કિડ્સ ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રીનો ગ્રાફ સતત વધી રહ્યો છે એ ખુશ થવાની વાત છે કે ચિંતા

24 June, 2024 02:03 PM IST  |  Mumbai | Darshini Vashi

આજનાં બાળકો ફૅશન-ડિઝાઇનર, મેકઅપ આર્ટિસ્ટ વગેરેને સૂચનો આપતાં થઈ ગયાં છે અને તેમની ગમતી વસ્તુઓ મેળવવા માટે ગમે એ હદે જતાં અચકાતાં નથી

કિડ્સ મેકઅપ અને હેરસ્ટાઇલિસ્ટ ચેતના વોરા

સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટના આગમન બાદ સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે. વાળ કપાવવા સિવાય પાર્લરમાં પગ ન મૂકતાં બાળકો આજે રેગ્યુલર કસ્ટમર બની ગયાં છે. મમ્મીએ પહેરવા માટે કાઢેલાં કપડાંને ચૂપચાપ પહેરી લેવાને બદલે એને આઉટડેટેડ ફૅશનનાં હોવાનું કહેતાં શીખી ગયાં છે તેમ જ કસ્ટમાઇઝ જ્વેલરી, શૂઝ, ગ્લેર્સ, પર્સ વગેરેમાં તો પૂછવાનું જ શું? કિડ્સ ગ્રૂમિંગના ઇન્ટરનેટ પર આંકડા ચેક કરવાની પણ જરૂર નથી. દરેક ગલીમાં ખૂલી રહેલાં પાર્લર, કિડ્સનાં કપડાંની દુકાનો, કિડ્સ ઍક્સેસરીઝના સ્ટૉલ અને બાળકો માટેનાં ફુટવેઅરના જોવા મળતા ખડકલા પરથી અંદાજ આવી જશે કે આજે કિડ્સ ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. જો સાચો અંદાજ કાઢવો હોય તો આ ક્ષેત્રની સાથે સંકળાયેલા લોકોની સાથે જ વાત કરી લો.

પોતાને ગમતો મેકઅપ જ

ક​શિશ મેકઅપ સ્ટુડિયોના કિડ્સ મેકઅપ સ્પેશ્ય​લિસ્ટ દીપા દત્તાણી કહે છે, ‘હું છેલ્લાં ૩૦ વર્ષથી બ્યુટીપાર્લરના ક્ષેત્ર સાથે સંકળાયેલી છું. બાળકોમાં મેકઅપને લઈને બદલાયેલા ટ્રેન્ડની હું સાક્ષી પણ છું. ખાસ કરીને નાની છોકરીઓ મેકઅપને લઈને એટલી સભાન અને ચૂઝી થઈ ગઈ છે કે પૂછો જ નહીં. માનશો નહીં, પણ આજે છ-સાત વર્ષની છોકરીઓ હેરસ્ટાઇલનો મોબાઇલમાં સ્ક્રીનશૉટ લઈને મારી પાસે આવે છે અને કહે છે કે આન્ટી, મને આવી એક્ઝૅક્ટ સ્ટાઇલ કરી આપજો. વળી જો જરાસરખું પણ આગળ-પાછળ થઈ જાય તો ચલાવતી નથી. જે કલર અને શેડનો આઇ-શૅડો કહ્યો હોય એ જ કલરનો અમારે લગાડવો પડે છે. અમે અમારી રીતે કંઈ કરી શકતા નથી. હમણાંનું જ એક ઉદાહરણ આપું તો મને લગ્નમાં તૈયાર કરવા માટે બોલાવવામાં આવી હતી. ત્યાં સાત-આઠ વર્ષની એક છોકરી પણ હતી. તેને વાળમાં કલર્સ કરવા હતા. તેને કરી આપ્યા, પણ તેને એનાથી સંતોષ થયો નહીં. તે જીદ કરીને તેની મમ્મી સાથે પાછી આવી. તેની મમ્મીએ અમને કહ્યું કે તમે ડબલ પૈસા લઈ લો પણ આના ફરીથી કલર્સ કરી આપો, નહીંતર તે અમને કામ કરવા દેશે નહીં. બોલો, આવી ફૅશનેબલ અને ચીવટવાળી છે આજની ટેણકીઓ. આજે લગભગ દરેક નાની છોકરી પાસે મેકઅપ કિટ હશે. બાળકોની ​કિટ લગભગ ૧૦૦

