ઓછા સમયમાં જલદી રેડી થઈને ગરબા રમવા જવું હોય તો અપનાવી લો આ ટિપ્સ

03 October, 2024 12:31 PM IST  |  Mumbai | Heta Bhushan

નવરાત્રિની ટાઇમ લિમિટ, મુંબઈનો ટ્રાફિક, વર્કિંગ ડે વચ્ચે સજીધજીને ગરબે ઘૂમવા જવા માટે તૈયાર થવાનો સમય નહીં મળે એ સ્વાભાવિક છે

ગરબા માટેના ન્યુ લુક

નવરાત્રિની ટાઇમ લિમિટ, મુંબઈનો ટ્રાફિક, વર્કિંગ ડે વચ્ચે સજીધજીને ગરબે ઘૂમવા જવા માટે તૈયાર થવાનો સમય નહીં મળે એ સ્વાભાવિક છે. તમારી આ સમસ્યાનું સમાધાન લાવવા અમે લઈ આવ્યા છીએ એવા આઇડિયાઝ જેનાથી તમે ચપટી વગાડતાં જ નવરાત્રિની ફીલ અને ફૅશનને અનુરૂપ તૈયાર થઈ શકશો

આૅફિસથી સીધાં ગ્રાઉન્ડ પર જવાનાં હો તો

નૉર્મલ બ્લૅક કે વાઇટ કે કોઈ પણ રંગની લખનવી કુરતી પર ટૉપ-ટુ-બૉટમ તમને ગમતા સિલ્વર કે ઑક્સિડાઇઝ્ડ દાગીના જેમ કે નેકલેસ, બુટ્ટી, બંગડીઓ, વીંટી, ઝાંઝર જેવું બધું જ તમને ગમતું અને ઍડ કરો સતરંગી બાંધણી કે લહેરિયાનો દુપટ્ટો.નૉર્મલ ઑફિસવેઅર વાઇટ શર્ટ અને પૅન્ટ પહેર્યાં હોય તો ફૅન્સી સ્ટેટમેન્ટ નેકલેસ અને બ્લૅક બાંધણીનો દુપટ્ટો ઍડ કરો. ટૉપ અને સ્કર્ટ પહેર્યાં હોય તો પણ દુપટ્ટો, જૅકેટ, કમરપટ્ટો અને દાગીના પહેરી લો.

પ્લેન અનારકલી કુરતી પહેરી હોય તો વાળનો અંબોડો, એમાં ગજરો, એક સરસ બિંદી અને હાથમાં ઘણીબધી બંગડી અને કૉન્ટ્રાસ્ટ દુપટ્ટો ઍડ કરી નવરાત્રિ માટે રેડી 
થઈ જાઓ.

નૉર્મલ બ્લૅક ટી-શર્ટ સાથે જીન્સ કે સ્કર્ટ પર ગળામાં એકસાથે બેથી ત્રણ ઑક્સિડાઇઝ્ડ માળા પહેરી લો. 


આૅફિસથી સીધાં ઘરે પહોંચીને ગરબે રમવા જવાનાં હો તો...

ગરબે રમવા જવાનો પ્રોગ્રામ નક્કી જ હોય તો થોડી આગોતરી તૈયારી કરી લો.

ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન મૉડર્ન લુક બધાને ગમે છે. ફૅશનમાં છે અને જલદી તૈયાર થઈ શકાય છે.

ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે બ્લૅક ટી-શર્ટ કે ટૉપ સાથે કોઈ પણ ટ્રેડિશનલ વર્કવાળો ચણિયો, કોઈ પણ રંગનો બાંધણીનો ચણિયો પહેરી એમાં કોડીવાળા, મિરરવાળા દાગીના પહેરી લો. બ્લૅક ટી-શર્ટ સાથે બ્લૅક સ્કર્ટ પહેરી વર્કવાળો વાઇટ દુપટ્ટો કે કોઈ પણ રંગનો ટ્રેડિશનલ દુપટ્ટો કમરપટ્ટા સાથે પહેરી જલદીથી રેડી થઈ શકાય છે. 

કોઈ પણ રંગની પ્લેન સ્લીવલેસ કુરતી સાથે પૅન્ટ કે જીન્સ, સ્ટેટમેન્ટ જ્વેલરી, ગળામાં નેકલેસ, હાથમાં બંગડીઓ, રિંગ અને પગમાં પાયલ પહેરી ફટાફટ તૈયાર થઈ જાઓ.

