19 August, 2024 02:34 PM IST | Mumbai | Laxmi Vanita
એમ્બ્રૉઇડરીવાળાં શર્ટનો ક્રેઝ
ઇન્ટરનૅશનલ ફૅશનમાં પુરુષોનાં હેવી એમ્બ્રૉઇડરીવાળાં શર્ટની બોલબાલા છે અને અધધધ ભાવે વેચાઈ રહ્યાં છે. ભારતીય ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં પણ પુરુષો માટે એમ્બ્રૉઇડરી શર્ટ લૉન્ચ થઈ ચૂક્યાં છે. જાણીએ કે જે ભરતકામવાળાં કપડાં પર મહિલાઓનું રાજ રહ્યું છે એમાં પુરુષોનો પગપેસારો કઈ રીતે થયો અને એમાં કેવા નવતર પ્રયોગ થયા છે
ફૅશન, ઇનોવેશન અને ડિઝાઇન મોટા ભાગે લેડીઝ કલેક્શનમાં જ આવે છે. વુમન-ફૅશનમાં દરેક પ્રકારના મટીરિયલમાં ઢગલો વરાઇટી ઉપલબ્ધ હોય છે. જોકે ફૅશન હવે જ્યારે યુનિસેક્સ બની રહી છે ત્યારે ભરત, એમ્બ્રૉઇડરી, જરદોશી વર્ક પર માત્ર મહિલાઓની ઇજારાશાહી નથી રહી. આપણી ભરતકળા ફૉરેનમાં મૅન-ફૅશનમાં હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય ફૅશન શોમાં મેન્સ શર્ટમાં હેવી એમ્બ્રૉઇડરી જોવા મળી હતી, જે ભારતીય મેન્સ ફૅશન માટે બહુ લાઉડ મનાય છે. સુપરહીરો ફિલ્મ ‘ડેડપૂલ’નો હીરો રાયન રેનૉલ્ડ ફિલ્મની મોટા ભાગની પ્રમોશનલ ઇવેન્ટમાં જુદાં-જુદાં એમ્બ્રૉઇડરીવાળાં શર્ટમાં જોવા મળ્યો હતો. ભારતમાં અમુક બ્રૅન્ડ્સે એમ્બ્રૉઇડરીની એકદમ લાઇટ ડિઝાઇનવાળાં શર્ટનું કલેક્શન લૉન્ચ કર્યું છે જે અત્યારે મૉલ્સમાં જોવા મળી રહ્યું છે. ફૉરેનમાં શર્ટ પર એકદમ હળવી એમ્બ્રૉઇડરીની ડિઝાઇનનાં શર્ટ પાંચથી ૧૦ હજારની કિંમતે વેચાઈ રહ્યાં છે. ભારતીય ફૅશન-માર્કેટમાં સસ્તાથી લઈને મોંઘીદાટ રેન્જમાં આ શર્ટ ઉપલબ્ધ છે. જાણીએ ફૅશન-ડિઝાઇનર પાસેથી કે કઈ ઇવેન્ટમાં આ શર્ટ કોણે અને ક્યારે પહેરવું જેથી તેમની ગણના સ્ટાઇલિશ લોકોમાં થાય.
હળવી એમ્બ્રૉઇડરી ડિઝાઇન
કૅઝ્યુઅલ ફૅશન માટે કૂલ
શ્રદ્ધા ગુપ્તા, ફૅશન-ડિઝાઇનર
મૉલ્સમાં પુરુષોના સેક્શનમાં આ ડિઝાઇન પેસ્ટલ કલરના કૉટન અને લિનન ફૅબ્રિક પર બની રહી છે એમ જણાવીને ફૅબ્રિકમાં એક્સપર્ટિઝ ધરાવતી શ્રદ્ધા કહે છે, ‘બટરફ્લાય, ફ્લોરલ, પૅચિસ વગેરે જેવી ડિઝાઇન શર્ટ પર જોવા મળી રહેશે. સામાન્ય રીતે જે કલર ટ્રેન્ડમાં હોય, સ્ટ્રીટ ફૅશન પર પણ એ જ કલર દેખાતો હોય છે, પરંતુ એમ્બ્રૉઇડરી શર્ટમાં એવું છે કે બીજી માર્કેટમાં જાઓ એટલે કલર પેલેટ અને ડિઝાઇન પણ જુદી જોવા મળી રહી છે. એટલે આ ટ્રેન્ડી શર્ટમાં લગભગ લાઉડથી લાઇટ દરેક કલર મળી રહેશે, પ્લસ તમારી રેન્જમાં મળી રહેશે. રોહિત બાલ, પર્નિયા જેવા ડિઝાઇનર લેબલમાં જાઓ તો એની કિંમત પછી ફૉરેન જેવી છે. હાલમાં ૨૦થી ૪૦ના એજ-ગ્રુપમાં આ ફૅશન છે. સેલિબ્રિટીઝ કૅઝ્યુઅલ આઉટિંગમાં આ શર્ટમાં દેખાઈ રહ્યા છે એટલે યંગસ્ટર્સ તેમને જોઈને સ્ટાઇલ કરે એ સ્વાભાવિક છે. લગ્નપ્રસંગ માટે તો નહીં, પરંતુ કૅઝ્યુઅલ આઉટિંગ, ડિનર, ગેટ-ટૂગેધરમાં આ શર્ટ સ્ટાઇલિશ લાગશે.’