુક આપે છે. ગોલ્ડન અને સિલ્વર ઘૂઘરીઓ અને જોડે હાથી, માછલી, ગાય, મોર, જેવા મોટિફવાળી માળા અને બુટ્ટીનો સેટ તમારા જ્વેલરી કલેક્શનમાં એક યુનિક પીસ સાબિત થશે. કૅન્વસ પેઇન્ટિંગમાં ઘૂઘરી અને રુદ્રાક્ષનું કૉમ્બિનેશન બહુ સરસ લાગે છે. ઘણાબધા રંગીન થ્રેડમાં ફૅન્સી બીડ્સ, રુદ્રાક્ષ અને મોતી સાથે ઘૂંઘરૂ પરોવેલી માળા બહુ યુનિક લુક આપે છે.
ઘૂઘરીઓ અને કાળાં મોતીના કૉમ્બિનેશનથી યુનિક મંગલસૂત્ર જેવી માળા, હાથની બૅન્ગલ્સ અને બુટ્ટી સેટ એકદમ જુદો જ તરી આવે છે. ગોલ્ડન ઘૂઘરીઓ અને લાલ-લીલા કુંદનનો નેકલેસ હેવી ફેસ્ટિવ લુક આપે છે. ઘૂઘરીઓના ઝૂમખાવાળી લાંબી માળા સ્ટેટમેન્ટ પીસ તરીકે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પર પણ સરસ લાગે છે.
હાથમાં ઘૂંઘરૂ
તમારા ગરબાની તાળીમાં વધુ તાલ અને રણકાર ઉમેરવા માટે હાજર છે હાથમાં પહેરવા માટે ઘૂંઘરૂ અને ઘૂઘરીઓ લગાડેલા કૉટન અને ઊનના થ્રેડવાળા ચૂડા, બૅન્ગલ, બ્રેસલેટ, ઘૂઘરીઓ સાથેની ચેઇનવાળા હાથપાન, ઘૂઘરીઓ કે ઘૂંઘરૂવાળી વીંટીઓ અને ઘૂઘરીવાળા બાજુબંધ, એક ઘૂંઘરૂ અને એક મોતીવાળી બંગડીઓ, ફૅબ્રિક વીંટીમાં ઘૂંઘરૂ, આખી બંગડીઓમાં ઘૂઘરીઓનાં ઝૂમખાં જેવા અનેક ઑપ્શન્સ જેમાંથી તમે તમારી પસંદગી કરી શકો છો. ગોલ્ડન ઘૂઘરીઓ અને વચ્ચે એક મોટા આભલાથી બનેલી સ્ટેટમેન્ટ રિંગ ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં બહુ સરસ લાગે છે.
અઢળક પર્યાયો
પગમાં શોભતા ઝાંઝરની તો શોભા ઘૂઘરીઓ જ છે. ઘૂઘરીનાં ઝૂમખાંથી શોભતા મૉડર્ન ઍન્કલેટ અને ટ્રેડિશનલ પગપાન બહુ સુંદર લાગે છે. ઘૂઘરીઓ કે ઘૂંઘરૂવાળો માંગટીકો, હાથના ઘૂઘરી લટકતા ચાઇમ્સ બેસલેટ, ઘૂઘરીઓ સાથેની ટેમ્પલ જ્વેલરી ઑલ ટાઇમ હિટ છે. આખો ઘૂઘરીઓથી બનેલો કમરપટો તો નવરાત્રિ માટે સ્ટેટમેન્ટ પીસ છે. એ પહેરવાથી તમે ટ્રેડિશનલ ચણિયાચોળી, ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ કે કોઈ પણ સિમ્પલ ડ્રેસને એલિવેટ કરી શકો છો. ઘૂંઘરૂ અને ઘૂઘરીઓ જ્વેલરી સાથે સાથે ડ્રેસને પણ ઉઠાવ આપવામાં વાપરવામાં આવે છે. દુપટ્ટામાં બને બાજુ લટકણ તરીકે, બ્લાઉઝની દોરીના લટકણ તરીકે, ટ્રેડિશનલ પૅચને એલિવેટ કરવા એના કૉર્નરમાં, ડ્રેસની નેકલાઇન કે સ્લીવમાં ઘૂંઘરૂનું ઍડિશન અલગ ડિઝાઇનર લુક આપે છે.