દાદી અથવા નાનીની જ્વેલરી આજે પહેરવાનું ગમે તમને?

27 June, 2024 01:45 PM IST  |  Mumbai | Heta Bhushan

પૅટર્નને કારણે ન પહેરતાં હો તો જાણી લો કે જૂની ડિઝાઇનની જ્વેલરીને ટચ કર્યા વિના એને સાવ નવાં રંગરૂપ આપીને એક જ જ્વેલરીમાંથી જુદા ઑર્નામેન્ટ બનાવવાનો જ્વેલરી રીવૅમ્પનો ટ્રેન્ડ અત્યારે ધૂમ મચાવી રહ્યો છે

સુંદર નેકપીસ

દાદી, નાની, મમ્મી કે સાસુની જૂની જ્વેલરી સુંદર કારીગરીનો નમૂનો તો હોય જ છે પણ એની સાથે આપણાં ઇમોશન પણ જોડાયેલાં હોય છે. રીવૅમ્પિંગ જ્વેલરી ટ્રેન્ડમાં ડિઝાઇનર જૂની જ્વેલરીને તોડ્યા વિના, ઓગાળ્યા વિના નવી રીતે નવા પીસ સાથે જોડીને નવો લુક આપે છે જે જૂની ક્લાસિક જ્વેલરી પીસને કરન્ટ ટ્રેન્ડ સાથે જોડે છે અને એ પહેરવાથી જેમની જોડે ઈમોશનલ બૉન્ડિંગ હોય છે એ બૉન્ડિંગ પણ ફીલ થાય છે. ફાઇનૅન્શિયલી પણ જૂની જ્વેલરી વેચવામાં કે બદલાવવામાં લૉસ જાય છે એના બદલે આ રીતે રીવૅમ્પિંગ અને રીડિઝાઇનિંગ વધુ સારો અને લોકોને ગમતો ઑપ્શન બની રહ્યો છે.

ફીલિંગ અને પર્સનલ ટચ

વિલે પાર્લે વેસ્ટના ખુશી જ્વેલ્સ બાય અંજલિ-દિવ્યેશનાં જ્વેલરી-ડિઝાઇનર અંજલિ મહેતા રીવૅમ્પિંગ જ્વેલરી આઇડિયા વિશે કહે છે, ‘આ આઇડિયા એટલે માત્ર એક કે બે પીસ જૂની જ્વેલરીમાંથી નવી જ્વેલરી બનાવવી એમ નથી, આ આઇડિયા ફીલિંગ અને પર્સનલ ટચનો છે. બે કે ત્રણ નવા કે જૂના પીસને જોડીને એમાં એડિશન અને સબ્સ્ટ્રૅક્શન કરીને નવી જ્વેલરી ડિઝાઇન કરી શકાય. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં દસ વર્ષ પહેલાં શાહરુખ ખાનવાળા એપિસોડ માટે મેં દયાભાભી એટલે કે દિશા વાકાણી માટે સ્પેશ્યલ મંગળસૂત્ર ડિઝાઇન કર્યું હતું. મારા માટેનો આ પહેલો અનુભવ પછી જાણે કે ટ્રેન્ડ બની ગયો. ત્યારથી લઈને આજ સુધી મારી પાસેના જ્વેલરી સ્ટૉકમાંથી કોઈ પણ એક્સ્ટ્રા કે અનયુઝ્ડ પીસ હોય તો એ બધામાંથી હું કંઈક નવું બનાવતી. મમ્મી અને સાસુ પાસેથી શીખવા મળ્યું હતું કે ઘરમાં અનાજ હોય કે બીજી કોઈ પણ વસ્તુ, વેસ્ટ કરવી નહીં; કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં લેવી. આ જ સંસ્કાર અને શીખને ધ્યાનમાં રાખી હું કામ કરું છું.’

જૂની વસ્તુ, નવા આઇડિયાઝ

નવા-નવા કસ્ટમર્સ નવી ચૉઇસ અને નવી ડિમાન્ડ સાથે આવે છે અને એમાંથી ઘણું નવું શીખવા મળે છે એમ જણાવીને અંજલિ કહે છે, ‘હું મારા ક્લાયન્ટ્સને મારા ગુરુ જ ગણું છું. એક ક્લાયન્ટની શરત હતી કે મારી સાસુનાં ઘરેણાંની એક ઘૂઘરી પણ મારે તોડાવવી નથી. છતાં એમાંથી નવો લુક તૈયાર કર્યો. ઘણા ક્લાયન્ટ મમ્મી કે દાદીની જ્વેલરીમાં ફેરફાર કરાવી અમુક નવા ઍડિશન સાથે ફૅન્સી લુક આપવા કહે છે. મમ્મીની એક જ જ્વેલરીમાંથી બે સિસ્ટર્સ સેમ માળા કરાવે છે. તમારી પાસે શું છે અને શું જોઈએ છે એના પર અનેક ડિઝાઇન શક્ય છે. જેમ કે મોટાં ઇઅર-રિંગ્સ હોય તો એમાંથી લટકણ કાઢી બે ટૉપ ઇઅર-રિંગ્સ, એક પેન્ડન્ટ, એક રિન્ગ કે બ્રેસલેટ એવો ફુલ સેટ બનાવી શકાય છે. નાના-નાના પીસમાંથી હાથપાન કે બ્રેસલેટ બનાવી શકાય છે.