વાઇટ કૉલરવાળું શર્ટ કે ક્રીમ ફ્રિલવાળા કે બેલ સ્લીવવાળા ટૉપ સાથે ડિજિટલ પ્રિન્ટ કે ફ્લાવર પ્રિન્ટ, પટોળા પ્રિન્ટ કે અજરખનું સ્કર્ટ મૅચિંગ જ્વેલરી પહેરી લો. દુપટ્ટાને ઍડ ઑન કર્યા વિના પણ આ લુક બહુ સરસ લાગે છે અને તમારે કરવો હોય તો દુપટ્ટો ઍડ કરી શકો છો.

બ્લૅક ધોતી કે ક્રીમ ધોતી કે ધોતી સ્ટાઇલ સલવાર કે ટ્યુલિપ સલવાર પર શૉર્ટ કુરતી, કેડિયા સ્ટાઇલ ટૉપ કે ક્રૉપ ટૉપ મૅચ કરી કમરપટ્ટો અને ફૅન્સી ઝુમ્મર પહેરી લો.  

જીન્સ વર્સેટાઇલ છે, એની સાથે જે કંઈ પહેરો; ફૅન્સી અને સરસ શોભે છે.

જીન્સ અને ટૉપ પર માત્ર દુપટ્ટો ઍડ કરો અને બેલ્ટના સ્થાને કમરપટો કે કંદોરો.

જીન્સ પર લૉન્ગ સ્લિટવાળો કુરતો પહેરી કોઈ બાંધણી કે લહેરિયાની ટ્રેડિશનલ સાડી હૈદરાબાદી ખડા દુપટ્ટા સ્ટાઇલથી પહેરી લો અને મૅચિંગ જ્વેલરી સાથે કમરપટો ઍડ કરો.

જીન્સ સાથે ક્રૉપ ટૉપ અને લૉન્ગ જૅકેટ પહેરો. જીન્સ પર ફ્લેરવાળું કલરફુલ નવરાત્રિ વાઇબ્સ આપતું શૉર્ટ ટૉપ, કેડિયા સ્ટાઇલ ટૉપ પહેરો. 

અસિમેટ્રિકલ કુરતી પૅન્ટ, જીન્સ કે સ્કર્ટ સાથે પહેરી લો અને ઍડ કરો મનગમતી મૅચિંગ જ્વેલરી.    

મેકઅપ આઇડિયાઝ

ફાસ્ટેસ્ટ મેકઅપ આઇડિયામાં સૌથી પહેલી ટિપ છે કે નો મેકઅપ કે ઓછા મેકઅપવાળો લુક જ પસંદ કરો. બહુ હેવી મેકઅપ કરવામાં સમય પણ લાગે છે અને ગરબે ઘૂમ્યા બાદ પરસેવાને લીધે એ ખરાબ થઈ શકે છે.

મિનિમમ મેકઅપમાં પણ હંમેશાં ૧૦૦ ટકા વૉટરપ્રૂફ મેકઅપ જ વાપરો.

બ્લૅક વૉટરપ્રૂફ આઇલાઇનરથી કરેલી ડિઝાઇનર બિંદી હમણાં ટ્રેન્ડમાં છે.

બેઝિક કૉમ્પૅક્ટ, લાઇનર અને લિપસ્ટિક કે લિપગ્લૉસ એટલો જ મેકઅપ કરો અને બ્રેકમાં સહેલાઈથી ફરીથી ટચઅપ કરી શકાય માટે એ સાથે રાખો. પરફ્યુમ પણ સાથે રાખો.

બોલ્ડ લિપસ્ટિક કલર્સ ટ્રેન્ડિંગ છે. તમારી પર્સનાલિટી અનુસાર રેડ, પિન્ક, બ્રાઉન કલર યુઝ કરી શકો છો.

મોનોક્રોમ મેકઅપ એટલે એક જ કલરના શેડ્સવાળો મેકઅપ ટ્રેન્ડમાં છે. એમાં ઑરેન્જ અને પિન્કના શેડ યંગ ગર્લ્સ પર સરસ લાગે છે.

ટ્રેડિશનલ લુક માટે બિંદી અને ગજરાનો યુઝ હંમેશાં હિટ રહે છે.

આ કલરફુલ ફેસ્ટિવલમાં કલરફુલ આઇલાઇનર ઇન છે. જો તમે બોલ્ડ ફૅશન અને મેકઅપ કરતા હો તો વૉટરપ્રૂફ કલર આઇલાઇનર ટ્રાય કરી શકો છો.

