વાંકડિયા વાળને સુુલઝેલા રાખવા હોય તો એને ધોવાથી લઈને વાળ ઓળવા સુધીના દરેક તબક્કે કાળજી રાખવી જરૂરી છે.
કર્લી હૅરને રાખો એન્ટિ ફ્રિઝ
વાળની ખૂબસૂરતી મહિલાઓના ઓવરઑલ લુકમાં ચાર ચાંદ લગાવી દે છે તેથી જ હેરસ્ટાઇલિંગને લઈને તેઓ ખાસ્સી પઝેસિવ હોય છે. મોટા ભાગની મહિલાઓને કુદરતે આપેલા વાળ ગમતા નથી. કોઈને વાંકડિયા વાળ પસંદ નથી તો કોઈને લીસા પણ દેખાવમાં પાતળા વાળ સામે અણગમો છે. વાંકડિયા વાળ દેખાવમાં સુંદર લાગે છે, પરંતુ એની સંભાળ રાખવી અઘરું છે. કર્લી અને ફ્રિઝી હેરને જો બરાબર મૅનેજ ન કરવામાં આવે તો એ ફૅશન ડિઝૅસ્ટર બની શકે છે. વાંકડિયા વાળને સુુલઝેલા રાખવા હોય તો એને ધોવાથી લઈને વાળ ઓળવા સુધીના દરેક તબક્કે કાળજી રાખવી જરૂરી છે.
કર્લી ઍન્ડ ફ્રિઝી | દરેક મહિલાના વાળની ગુણવત્તા અને થિકનેસ જુદી હોય છે એમ જણાવતાં નાણાવટી મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલનાં ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ ટ્રિકોલૉજિસ્ટ ડૉ. વંદના પંજાબી કહે છે, ‘કર્લી અને ફ્રિઝી હેર વચ્ચે નજીવો તફાવત છે જેની મોટા ભાગની મહિલાઓને જાણકારી હોતી નથી. તેમને લાગે છે કે મારા વાળ વાંકડિયા છે એટલે ફ્રિઝી થઈ જાય છે. ફ્રિઝી હેર થિાન હોય છે જ્યારે કર્લી હેરમાં થિસકનેસ વધુ હોય છે. થિળક હેરને વૉશ કરવા માટે સલ્ફેટ-ફ્રી હાઇડ્રેટિંટગ શૅમ્પૂનો ઉપયોગ કરવાથી એ ફ્રિઝી થતા નથી. કન્ડિશનરનો વધુ ઉપયોગ કરવો. કન્ડિશનર હેર ક્યુટિકલ્સને હાઇડ્રેટેડ રાખવામાં હેલ્પ કરે છે. આજકાલ માર્કેટમાં ઘણી જાતની પ્રોડક્ટ અવેલેબલ છે. કર્લી હેર માટે સિલિકૉન સીરમ અને લિવોન ક્રીમ બેસ્ટ છે. એનાથી તમારા વાળની ચમક પણ જળવાઈ રહેશે.’
હેરને તૂટતાં બચાવો | વાંકડિયા વાળનું વૉલ્યુમ વધારે હોવાથી ધૂળના રજકણો વાળમાં ભરાઈ જાય છે અને વાળમાં ગૂંચ પડે છે. ગૂંચ ઉકેલવામાં વાળ તૂટે છે એવી ફરિયાદ સામાન્ય છે. આ સમસ્યાનો ઉપાય બતાવતાં ડૉ. વંદના કહે છે, ‘વાંકડિયા વાળ હોય તેમણે નિયમિતપણે વાળ ધોવા જોઈએ. વાળને ખરબચડા ટુવાલથી ઘસીને ક્યારેય ન લૂછવા. કર્લી હેરને ટોનિંગ કરવાની પ્રૉપર ટેક્નિક આવડવી બહુ જરૂરી છે. વાળ ધોયા બાદ સીરમ લગાવી આંગળી વડે ધીમે-ધીમે વાળને છૂટા પાડો. વાળને હવામાં સુકાવા દો. સુકાઈ જાય પછી થોડા-થોડા વાળમાં કાંસકો ફેરવી વાળ ઓળવા.’
