હેરસ્ટાઇલમાં રંગબેરંગી રિયલ રોઝનું રાજ

03 January, 2025 09:54 AM IST  |  Mumbai | Heta Bhushan

દુલ્હન હોય કે દુલ્હા-દુલ્હનના પરિવારજનો, હેરસ્ટાઇલમાં જો તમને કંઈક નૅચરલ જ યુઝ કરવાની ઇચ્છા હોય તો ફૂલોના રાજા ગુલાબનો રુઆબ અજમાવી જુઓ

આ રીતે રોઝનો ઉપયોગ થઈ શકે!

હાલમાં લગ્નમાં જાઓ તો બધાની હેરસ્ટાઇલમાં લાલ કે આઉટફિટ સાથે મૅચિંગ અન્ય રંગનાં ગુલાબ વધારે દેખાઈ રહ્યાં છે. ‘ઇન્ડિયન આઇડલ’માં શ્રેયા ઘોષાલે પણ હેરસ્ટાઇલમાં સાઇડમાં બે-ત્રણ ગુલાબ નાખેલાં જોવા મળ્યાં છે. ક્રીતિ સૅનન હોય કે આલિયા ભટ્ટ, બધી ઍક્ટ્રેસ અત્યારે રિયલ રોઝને સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનાવી રહી છે. આ સ્ટાઇલ બધાને શોભે છે અને મૉડર્ન એલિગન્ટ લુક આપે છે. બ્રાઇડલ તેમ જ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ સમીર સાવલા પાસેથી જાણીએ રિયલ ફૂલોનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાથી ઉઠાવ આપે છે.

વર્ષોજૂની સ્ટાઇલ રિવાઇવ

ગુલાબ આજથી નહીં, પણ વર્ષોનાં વર્ષથી વાળની શોભા વધારવામાં વપરાય છે. આપણા પેરન્ટ્સ અને તેમના પેરન્ટ્સના જૂના ફોટોમાં મમ્મી, દાદી કે નાનીના અંબોડા કે ચોટલામાં ગુલાબ જોવા મળે છે. ૬૦ના દાયકામાં હિરોઇનના ખુલ્લા વાળ, ચોટલા કે અંબોડામાં સાઇડમાં ગુલાબ ખોસેલું જોવા મળતું. એ ફૅશન લાંબો સમય ચાલી અને અત્યારે ફૅશન અને સ્ટાઇલનું ચક્ર ફરી ફરતાં માથામાં ગુલાબ, ખાસ કરીને સાઇડમાં ગુલાબ ખોસવાનું બધા પસંદ કરે છે અને એવી જ હેરસ્ટાઇલની ડિમાન્ડ કરે છે. અનેક જુદી-જુદી રીતે રોઝનો હેરસ્ટાઇલમાં ઉપયોગ થાય છે. એક, બે કે ત્રણ કે ઘણાં બધાં ગુલાબ હેરસ્ટાઇલમાં વાપરવામાં આવે છે. આ જાજરમાન લુક આપતાં ગુલાબની ખાસિયત એ છે કે એ માત્ર અંબોડા કે ફૅન્સી બનમાં જ નહીં પણ ચોટલામાં, ઓપન હેરમાં બધામાં શોભે છે એટલે સ્ટાઇલિસ્ટ ઘણા નવા ઑપ્શન ટ્રાય કરી શકે છે.’

