05 August, 2024 01:55 PM IST | Mumbai | Heta Bhushan
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના વરસાદમાં જેટલા જલદી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે એટલી જ જલદી ઘરની અંદર પણ ભેજનું પ્રમાણ વધી જાય છે. આ મોસમમાં ઘરની દીવાલો અને ફર્નિચરની વિશેષ કાળજી રાખવી પડે, નહીંતર તમારું મોંઘુંદાટ ફર્નિચર હોય કે ઇકો-ફ્રેન્ડ્લી સજાવટ બધું જ ફિક્કું પડી જાય.
ક્લીન ઍન્ડ ડ્રાય રૂલ
વરસાદની મોસમમાં ઘરની સજાવટ સાથે એની જાળવણી પર વધુ ધ્યાન આપવું પડે છે એમ જણાવતાં ઇન્ટીરિયર ડિઝાઇનર અને હોમ ડેકોર એક્સપર્ટ હેમાલી કોઠારી શાહ કહે છે, ‘વરસાદમાં ઘરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. સૌથી પહેલાં તો ‘ક્લીન ઍન્ડ ડ્રાય રૂલ’ નિયમને સતત પાળવો. મૉન્સૂન પહેલાં જ લીકેજ હોય તો રિપેર કરાવી લેવું. ક્યાંય પણ ભેજ હોય તો ત્યાં વૉટર-પ્રૂફિંગ કરાવી લેવું. ઘરને સુંદર રાખવા માટે પહેલાં ક્યાંય કશું ભેજવાળું ભીનું ન રહે એનું ધ્યાન રાખવું. ધારો કે ભેજ જામે તો તરત જ સૂકવવું અને ઘરને ડ્રાય કરવું. વિશેષ તો લાકડાના ફર્નિચરનું વરસાદના ભેજથી બચાવવા એના પર વૉટર-પ્રૂફ પૉલિશ કરાવવું, ડાઇનિંગ ટેબલ કે અન્ય ટેબલ કે ટિપાઈ પર ફૅન્સી પ્લાસ્ટિકનાં ટેબલ કવર વાપરવાં, લાકડાના ફર્નિચરને જાળવવા એને કોઈ પણ મનગમતા કલરથી કે વાર્નિશથી પેઇન્ટ પણ કરી શકાય. દરેક ફર્નિચરના ખાનામાં, કબાટમાં, કિચન કૅબિનેટમાં બધે જ સાફસફાઈ રાખવી અને નેપ્થેલિનની ગોળીઓ, કપૂરની પોટલી અથવા લીમડાનાં પાન અથવા લવિંગ કે અન્ય ફ્રેશનર રાખવું જેથી વરસાદની ભેજવાળી દુર્ગંધથી બચી શકાય. ટિશ્યુપેપરથી ફર્નિચરને સાફ કરતા રહેવું જેથી ભેજ શોષાઈ જાય. લાકડાના ફર્નિચર પર, દરવાજા પર અને ખાસ દરવાજાના કૉર્નર પર અને લૉક્સમાં તેલ લગાવવું અથવા વૅક્સ ઘસવું જેથી એનું ભેજથી રક્ષણ થાય અને દરવાજો તથા લૉક બરાબર સહેલાઈથી બંધ-ખોલ કરી શકાય.’
સ્લિપરી સર્ફેસ
ઘરના વાયરિંગની તપાસ મૉન્સૂન શરૂ થતાં પહેલાં કરાવી લેવી, એટલું જ નહીં, દર ૧૫-૨૦ દિવસે એનું ચેકિંગ કરાવવું. એ ઉપરાંત ફ્લોરિંગ લપસણી ન હોય એની કાળજી મસ્ટ છે એમ જણાવતાં હેમાલીબહેન કહે છે, ‘ભીનાશ હોય તો ચીકાશ થાય અને ચીકાશમાં લપસવાનો ડર રહે છે એટલે ઘરના એન્ટ્રન્સમાં, ગૅલરીમાં, બારી પાસે જ્યાંથી પાણી આવવાની શક્યતા હોય ત્યાં ઍન્ટિ સ્કિડ ટાઇલ્સ વાપરવી. આ જગ્યા ભીની થાય તો એને કોરી કરતા રહેવું. વરસાદમાં ભીનાં કપડાં દરેક ઘરની મોટી સમસ્યા છે. આખા ઘરમાં જ્યાં-ત્યાં સૂકવેલાં ભીનાં કપડાં ઘરની શોભા બગાડે છે. કપડાં સૂકવવા માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવસ્થિત જગ્યા નક્કી કરી દોરી કે પાઇપ લગાડો અથવા પ્રૉપર સ્ટૅન્ડ વસાવો અને એક જગ્યાએ ગોઠવી રાખો.’
