20 December, 2022 04:45 PM IST | Mumbai | Aparna Shirish
સોનમ કપૂર
પહેલાંના જમાનામાં કૉર્સેટનો ઉપયોગ કમર ખૂબ પાતળી દેખાય એ માટે બૉડી શેપર તરીકે થતો, પણ આજે એ ફૅશન ગાર્મેન્ટ તરીકે ઘણાં ઇનોવેશન સાથે વપરાય છે.
હાલમાં સોનમ કપૂર એક ઇવેન્ટમાં બ્લૅક ડ્રેસ પહેરીને ગઈ હતી. શરીરનાં કર્વ્સ એન્હૅન્સ થાય એવા તેના ડ્રેસમાં તે ભલે સુંદર પણ થોડી અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. એનું એક કારણ તેણે કમર પર પહેરેલું કૉર્સેટ હોઈ શકે એવું ફૅશન ક્રિટિક્સ માની રહ્યા છે. જાણીએ શું છે આ કૉર્સેટ.
કૉર્સેટનો ઇતિહાસ | કૉર્સેટ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ થાય છે લેસવાળું બૉડિસ. ૧૬મી અને ૧૭મી સદીમાં મહિલાઓ દ્વારા કમરને જોઈતો શેપ મળે એ માટે કૉર્સેટ પહેરવામાં આવતું. એ જમાનામાં કૉર્સેટમાં ૫૦ જેટલી લેસ કમર પર ચુસ્ત રીતે બાંધવામાં આવતી. એ છોકરીઓને નાનપણથી લઈને લગ્ન સુધી પહેરાવામાં આવતું અને એટલે જ કૉર્સેટ વેસ્ટ એટલે કે કમર ટ્રેઇનર તરીકે પણ ઓળખાય છે. કૉર્સેટને લઈને કેટલીય કૉન્ટ્રોવર્સિસ પણ થઈ ચૂકી છે. મહિલા ઍક્ટિવિસ્ટોએ અને ડૉક્ટરોએ એક જમાનામાં કૉર્સેટને સ્ત્રીઓ માટે હાનિકારક ગણાવ્યું હતું. કેટલાકનું કહેવું હતું કે કૉર્સેટ પહેરવાથી શરીરને સારો શેપ મળે છે, પેટની ચરબી કાબૂમાં રહે છે તેમ જ કમરને પણ સપોર્ટ મળે છે. જોકે કૉર્સેટ પહેરીને વધુ હિલચાલ કરવી શક્ય નહોતી.
૯૦ દાયકામાં સ્રીઓ વધુને વધુ સ્પોર્ટ્સ ઍક્ટિવિટી કે એક્સરસાઇઝ કરતી થઈ ગઈ અને થોડા અનકમ્ફર્ટેબલ એવા કૉર્સેટનો વપરાશ ઘટી ગયો અને ત્યારથી લઈને આજ સુધી કૉર્સેટ કે જે સ્ત્રીઓ માટે ફરજિયાત ગાર્મેન્ટ હતું એ ફૅશનનો એક ભાગ બની ગયો. કૉર્સેટનો વપરાશ આજેય થાય છે પણ હવે એ સ્ત્રીઓની પોતાની મરજી, જરૂરિયાત અને ચૉઇસ પૂરતાં સીમિત છે.
આ પણ વાંચો : તમે ટ્રાય કરશો બૅક ટુ સ્કૂલ ટ્રેન્ડ?
કઈ રીતે પહેરવું કૉર્સેટ? | કૉર્સેટ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિશે ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘કૉર્સેટનો મુખ્ય ઉપયોગ કમરને પાતળી દેખાડવા માટે થાય છે. આપણે ત્યાં પેટ કે કમરના ભાગનો ઘેરાવો વધુ હોય એ સ્ત્રીઓ કૉર્સેટ જેવાં ગાર્મેન્ટ્સનો ઉપયોગ કરે છે. અહીં જ્યારે ઇનરવેઅર તરીકે પહેરતા હો ત્યારે ફક્ત કમર પર પહેરાતાં કૉર્સેટ પસંદ કરી શકાય અથવા કૉર્સેટ અને પૅન્ટી જૉઇન્ટ હોય એવું ગાર્મેન્ટ પહેરી શકાય. એનાથી કમર સાથે હિપ્સ પણ સુડોળ લાગશે. કૉર્સેટ પહેરવાથી બૉડી હગિંગ ડ્રેસિસ સારા દેખાય છે.’
બ્લાઉઝ અને ટૉપ તરીકે | કૉર્સેટ જ્યારે આઉટર વેઅર તરીકે પહેરો ત્યારે એ લેસ, સિલ્ક, લેધર જેવાં ફૅબ્રિકમાંથી બને છે. હાલમાં બૉલીવુડ ઍક્ટ્રેસિસ પાર્ટીવેઅર તરીકે કૉર્સેટનો ખાસ વપરાશ કરતી જોવા મળી રહી છે. સ્કર્ટ સાથે કૉર્સેટ પહેરી શકાય, લેધર પૅન્ટ્સ સાથે પણ કૉર્સેટ અને એના પર જૅકેટ પહેરી શકાય. આ વિશે વધુ જણાવતાં પરિણી કહે છે, ‘હવે કૉર્સેટ બ્લાઉઝ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. પાર્ટીવેઅર સાડી સાથે બ્લાઉઝના ફૅબ્રિકમાં જ કૉર્સેટ જેવું ફિટિંગ બનાવવું શક્ય છે. અહીં બ્લાઉઝમાં સ્ટ્રૅપલેસ, પાતળી પટ્ટી કે પછી રફલ્ડ સ્લીવ્ઝ પણ લગાવી શકાય. ઓવરઑલ એ સાડીના લુકને વધુ આકર્ષક બનાવે છે.’
આ પણ વાંચો : પુલઓવર્સ કઈ રીતે પહેરવાં એ કાર્તિક આર્યન પાસેથી શીખવા જેવું
કૉર્સેટ સાથે ઍક્સેસરીઝ | કૉર્સેટનું કામ કમરને પાતળી દેખાડવાનું છે અને એ માટે જ એ પહેરવામાં આવે છે. કૉર્સેટ પહેર્યા બાદ એને શો કરવાનો કૉન્ફિડન્સ હજીયે ન હોય તો એના પર બ્લેઝર અથવા જૅકેટ પહેરી શકાય. જૅકેટનાં બટન્સ ઓપન રાખવાં. આજકાલ આમેય બ્લેઝર સેટ્સ ખૂબ ટ્રેન્ડમાં છે અને એ દરેક વયની સ્ત્રીઓને એ સૂટ થાય છે. બૉટમ્સ લૂઝ હોય ત્યારે ઉપર ટાઇટ કૉર્સેટ સારો લુક આપશે.