આટલું તો હોવું જ જોઈએ તમારી પાસે

નવરાત્રિ શરૂ થવા પહેલાં જ તમારા વૉર્ડરોબમાં આ બધી વસ્તુઓ હશે જ. એને શોધીને તૈયાર રાખો તો તમે રોજ ફટાફટ તૈયાર થઈ શકશો. 

બાંધણી, લહેરિયા, મોઠડુ (લહેરિયા જેવું રાજસ્થાની સ્ટાઇલ) અજરખ, બ્લૉક પ્રિન્ટના દુપટ્ટા

નવરાત્રિ ફીલ માટે તૈયાર થવા માટે સૌથી પહેલી, સહેલી અને હાથવગી વસ્તુ છે દુપટ્ટા... કોઈ પણ રંગીન દુપટ્ટો સિમ્પલ જીન્સ અને ક્રૉપ ટૉપને પણ નવરાત્રિ લુક આપી શકે છે. એકસાથે બે દુપટ્ટા પહેરીને, દુપટ્ટાને કૅપની જેમ પહેરીને તૈયાર થઈ શકાય છે.

એક લૉન્ગ બ્રાઇટ રંગનું ઘેરવાળું કલીદાર પૅટર્નનું જૅકેટ 

ડેઇલી વેઅર જીન્સ અને ટી-શર્ટ પર લાંબું ફુલ લેન્ગ્થ ફ્લેરવાળું જૅકેટ પહેરી લો એટલે એક મિનિટમાં રેડી થઈ શકશો. જૂની લહેરિયા કે બાંધણીની સાડીમાંથી સ્પેશ્યલ જૅકેટ બનાવડાવી શકાય છે જે હંમેશાં કામ લાગશે. જીન્સ-ટી-શર્ટ કે પૅન્ટ-કુરતી પર કે કો-ઑર્ડ સેટ પર કે સ્કર્ટ-ટૉપ પહેર્યું હોય એના પર બસ, આ સ્લીવવાળું કે સ્લીવલેસ જૅકેટ પહેરવાથી પળવારમાં નવરાત્રિ-રેડી બની શકાય છે. વર્કવાળી સ્લીવલેસ કોટી કોઈ પણ પ્લેન કુરતી પર વર્કવાળી કોટી અને દુપટ્ટો ઍડ ઑન કરવાથી નવરાત્રિ લુક ક્રીએટ કરી શકાય છે.  

સિલ્વર કે આૅક્સિડાઇઝ્ડ સ્ટેટમેન્ટ નેકલેસ

મૉડર્ન વેસ્ટર્ન લુકમાં ગળામાં એક મોટો સિલ્વર કે ઑક્સિડાઇઝ્ડ સ્ટેટમેન્ટ નેકલેસ પણ ફેસ્ટિવલ ફીલ અપાવી શકે છે. 

આભલાંના વર્કવાળો, કોડીવાળો, સિક્કા કે ઘૂઘરીવાળો કમરપટો

સ્કર્ટ, કુરતી, જીન્સ, શ્રગ, અનારકલી જે કંઈ પહેર્યું હોય સાથે દુપટ્ટો અને કમરપટો પહેરવાથી નવરાત્રિ ચાર્મ એઍ થઈ જાય છે.

ટ્રેડિશનલ ફૅન્સી પૅચ વિથ દોરી

તમારા જૂના ટ્રેડિશનલ ચણિયાચોળી કે ડ્રેસમાંથી ફૅન્સી ચોરસ, લંબચોરસ, ત્રિકોણ કે અન્ય કોઈ શેપમાં વર્કવાળો પીસ કટ કરી એમાં પ્રેસ બટન કે ફૅન્સી દોરી અટૅચ કરી કોઈ પણ પ્લેન આઉટફિટ સાથે એને ફ્રન્ટ કે બૅકમાં ઍડ ઑન કરી દો આ નાનકડો ટ્રેડિશનલ ટચ લુક ફેરવી નાખશે.

તેમ જ ઇન્ડો-વેસ્ટર્ન કૉમ્બિનેશન કરવું હોય તો હાથમાં સ્ટેટમેન્ટ રિંગ, હાથપાન, ઘણીબધી બંગડીઓ પહેરી લો અને પગમાં ભરેલી મોજડી પહેરી પળવારમાં નવરાત્રિ માટે તૈયાર થઈ જાઓ.

navratri Garba fashion fashion news festivals mumbai mumbai news life and style