ઠંડીમાં શાલ કે સ્વેટર પહેરવાને બદલે લોશન લગાવી લેવાથી ગરમાટો મળે?

03 January, 2025 09:49 AM IST  |  Mumbai | Kajal Rampariya

કડકડતી ઠંડી હોય ત્યારે આખું શરીર ઢાંકીને રાખવું ન પડે અને છતાં ઠંડી ન લાગે એ માટે આજકાલ ખાસ વૉર્મિંગ લોશન આવ્યાં છે. લગ્નની સીઝનમાં આ લોશનની બોલબાલા વધી રહી છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ આ લોશન ક્યારે કામ લાગે અને ક્યારે નહીં

પ્રતીકાત્મક તસવીર

શિયાળામાં વેડિંગની સીઝન હોવાથી બધા ગ્લૅમરસ અને સ્ટાઇલિશ લુક રાખવાનું પસંદ કરતા હોય છે પણ ઠંડીને લીધે ડિઝાઇનર કપડાં પર ઊનનાં જાડાં સ્વેટર અને શાલ નાછૂટકે પહેરવાં પડે છે અને એ ટાઇમે એવો વિચાર પણ આવે છે કે જો એવું સોલ્યુશન હોત કે સ્વેટર ન પહેરીએ તોય ઠંડી ન લાગે તો કેવું સારું હોત! બરફ જેવા ઠંડા પડેલા હાથ-પગને ઇન્સ્ટન્ટ ગરમાટો આપવાની તાકાત એક ક્રીમમાં છે. સાંભળવામાં થોડું અનરિયલિસ્ટિક લાગે છેને? પણ વાત સાચી છે. પશ્ચિમી દેશોમાં વપરાતું વૉર્મિંગ લોશન એ ઠંડી બરફ જેવી ત્વચાને તાત્કાલિક ગરમી આપવાનું કામ કરે છે. આ લોશનનો વપરાશ હવે આપણા દેશમાં પણ થઈ રહ્યો છે. જો તમારા હાથ અને પગ જરૂર કરતાં વધુ ઠંડા થતા હોય તો વૉર્મિંગ લોશન તમારા કામની ચીજ છે. આ લોશન માર્કેટમાં બામ અને ક્રીમના ફૉર્મમાં મળે છે. પશ્ચિમના દેશોમાં વપરાતું આ લોશન હવે ભારતમાં બેસ્ટ વિન્ટર ક્રીમ તરીકે ફેમસ થઈ રહ્યું છે.

રેગ્યુલર યુઝ માટેની ચીજ નથી

વૉર્મિંગ લોશનના ઉપયોગ અને એમાં રહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ ત્વચા પર કેવી રીતે કામ કરે છે એ વિશે વાત કરતાં મુલુંડ અને ભાંડુપનાં એસ્થેટિક ફિઝિશ્યન અને ડર્મેટોલૉજિસ્ટ તરીકે ૩૨ વર્ષનો અનુભવ ધરાવતાં ડૉ. મંજૂષા કુરુવા કહે છે, ‘વિન્ટર સ્પેશ્યલ અઢળક લોશન માર્કેટમાં આવ્યાં છે પણ વૉર્મિંગ લોશનની વાત કરીએ તો એ રેગ્યુલર યુઝ માટેની ચીજ નથી. શિયાળામાં જેમને હાથ-પગ બરફ જેવા થઈ જવાની સમસ્યા હોય, એક્ઝામ કે પ્રેઝન્ટેશન વખતે નર્વસનેસને કારણે હાથ-પગ ઠંડા થઈ જતા હોય અને એને કારણે પસીનો થતો હોય એવી જ સ્થિતિમાં આ વૉર્મિંગ લોશન કે ક્રીમ લગાવવાની સલાહ આપવામાં આવે છે. હાથ અને પગની સાથે નાક અને કાન પણ ઠંડા થઈ જાય છે, પણ એનો મતલબ એ નથી કે આ લોશન ત્યાં પણ લગાવી શકાય. આ લોશન ફેસ માટે બન્યું જ નથી, તેથી હાથ-પગ ઠંડા થાય ત્યાં જ અપ્લાય કરવું હિતાવહ છે. જેમને કોલ્ડ સેન્સિટિવિટીની સમસ્યા છે એટલે કે જેમને વારંવાર હાથ-પગ બરફ જેવા થઈ જાય, નખમાં લોહી જામી જાય એ લોકો જો અફેક્ટેડ એરિયામાં લોશન લગાવશે તો ત્યાંના બ્લડ ફ્લોને વધારવાનું કામ કરશે. બ્લડ ફ્લો રેગ્યુલર થાય એટલે ઠંડી પડેલી ત્વચાનું તાપમાન વધે અને ગરમી ફીલ થાય.’

