આજકાલ ટ્રેડિશનલ ફૅશનમાં બોલબાલા છે મધુબની આર્ટની

10 June, 2024 03:39 PM IST  |  Mumbai | Heta Bhushan

મધુબની ટ્રેડિશનને તો ઉજાગર કરે જ છે સાથે તમારા આઉટફિટ્સને યુનિક પણ બનાવે છે

મધુબની આર્ટના ફૅન્સી મૅચિંગ ડિઝાઇનર આઉટફિટમાં શોભતી ફૅન્ટૅસ્ટિક ફૅશનેબલ ઝવેરી ફૅમિલી

સામાન્ય રીતે સાડી અને દુપટ્ટાઓમાં મધુબની આર્ટ વપરાતી આવી છે, પણ હવે કુરતી અને બ્લાઉઝથી લઈને પર્સનલાઇઝ્ડ ગાર્મેન્ટ્સ ક્રીએટ કરવા માટે ફૅશન-ડિઝાઇનર્સને આ કળામાં જબરો રસ પડવા લાગ્યો છે. મધુબની ટ્રેડિશનને તો ઉજાગર કરે જ છે સાથે તમારા આઉટફિટ્સને યુનિક પણ બનાવે છે

ભારતના હાલના બિહાર અને નેપાલનો થોડો ભાગ પ્રાચીનકાળમાં મિથિલા પ્રદેશ કહેવાતો હતો. આ મિથિલા મા સીતાની જન્મભૂમિ છે અને કહેવાય છે કે રામાયણકાળમાં જ મા જાનકી અને ભગવાન રામના શુભ વિવાહની યાદગીરી જાળવવા માટે ચિત્ર-કારીગરી કરવામાં આવી હતી. આ કારીગરી જ આગળ જતાં ‘મિથિલા પેઇન્ટિંગ’નું નામ પામી અને મુખ્યત્વે મધુબની ​ડિસ્ટ્રિક્ટમાં આ કળા-કારીગરી કરવામાં આવે છે એટલે એને ‘મધુબની આર્ટ’નું નામ મળ્યું. મુખ્યત્વે બ્રાહ્મણ અને કાયસ્થ પરિવારની સ્ત્રીઓ આ કળામાં પારંગત હતી અને જનરેશન-ટુ-જનરેશન આ કળા પોતાની બહેન-દીકરીઓને શીખવવામાં આવે છે. પહેલાં વૉલ પર પેઇન્ટિંગ કરવામાં આવતું. પછી જાડા કાપડ, કૅન્વસ, પેપર, લાકડા પર કરવામાં આવ્યું અને હવે સિલ્કની સાડી અને ફૅબ્રિક પર પણ કરવામાં આવે છે.

મધુબની આર્ટમાં મુખ્યત્વે જ્યૉમેટ્રિકલ પૅટર્ન અને મોર, માછલી, હાથી જેવાં મો​ટિફ્સ; ઝાડ, પાન, વેલ, તુલસીનો છોડ, સૂરજ, ચન્દ્ર, રામ-સીતા, કૃષ્ણ-રાધા, અન્ય દેવી-દેવતા કે હ્યુમન ફીગર્સ જોવા મળે છે. મધુબની પેઇન્ટિંગની ખાસિયત એ છે કે એની એકદમ બારીક ડિઝાઇન હોય છે. મુખ્ય પેઇન્ટિંગની આજુબાજુની ખાલી જગ્યા ફૂલ, પાન, પંખીઓ કે અન્ય જ્યૉમેટ્રિક ડિઝાઇન દ્વારા ભરવામાં આવે છે. એમાં બ્રાઇટ અર્થકલર્સ રેડ, યલો, બ્લુ, બ્લૅકનો ઉપયોગ કરી ઝીણી-ઝીણી રેખાઓ દોરીને સુંદર પૅટર્ન ક્રીએટ કરવામાં આવે છે. આ એક યુનિક ડ્રૉઇંગ-સ્ટાઇલ છે. આ પેઇન્ટિંગ કલાકારો પોતાના હાથની આંગળી કે ડાળીઓ કે મૅચ​સ્ટિકથી કરતા, પણ હવે નિબ પેન્સ અને પીંછીઓ વાપરવામાં આવે છે. ઑથેન્ટિક મધુબની આર્ટમાં નૅચરલ રંગો જ વાપરવામાં આવે છે. હવે ઍક્રિલિક અને ફૅબ્રિક કલર્સથી પણ મધુબની આર્ટ કરવામાં આવે છે.

મધુબની પેઇન્ટિંગ ફેમસ છે અને ટ્રેડિશનલ આર્ટિસ્ટિક પહેરવાની ઇચ્છા ધરાવનારની પહેલી પસંદ બને છે. કૉસ્ટ-ફ્રેન્ડ્લી મધુબની પેઇન્ટિંગ જેવી જ પ્રિન્ટવાળાં ડ્રેસ-મટીરિયલ અને દુપટ્ટા મળે છે. થોડા વધુ વે​રિએશનમાં ટ્રે​ડિશનલ મધુબની આર્ટ પરથી ઇન્સ્પાયર્ડ મધુબની ​ડિજિટલ પ્રિન્ટ કરેલું ફૅબ્રિક મળે છે.

