તમને કેવી લિપસ્ટિક સારી લાગશે એ સમજવાનું પણ એક સાયન્સ છે

22 January, 2025 08:25 AM IST  |  Mumbai | Heta Bhushan

હોઠને આકર્ષક બનાવવા માટે કેવા રંગની લિપસ્ટિક લગાવવી એ તમારા ચહેરાની સ્કિનનો ટોન, હોઠની નમણાશ કે ભરાવ પર નિર્ભર કરે છે. માત્ર તમારા સ્કિન-ટોનને જ નહીં, અન્ડરટોનને સમજીને એ મુજબ કઈ રીતે પસંદગી કરવી એ એક્સપર્ટ પાસેથી જાણીએ

લિપસ્ટિકના શેડ્સ

મેકઅપમાં સૌથી વધારે મહત્ત્વની છે હોઠોને ઉઠાવ આપતી રંગીન લિપસ્ટિક. જો તમે થોડીક પણ મેકઅપ ટ્રિક જાણતા હો તો ખબર હશે કે હંમેશાં ચહેરા પર સંપૂર્ણ મેકઅપ થઈ જાય પછી છેલ્લે લિપસ્ટિક લગાડવામાં આવે છે. તમારા પર જો સૂટ થાય એવી લિપસ્ટિક લગાવશો તો એ તમને આકર્ષક બનાવે છે અને એક ખાસ પ્રકારનો આત્મવિશ્વાસ આપે છે.

યોગ્ય લિપસ્ટિક લગાડ્યા બાદ ચહેરા પરનો મેકઅપ એન્હૅન્સ થઈ જાય છે અને જો લિપસ્ટિક ન લગાડીએ તો સારામાં સારો મેકઅપ સંપૂર્ણ લાગતો નથી. જો લિપસ્ટિકના રંગની યોગ્ય પસંદગી કરવામાં ન આવે કે કોઈ પણ રંગની લિપસ્ટિક લગાવી લઈએ તો પણ એ જામે જ એવું જરૂરી નથી. કયા રંગની લિપસ્ટિક લગાડવી એ માટે આપણે આપણા સ્કિન-ટોન અને આઉટફિટનો રંગ અને બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચાલો કાંદિવલીમાં ૧૫ વર્ષથી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત હિતેશ્વી ધ્રુવ પાસેથી જાણીએ લિપસ્ટિકની પસંદગીની કળા વિશે.

આમ જુઓ તો હોઠ પર અમુક જ રંગો સૂટ થાય છે, પણ એ જે રંગો હોય છે એના સેંકડો સબ શેડ્સ છે જેની બારીકી સમજો તો તમે કોના ચહેરા પર કેવો રંગ સૂટ થશે એ નક્કી કરી શકો. આ વિશે હિતેશ્વી ધ્રુવ કહે છે, ‘ઇન્ડિયન સ્કિનટોન પર આમ તો મોટા ભાગના લિપસ્ટિકના શેડ ખીલે છે. આઉટફિટના રંગ સાથે મેળ ખાતા લિપસ્ટિકના શેડનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા શેડ મળી જશે એથી વધારે જરૂરી છે જે રંગો તમારા આઉટફિટ સાથે મેળ ખાતા હોય એમાંથી તમારા ફેસના સ્કિન-ટોન પર સૌથી વધારે ખીલે એવા રંગની લિપસ્ટિક લગાડવાનું. લિપસ્ટિકનો સૂટેબલ શેડ પસંદ કરવા માટે સૌથી પહેલાં સ્કિનટોનને સમજો અને પછી સ્કિનના અન્ડરટોનને સમજો.’

સ્કિન-ટોન

સ્કિન-ટોન એટલે સ્કિનની સર્ફેસનો રંગ. ટોન ત્રણ પ્રકારના હોય છે ફૅર ટોન, મીડિયમ ટોન અને ડાર્ક ટોન. સ્કિન-ટોનને સમજીને કૉમ્પ્લેક્શનને અનુરૂપ લિપસ્ટિકનો શેડ પસંદ કરવો. ફેર સ્કિન-ટોન પર મોટે ભાગે બધા શેડ સારા લાગે છે, પણ બહુ જ બ્રાઇટ નિયૉન શેડ સૂટ થતા નથી. મીડિયમ સ્કિન-ટોન પર લાઇટ બ્રાઉન, પીચ અને પિન્ક શેડ, લાઇટ મરૂન વગેરે શેડ શોભે છે. ડાર્ક-ડસ્કી ટોન પર બ્રાઉન, મરૂન, બર્ગન્ડી વગેરે સારા લાગે છે.

અન્ડરટોન  

સ્કિનનો અન્ડરટોન એટલે સ્કિનની સર્ફેસ નીચેનો ટોન; જે વૉર્મ, ન્યુટ્રલ અને કૂલ હોય છે. સ્કિનનો અન્ડરટોન નક્કી કરવાની એક રીત છે હાથના કાંડા પાસે ચામડીની નીચે દેખાતી નસોને જોઈને અન્ડરટોન નક્કી કરવો. જો હાથના કાંડા પાસેની નસો લીલા રંગની હોય તો અન્ડરટોન વૉર્મ થશે. વૉર્મ ટોન સાથે યલો, ગોલ્ડ, ઑરેન્જના શેડ ઊઠે છે. જો નસો બ્લુ કે પર્પલ રંગની દેખાય તો કૂલ અન્ડરટોન થશે, કુલ ટોન સાથે પર્પલ અને પિન્કના વિવિધ શેડ સરસ લાગે છે અને જો નસો લીલી અને બ્લુ મિક્સ દેખાતી હોય તો અન્ડરટોન ન્યુટ્રલ થશે, ન્યુટ્રલ અન્ડરટોન સાથે લગભગ બધા જ રંગોના શેડ સારા લાગે છે.

કરન્ટ ટ્રેન્ડ

અત્યારે કૅઝ્યુઅલ લુકમાં બેસિક ન્યુટ્રલ રંગોના શેડ્સ વધારે ટ્રેન્ડમાં છે અને હેવી પાર્ટી લુકમાં આઉટફિટના કૉન્ટ્રાસ્ટ શેડ લગાવવામાં આવે છે.

 પ્રસંગને અનુરૂપ

લિપસ્ટિકના શેડ પ્રસંગ અનુસાર પસંદ કરવા. રોજબરોજમાં લાઇટ શેડ્સ સારા લાગે છે અને પાર્ટીમાં બ્રાઇટ બોલ્ડ શેડ. દિવસના લાઇટ શેડ સારા લાગે છે અને ઈવનિંગ પાર્ટીમાં બોલ્ડ બ્રાઇટ શેડ યુઝ કરી શકાય છે. 

લિપસ્ટિક લૉન્ગ લાસ્ટિંગ રહે એ માટે આટલું કરો

પહેલાં લિપસ્ટિકનો પહેલો કોટ લગાડવો પછી એના પર કૉમ્પૅક્ટ પાઉડર ટૅબ કરી ઉપર બીજો કોટ લગાડવો અને પછી ટિશ્યુ પેપરથી ટૅબ કરી લઈ ત્રીજો કોટ લગાવવો જેથી લિપસ્ટિક બરાબર લૉક થઈ જાય અને લગભગ ૧૦ કલાક સુધી બરાબર રહે.

 

life and style fashion news fashion columnists