વરસાદમાં ઘરની સજાવટ માટે શું-શું કરી શકાય?
મૉન્સૂન ડેકોરમાં સ્વચ્છતા પછી મિનિમલ કન્સેપ્ટ જ સૌથી સારો ઑપ્શન છે. જેટલી ઓછી વસ્તુઓ એટલી ઓછી જાળવણી. આવું કઈ રીતે થઈ શકે એની ૮ ટિપ્સ હેમાલી શાહ આપે છેઃ
૧. ફૅન્સી ડોરમૅટ્સ : વરસાદમાં હોમ ડેકોરમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે કાદવ-કીચડને ઘરમાં પ્રવેશતાં રોકતી ડોરમૅટ્સ. ઘરના દરેક એન્ટ્રન્સ પર સુંદર ઑલ વેધર-પ્રૂફ ડોરમૅટ્સ જરૂરી છે. હવે અનેક સુંદર વરાઇટી, શેપ અને મટીરિયલમાં ફૅન્સી ડોરમૅટ્સ મળે છે. જ્યુટ કે રીસાઇકલ રબર કે કોયરની ઍન્ટિ સ્કિડ મૅટ પસંદ કરવી. ડોરમૅટ્સ હંમેશાં બેથી ત્રણ રાખો જેથી ભીની અને ગંદી ડોરમૅટ્સને ધોઈ અને બદલી શકાય.
૨. અમ્બ્રેલા-સ્ટૅન્ડ : મૉન્સૂનમાં ભીની છત્રીઓ મૂકવા માટે અમ્બ્રેલા-સ્ટૅન્ડ કે ભીની છત્રી અને રેઇનકોટ મૂકવા અને સૂકવવા બાથરૂમમાં કે બારીમાં અથવા ગૅલરીમાં કોઈ ખાસ વ્યવસ્થા જરૂરી છે. તમે ઍન્ટિક વસ્તુઓના પ્રેમી હો તો યુરોપિયન સ્ટાઇલનું ક્લાસિક અમ્બ્રેલા-સ્ટૅન્ડ રાખો જે એન્ટ્રન્સની શોભા વધારશે. તમે હૅન્ડ મેડ અમ્બ્રેલા-સ્ટૅન્ડ પાઇપના ટુકડા વગેરેમાંથી બનાવી શકો છો. પ્લાસ્ટિકની બાલદી બહુ ખરાબ દેખાય તો એના સ્થાને તમે કોઈ જૂના કન્ટેનરને હૅન્ડ પેઇન્ટ કરી અમ્બ્રેલા-સ્ટૅન્ડ તરીકે મૂકી શકો.
૩. તાજાં સુગંધી ફૂલો: ઘરની લિવિંગરૂમમાં એન્ટ્રન્સ પાસે કે સેન્ટર ટેબલ કે ડાઇનિંગ ટેબલ પર કે બેડરૂમમાં સાઇડ ટેબલ પર કે સ્ટડી ટેબલ પર નાના ફ્લાવર વાઝમાં તમે ગુલાબ, લીલી, ટ્યુલિપ જેવાં કે પછી અન્ય તમારાં મનગમતાં સુગંધી રંગબેરંગી ફૂલ મૂકો. ફૂલના રંગ અને સુગંધ વાતાવરણને સુંદર બનાવશે. બાઉલમાં પાણી ભરીને એમાં તરતાં ફૂલ અથવા ફૂલની પાંદડીઓ રાખો તો એ પણ સુંદર લાગશે.
