13 September, 2024 12:30 PM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીક બબ્બર
કાંજીવરમ સાડીની ફૅશન સદાબહાર છે. કાંજીવરમ શબ્દ આવે એટલે લોકો માત્ર સાડીની જ કલ્પના કરે છે. આજના સમયમાં ફૅશન ઇગાલિટેરિયન છે એટલે સમાનતા ધરાવે છે. પહેલાં જે ફૅબ્રિક મહિલાઓની ફૅશનમાં ઉપયોગમાં લેવાતું હતું એ પુરુષોની ફૅશનમાં નહોતું, પરંતુ હવે લગભગ ભારતમાં પુરુષોની ફૅશનમાં દરેક પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે જેને કારણે પુરુષો પણ પારંપરિક વસ્ત્રો લેવા જાય ત્યારે કન્ફ્યુઝ થઈ રહ્યા છે. પુરુષો માટે પણ અઢળક વરાઇટી અને ડિઝાઇન મળી રહી છે. એમાં હવે કાંજીવરમ ટક્સીડો પણ આવી રહ્યા છે. તો જાણીએ આ ફૅશન કેવી રીતે પગપેસારો કરી રહી છે કે કરશે.
ફિલ્મો અને ટેલિવિઝન સિરીઝમાં કૉસ્ચ્યુમ ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી અને હાલ ભારતની જાણીતી ફૅશન મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં મર્ચન્ડાઇઝર તરીકે કામ કરતી ફૅશન ડિઝાઇનર શ્રદ્ધા ગુપ્તા કહે છે, ‘કાંજીવરમ ટક્સીડો પુરુષોની ફૅશનમાં એકદમ નવું છે. પુરુષોની ફૅશનમાં શેરવાની, કુર્તા; લગ્નનાં કૉસ્ચ્યુમ્સની ડિઝાઇનમાં બનારસી સિલ્ક, વોવન એટલે કે સિલ્કના દોરા કૉટન સાથે જોડીને બનેલા ફૅબ્રિકનો ઉપયોગ થતો આવ્યો છે. ટક્સીડોની વાત કરીએ તો એ વેસ્ટર્નવેઅર છે અને ભારતમાં લગ્નપ્રસંગે હવે લોકો ટક્સીડો પહેરતા થયા છે એટલે જ એમાં ફૅબ્રિકમાં ઇનોવેશન થઈ રહ્યાં છે. કાંજીવરમ એક પ્રકારના સિલ્કના દોરા અને જરીથી બનાવવામાં આવતું ફૅબ્રિક છે જેમાં કોઈ પ્રિન્ટ નથી હોતી. કાંજીવરમ સાડીની બૉર્ડર આ રિચ ફૅબ્રિકની ઓળખ છે. જેમ કે દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માએ તેમના રિસેપ્શનમાં કાંજીવરમ સાડી પહેરી હતી. હવે આ જ ફૅબ્રિકમાં થોડું ઇનોવેશન કરીને ભારતીય ફૅશન ડિઝાઇનરો એમાં રેવલ્યુશન લાવી રહ્યા છે. કાંજીવરમ ટક્સીડો ફૅશનની દુનિયામાં કંઈક હટકે છે. આ વર્ષે જાણીતા ઇંગ્લિશ ઍક્ટરે એમી અવૉર્ડની પાર્ટીમાં કાંજીવરમ ફૅબ્રિકનું બ્લેઝર પહેર્યું હતું. એટલે ફૅશન ડિઝાઇનરો સાઉથ ઇન્ડિયાના આ જાણીતા ફૅબ્રિક સાથે નવી ડિઝાઇન બનાવી રહ્યા છે.’
ટક્સીડો સાથે શું સૂટ થાય?
ફૅબ્રિકમાં એક્સપર્ટીઝ ધરાવતી શ્રદ્ધા કહે છે, ‘કાંજીવરમનો ટક્સીડો બનાવવામાં આવે ત્યારે એની નીચે ટ્રાઉઝર નહીં પણ ચિનોસ કે ફ્લેરવાળાં બૉટમ વધારે યોગ્ય લાગે છે. કાંજીવરમ ટક્સીડો કૉકટેલ પાર્ટી કે ફૅશન-ઇવેન્ટમાં પહેરી શકાય છે. પહેલાં એવું હતું કે દીકરીઓ મમ્મીની કીમતી સાડીમાંથી ડ્રેસ કે કુર્તી બનાવતી હતી, પરંતુ આજે એવા યુવકો પણ છે જેઓ પોતાની મમ્મીની સાડીમાંથી શર્ટ કે કુર્તા ડિઝાઇન કરાવી રહ્યા છે. આજે હવે દરેક ફૅબ્રિક જે મહિલાઓની ફૅશનમાં વપરાતું હતું એનો પુરુષોની ફૅશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આપણે પ્રસંગો પર પહેરવા માટે કાંજીવરમ ટક્સીડો બનાવીશું તો એનો રંગ બ્લૅક નહીં હોય, જ્યારે બ્લૅક કે નેવી બ્લુ રંગ જ ટક્સીડોની ઓળખ છે. એટલે ભારતીય ફૅશનમાં પુરુષો માટે નવા રંગોમાં કાંજીવરમ ટક્સીડો બનશે.’
પ્રતીક બબ્બરને ક્યાંથી મળેલી કાંજીવરમ ટક્સીડોની પ્રેરણા?
અભિનેતા પ્રતીક બબ્બરે આ વર્ષે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ‘મંથન’ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે ‘મંથન’ ફિલ્મની ટીમને સ્મિતા પાટીલની ગેરહાજરી ન વર્તાય એટલા માટે ત્યાં હાજરી આપી હતી. આ ઉપસ્થિતિમાં પ્રતીક બબ્બરે તેની મમ્મી સ્મિતા પાટીલની કાંજીવરમ સાડીનો ટક્સીડો બનાવીને પહેર્યો હતો.