ફૅશનમાં પ્રયોગ

ઑપેરા હાઉસના ‘દીપ્તિ અ​મિષા’ લેબલનાં ડિઝાઇનર અ​મિષા ઝવેરી કહે છે, ‘આર્ટ-રિલેટેડ ફૅશનમાં મધુબની આર્ટ ઇનથિંગ છે. કંઈક જુદું અને અનોખું પહેરવા માગતા ક્લાયન્ટને મધુબની આર્ટવાળાં આઉટ​ફિટ્સ સજેસ્ટ કરીએ છીએ અને એમાં જુદી-જુદી રીતે કૉ​મ્બિનેશન કરીને ફૅશનેબલ યેટ ટ્રે​ડિશનલ આઉટફિટ ​ડિઝાઇન કરવામાં આવે છે. મધુબની પેઇન્ટિંગની સાડી અને દુપટ્ટા લોકપ્રિય છે જ. મોટા ભાગે ક્રીમ સિલ્ક સાડી પર ફુલ ટચ-ટુ-ટચ મધુબની પેઇન્ટિંગ કરવામાં આવે છે. માત્ર હેવી બૉર્ડર અને પાલવમાં પેઇન્ટિંગ પણ સરસ લુક આપે છે. ક્રીમ ઉપરાંત યલો, રેડ, પિન્ક, ગ્રીન જેવા કલર્સનાં સાડી અને દુપટ્ટા પર પેઇન્ટિંગ સરસ લાગે છે. ક્રીમ સાડી પર માત્ર બ્લૅક બૉર્ડર અને પાલવ પેઇન્ટિંગ પણ સોબર લુક આપે છે. ફુલ મધુબની પેઇન્ટિંગ કરેલો ડ્રેસ કે માત્ર નેકલાઇન અને દામનમાં પેઇન્ટિંગ કે ફક્ત બૅકમાં પેઇન્ટિંગ કે માત્ર હૅન્ડ અને નેકમાં બૉર્ડર પેઇન્ટ કરેલા મધુબની ડ્રેસ ડિમાન્ડમાં છે. એકદમ બ્યુટિફુલ પ્લેન હૅન્ડલૂમ સાડી સાથે ફુલ મધુબની પેઇન્ટિંગ કરેલું કૉન્ટ્રાસ્ટ બ્લાઉસ સરસ એથ્નિક લુક ક્રીએટ કરે છે.’

હાઈ ફૅશન-ટ્રેન્ડમાં કૉમ્બિનેશન આઉટફિટ ક્રીએટ કરવામાં આવે છે એમ જણાવતાં અ​મિષા કહે છે, ‘એમાં ઑથેન્ટિક મધુબની પેઇન્ટિંગ સાથે કૉન્ટ્રાસ્ટ કે સેમ કલર્સમાં પ્લેન સિલ્ક કે બાંધેલી ઝીણી બાંધણી કે ટી ઍન્ડ ડાઇ કે પટોળા પ્રિન્ટના કાપડનું કૉ​મ્બિનેશન કરી સ્પેશ્યલ ડિઝાઇનર એથ્નિક કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ ​ડિઝાઇન કરવામાં આવે છે.’

ઑથેન્ટિક કામ તો બિહારનું જ

બિહારના મધુબની જિલ્લાનાં ગામડાંઓમાં મોટા ભાગે ફીમેલ કારીગરો આ આર્ટ જાણે છે એમ જણાવીને અ​મિષા કહે છે, ‘બહુ જ ઝીણું કામ હોવાથી એક ગાર્મેન્ટને તૈયાર થતાં લગભગ એકથી બે મહિના લાગે છે. હવે તો મુંબઈમાં પણ આ​ર્ટિસ્ટ આ કામ કરે છે, પણ ​રિયલ ટ્રેડિશનલ કામ બિહારના કારીગરોની જ કારીગરી છે જે તેમની રોજી-રોટી અને આવકનું સાધન છે. તે લોકો પણ ફૅશન-ડિઝાઇનરની ​​ડિઝાઇન અને ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પેઇન્ટિંગ કરી આપે છે. પેઇન્ટિંગમાં મોટા ભાગે બ્રાઇટ કલર જ વપરાય છે એટલે એ ક્રીમ અને લાઇટ કલર પર વધુ ઊઠે છે. તમારી પસંદના પેસ્ટલ કે અન્ય કોઈ કલર્સ પર મેક ટુ ઑર્ડર પેઇન્ટિંગ કરી શકાય છે.’

