આફ્રિકન દેશોમાં પૉપ્યુલર મૉરોક્કન મેંદી વિશે જાણો છો?

24 July, 2024 11:30 AM IST  |  Mumbai | Darshini Vashi

ભારતમાં હવે સોશ્યલ મીડિયા પર લોકચાહના મેળવી રહેલી અને આવી રહેલી ફેસ્ટિવ સીઝનમાં કામ લાગે એવી મેંદીની આ નવી ડિઝાઇન્સ વિશે વાત કરીએ

મૉરોકન મેંદીની ડિઝાઇન

નામ પરથી અંદાજ આવી ગયો હશે કે મૉરોકન મેંદી અહીંની નથી પણ દક્ષિણ આફ્રિકામાં આવેલા મૉરોક્કોની દેન છે. મૉરોક્કો દેશથી તો આપણે પરિચિત છીએ પણ ત્યાંની મેંદી વિશે બહુ જ ઓછા લોકોને ખબર છે, કારણ કે આ મેંદી ડિઝાઇનનો વ્યાપ ખૂબ જ મર્યાદિત રહ્યો છે. અત્યારે આપણા મેંદી-આર્ટિસ્ટ પણ મેંદીના આ પ્રકારથી પરિચિત નહીં હોય પરંતુ નિષ્ણાતો માને છે કે આજથી પાંચ વર્ષમાં મૉરોકન મેંદી ડિઝાઇન ભારતીયોમાં ખૂબ ફેમસ થઈ જશે. અત્યારે સોશ્યલ મીડિયા પર ઘણી પ્રચલિત થઈ રહેલી આ મેંદી ડિઝાઇનની વિશેષતા જાણીએ.

મૉરોકન મેંદી એની યુનિસેક્સ ડિઝાઇન માટે જાણીતી છે. એમાં જ્યોમેટ્રિક પૅટર્ન, વળાંકો, બોલ્ડ લાઇન્સ, ડાયમન્ડ તેમ જ ત્યાંના આદિવાસી સમુદાયની પરંપરાગત પૅટર્ન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

મેંદી-આર્ટિસ્ટ મનીષા પંચાલ કહે છે, ‘મૉરોકન મેંદીની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. એનો અલગ જ ચાર્મ હોય છે. અન્ય મેંદીથી એ અલગ જ દેખાઈ આવે છે. હાથમાં થોડી છૂટીછવાઈ મૂકવામાં આવે છે જેથી એ બહુ ભપકાદાર અને ભરચક પણ દેખાતી નથી. આવી ડિઝાઇન આજની પેઢીને ગમશે. આમ પણ દર થોડા-થોડા સમયે લોકોને કંઈક અલગ જોઈતું હોય છે, કંઈક યુનિક ડિઝાઇનની ડિમાન્ડ કરતા હોય છે ત્યારે આવી ડિઝાઇન તેમને મૂકવાની ગમશે. આ મેંદીમાં પણ અલગ-અલગ સ્ટાઇલ અને ડિઝાઇન આવે છે. અત્યારે તો ઘણાને આ મેંદીની જાણ પણ નથી.’

મૉરોકન મેંદી ડિઝાઇનમાં ત્રિકોણ અને ચોરસ આકારનો વારંવાર ઉપયોગ થાય છે. આ સિવાય ફૂલ, પાંદડાં અને હીરાની ડિઝાઇનની એની સજાવટ કરવામાં આવે છે. આ ડિઝાઇનને નાજુક સ્પર્શ આપવામાં આવે છે. આંગળી પર પહોળી ડિઝાઇન કરવામાં આવે છે. આપણે અહીં મેંદીની પાતળી અને બારીક લાઇનો વધારે પાડીએ છીએ, પણ આની અંદર જાડી અને લાંબી લાઇનો વધારે બનાવવામાં આવે છે. બૅક સાઇડ પર પણ આવી જ રીતે ડિઝાઇન કરવામાં આવે છે. દૂરથી પણ આ મેંદીની ડિઝાઇન જોઈ શકાય એટલી મોટી એ હોય છે. લીફી સ્ક્વેર, બ્લૉક, ઇન્ટ્રિકેટ બૅક હૅન્ડ, ફાઇન, સર્ક્યુલર લાઇન્સ વગેરે પૅટર્ન મૉરોકન મેંદીમાં આવે છે.

fashion fashion news life and style columnists darshini vashi