કૅપ્સેસિન ઇન્સ્ટન્ટ કૂલિંગ એજન્ટ

વૉર્મિંગ લોશન અપ્લાય કર્યાની પાંચથી ૧૦ મિનિટમાં ત્વચાને ગરમાટો ફીલ થાય છે. એમાં રહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે વાત ડૉ. મંજૂષા કુરુવા કહે છે, ‘વૉર્મિંગ લોશનમાં કી ઇન્ગ્રીડિયન્ટ કૅપ્સેસિન હોય છે જે મરચાંનો ઍબ્સ્ટ્રૅક્ટ હોય છે. આ મરચાં અલગ પ્રકારનાં હોય છે, એમાં વધુ તીખાશ હોતી નથી. એ શરીરના તાપમાનને ગરમ કરવામાં મેઇન રોલ ભજવે છે. જોકે જેની સ્કિન સેન્સિટિવ હોય એ લોકોને આ લોશન યુઝ ન કરવાની સલાહ અપાય છે, કારણ કે કૅપ્સિનને લીધે તેમને રીઍક્શન આવી શકે છે. આ ઉપરાંત બીજું મહત્ત્વપૂર્ણ ઇન્ગ્રીડિયન્ટ છે ​મિન્થોલ. મિન્થોલમાં ઠંડીની સાથે ગરમીના ગુણધર્મો પણ છે. એ સ્નાયુને રિલૅક્સ કરે છે અને ઠંડીમાં કમ્ફર્ટ આપે છે. ત્રીજું છે કપૂર. એ નૉન-ઍલર્જિક હોવાની સાથે એના ગુણો ત્વચાને કમ્ફર્ટ આપે છે. આ લોશન ઠંડા વાતાવરણમાં ફક્ત ટેમ્પરરી રિલીફ આપે છે.’

આટલું ધ્યાનમાં રાખજો

વૉર્મિંગ લોશનને નિયમિત યુઝ કરી શકાય નહીં. જે લોકોને જરૂર છે એ લોકોએ પણ પ્રમાણસર અને પ્રૉપર ગાઇડલાઇન સાથે અને ડર્મેટોલૉજિસ્ટની સલાહ બાદ જ યુઝ કરવું જોઈએ એવું માનનારાં મંજૂષાબહેન કહે છે, ‘સેન્સિટિવ સ્કિન હોય એ લોકોને તો વૉર્મિંગ લોશનથી દૂર જ રહેવું જોઈએ પણ જે લોકોની સ્કિન સેન્સિટિવ નથી તેમણે વૉર્મિંગ લોશન વાપરતાં પહેલાં પૅચ ટેસ્ટ કરવી જરૂરી છે. આ લોશન બધાને જ સૂટ થાય એ જરૂરી નથી. ઘણી વાર પૅચ ટેસ્ટ વખતે બર્નિંગ સેન્સેશન ન થાય, પણ આગલા દિવસે અથવા બે દિવસે એનું રીઍક્શન જોવા મળે છે. તેથી પૅચ ટેસ્ટ કર્યા બાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકોની સ્કિન સેન્સિટિવ ન હોવા છતાં આ લોશન લગાવવાથી બળતરા, રેડનેસ અને ફોલ્લીઓ થવાની સમસ્યા થાય છે અને સ્કિન પહેલાં કરતાં વધુ સેન્સિટિવ બની જાય છે. તેથી ઓકેઝનલી જરૂર મુજબ મર્યાદિત ક્વૉન્ટિટીમાં એને અપ્લાય કરવું જોઈએ. વધુ એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ લોશનને ચહેરા પર લગાવી શકાય નહીં. આ ઉપરાંત પગની એડી ફાટેલી હોય તો પણ એને લગાવવાનું ટાળવું જોઈએ, નહીં તો આગળ જતાં ઍલર્જી કે ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે.’

 

fashion news fashion life and style columnists