હેરસ્ટાઇલમાં વિવિધ રીતે ગુલાબનો ઉપયોગ

દુલ્હન માટે ગુલાબનો અંબોડો

આ સ્ટાઇલ એકદમ પૉપ્યુલર છે જેમાં દુલ્હનના માથાના અંબોડાને આખો ગુલાબનાં ફૂલથી સજાવવામાં આવે છે. એમાં મોટા ભાગે લાલ રંગનાં રોઝ જ વપરાય છે. ક્યારેક રેડ અને વાઇટનું કૉમ્બિનેશન કે રેડ અને યલો રોઝનું કૉમ્બિનેશન આઉટફિટ પ્રમાણે કરવામાં આવે છે. રેડ રોઝ અને સફેદ મોગરાના ગજરાનું કૉમ્બિનેશન પણ ક્લાસી લુક આપે છે. નવી રીત પ્રમાણે ગુલાબનાં ફૂલ નહીં પણ પાંદડીઓને અંબોડાની બ્લૅક નેટમાં ભરી દઈને પછી આખા અંબોડા પર એ નેટ ફિટ કરવામાં આવે છે. અંબોડામાં ચારે બાજુ ગોળાકારે ગુલાબ સજાવી વચ્ચે એક જ્વેલરી પીસ ગોઠવવામાં આવે છે. દુલ્હનની ટ્રાન્સપરન્ટ ઓઢણીમાંથી આ બધી હેરસ્ટાઇલ બહુ સરસ દેખાય છે. 

હાફ રોઝ સ્ટાઇલ

આ સ્ટાઇલમાં દુલ્હન કે તેના પરિવારજનો અને સહેલીઓના અંબોડાને કે ફૅન્સી બનને અડધી બાજુથી ગુલાબથી સજાવવામાં આવે છે. એમાં અડધો ભાગ ખાલી રાખવામાં આવે છે અથવા મોતીની લાઇન કે ગજરાથી સજાવવામાં આવે છે. હાફ રોઝ સ્ટાઇલ યુનિક અને ફૅન્સી લુક આપે છે.

ઓપન હેરસ્ટાઇલમાં રોઝ

ઓપન હેરને કર્લ કે વેવ્સ કે સ્ટ્રેટ કરી હાફ ટાઇઅપ કે સાઇડ ટાઇઅપ કરી એક, બે કે ત્રણ-ચાર રોઝથી સજાવીને સુંદર મૉડર્ન લુક આપવામાં આવે છે. ઓપન હેર અને સાઇડમાં એક બાજુથી દેખાતું ગુલાબનું એક ફૂલ ક્લાસિક લુક આપે છે અને દરેકને શોભે છે. મેંદી કે હલ્દી કે સંગીતના ફંક્શનમાં દુલ્હન અને તેની બહેન અને સહેલીઓ આ સ્ટાઇલ પસંદ કરે છે.

ચોટલામાં રોઝ

લાંબા ચોટલાને થોડા-થોડા અંતરે ગુલાબનાં ફૂલોથી સજાવવામાં આવે છે. ગુલાબની પાંદડીથી બનેલા ગજરા પણ બહુ સુંદર લાગે છે. ચોટલાના ઉપરના ભાગને અર્ધવર્તુળાકારમાં ગુલાબથી સજાવી નીચે ગજરો વીંટાળી ફુલ ફ્લાવર લુક ક્રીએટ કરવામાં આવે છે. ફૅન્સી સ્ટાઇલ લૂઝ ચોટલાને પણ ગુલાબનાં ફૂલોથી સજાવવામાં આવે છે.

સાઇડ રોઝ સ્ટાઇલ

આ જૂની સ્ટાઇલ ફરી એકદમ ઇન થિંગ બની ગઈ છે. ફૅન્સી બન કે હેર અપ ડુને એક સાઇડમાં ફ્રન્ટમાંથી દેખાય એ રીતે એક, બે કે ત્રણ રોઝથી સજાવવામાં આવે છે અને એ સ્ટાઇલિશ લુક આપે છે. મૉડર્ન અને ટ્રેડિશનલ લુકના મિલન જેવી સાઇડ રોઝ સ્ટાઇલ સિમ્પલ લુકને પણ એકદમ એલિવેટ કરે છે. સિમ્પલ નીચા અંબોડામાં આ સ્ટાઇલ એકદમ સરસ લાગે છે. ઓપન હેરમાં પણ એક સાઇડ રોઝ કે મિની રોઝનું ઝૂમખું સરસ ઉઠાવ આપે છે. દિલ ચોટલા સાથે પણ સાઇડ રોઝ સરસ લાગે છે. સાઇડ ફૅન્સી ચોટલો પણ ગુલાબનાં ફૂલોથી સજાવવામાં આવે છે.

fashion fashion news life and style columnists