26 September, 2025 12:56 PM IST | Mumbai | Kajal Rampariya
આવા કુરતા પહેરજો
પુરુષ ફૅશનમાં આજે ફ્યુઝન સ્ટાઇલ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે ત્યારે હાલમાં કેડિયા સ્ટાઇલ કુરતાનો નવો કન્સેપ્ટ લોકોને બહુ પસંદ આવી રહ્યો છે. આવા કુરતામાં એક સાઇડથી નૉર્મલ કુરતો દેખાય અને બીજી સાઇડથી એની પૅટર્ન થોડી કેડિયા સ્ટાઇલ કરવામાં આવી છે. નવરાત્રિના ગ્રાઉન્ડમાં આવા કુરતા પુરુષોને સામાન્ય કરતાં હટકે લુક આપે છે. ટ્રેડિશનલ સ્ટાઇલની સાથે મૉડર્ન સ્ટાઇલનું ફ્યુઝન કેવી રીતે સ્ટાઇલ કરશો એ વિશે અહીં જાણી લો.
ફ્યુઝનની ફૅશન
એક સાઇડ સિમ્પલ કુરતો, બીજી સાઇડ ઘેરી પ્લીટ્સવાળું કેડિયું દેખાય એવા કુરતાથી ડ્યુઅલ સ્ટાઇલ લુક આવે છે. આવા કુરતા કૉટન, લિનન અને સિલ્ક બ્લેન્ડ જેવા કાપડમાં ઉપલબ્ધ હોવાથી ગરબા રમતી વખતે કમ્ફર્ટેબલ ફીલ થાય છે અને ભીડમાં પણ એ અલગ તરી આવે એવું હોવાથી તમને હટકે લુક આપે છે. એમાં આભલા વર્ક અને કચ્છી ભરતકામ કરેલા પૅચ અને બૉર્ડર હોય છે જે કુરતાને નવરાત્રિ વાઇબ આપે છે. આવા કુરતા બ્રાઇટ અને વાઇબ્રન્ટ કલર્સની સાથે બ્લૅક અને નેવી બ્લુ જેવા ડાર્ક કલર્સમાં પણ જોવા મળશે. જો તમે બ્રાઇટ રેડ કે યલો જેવા કલર્સમાં આવા કુરતા પહેરવાનું પસંદ કરો છો તો સફેદ કલરના ધોતી પૅન્ટ અથવા કૉન્ટ્રાસ્ટ કલરના પાયજામા સાથે પેર કરી શકાય. ઍક્સેસરીઝની વાત કરીએ તો શૂઝને બદલે કૅઝ્યુઅલ લોફર્સ પર્ફેક્ટ ચૉઇસ ગણાશે. ગળામાં ઑક્સિડાઇઝ્ડ ચેઇન, હાથમાં કડું અથવા સ્માર્ટ વૉચ પહેરશો તો આ વખતની નવરાત્રિમાં તમે જ ઝળકશો.