આટલું ધ્યાન રાખો | વાળની નૅચરલ ક્વૉલિટી મેઇન્ટેન કરવા હાઇલાઇટ, કલરિંગ, સ્ટ્રેટનિંગ વગેરે બ્યુટી ટ્રીટમેન્ટથી દૂર રહેવું જોઈએ એવી સલાહ આપતાં તેઓ કહે છે, ‘વાળને જેટલા વધુ છંછેડશો એટલું નુકસાન થશે. શક્ય હોય ત્યાં સુધી હેરસ્ટાઇલિંગમાં નવા-નવા એક્સપરિમેન્ટ કરવાનું ટાળો. વાંકડિયા વાળ જલદી શુષ્ક થઈ જાય છે તેથી એને નરિશિંગની જરૂર પડે છે. વાળની કુદરતી નમી જળવાઈ રહે એ માટે તેલ લગાવવું. ઘણી મહિલાઓ અલોવેરા જેલ અને અન્ય જાતજાતના ઘરેલુ નુસખા આજમાવે છે, જે ખોટું છે. દરેક મહિલાના વાળને ઘરગથ્થુ હર્બલ પ્રોડક્ટ સૂટ થતી નથી તેથી અન્ય મહિલાઓને કૉપી કરવાનું ટાળો. બેસ્ટ એ છે કે કર્લી હેર માટે બનાવેલી ખાસ પ્રકારની બ્રૅન્ડેડ પ્રોડક્ટ યુઝ કરો. વાળની તંદુરસ્તી અને વૃદ્ધિ માટે ક્રેશ ડાયટિંગ બિલકુલ ન કરવું.’
કર્લ્સ કરાવો છો તો શું કરશો?
હેરનું વૉલ્યુમ વધુ દેખાય એ માટે કર્લ્સની ફૅશન હંમેશાં ટ્રેન્ડમાં રહે છે. હેર સ્ટ્રેટનિંગની જેમ અનેક મહિલાઓ કર્લ્સ કરાવે છે એવી માહિતી આપતાં ડૉ. વંદના કહે છે, ‘પર્મનન્ટ પર્મિંગ માટે વાપરવામાં આવતી કેમિકલયુક્ત પ્રોડક્ટ અને હીટના કારણે હેર ડૅમેજ થઈ જાય છે. વાળ સાથે ચેડાં ન કરવાની ભલામણ મહિલાઓને ગળે ઊતરતી નથી, કારણ કે તેમને સ્ટાઇલિશ દેખાવું છે. કુદરતે આપેલા વાંકડિયા વાળ કરતાં પાર્લરમાં જઈને કરાવેલા કર્લી હેરની સંભાળ માટે વધુ એફર્ટ નાખવા પડે છે. નિયમિતપણે હેરસ્પા અને હેરમાસ્ક માટે એક્સ્ટ્રા ખર્ચની તૈયારી રાખવી પડે. એને તમે ઘરમાં મેઇન્ટેન ન કરી શકો. સારો વિકલ્પ એ છે કે કોઈક વાર ઘરમાં કર્લ્સ કરી નવો લુક મેળવો. સારી કંપનીની હેરજેલનો ઉપયોગ કરી ટેમ્પરરી કર્લ્સ કરવાથી વાળને ઓછું નુકસાન થશે.’
વાંકડિયા વાળ માટે સલ્ફેટ-ફ્રી શૅમ્પૂ અને કન્ડિશનરનો વધુ ઉપયોગ કરવો. કન્ડિશનર હેર ક્યુટિકલ્સને હાઇડ્રેટેડ રાખશે. ધોયેલા વાળ પર સીરમ લગાવી આંગળી વડે ધીમે-ધીમે વાળને છૂટા પાડો. હવામાં સુકાય એ પછી થોડા-થોડા વાળમાં કાંસકો ફેરવી વાળ ઓળવા
ડૉ. વંદના પંજાબી, ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ ટ્રિકોલૉજિસ્ટ
વાંકડિયા વાળને કદી બ્લો ડ્રાય ન કરવા. એમ કરવાથી વાળ વધુ ગૂંચવાશે. એ માટેનાં શૅમ્પૂમાં સલ્ફેટ ન હોય એનું ધ્યાન રાખવું. ભીના વાળમાં બ્રશ ફેરવ્યા કરવાથી એ ડૅમેજ થાય છે.