રૂ​પિયાથી લઈને ૩૦૦૦ રૂ​પિયા કે એથી વધુની પણ આવે છે. વિચાર કરો કે આ માર્કેટ કેટલું મોટું બની ગયું હશે. એક સમય હતો જ્યારે મમ્મીઓને અમે તૈયાર કરવા જતા ત્યારે જો નાની છોકરી હોય અને તે જીદ કરે તો તેમની મમ્મી અમને કહેતી કે આને માત્ર લિપસ્ટિક જ લગાડી દો અને આજે તેઓ બાળકોની જીદને લીધે અમારી પાસે હેરસ્ટાઇલથી લઈને મેકઅપ કરાવવા લઈ આવે છે. આજે અમારા ચાઇલ્ડ ક્લાયન્ટ્સ સતત વધી રહ્યા છે અને ચાઇલ્ડ ક્લાયન્ટ્સ તરફથી ઇન્કમ પણ વધી રહી છે જે આજે લગભગ ઍડલ્ટ ક્લાયન્ટ્સ પાસેથી આવતી ઇન્કમ જેટલી જ થઈ ગઈ છે.’

બૉય્ઝ પણ લુક કૉન્શ્યસ

માત્ર લિટલ ગર્લ્સ જ નહીં, બૉય્ઝ પણ લુક અને સ્ટાઇલ પ્રત્યે ખૂબ જ સજાગ બન્યાં છે. વેકેશનમાં તો ઠીક, ચાલુ સ્કૂલે વીક-એન્ડમાં પણ તેઓ સ્ટાઇલિસ્ટ હેર સેટ કરાવવા આવી પહોંચે છે એમ જણાવીને સીવુડ્સ નૅક્સસ મૉલ ખાતે ખાસ કિડ્સ માટે શરૂ કરવામાં આવેલા ‘ટાઇની ઍન્ડ શાઇની પાર્લર’માં કામ કરતાં ચેતના વોરા કહે છે, ‘લોકો કહેતા હોય છે કે છોકરીઓને નખરાં બહુ હોય છે કે આવી હેરસ્ટાઇલ જોઈએ અને આવો મેકઅપ જોઈએ, પણ સાચું કહું તો આજે છોકરાઓ પણ ફૅશનટ્રેન્ડને ખૂબ જ ફૉલો કરી રહ્યા છે.

નાનાં-નાનાં ટાબરિયાં પોતાના લુકને લઈને સતર્ક બની રહ્યાં છે. હમણાંની વાત કરું તો મારા એક કિડ્સ ક્લાયન્ટે સ્વિ​મિંગ-પૂલ પાસે સ્પા બર્થ-ડે પાર્ટી યોજી હતી જેમાં બર્થ-ડે પાર્ટીમાં આવેલા દરેક ફ્રેન્ડને હર્બલ જેલથી હેર સેટ કરી આપ્યા હતા. દરેક છોકરાની અલગ-અલગ હેરસ્ટાઇલની ડિમાન્ડ હતી. આ તો બર્થ-ડે પાર્ટી થઈ. વેકેશન પડે ત્યારે તો રીતસરની ​ગિરદી થાય છે. છોકરાઓ જાતજાતનાં હેર ટૅટૂ કરાવવા આવી પહોંચે છે. તેઓ ફેસ-પેઇન્ટિંગ પણ કરાવી જાય છે. છોકરીઓમાં નેઇલ આર્ટ પ્રત્યે ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વીક-એન્ડ હોય તો પણ બે દિવસ માટે નેઇલ પેઇન્ટ કરાવવા આવે છે. એક વર્ષમાં અમારી પાસે ૨૦૦૦ ક્લાયન્ટ્સ આવ્યા છે અને તેઓ કેટલીયે વખત રિપીટ પણ આવી ચૂક્યા છે તો વિચારો કે અત્યારે કિડ્સની ઇન્ડસ્ટ્રી કેટલી બૂમ કરતી હશે.’

