તમારી સ્કિન વધુપડતી ઑઇલી થવા માંડી છે કે?

21 August, 2024 10:20 AM IST  |  Mumbai | Rajul Bhanushali

એનું કારણ છેલ્લા થોડાક સમયથી આપણા વાતાવરણમાં ભેજનું વધી રહેલું પ્રમાણ હોઈ શકે છે. ભેજવાળી હવામાં તમારી સ્કિનની હેલ્થ માટે જરૂરી તથા ઉપયોગી એવા ઘરેલુ અને અસરદાર નુસખાઓ વિશે જાણી લો

પ્રતીકાત્મક તસવીર

આપણું શરીર અદ્ભુત છે. શરીરની ડિફેન્સ સિસ્ટમના જ ભાગરૂપે આપણા ચહેરા અને માથામાંથી ઑઇલનું સિક્રેશન થતું હોય છે. પ્રોટેક્શન માટે સર્જાયેલી ત્વચાની અંદર રહેલી તૈલીય ગ્રંથિઓ વધુ ઍક્ટિવ થાય તો સ્કિનની સમસ્યાઓમાં પરિણમી શકે છે. ખાસ કરીને અત્યારના અતિશય ભેજવાળા વાતાવરણમાં દર ત્રીજી વ્યક્તિ અતિ ઑઇલી સ્કિનને લગતી સમસ્યાઓ સામે લડી રહી હોય ત્યારે આ વિષયને થોડોક વધુ ઊંડાણ સાથે સમજીએ.

આ સંદર્ભે બાબતે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પંક્તિ ગુંદવાડા કહે છે, ‘ચહેરો વધુપડતો ઑઇલી થઈ જવો એ આમ જુઓ તો એક સામાન્ય સમસ્યા છે, પરંતુ ક્યારેક એની વિપરીત અસર પણ પડી શકે છે. વધારે પડતા ઑઇલને કારણે પોર્સ બંધ થઈ જાય છે અને પછી એ કારણથી પિમ્પલ્સ ફૂટી નીકળે એવું પણ બને છે. બીજું, જે લોકો મેકઅપ યુઝ કરતા હોય તેમનો મેકઅપ બહુ જલદી રગદોળાઈ જતો હોય છે. એ માટે સ્કિનને સંતુલિત રાખવી જરૂરી છે. આપણી સ્કિનમાં સબેશસ ગ્લૅન્ડ્સ હોય છે જે સીબમ એટલે કે ઑઇલ ઉત્પન્ન કરે છે. આ ઑઇલને કારણે આપણા ચહેરા પર ભેજ જળવાઈ રહે છે, પૉલ્યુશનની સામે રક્ષણ મળે છે પરંતુ અતિશય થાય ત્યારે એ ઑઇલ સ્કિનને નુકસાન કરે છે.’

કેવી બાબતોનું ધ્યાન રાખશો?

દિવસમાં બે વખત ચહેરાને ક્લીન કરવો અત્યંત જરૂરી છે અને એના માટે પ્રૉપર ફેસવૉશ વાપરવું જોઈએ. ફેસ ક્લીન કરવા માટે સૅલિસિલિક ઍસિડ હોય એવું ફેસવૉશ વાપરવું જોઈએ. જો હાર્શ હશે તો વધુ ઑઇલ ખેંચી લેશે અને સ્કિન ડ્રાય થઈ જશે.

 મેકઅપ વાપરતા હોઈએ તો પહેલાં સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. ડ્રાય સ્કિન માટે અલગ સનસ્ક્રીન આવે છે અને ઑઇલી સ્કિન માટે અલગ આવે છે તો એ બરાબર જોઈને લેવું. સનસ્ક્રીનથી સ્કિન થોડીક ઓછી સ્વેટી થાય.

સૂતાં પહેલાં ક્લેન્ઝરથી ચહેરો સાફ કરવો એ પણ અત્યંત મહત્ત્વનું છે.

ઑઇલી સ્કિન હોય તેમણે નૉન-કોમેડોજેનિક (ત્વચાનાં છિદ્રોને બ્લૉક ન કરે એવો) મેકઅપ વાપરવો જોઈએ. ઑઇલ-ફ્રી મૉઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ.

બાહ્ય ઉપાયની સાથે તમે તમારા પેટમાં શું નાખો છો એ પણ મહત્ત્વનું છે. સંતુલિત આહાર લેવો અને હાઇડ્રેટેડ રહેવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિટામિન Cનો ઇન્ટેક વધારવો. આંબળાં, લિંબુનું શરબત, છાશ વગેરે પીતા રહેવું.

મુલતાની માટી ઑઇલી સ્કિન માટે અસરકારક છે. માટીમાં ગુલાબજળ ઉમેરીને એનો માસ્ક ચહેરા પર લગાવવાથી ઑઇલ કન્ટ્રોલ થાય છે.

શું ન કરવું જોઈએ?

વારંવાર ચહેરો ધોવાનું ટાળવું જોઈએ. વારંવાર ચહેરો ધોવાથી નૅચરલ ઑઇલ ઓછું થાય અને એથી ગ્રંથિઓ વધુ ઑઇલ ઉત્પન્ન કરવા લાગી જશે. મૉઇશ્ચરાઇઝર લગાવવાનું પણ ક્યારેય સ્કિપ ન કરવું. જો ચહેરો જરા પણ ડીહાઇડ્રેટેડ હશે તો પણ તૈલી ગ્રંથિઓ વધારે ઑઇલ બનાવશે. સ્કિન-કૅરની પ્રોડક્ટ્સ હાઈ આલ્કોહોલ કન્ટેન્ટ અથવા સ્ટ્રૉન્ગ ઍસ્ટ્રિન્જન્ટવાળી ન હોવી જોઈએ.

skin care fashion fashion news life and style columnists