કોઈ સિંગલ બુટ્ટી હોય તો એમાંથી માંગટીકો કે રિન્ગ બનાવી શકાય. લૉન્ગ નેકલેસમાંથી નાના બે નેકલેસ કે એક ચોકર અને એક પેન્ડન્ટ બનાવી શકાય છે. થોડું ડિફરન્ટ પહેરવાના શોખીન માટે જૂટ કે કૉટન પીસ પર જુદા-જુદા જ્વેલરી પીસ ઍડ ઑન કરી સ્ટેટમેન્ટ નેકલેસ બનાવી શકાય છે. કોઈ મોટા માંગટીકાને પેન્ડન્ટ બનાવી પર્લ કે એમરલ્ડ સાથે સરસ માળા બનાવી શકાય છે. નેકલેસ કે બ્રેસલેટના પીસને સાઇડ પીસ માળામાં યુઝ કરી શકાય છે. લૉન્ગ લેયર નેકલેસમાંથી જુદા-જુદા પીસ બની શકે છે. પાતળા નેકલેસમાંથી માથાપટ્ટી કે હાથપાન કે પહોંચા બનાવી શકાય છે. ઝાંઝરને જોડીને નેકપીસ કે બ્રેસલેટ બનાવી શકાય છે.’

બૅન્કમાં પડેલા મમ્મીના જૂના ચંદનહારનો નવો અવતાર

ચંદનહાર જૂના જમાનામાં લગ્ન વખતે અપાતું એક ખાસ ઘરેણું કહેવાય છે. જુહુ ખાતે રહેતાં શેફાલી શાહનો તેમનાં લગ્નમાં મમ્મીએ આપેલો ચંદનહાર વર્ષોથી બૅન્કના લૉકરમાં પડ્યો હતો. શેફાલી કહે છે, ‘હું ઘણી વાર વિચારતી કે પહેરું, પણ ટ્રેન્ડને મૅચ ન થતું હોવાથી પહેરતી નહીં. મમ્મીએ લગ્નમાં આપેલી ભેટ હતી એટલે વેચીને નવું લેવાનું મન નહોતું થતું. જોકે જ્વેલરી પીસને કોઈ નુકસાન વિના અત્યારની રનિંગ ફૅશન પ્રમાણે રીવૅમ્પ કરી શકાય એવી જાણ થઈ. જૂના ચંદનહારને રજવાડી નેકલેસમાં ટ્રાન્સફૉર્મ કરી બ્યુટિફુલ જ્વેલરી પીસમાં કન્વર્ટ કર્યો અને અને મારી જ્વેલરીને નવું જીવન મળ્યું, જે હું પ્રાઉડલી પહેરું છું. જ્યારે પહેરું ત્યારે બધા વખાણે અને બીજી બાજુ મારી મમ્મીએ આપેલા હારને ફરી પહેરવાનો અનેરો સંતોષ મળે છે.’

જ્યારે બુટ્ટી અને પેન્ડન્ટમાંથી બનાવ્યું સુંદર નેકપીસ

જૂનાં ઘરેણાંમાંથી નવાં ઘરેણાં બનાવવા માટે ઘણાબધા લોકોની વાહવાહી મેળવનારાં ધારિણી શેઠ કહે છે, ‘મારાં જુનાં ઘરેણાંમાંથી સુંદર નેકપીસ અને માળા ડિઝાઇન કરાવ્યાં ત્યારે એ એટલાં ટ્રેન્ડી અને ફૅન્સી બન્યાં કે ખબર જ ન પડી કે એ જૂનાંમાંથી જ નવાં કર્યાં છે. મને દરેક જગ્યાએ આ નેકપીસ માટે કૉમ્પ્લીમેન્ટ મળે છે બધા પૂછે છે ક્યાંથી લીધું અને કોની પાસે કરાવ્યું અને હું જણાવું કે મારા જ જૂના દાગીનાની બુટ્ટી અને પેન્ડન્ટમાંથી બનાવ્યું છે તો દરેકને નવું જ લાગે છે.’

fashion fashion news life and style columnists