૪. ઍડ ઑન કલર્સ / રંગોની આભા : વરસાદમાં વાતાવરણ અંધારિયું હોય છે અને એ જ ઘરમાં ફેલાય છે એટલે ઘરના વાતાવરણમાં જીવંતતા લાવવા ઘરના ડેકોરમાં અમુક નવા રંગ તમારી કલ્પના અને જરૂરિયાત પ્રમાણે ઉમેરો. વાતાવરણની ડલનેસ દૂર કરવા ઘરની સજાવટમાં નવા રંગીન એલિમેન્ટનો ઉમેરો કરો. જેમ કે કુશન કવરમાં પીળો, લીલો, ફિરોજી, નારંગી જેવા બ્રાઇટ રંગ ઉમેરો. સેન્ટર ટેબલ પર રંગીન ટેબલ મૅટ મૂકો કે વૉલ પર કોઈ કલરફુલ રંગોથી ભરેલું વૉલ આર્ટપીસ ઍડ કરો અથવા એક વૉલને જ બ્રાઇટ મનગમતા રંગથી રંગીને સ્ટેટમેન્ટ વૉલ બનાવી લો. કોઈ કલરની ચૅર કે કૉફી ટેબલ પણ મૂકી શકાય. બેડરૂમમાં રંગીન બેડશીટ પાથરો, જે વરસાદના ગ્લૂમી વાતાવરણમાં હેપી વાઇબ્સ ઉમેરે છે.
૫. ટ્રાન્સપરન્ટ પડદા : વરસાદમાં ભારીભરખમ કાપડના પડદાને બદલે રંગીન સૉફ્ટ નેટ, લિનન કે અન્ય પાતળા અને વજનમાં હલકા ફૅબ્રિકના ટ્રાન્સપરન્ટ પડદા લગાડો. પડદાના જાડા કાપડમાં ભેજ રહે છે એ વાતાવરણને ભેજવાળું બનાવે છે. રંગીન, પાતળા શીઅર પડદા વાતાવરણમાં રંગ ઉમેરે છે અને થોડો પ્રકાશ આવવા દે છે જેથી રૂમ સરસ લાગે.
૬. ઘરમાં હરિયાળી : ઘરના વાતાવરણમાં જીવંતતા લાવવા નાના ફૅન્સી પૉટમાં ઇન્ડોર પ્લાન્ટ્સ બારીમાં, ગૅલરીમાં, ટેબલ્સ પર મૂકો, બારીમાં હૅન્ગિંગ કુંડામાં પ્લાન્ટ્સ કે ગૅલરીમાં વર્ટિકલ ગાર્ડન ક્રીએટ કરો. આ લીલાછમ છોડ ઘરની શોભા વધારશે અને વાતાવરણને સુંદર જીવંત બનાવશે.
૭. અરોમા કૅન્ડલ્સ : વરસાદના વાતાવરણમાં ઘરમાં જો ભેજનું પ્રમાણ વધી જાય તો એક ન ગમતી દુર્ગંધ આવે છે. એનો ઉપાય છે સુંદર સુગંધ ફેલાવતી રોમા કૅન્ડલ્સ. સાંજના સમયે ઘરમાં સુગંધિત મીણબત્તી સ્ટાઇલિશ ટ્રે કે કૅન્ડલ-સ્ટૅન્ડમાં મૂકો, એ ઘરમાં મનમોહક સુગંધ અને આછા પ્રકાશની આભાથી જીવંતતા ભરી દેશે.
૮. પ્રૉપર લાઇટિંગ : વરસાદની સીઝનમાં વાતાવરણમાં સૂરજનો પ્રકાશ ઓછો હોય છે ત્યારે ઘરમાં તમે વધુ પ્રકાશ માટે વૉર્મ લાઇટ્સ વધારી વાતાવરણને બ્રાઇટ કરી શકો છો. કોઈ ફૅન્સી સિલિંગ લૅમ્પ, સ્ટૅન્ડિંગ લૅમ્પ કે વૉલ-લૅમ્પ સરસ લાગે છે. બાલ્કની એરિયામાં પણ વધારે લાઇટ મુકાવો.