ડિઝાઇનર ડ્રેસ

મેકઅપ અને હેરસ્ટાઇલમાં આગળ તો કપડાં બાબતે પાછળ કેમ રહેવાય એમ જણાવતાં સાંતાકુઝનાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગંગર કહે છે, ‘મારી દીકરીના જન્મ પછીથી હું તેનાં અને અન્ય બાળકોનાં કપડાં ડિઝાઇન કરું છું. મેં આટલાં વર્ષોમાં જોયું છે કે હવે પેરન્ટ્સ કરતાં બાળકોને જ કંઈક હટકે અને યુનિક કપડાં પહેરવાં ગમે છે. એક સમય હતો જ્યારે મૉલ્સમાંથી કપડાં લેવાનું પેરન્ટ્સ અને બાળકો પસંદ કરતાં હતાં, પણ હવે અન્ય કિડ્સની સાથે કપડાંની ડિઝાઇન અને પૅટર્ન મૅચ ન થઈ જાય એટલે તેઓ ડિઝાઇનર કપડાં તરફ વળ્યાં છે. નવાઈની વાત તો એ છે કે બાળકો કપડાં પર નાનામાં નાના ટક્સને પણ માર્ક કરે છે. કલર-કૉમ્બિનેશનથી લઈને પેટર્ન બધું જ કિડ્સ નક્કી કરે છે. અમને આવીને તેઓ ઇન્સ્ટ્રક્શન આપે છે. રેડીમેડ ક્લોથ માર્કેટ આજે કસ્ટમાઇઝ્ડ ક્લોથ્સ તરફ વળી ગયું છે. લગભગ છેલ્લાં પાંચેક વર્ષમાં કિડ્સના આ ક્ષેત્રમાં બમણા કરતાં વધુ વધારો થયો છે. તમે માનશો, પાંચ-સાત વર્ષ પહેલાં ૮૦૦થી ૧૦૦૦ રૂ​પિયામાં રેડીમેડમાં સારામાં સારાં કપડાં મળી જતાં હતાં. હવે કસ્ટમાઇઝ્ડ કિડ્સવેઅર વધુ બનવા લાગ્યાં છે. મટીરિયલ, પૅચ, ડિઝાઇન અને વર્ક વગેરે મુજબ કપડાંના ભાવ અલગ-અલગ બોલાય છે. આજે પેરન્ટ્સ બાળકોનાં ડિઝાઇનર કપડાં પાછળ મિનિમમ ૪૦૦૦ જેટલા રૂ​પિયા ખર્ચવા તૈયાર થઈ જાય છે.’

કસ્ટમાઇઝ્ડ જ્વેલરી

કસ્ટમાઇઝ્ડ જ્વેલરી તો અત્યારે બાળકો માટે મસ્ટ જેવી બની ગઈ છે એમ જણાવીને પરિતા જ્વેલર્સનાં પરિતા શાહ કહે છે, ‘ગર્લ્સ માટે તો એટલી બધી ડિઝાઇનર અને અટ્રૅક્ટિવ જ્વેલરી આવી છે કે શું કહેવું. બૉય્ઝમાં રાખી, કુર્તા બટન, કફલિંક્સ વગેરેની ડિમાન્ડ હવે રહે છે જેની અંદર તેઓ યુનિક ક્રીએશન માગતા હોય છે. ઈવિલ આઇનાં કડાં, બ્રેસલેટ, ચેઇન વગેરે પણ બૉય્ઝનાં ફેવરિટ છે. જેટલી ડિઝાઇન વધારે, જેટલું મટી​રિયલ મોંઘું એટલા ભાવ પણ વધતા હોય છે. પહેલાંની જેમ અત્યારે સિમ્પલ વસ્તુની કોઈ ડિમાન્ડ પણ નથી કરતું એટલે બધે નવું-નવું જ મળે છે. એના ભાવ પણ કંઈ ઓછા નથી હોતા. એમ છતાં ટ્રેન્ડની સાથે રહેવા કિડ્સ ખરીદે જ છે. અમારે ત્યાંથી જ નહીં, દરેક ઠેકાણેથી કેટલીયે કસ્ટમાઇઝ્ડ જ્વેલરી વેચાતી હશે એનો તો કોઈ હિસાબ જ નથી. એમાં પણ દરેક કપડા સાથે મૅચિંગ તો જોઈતું જ હોય.’

fashion fashion news beauty tips life and style columnists