મધુબની ઇન મેલ્સ ફૅશન

આ મધુબની આર્ટની ડિમાન્ડ માત્ર ફીમેલ આઉટફિટ્સમાં જ છે એવું નથી. ફુલ મધુબની પેઇન્ટિંગ કરેલા કુરતા, માત્ર બૉર્ડર પેઇન્ટિંગવાળાં જૅકેટ, બૅકમાં પેઇન્ટિંગ ધરાવતા ઝભ્ભા, પ્લેન શેરવાની સાથે ફુલ મધુબની પેઇન્ટિંગ કરેલો હેવી સિલ્ક દુપટ્ટો, ફૅન્સી શૉર્ટ કુરતા, હવે આર્ટ એક્સપ​રિમેન્ટમાં મધુબની પેઇન્ટિંગ કરેલાં કે એની પ્રિન્ટ ધરાવતાં ટી-શર્ટ પણ બનાવવામાં આવે છે. ​ફિશ, કપલ્સ, સન જેવાં ફીગર્સ ટી-શર્ટના સેન્ટરમાં ગોળ, લંબચોરસ શેપમાં પેઇન્ટિંગ કરવામાં આવે છે. ફુલ પેઇન્ટિંગ કરેલાં ટી-શર્ટ પણ મળે છે. એથ્નિક હૅન્ડક્રાફ્ટેડ મધુબની પેઇન્ટિંગ કરેલાં ધોતી-કુરતા પણ હાઈ ડિમાન્ડમાં છે.

મધુબની આર્ટના ફૅન્સી મૅચિંગ ડિઝાઇનર આઉટફિટમાં શોભતી ફૅન્ટૅસ્ટિક ફૅશનેબલ ઝવેરી ફૅમિલી

ઑપેરા હાઉસ પાસે રહેતા વંશ ડાયમન્ડ્સના સમીર અને અ​મિષા ઝવેરીના દીકરા વંશ અને હિનલના લગ્નપ્રસંગે હલ્દી અને મેંદી સેરેમનીમાં શું પહેરવું એ ​વિશે બધા ​વિચારતા હતા. બધા યલો અને ગ્રીન જ થીમ રાખે છે એ રાખવી નહોતી, પણ જોઈતું હતું કંઈક ટ્રેડિશનલ જ. ઘરમાં જ ડિઝાઇનર એટલે અ​મિષા ઝવેરીને ચૅલેન્જિંગ કામ મળ્યું. નવી થીમ સાથે અને એકદમ યુનિક આઉટફિટ માત્ર બ્રાઇડ અને ગ્રૂમના મૅચિંગ નહીં પણ ફૅમિલીમાં બધા માટે ડિઝાઇન કરવા અને આઇડિયા ક્લિક થયો મધુબની પેઇન્ટિંગ અને બાંધેલી બાંધણીના યુનિક કૉમ્બિનેશનનો. ડિઝાઇનર અમિષાએ નક્કી કર્યું કે નૉર્મલ બ્રાઇટ કલર્સ કરતાં અલગ પેસ્ટલ શેડ્સ યુઝ કરવા જેમાં મધુબની પેઇન્ટિંગ સરસ રીતે પૉપઆઉટ થાય. સૌથી પહેલાં બ્રાઇડનાં લેહંગા-ચોલી ડિઝાઇન કર્યાં. એના કલર્સ પ્રમાણે પિન્ક, લાઇટ લૅવન્ડર, લેમન યલો, સી ગ્રીન, એક્વા બ્લુ જેવા મૉડર્ન શેડ્સ વરનાં મમ્મી-પપ્પા, કાકી, ભાઈ-ભાભી, બહેન-જીજાજી, માસા-માસીની ફૅમિલી માટે થીમ એક અને કલર્સ જુદા-જુદા એમ પ્લાનિંગ કર્યું અને મધુબની અને બાંધણી કૉમ્બિનેશનથી એક કે બે નહીં પણ ૧૭ હાઈ-એન્ડ ફૅશન-આઉટફિટ્સ ડિઝાઇન કર્યાં. પેઇન્ટિંગ થયા બાદ ઘણા ચેન્જિસ કરવા પડ્યા એમ જણાવતાં અ​મિષા કહે છે, ‘દરેક આઉટફિટ મેં પહેરનારની ચૉઇસ અને બૉડીટાઇપ પ્રમાણે બનાવ્યો. એમાં લેહંગા-ચોલી, ​ફિશ કટ સ્કર્ટ, પલાઝો, ડ્રેપ, જૅકેટ વગેરે જુદી-જુદી ​ડિઝાઇન્સ ક્રીએટ કરી. એક ફૅમિલીના કપલ અને તેનાં બાળકો બધાં માટે એક કલર પસંદ કર્યો. બહુ મહેનત થઈ, પણ અંતમાં રિઝલ્ટ સુપર્બ મળ્યું. મધુબની આર્ટ અને બાંધણી કૉમ્બિનેશનની થીમ એટલી સરસ લાગતી હતી કે બધા મહેમાનોએ ડ્રેસને એકઅવાજે વખાણ્યો. આ સુપર​હિટ થીમ સાથે ફૅ​મિલી ફોટોગ્રાફ પણ બહુ જ સરસ આવ્યા અને થીમ યાદગાર રહી.’

fashion fashion news life and style columnists